નૌરાજી સ્તોના હાઉસ ફળમાખી ટ્રેપ
ટ્રેપની તાંત્રિકતાની માહિતી
- આ પધ્ધતિમાં મિથાઇલ યુજીનોલયુકત પ્લાયવુડ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પ X પ સે.મી. માપનાં ૧૦ મીમી. જાડા પ્લાયવુડનાં ટૂકડાને ૬:૪:૧ નાં પ્રમાણમાં આલ્કોહોલઃ મિથાઇલ યુજીનોલઃ ડીડીવીપી નાં દ્રાવણમાં ર૪ કલાક પલાળી રાખવામાં આવે છે.
- માવજતવાળા આવા પ્લાયવુડનાં ટુકડામાં ખીલી મારી દોરી વડે ખાસ પ્રકારનાં વર્જીન પ્લાસ્ટીકમાંથી બનાવવામાં આવેલ પીળા રંગના ૭X૭ સે.મી. માપના અને આશરે ૧૮ સે.મી. ઉંચા કન્ટેઇનરમાં લટકાવવામાં આવે છે. કન્ટેઇનરનો ઉપરનો ભાગ શંકુ આકારનો હોય છે.
- આ ટ્રેપની ચારે બાજુ ર સે.મી. વ્યાસનાં કાણાં પાડવામાં આવેલ હોય છે. જેમાંથી ફળમાખી અંદર આકર્ષાય છે.
- કન્ટેઇનરનો નીચેનો ભાગ ખોલી શકાય તેવા હોય છે. જેમાંથી મૃત માખીઓને બહાર કાઢી શકાય છે.
ટ્રેપની કાર્યપધ્ધીતિ ની માહિતી
- મિથાઇલ યુજીનોલયુકત પ્લાયવુડ બ્લોકમાંથી ધીરેધીરે મિથાઇલ યુજીનોલ નામનું રસાયણ વાતાવરણમાં ફેલાય છે. પરિણામે નર માખી આકર્ષાય છે. વધુમાં વધુ ર કિ.મી. દૂરથી માખી આકર્ષાઇ શકે છે. આ પ્લાયવુડ બ્લોકમાં ડીડીવીપી નામની જંતુનાશક દવા હોવાથી આકર્ષાયેલી માખીઓ તુરત જ મરી જાય છે.
- આ ટ્રેપમાં ખૂબ મોટી સંખ્યામાં નર માખીઓને આકર્ષીને વાતાવરણમાંથી તેની વસ્તી મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે. પરિણામે સંભોગના અભાવે ઓછી માદાઓ ફલિત થાય છે અને પ્રમાણમાં નહિવત ફલિત ઇંડા મૂકાય છે. આમ, ફળમાખીની વસ્તિને ખૂબ જ અસરકારક રીતે વધતી અટકાવી શકાય છે અને નુકશાનની ટકાવારી ઘટાડી શકાય છે
ફળમાખી ની માહિતી
- ફળમાખી એ બહુભોજી જીવાત છે. ખેડુતો તેને સોનેરી માખી તરીકે પણ ઓળખે છે.
- દુનિયામાં તેની ૪૦૦૦ થી વધુ જાતો જોવા મળે છે. જેમાંથી ભારતીય ઉપખંડમાં ૪૨૦ જાતો અને ગુજરાતમાં ૬ જેટલી વિવિધ જાતો જોવા મળે છે.
- જેમાં બેક્ટોસેરા ડોરસાલીસ, બેક્ટોસેરા ઝોનાટા, બેક્ટોસેરા કરેકટા કે જે ફળપાકોને તથા બેક્ટોસેરા કુકરબીટી અને ડેક્સ સીલીયેટસ વેલાવાળી શાકભાજીને જ્યારે કારપોમીયા વેસુવીએના બોરને નુકશાન કરે છે.
ટ્રેપના ફાયદાઓ ની માહિતી
- આ ટ્રેપ કોઇ પણ જાતનું પ્રદુષણ ફેલાવતાં નથી.
- નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા વિકસાવવામાં આવેલ ફળ માખી માટેના ટ્રેપની કિંમત ફકત રૂા.૩૫ છે. જયારે વેલાવાળી શાકભાજી માટેના ટ્રેપની કિંમત રૂા.૬૦ છે. જે ખૂબ જ નહિવત છે. કારણ કે હેકટરે ફકત રૂા.૩૫૦ થી ૬૦૦ નો ખર્ચ કરવો પડે છે. આમ, આ ટ્રેપની કિંમત આર્થિક રીતે પોષણક્ષમ છે.
- આ ટ્રેપ ૫ મહિના સુધી અસરકારક રીતે કામ કરી શકે છે.
- આ ટ્રેપમાં વારંવાર મિથાઇલ - યુજીનોલ મૂકવું પડતું નથી.
- આ ટ્રેપ મૂકવા વિશેષ મજૂરી ખર્ચ લાગતો નથી.
- આ ટ્રેપ પ્લાસ્ટીકનું હોઇ ચોમાસામાં પણ ઉપયોગ કરી શકાય છે.
- માવજતવાળા નવા બ્લોક લગાવી આ ટ્રેપનાં કન્ટેઇનરનો ઉપયોગ ર થી ૩ સીઝન કરી શકાય છે.
ઓળખ
- સામાન્ય રીતે ઘરમાખીના કદની પરંતુ ઉદરપ્રદેશ અને પગો સોનેરી રંગના તથા પાંખો પારદર્શક હોય છે.
- નર માખીનો ઉદરપ્રદેશ ગોળ અને માદા માખીનો અણીવાળો હોય છે, જેને અંડનિક્ષેપક કહેવામાં આવે છે. જેની મદદથી ફળમાં કાણું પાડીને ઇંડા મુકે છે. ઇંડા લંબગોળ અને સફેદ રંગના હોય છે.
- ફળમાખીનાં કીડા આશરે ૮ થી ૧૦ મીમી લંબાઇના, ઝાંખા સફેદ રંગના અને આગળના ભાગે અણીયાળા હોય છે. આ જીવાતના પુખ્ત કીડા જમીનમાં કૌશેટા બનાવે છે.
યજમાન પાકો ની માહિતી
- ફળપાકો : કેરી, ચીકુ, જમરુખ, પપૈયા, કેળા, સીતાફળ, અનાનસ, સફેદજાંબુ,બોર, તડબુચ, અને શક્કરટેટી વિગેરે.
- વેલાવાળી શાકભાજી: કારેલા, દુધી, ગલકા, તુરિયા, ગીલોડા, કંટોલા, કોળા,કાકડી, ચીભડા, વિગેરે.
નુકશાનની માત્રા
- માદા ફળમાખી સામાન્ય રીતે પરિપકવ ફળોમાં તેનું અંડનિક્ષેપક અંગ ખોસીને ઇંડા મુકે છે. ફળોની અંદર જે જગ્યાએ ઇંડા મુકે છે. ત્યાંથી ટૂઓ પડે છે. કીડા ફળની અંદરનો ગર ખાઇને નુકશાન કરે છે. નુકશાનવાળા ફળો પાણીપોચા થઇ જાય છે અને તેમાંથી ખાટી દુર્ગધ આવે છે. આમ ફ્ળો ખાવાલાયક રહેતા નથી. વેલાવાળી શાકભાજીમાં ફળમાખી નાના કુમળા ફ્ળોમાં તથા વેલાની અંદર પણ ઇંડા મુકે છે. પરિણામે ફળો ખરી પડે છે. તદુપરાંત જે જગ્યાએ ઇંડા મુકાય છે ત્યાં ફળો પીળા પડી જાય છે અને વાંકા પણ થઇ જાય છે. ફળમાખીથી ત્રણ પ્રકારે નુકશાન થાય છે. જેમ કે, (૧) પાકનું ઉત્પાદન ઘટે (ર) ગુણવત્તા બગડે અને (૩) ખેડુતની બજારમાં શાખ બગડે છે.
સ્ત્રોત :
આણંદ કૃષિ યુનીવર્સીટી ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.