অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કઠોળ અને મકાઈ પાકમાં ફૂડ પ્રોસેસીંગ

અનાજની બાબતમાં હવે આપણે સ્વનિર્ભર બની ગયા છીએ. પરતું જો ઉત્પાદન પછીનાં તબકકા ઉપર વિચારીએ તો આ દિશામાં અપુરતી સંગ્રહ શકિત, વૈજ્ઞાનિક અભિગમ તથા ચીલાચાલુ પ્રક્રિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના ૧ર થી ૧પ ટકા જેટલું અનાજ વપરાશકાર સુધી પહોચતું  જ નથી. વળી, કૃષિ પેદાશો તેજ સ્વરુપમાં કે, પરંપરાગત પ્રક્રિયા કરી ઉત્પાદિત બજારોમાં રુપાંતરીત કરી બજારમાં વહેંચવાથી તેનું વળતર પણ પોષણક્ષમ મળતું નથી. આમ વિપુલ માત્રામાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજૂ પણ કાપણી બાદ યોગ્ય રીતે પ્રક્રિયા ન કરવાને કારણે બગાડ નાથી શકાયો નથી. આમ, ઉપરોકત પાકોનું પ્રોસેસીંગ કરી જુદા જુદા વેલ્યુએડેડ પ્રોડકટમાં રુપાતરીત કરી ધર આંગણે વેચાણની તેમજ વિદેશમાં નિકાસ કરવાની ખુબ જ શકયતાઓ રહેલી છે.

કઠોળના પાકોમાં પ્રોસેસીંગઃ

ભારતની ૧રપ કરોડ ઉપરાંત ની જનસંખ્યામાં અધિક જનસંખ્યા શાકાહારી છે. સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા  દરેકને સમતોલ અને  પુરતા પ્રમાણમાં આહારની આવશ્યકતા હોય છે. પ્રોટીન માનવ આહાર માટે ખુબજ અગત્યનું તેમજ અનીવાર્ય તત્વ છે. શરીરની જરૂરીયાત, વિવિધ અવસ્થા અને વ્યકિતનાં કામના પ્રકાર જોતાં પુખ્ત વયના માનવીને તેના દૈનિક આહારમાં સામાન્ય રીતે પપ થી ૬૦ ગ્રામ પ્રોટીનની જરૂરીયાત રહે છે. આમાથી દરરોજ લગભગ ૧પ થી ૩૦ ટકા જેટલી પ્રોટીનની આપુર્તી કઠોળ ધ્વારા થતી હોય છે. કઠોળમાંથી સામાન્ય રીતે દાળ કે બેસન(લોટ) મેળવવામાં આવે છે. અમુક જાતના આખા કઠોળનો સીધો પણ ઉપયોગ કરાય છે. વળી આવા કઠોળને પાણીમાં ભીંજવી, સુકવી  તળી અને મરી મસાલા યુકત નાસ્તાની આઈટમ તરીકે પણ ઉપયોગ કરી શકાય (મગ, ચણા, ચોળી વગેરે). જયારે ચણા જેવા કઠોળને શેકી મસાલા સાથે અથવા મસાલા વગર પણ સીધો જ ઉપયોગ કરાય છે.

 

તુવેર :

કઠોળના આ પાકને કલીનીંગ,ગ્રેડીંગ કરી ત્યારબાદ દાળ બનાવાય છે. જુદીજુદી જગ્યાએ દાળ બનાવવાની પધ્ધતિ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે દાળ બનાવવા નીચે પ્રમાણેની મુખ્ય બે પ્રકારની પધ્ધતિ પ્ર્રચલિત છે.

ગ્રામ્ય કક્ષાએ થતી ઘરઘથ્થું પ્રોસેસ :

આ પ્રોસેસમાં દાળને ૬ થી ૮ કલાક પલાળી તેને નિતારી સૂર્ય તાપમાં સુકવી હાથચકકીથી દાળ પાડવામાં આવે છે. અમુક જગ્યાએ કઠોળને ખાધ્ય તેલનો પટ્ટ આપી ૧–ર દિવસ સૂર્ય તાપમાં તપવી ભેજ ઉમેરી થોડા કલાક ઢગલો કરી હાથ સફાઈ કરી દાળ પાડવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કરીને દક્ષિણ ભારતમાં તુવેરને પાણીમાં પલાળી , પાણી નિતારી તેમાં લાલ માટી ભેળવી સૂર્ય તાપમાં બે દિવસ રાખી દાળ તૈયાર કરવામાં આવે છે. આ રીતે લગભગ ૬૦ થી ૭પ ટકા દાળની રીકવરી મળે છે. આવી જ રીતે અન્ય કઠોળના પાક જેવા કે ચોળા,અડદ,મગ , ચણા વગેરેમાં પ્રોસેસમાં થોડો ફેરફાર કરી દાળ બનાવવામાં આવે છે.

 

ઔદ્યોગિક ધોરણે થતી યાંત્રિક પ્રોસેસ :

આ પ્રોસેસમાં ઘણી જગ્યાએ કઠોળમાં પાણી ,ખાધ્ય તેલ ,માટી ભેળવી તેને વિવિધ તબકકામાંથી પસાર કરી દાળ બનાવવામાં આવે છે. આ પ્રકારની પધ્ધતિ સેમી ઓટોમેટીક હોવાથી સમય તેમજ મજુરીના ખર્ચનો પ્રોબલેમ રહેતો હોય છે. તેમજ ચોમાસા જેવી ૠતુમાં તકલીફ પડતી હોય છે. આ ઉપરાંત દાળની રીકવરી ઓછી આવવી કવોલીટી બગડવી વગેરે જેવી મુશ્કેલી પણ આવતી હોય છે. ઉપરોકત સમસ્યા નીવારવા હાલ આધુનિક પધ્ધતિનો ઉપયોગ થાય છે ,જેને C.F.T.R.I. પ્રોસેસ કહે છે.

 

C.F.T.R.I. પ્રોસેસ :

આ પ્રોસેસમાં તુવેરને કલીનીંગ કરી પ્રિ–કંડીશનીંગ માટે બે પાસમાં એલ. અસ.યુ. ડ્રાયરમાં ૧ર૦ ડીગ્રી સેંટીગ્રેડની ગરમ હવામાંથી પસાર કરવામાં આવે છે. અને દરેક પાસમાં તેને ટેમ્પરીંગ બીનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને રોલર મીલમાં થોડા પ્રમાણમાં પાણી છાટીને મોકલવામાં આવે છે. ભેજને લીધે તુવેરના ગોટાનાં લંપ (ઝુમ્ખા) થતા હોય છે. તેને તોડવા લંપ– બ્રેકરનો ઉપયોગ થાય છે. આ પ્રકારથી તૈયાર થયેલ તુવેર ગોટાને ભેજ ઉડાડવા ફરીથી એલ.એસ.યુ. ડ્રાયરમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ એમરી રોલર ધ્વારા તેના બે ભાગ કરવામાં આવે છે અને ગ્રડીંગ કરી દાળનું પેકેજીંગ કરાય છે. આ રીતે આ પ્રોસેસમાં દાળની લગભગ ૮૦ ટકા જેટલી રીકવરી થાય છે.

સોયાબીન :

કઠોળ વર્ગમાં જોઈએ તો જુદાજુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે કઠોળ કરતાં લગભગ બમણી છે. ૧૦૦ ગ્રામ સોયાબીનમાંથી જે પ્રોટીન મળે છે, તે ૧ લીટર દૂધ અથવા ૩૦૦ ગ્રામ ઈંડા અથવા રપ૦ ગ્રામ માંસ માંથી મળતી પ્રોટીનની માત્રા બરાબર છે. તુલનાત્મક દ્રષ્ટીએ જોઈએ તો સોયાબીન માંથી મળતું વનસ્પતિજન્ય પ્રોટીન અન્ય સ્ત્રોતો માથી મળતા પ્રોટીન કરતાં ખુબજ સસ્તુ અને સહેલાઈથી મળતું પ્રોટીન છે. આજનાં બજાર ભાવ પ્રમાણે જોઈએ તો સોયાબીન માંથી ૧ કિલોગ્રામ પ્રોટીન મેળવવા માટે રૂા. ૧૦૦ નો ખર્ચ કરવો પડે છે. જયારે આટલું જ પ્રોટીન મગફળીનાં દાણા ધ્વારા મેળવવા રૂા. રર૦, કઠોળ ધ્વારા  રૂા. ર૪૦, ઈંડા ધ્વારા રૂા. ૩૦૦, દૂધ ધ્વારા રૂા. પ૭પ, માછલી ધ્વારા રૂા. ૭પ૦ અને માંસ ધ્વારા રૂા. ૭૭૦ નો ખર્ચ કરવો પડે છે. આ ઉપરાંત વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ  સોયાબીનનનું પ્રોટીન ઉતમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણકે તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) ધ્વારા માન્ય એમીનો એસીડને મળતા આવે છે. સોયાબીનમાં ૪૦ ટકા  પ્રોટીન ઉપરાંત ર૦ ટકા તેલ,ર૩ ટકા કાર્બોહાઈડ્રેટ તેમજ આવશ્યક ખનિજ,રેસા, ક્ષાર અને વિટામીન રહેલા છે. સોયાબીનમાંથી સારા એવા પ્રમાણમાં સારી ગુણવત્તા વાળું તેલ પ્રાપ્ત થાય છે. વિશ્વની લગભગ ૩૦ ટકા ખાદ્યતેલની આપૂર્તિ સોયાબીનનાં તેલ થકી થાય છે. આપણાં દેશમાં કુલ ખાદ્યતેલની તુલનામાં સોયાબીન તેલનો હિસ્સો અંદાજે ૧ર ટકા જેટલો છે.સોયાબીનાં કુલ ઉત્પાદનમાથી આપણાં દેશમાં તેનો ઉપયોગ મુખ્યત્વે ૧૦ ટકા બિયારણ માટે, ૭પ થી ૮૦ ટકા તેલ કાઢવા માટે તથા બાકી રહેતો ૧૦ થી ૧પ ટકા હિસ્સો વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવા માટે થાય છે.

સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાનટ, સાયાદૂધ, સોયાપનીર(ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાપૌંઆ તથા બેકરી આઈટમ વગેરે.  સોયાબીનની ઉપર મુજબ અનેક ગુણવત્તાપૂર્ણ વાનગીઓ બનતી હોવા છતાં તેનો વપરાશ આજે ખૂબ જ ઓછો છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીનનો ઉપયોગ સીધે–સીધો કરી શકાતો નથી. આહારમાં તેનો સીધો ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોષક વિરોધી તત્વ શરીરને નુકશાન કરે છે. આથીજ સોયાબીનને ઉપયોગમાં લેતાં પહેલાં તેમાં રહેલા પોષક વિરોધી તત્વને દૂર કરવા આવશ્યક જ નહી પરંતુ ખૂબ જ જરૂરી છે.  આ હાનીકારક તત્વને દૂર કરવા સોયાબીનનું પ્રોસેસીંગ કરવું ખૂબ જ  જરૂરી છે. પ્રોસેસીંગ બાદ જ સોયાબીનનો આહારમાં  વપરાશ કરી શકાય છે.

ઉતમ પ્રોટીનનાં સ્ત્રોત સમાન સોયાબીનનો દેનિક વિવિધ આહારમાં ઉપયોગ થઈ શકે તે હેતુ અહીં માત્ર સંપૂર્ણ સોયાલોટ બનાવવાનીે સહેલી ઘરગથ્થું સોયાબીન પ્રોસેસીંગ રીત વિશે  માહિતી આપવામાં આવેલી છે.

રીતઃ

બજારમાં મળતાં સારી જાતનાં  સોયાબીનને લઈ તેની સાફસફાઈ કરી તેમાંથી અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુધ્ધિ દુર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં જરૂરી સુકવણી કરી, પારંપરિક ઘંટી અથવા ઘરઘંટી ધ્વારા ઉપરનાં ફોતરા અલગ કરી તેની દાળ તૈયાર કરવી. આ રીતે તૈયાર થયેલ દાળને ૩ લીટર ઉકળતા પાણીમાં ૧ કિલો ગ્રામનાં પ્રમાણમાં નાખી રપ થી ૩૦ મીનીટ સુધી ઉકાળવી. ઉકાળેલ સોયાદાળને નિતારી સૂર્યના તાપમાં અથવા ડ્રાયરમાં ૬ થી ૮ ટકા ભેજ રહે ત્યા સુધી સુકવી લેવી. આ સુકવેલી પ્રસંસ્કરીત દાળને દળી લઈ પોલીથીન બેગમાં ભરી સીલ કરવુ.

ખાદ્ય ઉપયોગ :–

ઉપર મુજબ સોયાબીનનું પ્રસંસ્કરણ કરી સંપૂર્ણ સોયા લોટ તૈયાર કરવામાં આવે છે.આ સંપૂર્ણ સોયા લોટનો દૈનિક આહારમાં ઉપયોગ કરી જરૂરી પ્રોટીનની માત્રા મેળવી શકાય છે. આ રીતે તૈયાર થયેલ સંપૂર્ણ સોયા લોટને ૧૦ ટકાના પ્રમાણમાં અનાજના (ઘઉં, બાજરો, મકાઈ, જુવાર, વિગેરેના ) લોટ સાથે ભેળવી  (એટલે કે,૧કિલોગ્રામ સંપૂર્ણ સોયા લોટ તથા ૯ કિલો અનાજનો લોટ ભેળવી) તેમાંથી રોટલી,ભાખરી, પરોઠા,પુરી તથા બેકરી વ્યંજન તૈયાર કરી રોજીંદા ખોરાકમાં સમાવેશ કરી શકાય છે. વિકલ્પની દ્રષ્ટિએ સંપૂર્ણ સોયા લોટને બેસન સાથે ૧ઃ૧ના પ્રમાણમાં ભેળવી સેવ,ભજીયા,ચકરી,વગેરે બનાવી શકાય છે. ઉપર મુજબ તૈયાર થયેલ સંપૂર્ણ સોયાલોટ પોલીથીન બેગમાં યોગ્ય રીતે પેક થયેલ હોય તો ર મહીના સુધી સંગ્રહી શકાય છે. પેકેટને એકવાર ખોલ્યા બાદ ૧પ દિવસમાં તેમનો ઉપયોગ કરવો હિતાવહ છે.

મકાઈ  પાકમાં પ્રોસેસીંગ :

મકાઈ એ વિશ્વના મુખ્ય ત્રણ  ધાન્ય પાકોમાંનો એક  છે. વિશ્વના કુલ ધાન્ય પાકોના ઉત્પાદનનો પાંચમો ભાગ મકાઈ છે. ભારતમાં મકાઈનું વાર્ષિક ઉત્પાદન ૧ કરોડ મેટ્રીક ટન જેટલું છે. ગુજરાતમાં મકાઈનું ઉત્પાદન ૮,૩૧,૯૦૦ મેટ્રીક ટન જેટલું છે. મકાઈનો પાક ખરીફ અને રવિ બંને ૠતુમાં થતો પાક છે. મકાઈના ડોડવામાં લણણી(કાપણી) વખતે ભેજનું પ્રમાણ ર૪ થી ૩૦ ટકા હોવું જોઈએ.

 

મકાઈના ડોડવાની લણણી કર્યા બાદની પ્રકિયાઓમાં સુકવણી, ડોડવા પરથી છાલ ઉતારવાની પ્રક્રિયા, ડોડવામાંથી દાણા કાઢવાની પ્રક્રિયા, દાણાની સુકવણી અને પ્રોસેસીંગ દ્વારા વિવિધ બનાવટોમાં રુપાંતરણ કરવાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. મકાઈ  માંથી પૈાવા કે મમરા  બનાવી ગ્રામ્ય સ્તરે રોજગારીની તકો ઉભી કરી શકાય. મકાઈ માંથી પણ ધણા બધા મુલ્ય વર્ધક બનાવટો બનાવી શકાય છે જેમકે મકાઈનુ તેલ, પૈાવા તથા અન્ય નાસ્તાની બનાવટો, પીંણા, ચોકલેટ, સ્ટાર્ચ, સોરબીટોલ, ડેકસટ્રોઝ, સાઈટ્રીક એસીડ વિગેરે.

 

મકાઈનો ખાધ્ય ખોરાક કે ઓદ્યોગિક ધોરણે ઉપયોગ કરવા માટે તેના પર કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આ પ્રક્રિયાઓમાં ભીન્નતા હોય છે અને મુખ્યત્વે આ પ્રક્રિયાઓ મકાઈમાંથી બનાવાતી જુદી જુદી બનાવટો ઉપર આઘાર રાખે છે.

નાના પાયે થતી પ્રક્રિયાઓ :

મકાઈ પર કરવામાં આવતી પ્રક્રિયામાં તેને દળીને લોટ મેળવવાની પ્રક્રિયા મુખ્ય છે. મકાઈના દાણાને દળવા માટે હાથ ચકકી, ઘર ઘંટીનો ઉપયોગ થાય છે. મકાઈના બીજા ઉપયોગોમાં સત્તુ, ધાણી, મમરા, પૌઆ, ચેવડો વગેરેનો સમાવેશ થાય છે. મકાઈના દાણાને સેકીને ધાણી ફોડવામાં આવે છે. સેકેલા મકાઈના દાણાના કકરા લોટમાંથી સત્તુ પણ બનાવવામાં આવે છે. મમરા બનાવવામાટે મકાઈના દાણાને એક દિવસ સુધી પાણીમાં પલાળી રાખ્યા બાદ તેને દબાવવામાં્ર આવે છે. અને ત્યારબાદ તેની સુકવણી કરીને તેને સેકવામાં આવે છે. મકાઈનો ખોરાકમાં ઉપયોગ પીડ તરીકે પણ થાય છે. જેમાં મકાઈના દાણાને પાણીમાં બોળી, સુકવીને તેને દાણાને નાના કણોમાં તોડવામાં આવે છે, ત્યારબાદ તેની ફોતરી ઉતારીને તેને પાણી/ દૂધમાં બાફવામાં આવે છે.

ઔદ્યોગિક ધોરણે થતી પ્રક્રિયાઓ :

મકાઈના  દાણામાંથી મીન્જ, ભૃણ અને છાલને અલગ કરવા મીલીંગ પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યારબાદ તેને દળવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ઔદ્યોગિક ધોરણે મકાઈનું મીલીંગ (૧) ભીની પધ્ધતિ અને (ર) સુકી પધ્ધતિથી કરવામાં આવે છે.

ભીની પધ્ધતિઃ

આ પધ્ધતિ  વડે મળતી મુખ્ય બનાવટોમાં સ્ટાર્ચ, સીરપ, હાઈ ફ્રુકટોઝ સીરપ, ડેકસ્ટ્રોઝ અને મકાઈ તેલનો સમાવેશ થાય છે. જયારે આડ પેદાશોનો ઉપયોગ પશુઆહાર તેમજ અન્ય રીતે થાય છે. સ્ટાર્ચનો ઉપયોગ સામાન્ય રીતે અન્ય બનાવટોને ધટૃ કરવા માટે તેમજ અન્ય ઉદ્યોગોમાં થાય છે. ખાદ્ય પ્રદાર્થમાંં જરૂુરીયાત મુજબ પરીણામ મેળવવા મકાઈના સ્ટાર્ચમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. બીસ્કીટ પાવડર, ઈન્સટન્ટ મીકસ પાવડર, ચોકલેટ, બેકરી પદાર્થો અને ખીરની બનાવટોમાં સ્ટાર્ચ વાપરવામાં આવે છે. પેપર અને ટેકસટાઈલ ઉદ્યોગમાં પણ સ્ટાચર્  વપરાય છે. મકાઈના સીરપનો મુખ્ય ઉપયોગ મીઠાઈ, બેકરી અને ડેરી ઉત્પાદનોમાં થાય છે. હાઈ ફ્રુકટોઝ કોર્ન સીરપ (જાહક) નો ઉપયોગ મીઠાઈ, બેકરી , વિવિધ પ્રકારના સીરપ, પીણા (સરબત ), કેચપ, અથાણા વગેરેે જેવા ઉત્પાદનોમાં થાય છે. ડેકસ્ટ્રોઝ તરીકે ખૂબ જ મોટા પાયે તેનો ઉપયોગ બેકરી પદાથોર્ ની બનાવટમાં થાય છે. જેમાં તે ઈસ્ટ ન્યુટ્રીયન્ટનું કાર્ય કરે છે. ઉપરાંત તે મીઠાશ (ગળપણ) પેદા કરે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કેનીંગ ઉદ્યોગમાં જામ, જેલી, સોફટ ડીંન્કસ( શરબત) વગેરેની બનાવટમાં થાય છે.

 

મકાઈના તેલનો ઉપયોગ ખાધ તેલ તરીકે તેમજ માર્જેરીનમાં થાય છે.

સુકી પધ્ધતિઃ–

આ પધ્ધતિ  વડે મળતી બનાવટોમાં મેઈઝ મીલ, લોટ અને ગ્રીટ (કણી) નો સમાવેશ થાય છે. જયારે  અન્ય બનાવટોમાં તેલ અને આડપેદાશોનો સમાવેશ થાય છે. તેના મિન્જના ભાગોના માપ અને આકારને આધારે વિભાગ પાડેલ છે. જેના પ્રમાણે તેની ઉપયોગીતા જુદી જુદી જોવા મળે છે.

૦ મકાઈ ગ્રીટ ( કણી) (૧.ર થી ૦.૬ મીમી ) : મેઈઝ ગ્રીટનો ઉપયોગ ઘરગથ્થું તેમજ વ્યાપારીક ધોરણે ખોરાકમાં થાય છે. દા.ત. રાંધેલી કણી ( થુલી ) અને કોર્ન ફલેકસ.

૦ મકાઈ મીલ (૦.૬ થી ૦.ર મીમી) : મકાઈ મીલનો ઉપયોગ ઈન્સ્ટન્ટ પાવડર મીકસની બનાવટમાં, મકાઈ બ્રેડની બનાવટમાં, કેકની બનાવટમાં તેમજ એકસ્ટ્રુડેડ નાસ્તાની બનાવટમાં થાય છે.

૦ મકાઈ લોટ( ૦.ર મીમી થી ઓછું) : પેનકેક મીકસ, બેબી ફુડ, ચોકલેટ, બીસ્કીટ, આઈસ્ક્રીમ કોન, રેડી ટુ ઈટ ધાન્ય, બં્રેડમીકસ, સેન્ડવીચ બાઈન્ડર વગેરેના અંશ ભાગ તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કોર્ન સોય મીલ્ક ( દુધ) અને કોર્ન સોયબીન બ્લેન્ડમાં થાય છે.

આમ દરેક કૃષિ પેદાશો ને પરંપરાગત રીતે વાપરવાની સાથે જો તેને પ્રોસેસીંગ ધ્વારા મુલ્યવર્ધક બનાવટોમાં રુપાતરીંત કરવામાં આવે તો તેમાંથી મળતું આર્થિક વળતર અનેક ગણું વધી જાય છે. જેનો ફાયદો ખેડૂત, પ્રક્રિયક (પ્રોસેસર) તથા ગ્રાહકોને મળે છે.

લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate