ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા I-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે. I-ખેડૂત અંતર્ગત મુખ્ય સેવાઓ નીચે આપેલ છે
ખાતર અધિકાર પત્ર
ઋતુવાર પાક પસંદગી આધારે વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવેલ ભલામણ મુજબ ખાતરનો જથ્થો સમયસર મળી રહે તે માટે ખેડૂતો I-ખેડૂતપોર્ટલ થકી “ખાતર અધિકાર પત્ર” મેળવી શકશે. જેનો લાભ લેવા નીચે મુજબ પગલા લેવા આવશ્યક છે.
I-ખેડૂતપોર્ટલમાં નોંધણી કરાવેલ ખેડૂત ખાતેદારે ઋતુવાર પાકની નોંધણી, ખાતરની પસંદગી અને ખાતર મેળવવા માટે ઉપલબ્ધ યાદીમાંથી ડીલરની પસંદગી કરવાની રહેશે.
પાક આયોજન પ્રમાણે વૈજ્ઞાનિક ભલામણોના આધારે ખાતરની જરુરિયાત અને ડીલરના નામ સાથેનું “ખાતર અધિકારપત્ર” મેળવી પસંદગી કરેલ ડીલર પાસે જઇ ખાતર મેળવી શકશે. ખાતરના ડીલરે ‘“ખાતર અધિકારપત્ર’ ધરાવતા ખેડૂતોને અગ્રતાનાં ધોરણે ખાતર અધિકાર પત્રમાં દર્શાવેલ ખાતરનો જથ્થો પૂરો પાડવાનો રહેશે.
વિવિધ કલ્યાણકારી યોજનાકીય લાભો
કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય હસ્તકનાં ખાતાના વડાઓ, સોસાયટીઓ, બોર્ડ, કોર્પોરેશન ધ્વારા વિવિધ વ્યક્તિલક્ષી/ સંસાધન લક્ષી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવતી યોજનાઓનો લાભ ખેડૂતોને સહેલાઇથી મળી રહે અને આ બાબતે પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી I-ખેડૂતપોર્ટલ ધ્વારા તમામ યોજનાઓનો અમલ કરવામાં આવનાર છે.
ખેડૂત રજીસ્ટ્રેશન મોડ્યુલમાં નોંધણી કરાવેલ ખેડૂતોએ I-ખેડૂતપોર્ટલમાં જોઈતી ખેત સામગ્રી/મશીનરી/અન્ય ઘટકોની પસંદગી કરવાની રહે છે.
I-ખેડૂતપોર્ટલમાં જે તે બાબત માટે ઓનલાઈન અરજી કરી તે અરજીની પ્રિન્ટઆઉટ કઢાવી ખેડુતે અરજીફોર્મ પર સહી/ અંગુઠો કરી સબંધિત ખાતાની કચેરીમાં રજૂ કરવાની રહેશે.
અરજી કર્યા બાદ તે અંગેનું સ્ટેટસ ખેડૂતો ઓનલાઈન જોઈ શકશે.
ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
- ગુજરાત રાજયમાં રાસાયણિક દવા, ખાતર અને બિયારણની સેવાઓ પૂરા પાડતા ઈનપુટ ડીલરોની માહિતી I-ખેડૂતપોર્ટલમાં આપવામાં આવી છે.
- જેમાં જે તે ઈનપુટ ડીલરોને વખતો વખત તેમનાં પાસે ઉપલબ્ધ ખેત સામગ્રી અને ઉત્પાદનોની વિગતો અપડેટ કરવાનીસગવડ કરવામાં આવી છે.
- ખેડૂતો પોતાનાં વિસ્તારનાં ઈનપુટ ડીલરો પાસે તેને જોઈતી ખેત સામગ્રી ઉપ્લબ્ધ છે કે નહી, કેટલી કિમતે ઉપલબ્ધ છે તે વિગતો પોર્ટલ થકી ઘરે બેઠા જાણી શકશે.
કૃષિ ધિરાણ સબંધિત માહિતી
- I-ખેડૂત પોર્ટલમાં કૃષિ ધિરાણ સાથે જોડાયેલી વિવિધ સંસ્થા જેમકે બેંક અને સહકારી મંડળીઓનાં નામ અને સરનામા સહિત વિગતો આપવામાં આપવામાં આવી છે.
કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
- રાજ્યમાં એગ્રો – ક્લાઇમેટિક ઝોનવાર પાક પધ્ધતિ, મુખ્ય પાકોની આધુનિક ખેત પધ્ધતિ, પાકોમાં રોગ-જીવાત અને તેનું નિયંત્રણ સહિતની વિવિધ વિગતો I-ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે.
- પશુઓમાં થતાં મુખ્ય રોગો, રોગ નિયંત્રણ માટેના ઉપાયો સહિત મત્સ્ય, કૃષિ અને સંલગ્ન શિક્ષણ વગેરેની અદ્યતન માહિતી I-ખેડૂત પોર્ટલમાં ફક્ત એક ક્લિક ધ્વારા મેળવી શકાશે.
હવામાન
- હવામાનની માહિતી ખેડૂતોને સમયસર મળતી રહે તો ખેડૂતો પાક માટે સિંચાઇ, રોગ-જીવાત નિયંત્રણનાં આગોતરા પગલાં વિગેરેની વ્યવસ્થા સમયસર કરી શકે છે.
- I-ખેડૂત પોર્ટલમાં ખેડૂતો પોતાનાં વિસ્તારનાં હવામાન કેવું છે અને આવનાર ટૂંકા ગાળામાં કેવું રહેશે એની વિગતો આસાનીથી મેળવી શકે છે.
ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
- પાકની કઈ જાત સૌથી વધુ ઉત્પાદન આપે છે ?, વાવણીનો યોગ્ય સમય ક્યો ?, પિયત કેટલું આપવું?,રોગ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે તો શું કરવું?, દુધાળા ઢોર ઓછું દૂધ આપે છે શું કરવું ? જેવા અનેક મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ I-ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે.
ખેતીની જમીન ખાતાની વિગતો :
- રાજ્યમાં કોઇ પણ ગામની ખેતીલાયક જમીનની ૭/૧૨ની વિગતો જોઇ શકાશે.
કપાસ પાકના લઘુત્તમ ટેકાના ભાવ
સ્ત્રોત: ગુજરાતના કિસાનોનું સાથી આઈ ખેડૂત પોર્ટલ, ગુજરાત રાજય