অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દાડમમાં મૂલ્યવર્ધન


બાગાયતી પાકોમાં દાડમનું આયુર્વેદિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વ છે. આજનાં સમયમાં ખેડૂતોનું મેડીસીનલ ગુણધર્મો ધરાવતા પાકો તરફ ધ્યાન વધ્યુ છે. વેપારી હેતુ દાડમનું વાવેતર ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામીલનાડુ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં થાય છે. હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યો પણ તાજેતરમાં દાડમની ખેતી તરફ વળ્યા છે. દાડમ ફળનો સામાન્ય રીતે ખાવા માટે સીધો ઉપયોગ થાય છે. આ ઉપરાંત દાડમના ફૂલ, પાન અને ડાળીઓનો મેડીસનલ ઉપયોગ આપણાં દેશમાં હજારો વર્ષથી થતો આવ્યો છે.

 

ભારત દેશ ચીન અને ઈરાન પછી દાડમનાં ઉત્પાદનમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે. આપણા દેશમાં દાડમનું વાવેતર લગભગ 1.07 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે. આટલા વિસ્તારમાંથી દાડમનું કુલ ઉત્પાદન લગભગ 7.43 લાખ ટન જેટલું થાય છે. પોષણની દૃષ્ટિએ જોઈએ તો દાડમનાં પ્યોર જ્યુસમાં 8 થી 10 મીલી ગ્રામ/100 મીલી વિટામીન સી, 12 થી 16 % સુગર અને ફોસ્ફટસ, કેલ્સીયમ, મેગ્નેશીયમ જેવા ખનીજ તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. દાડમના જ્યુશનો ઉપયોગ ખાસ કરીને લોહીની વૃધ્ધિમાટે કરવામાં આવે છે. દાડમમાં રહેલી સુગર ખૂબ જ સુપાચ્ય હોઈ, ત્વરીત શક્તિ આપે છે. દાડમની છાલનો ઉપયોગ તેમાંથી પાવડર, ટુથપેસ્ટ, ટુથપાવડર તથા અનેક ડીરેવેટીવ્ઝ બનાવવામાં થાય છે. આ ઉપરાંત કપડાને કુદરતી રીતે કલર કરવા પણ તેનો ઉપયોગ થાય છે.

દાડમનું અનેક પ્રકારે મુલ્યવર્ધન થઈ શકે છે. દાડમમાંથી જ્યુશ, આરટીએસ બેવરેજીસ, સીરપ, જામ, જેલી, સુકાદાણા, પાવડર વિગેરે બનાવી શકાય છે. દાડમમાંથી બનાવવામાં આવતી મુખ્ય મૂલ્યવર્ધક પ્રોડક્ટ નીચે મુજબ આપવામાં આવેલી છે.

દાડમમાં સોર્ટીંગ, ગ્રેડીંગ અને પેકેજીંગ દ્વારા મૂલ્ય વર્ધનઃ-

આખા દાડમને સોર્ટીંગ કરી તેને યોગ્ય ગ્રેડમાં બદલી અને આકર્ષક માન્ય પેકેજ દ્વારા પેકેજીંગ કરી બજારમાં મૂકવામાં આવે તો તેમાંથી સારી એવી આવક રળી શકાય છે. આ માટે દાડમને સામાન્ય રીતે વજન મુજબ વર્ગીકરણ કરી તેની વકલ (ગ્રેડ) મુજબ પેક કરી માર્કેટમાં મુકવામાં આવે છે. જુદા જુદા ગ્રેડની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

અનુ. નં.

ગ્રેડ

વજન

1

સુપર સાઈઝ

> 750 ગ્રામ

2

કિંગ સાઈઝ

500 થી 700 ગ્રામ

3

ક્વીન સાઈઝ

400 થી 500 ગ્રામ

4

પ્રિન્સ સાઈઝ

300 થી 400 ગ્રામ

5

12 એ

250 થી 300 ગ્રામ

6

12 બી

< 250 ગ્રામ

ઉપર મુજબ ગ્રેડનાં દાડમને પેકેજીંગ કરી વેચવા માટે સામાન્ય રીતે તેને પેપર રેપીંગ અથવા કોરુગેટેડ બોક્ષમાં પેક કરવામાં આવે છે. દેશનાં માર્કેટમાં (લોકલ માર્કેટ) સપ્લાય કરવા માટે ખાસ કરીને બદામી કલરનાં ત્રણ ફોલ્ડ ધરાવતા કોરુગેટેડ ફાઈબર બોક્સ વાપરવામાં આવે છે. જ્યારે તેનું એક્સપોર્ટ બહારનાં દેશમાં કરવાનું થતું હોય ત્યારે તેને સફેદ કલરનાં પાંચ ફોલ્ડ ધરાવતા સીએફબી બોક્ષમાં પેક કરવામાં આવે છે.

દાડમમાંથી જ્યુસ દ્વારા મૂલ્ય વૃદ્ધિઃ-

સામાન્ય રીતે દાડમમાં દાણાનું પ્રમાણ લગભગ 46% જેટલું હોય છે. આ દાડમનાં દાણામાંથી લગભગ 76% જ્યુસ મળે છે. દાડમમાંથી જયુસ બનાવવા માટે દાડમને ઓટોમેટીક કન્વેયર મશીન દ્વારા પાણીથી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ સોર્ટીંગ મશીન દ્વારા બગડેલા તથા સડેલા દાડમને અલગ તારવી નિકાલ કરવામાં આવે છે. સોર્ટેડ થયેલા સારી ક્વોલીટીના દાડમને ત્યારબાદ ડી-સેલીંગ માટે ડી-સેલર મશીનમાં મોકલવામાં આવે છે. આ મશીન દ્વારા દાડમ ફળનું બ્રેકીંગ થઈ છાલ અને દાણા જુદા પડે છે. દાણામાંથી ટેનીન અને બીજ મુક્ત જ્યુસ કાઢવા દાણાને સ્પેશીયલ ટાઈપનાં જ્યુસ એક્સ્ટ્રેકટર મશીન માંથી પસાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ જ્યુસને યોગ્ય ફિલ્ટ્રેશન અને ક્લેરીફીકેશ દ્વારા ક્લીયર જ્યુસ તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલ જ્યુસને પ્લેટ સ્ટરલાઈઝર દ્વારા યોગ્ય તાપમાને ચોક્કસ ટાઈમ માટે પ્રોસેસ કરવામાં આવે છે. પ્રોસેસ થયેલ જ્યુસનું ત્યારબાદ એસેપ્ટીક ફીલીંગ કમ પેકેજીંગ મશીન દ્વારા યોગ્ય પેકેજીંગ કરી સંગ્રહ અથવા માર્કેટીંગ કરવામાં આવે છે.

દાડમ માંથી દાણા કાઢી પેકીંગ દ્વારા મુલ્ય વર્ધનઃ-

દાડમનાં ફળમાં સામાન્ય રીતે 200 થી 1400 જેટલા દાણા હોય છે. આ દાણાને હાથથી કાઢવા માટે ખૂબ જ ટાઈમ અને મજુરનો ઉપયોગ કરવો પડે છે. આ ઉપરાંત તેની ક્ષમતા પણ ઘણી ઓછી હોય છે. વેપારીકરણ હેતુ દાણા કાઢી તેને યોગ્ય પેક કરી માર્કેટમાં મુકવામાં આવે અથવા તેમાંથી અન્ય પ્રોસેસ પ્રોડક્ટ બનાવવામાં આવે તો અનેકગણુ મુલ્યવર્ધન કરી શકાય છે. આ માટે સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ હાર્વેસ્ટ એન્જીનિયરીંગ અને ટેક્નોલોજી સંસ્થા, લુધીયાણા, પંજાબ દ્વારા દાડમમાંથી દાણા કાઢવાનું મશીન વિકસાવેલ છે. જેની વિગત નીચે મુજબ આપવામાં આવેલી છે.

દાડમમાંથી દાણા કાઢવાનું મશીન

મશીનની તાંત્રિક વિગતઃ-

  1. દાડમમાંથી દાણા કાઢવાની ક્ષમતા           - અંદાજે 500 કિગ્રા/કલાક
  2. યાંત્રિક મશીનથી થતુ નુકશાન                - 3 થી 4 %
  3. મશીન ચલાવવા માણસની જરૂરીયાત         - 2 થી 3
  4. મશીન માટે ઈલેક્ટ્રીક પાવરની જરૂરીયાત    - 0.75 કિલોવોટ (1 હો.પાવર)
  5. મશીનનું માપ                                - 1.48 મીટર લંબાઈ
  6. મશીનનું વજન                               - અંદાજે 250 કિગ્રા

 

ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં દાડમ ઉદ્યોગ નાના પાયા પરથી લઈને મોટા પાયા પર સ્થાપી શકાય. હાલ, દાડમની પ્રોડક્ટને જોતા અન્ય નવા પ્રકારની ઘણી બધી અવનવી પ્રોડક્ટ વિવિધ રીતે બનાવી માર્કેટમાં મુકી વધુ આવક મેળવી શકાય તેમ છે.

લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate