অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેડૂતો માટે વિવિધ સેવાઓ

ખેડૂતો માટે વિવિધ સેવાઓ

માહિતી :

માહિતી એ ખેડૂતો માટે જરુરી ખાસ કૃષિ સામગ્રી છે જે ખેતીપાકની પસંદગીથી માંડી ખેતબજાર સુધી બદલાવ લાવવા માટે જરુરી છે.

ભૂતકાળના અનુભવો :

ભૂતકાળના અનુભવો એ એક ખૂબ જ મોટો અગત્યનો માહીતી સ્ત્રોત છે તેમ છતાં ભૂતકાળના અનુભવોનો ઉપયોગ કરતાં પહેલાં ખેડૂતે હાલની પરિસ્થિતિ સાથે એકરુપતા માટે ચકાસણી કરવી જરુરી છે.

પ્રગતિશીલ ખેડૂતો :

આ એક એવા ખેડૂતોનો સમુદાય છે કે જે સામાજીક , આર્થિક અને ટેકનોલોજીની રીતે અન્ય ખેડૂતો કરતાં આગળ છે. તેઓ આધુનિક ટેકનોલોજી અપનાવવા અને તેના પરિણામો મેળવવા હંમેશા આતુર હોય છે. તેઓ કૃષિ માહિતીનો સરળતાથી અને ઝડપથી અન્ય ખેડૂતોની સરખામણીમાં ઉપયોગ કરતાં હોય છે . ઉદાહરણ તરીકે સંપર્ક ખેડૂતો , પુરસ્કાર મેળવેલ ખેડૂતો , તાલુકા ખેડૂત સલાહકાર સમિતિના સભ્યો , જીલ્લા ખેડૂત સલાહકાર સમિતિના સભ્યો , રાજય ખેડૂત સલાહકાર સમિતિના સભ્યો , ખેતરશાળા ચલાવતા ખેડૂતો વગેરે .

ઇનપુટ ડીલરો/વેપારીઓ :

ઇનપુટ ડીલરો એ ગ્રામ્ય કક્ષાએ બિયારણ , ખાતર ,દવાઓ અને મશીનરીનું ખેડૂતોને વેચાણ કરતા વેપારીઓ છે, જેઓ ખેડૂતો સાથે નજીકના સંબંધોને આધારે વિસ્તરણ સેવાઓ આપતા હોય છે . તેમ છંતા આવી સેવાઓનો અભ્યાસ કરતા જણાયેલ છે કે તેઓ તાલીમબધ્ધ વિસ્તરણ કાર્યકર્તાઓ નથી . પરંતુ કેટલાક ઇનપુટ વેપારીઓ ડિપ્લોમાં ઇન એગ્રિકલ્ચરલ એકસટેન્શન સર્વિસીસ ફોર ઇનપુટ ડીલર (ડીએઇએસઆઇ) કાર્યક્રમ હેઠળ તાલીમ લઇ તૈયાર થયેલા હોય છે જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળી કૃષિ માહિતી આપે છે.

સહકારી મંડળીઓ જીલ્લા સહકારી મધ્યસ્થ બેંકો અને પ્રથમ કક્ષાની સહકારી મંડળીઓ :

આ મંડળીઓ કે બેંકો નીચે દર્શાવેલ કામગીરી કરે છે.

  • અગ્રતાક્રમવાળા ક્ષેત્રોમાં ધિરાણ વધારવું .
  • રાષ્ટ્રિય કૃષિ અને ગ્રામિણ બેંકની યોજનાઓનું અમલીકરણ કરવું .
  • સરકારશ્રીની યોજનાઓનું અમલીકરણ કરવું .
  • સામાજીક સલામતી યોજનાઓનું અમલીકરણ કરવું .
  • પાક ધિરાણ વધારવું .

“ ભારતીય સંસ્કૃતિમાં કૃષિ ધનિષ્ઠ રીતે સંકળાયેલી છે. તે જોતાં એ ભારતીય સંસ્કૃતિનું એક અવિભાજય અંગ છે. ભારત કૃષિ પ્રધાન દેશ ગણાય છે કારણકે દેશની લગભગ 60% કરતા પણ વધુ વસ્તી એક યા બીજી , સીધી કે આડકતરી રીતે કૃષિ અને કૃષિ સંલ્ગન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે . આપણા દેશના અર્થતંત્રમાં કૃષિનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલ છે.દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) માં કૃષિનો ફાળો 18.5 % જેટલો રહેલો છે . અગાઉ દસમી પંચવર્ષિય યોજનાઓ સુધી કૃષિ અને સંલગ્ન ઘટકોનો રાષ્ટ્ર્નો કૃષિ વિકાસ દર 2.5 % જેટલો જ હતો . પરંતુ છેલ્લી પંચવર્ષિય યોજનામાં તે 4% થી પણ વધારે નોંધાયેલ છે . તે દર્શાવે છે કે અન્ય ક્ષેત્રોની માફક કૃષિ ક્ષેત્રે  પણ વિકાસ થઇ રહ્યો છે . દેશના અર્થતંત્રમાં કૃષિની અગત્યતા જોતા , ખેડૂતો અને કૃષિ વિકાસ માટે વિવિધ સેવાઓ અગત્યનો ભાગ ભજવે છે . ખેડૂતો માટે અગત્યની સેવાઓની માહિતી આ લેખમાં દર્શાવેલ છે . “

જમીન (ખેતી/ગ્રામ્ય) વિકાસ બેંક :

ખેતીમાં મધ્યમ અને લાંબાવાળાનું ધિરાણ આપવાનું તથા સરકારીશ્રીની યોજનાઓનો અમલ કરવાની કામગીરી કરે છે.

જાહેર વિસ્તરણ સેવા :

જાહેર વિસ્તરણની કામગીરી મુખ્યત્વે રાજયના કૃષિ અને કૃષિ સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવે છે એટલે કે , મોટાભાગના ખેડૂતો માટે આ એક મુખ્ય અગત્ય નો માહિતીનો સ્ત્રોત છે . દરેક વિભાગ જેવા કે , કૃષિ ,બાગાયત ,પશુપાલન , ખેતીબજાર વગેરે આ જાહેર સેવા માટે તંત્રમાં વિસ્તરણનો સ્ટાફ સેવા આપે છે જેના દ્વારા માહિતી કે સેવા ખેડૂત સુધી પહોંચાડવામાં આવે છે . આ ક્ષેત્રનું મુખ્ય કાર્ય ટેકનોલોજીનું હસ્તાંતરણ કરવાનું તથા રાજય અને કેન્દ્ર સરકારના કૃષિલક્ષી વિકાસ કાર્યક્રમો હાથ ધરવાનું છે .

કૃષિ ટેકનોલોજી વ્યવસથાપન સંસ્થા ( આત્મા અત્મા ) એ જીલ્લા કક્ષાએ વિકાસલક્ષી યોજનાઓ કૃષિ અને કૃષિ સંલગ્ન વિભાગો તથા ખાનગી વિભાગો દ્વારા હાથ ધરે છે . ગ્રામ્યકક્ષાએ ખેડૂતમિત્ર ,તાલુકા કક્ષાએ તાલુકા ટેકનોલોજી મેનેજર અને વિષય નિષ્ણાંત દ્વારા કૃષિ લક્ષી માહિતી અને વિવિધ યોજનાઓના લાભો ખેડૂતોને આપવામાં આવે છે . આત્મા દ્વારા વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ જેવી કે ક્ષેત્ર મુલાકાત , તાલીમ , નિદર્શન , ક્ષેત્રદિન , વૈજ્ઞાનિક ચર્ચા , પ્રદર્શનો , પ્રેરણા પ્રવાસ વગેરે હાથ ધરવામાં આવે છે . કૃષિ સાહિત્ય તથા ઇલેકટ્રોનિક માધ્યમો દ્વારા ખેડૂતોને વિવિધ કૃષિ લક્ષી કાર્યો તથા તે અગેની ચેતવણી અગમચેતીની માહિતી આપવામાં આવે છે .

ચીજવસ્તુમાં રસ ધરાવતા ખેડૂતનું જૂથ (સીઆઇજી ) :

આ એવા ખેડૂતોનું જૂથ છે કે જેમાં ખેડૂતો સમાન પાક/એન્ટરપ્રાઇઝ કરતા હોય અને તેમનાં પ્રશ્નો અને લાભો સમાન હોય . આ સીઆઇજી સામૂહિક માહિતી ઇનપુટસ , ઇન્ફ્રાસ્ટ્રકચર , ધિરાણ અને બજાર સંપર્કોની વિગતો મેળવે છે . કેટલાક સીઆઇજીને સ્વતંત્ર સંશોધેન , વિસ્તરણ , ધિરાણ અને બજાર વ્યવસ્થા માટે અલગ તંત્ર હોય છે દા.ત. અમુલ ડેરીના ખેડૂતોનું જૂથ , મહાગ્રેપના દ્રાક્ષ પકવતા ખેડૂતોનું જૂથ વગેરે.

કિસાન કોલ સેન્ટર (કેસીસી)

કિસાન કોલ સેન્ટર દ્વારા ઓન લાઇન કૃષિલક્ષી સલાહ સેવા ખેડૂતોને આપવામાં આવે છે . ખેડૂતો વિવિધ પાકોની માહિતી ,પશુપાલન ,મત્સ્ય્પાલન , ઇનપુટસ , ધિરાણ , સરકારશ્રીની યોજનાઓના લાભો વગેરેની માહિતી ટોલ ફ્રી નં .1800 180 1551 અથવા 1551 ઉપર સવારના 6.00 કલાકથી રાત્રીના 10.00 કલાક દરમ્યાન જાહેર રજાઓ તથા રવિવાર સિવાયના દિવસો માં મેળવે છે. આ સમય સિવાયના ફોન કોલ આઇસીઆરએસઝેડ મોડમાં લેવામાં આવે છે . ફોન દ્વારા સક્ષમ લાયકાતવાળા પ્રોફેશનલ દ્વારા ગુજરાતી ભાષામાં સલાહ આપવામાં આવે છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે) :

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ જીલ્લા કક્ષાએ વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજી નું નિર્માણ , સુધારણા તથા હસ્તાંતરણ કરતું તંત્ર છે . કેવીકે ખાતે અલગ – અલગ વિષયોના નિષ્ણાંતો સ્થાનિક પરિસ્થિતિને અનુરુપ કૃષિલક્ષી મુદાઓ ઉપર ધ્યાન આપે છે . કેવીકે દ્વારા અગ્રહરોળના નિર્દ્શનો , પ્રેરણા પ્રવાસ , તાલીમ કાર્યક્રમો , પ્રદર્શન , ક્ષેત્રદિન વગેરે યોજવામાં આવે છે તેમજ વિવિધ કૃષિ સાહિત્ય ખેડૂતો માટે તૈયાર કરી વિતરણ કરવામાં આવે છે . કેવીકે દ્વારા ખેડૂતોને ઇનપુટસ સહાય પણ આપવામાં આવે છે . ગૃપ એસએમએસ મારફતે પણ ખેડૂતોને કૃષિ માહિતી પુરી પાડવામાં આવે છે .

કોમોડિટી બોર્ડ અને રાષ્ટ્રીય સંસ્થાઓ :

કોમોડિટી બોર્ડ જેવા કે કોફી બોર્ડ , રબર બોર્ડ , મરીમસાલા બોર્ડ , ચા બોર્ડ , નાળિયેરી વિકાસ બોર્ડ , તમાકુ બોર્ડ , રેશમ કીડા બોર્ડ , ભારતીય કપાસ નિગમ , રાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે કૃષિ વિસ્તરણ વ્યવસ્થાપન , કેન્દ્રીય ખાધ અને ટેકનોલોજી સંશોધન સંસ્થા ( સીએફટીઆરઆઇ ) , સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ( ડીઆરડીઓ ) , રાષ્ટ્રીય બાગાયત મિશન ( એનએચએમ ) , રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (એનએચબી ) વગેરે ખેડૂતોને વીસ્તરણ સલાહ / સેવાઓ પૂરી પાડે છે .

એગ્રિકિલનિક અને એગ્રિ બિઝનેસ સેન્ટર :

એગ્રિકલિનિક અને એગ્રિ બિઝનેસ  સેન્ટર એ ધધાકીય અને સલાહ સેવા માટેના સેન્ટર છે અને તેનું ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ધંધાદારીઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે .

એગ્રિ બિઝનેસ કંપની :

મોટે ભાગે તમામ એગ્રિ બિઝનેસ કંપનીઓ તેમના ખાસ પાકો અને ઇનપુટસ માટે વિસ્તરણ સલાહ સેવાઓ પુરી પાડે છે . કરાર આધારિત ખેતીમાં વિસ્તરણ સેવાઓ , ઇનપુટસ , વ્યવસ્થાપન અને બજાર અંગેની માહીતી એગ્રિ બિઝનેસ કંપનીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે . કેટલીક એગ્રી બિઝનેસ કંપનીઓ અલગ પ્રકારની સેવાઓ ખેડૂતોને વનસ્ટોપ શોપના ખ્યાલથી આપે છે .

આંતરરાષ્ટ્રીય સંસ્થા :

આંતરરાષ્ટ્રીય સંસ્થા જેવી કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રીસર્ચ ઇન સેમી એરીડ ટ્રોપિકસ ( ઇક્રીસેટ ) હૈદ્રાબાદ પણ અર્ધ સૂકાગ્રસ્ત વિસ્તારોમાં થતા પાકો માટે ખેડૂતોને સેવાઓ આપે છે .

બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ )

ઘણી બિનસરકારી સંસ્થાઓ કૃષિ સંલગ્ન વિકાસ માટે વિવિધ બાબતો જેવી કે ખેત સલાહ , કૃષિ સામગ્રીનું વિતરણ , ઇન્ફ્રાસ્ટ્રકચર , વિવિધ બનાવટોની પધ્ધ્તિઓ , બજાર સામુદાયિક સંગઠન , લઘુધિરાણ , જીવન નિર્વાહ વિકાસ વગેરે ઉપર કામ કરે છે . ખેડૂતોએ જયાં આ લાભો મળી શકે એમ હોય ત્યાં લેવા જોઇએ . ઉદા. તરીકે સદ્ગ્ગુરુ ફાઉંન્ડેશન , એનાર્ડે ફાઉન્ડેશન , ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ વગેરે સમયની માંગ પ્રમાણે માહિતી મેળવવા ખેડૂતોએ ઝડપી વિસ્તરણ ના સામૂહિક માધ્યમોના લાભ લેવા જોઇએ .

સમૂહ માધ્યમો :

 

  • કૃષિ સામયિકો , દૈનિક અખબારો ખેડૂતોને નિયમિત રીતે માહિતી આપતા હોય છે જેમ કે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતુ કૃષિ સામયિક ‘કૃષિગોવિધા ‘ , જીએસએફસી , વડોદરા દ્વારા પ્રકાશિત થતું  ‘કૃષિજીવન ‘ સામયિક વગેરેનું ખેડૂતોએ લવાજમ ભરી તેના અંકો મંગાવી તેમાં કૃષિ વૈજ્ઞાનિકો એ આપેલ લેખની માહિતીનો અભ્યાસ કરી પોતાની ખેતીમાં અમલ કરવો જોઇએ . દૈનિક અખબારોમાં પણ અવારનવાર અઠવાડીયામાં એક વાર કૃષિને લગતા લેખો આપવામાં આવતા હોય છે .
  • સામુદાયિક રેડિયો ,રેડિયો , ટેલીવિઝન પણ ખેડૂતોને માહિતી આપે છે . આ અંગેના નિયત સમય મુજબ રેડિયો કે ટેલીવિઝન દ્વારા કૃષિ અંગેની માહિતી મેળવવી જોઇએ . દૂરદર્શન ઉપર પણ નિયમિત રીતે કૃષિને લગતી માહિતી ગુજરાતી ભાષામાં આપવામાં આવે છે . ઇટીવી જેવી ખાનગી ચેનલો પણ કૃષિને લગતા કાર્યક્રમો આપતી હોય છે .
  • ઘણી સંસ્થાઓ પણ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા મોબાઇલ સેવાઓનો ઉપયોગ કરે છે . ગૃપ એસએમએસ દ્વારા ખેડૂતોને કૃષિ માહિતી મોકલવામાં આવે છે .
  • સરકારશ્રી દ્વારા કૃષિ મહોત્સવ દર વર્ષે યોજવામાં આવે છે તે દરમ્યાન કૃષિને લગતી માહિતી ડીવીડી દ્વારા તૈયાર કરી બતાવવામાં આવે છે જેને જોઇ ખેડૂતોએ વૈજ્ઞાનિક રીતે ખેતી કરવી જોઇએ.

વિવિધ ઉપયોગી પુસ્તકો :

ગુજરાતમાં આવેલ ચાર કૃષિ યુનિવર્સિટીઓના વિવિધ કેન્દ્રો , વિભાગો તથા યોજનાઓ દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય તેવા સંશોધનો આધારિત તાંત્રિક માહિતી ધરાવતા પુસ્તકો અવાર – નવાર પ્રકાશિત કરવામાં આવતાં હોય છે. ચારેય યુનિવર્સિટીઓમાં આવેલ સરદાર સ્મૃતિ કેન્દ્રો (એટિક ) દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે અથવા કિફાયતી દરે પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે .

આણંદ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી  હસ્તકના પ્રકાશન વિભાગો દ્વારા ખેડૂતોને  ઉપયોગી થાય એવા આજદિન સુધીમાં 37 જેટલા પુસ્તકો પ્રકાશિત કરી ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે . હાલમાં 12 જેટલા પુસ્તકો વેચાણ માટે ઉપલબ્ધ છે . જેની યાદી કિંમતી સહિત નીચેના કોઠામાં દર્શાવેલ છે .

ક્રમ

પુસ્તક નું નામ

કિંમત ( એક પુસ્તક્ની )

 

રુબરુ

રજી . પોસ્ટથી

1

મશરુમની ખેતી

30/-

60/-

2

આંબાની ખેતી

30/-

70/-

3

ફળપાકો

60/-

110/-

4

શાકભાજી પાકો

60/-

110/-

5

પાક સંરક્ષણ

80/-

140/-

6

ગ્રીનહાઉસ અને નેટહાઉસ ટેક ટેકનોલોજી

100/-

160/-

7

જૈવિક નિયંત્રણ

60/-

110/-

8

કિચન ગાર્ડન

40/-

80/-

9

વૃક્ષોની ખેતી

70/-

110/-

10

સોયાબીનન વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન

40/-

80/-

11

તેલીબિયાં પાકોની વૈજ્ઞાનિક ખેતી

70/-

110/-

12

ડેરી ઉધોગ અને દૂધનું મૂલ્ય વર્ધન

70/-

110/-

 

કોઠામાં દર્શાવેલ ઉપરોકત પુસ્તક મેળવવા માટે તંત્રી , ‘ કૃષિગોવિધા ‘ પ્રકાશન વિભાગ , વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી , યુનિવર્સિટી ભવન , આ . કૃ. યુ . , આણંદ 388110 ફોન : (02692) 261921 / 225987 નો સંપર્ક ખેડૂતમિત્રો એ સાધવો .

સ્ત્રોત : શ્રી પી.સી.પટેલ , ડૉ. જે.બી. પટેલ , શ્રી જે .ડી. દેસાઇ, વિસ્તરણ વિભાગ , બં .અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી , આણંદ – 388110 માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11 સળંગ અંક : 815

કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate