অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતીના ઓજારો, મશીનરી અને તેના ઉપયોગો

ખેતીના ઓજારો, મશીનરી અને તેના ઉપયોગો

ખેતીના ઓજારો, મશીનરી અને તેના ઉપયોગમાં લેવાની કાળજી

આપણી ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી આધુનિકરણ થઈ રહયું છે. ખેતી માટે જરૂરી કાર્યો કરવા નાના મોટા અનેક ઓજારો વપરાય છે. ખેતીની પ્રગતિના ભાગરૂપે ખાતર, દવા, બિયારણ વગેરેના વિકાસ અને ઉપયોગથી આપણે ખેત ઉત્પાદન વધારવામાં સફળ થયા છીએ. હજુ પણ વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે બાકી રહેતા અન્ય ઈનપુટ તરીકે ખેત ઓજારો, ખેતયાંત્રો, સીડ ટેકનોલોજી, ટીસ્યકલ્યર, ગ્રીન હાઉસ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ જેવી બાબતોને સાંકળી વૈજ્ઞાનિક ઢબના ઉપયોગથી ખેત ઉત્પાદન વધારી શકવાની ઘણી જ શકયતા રહેલ છે.

આધુનિક ખેત ઓજારો તેમજ યંત્રોને કારણે ખેડ કાર્યો ઝડપથી પુરાં કરી શકાય છે અને એક પાકની કાપણી કર્યા બાદ સમયસર બીજો પાક વાવી શકાય છે. આવા કાર્યક્ષમ ખેત ઓજારો અને યંત્રો કિંમતની દૃષ્ટિએ પ્રમાણમાં મોંઘા હોવાથી તેની દેખરેખ અને સારસંભાળ ખૂબ અગત્યની છે. આવા ઓજારોની સમયસર કાળજી રાખવામાં આવે તો તે કોઈપણ મુશ્કેલી વિના લાંબા સમય સુધી કામ આપે છે, યંત્રોનું આયુષ્ય વધે છે, ઘસારા-રીપેરીંગ ખર્ચ ઓછું આવે છે તેમજ મૂડી રોકાણનું પૂરેપૂરું વળતર મળી રહે છે.

ખેતીના જુદા જુદા સ્તરે વપરાતાં ઓજારો

પાકની વાવણીથી માંડીને તેને તેયાર કરીને બજારમાં લઈ જઈએ ત્યાં સુધીમાં ખેતીના જુદા જુદા સ્તરે વપરાતાં ઓજારોમાં:

  • પ્રાથમિક ખેડના ઓજારો
  • વાવણીના ઓજારો
  • પિયત માટેની યંત્ર સામગ્રી
  • આાંતરખેડ/નિંદામણના ઓજારો
  • દવા છાંટવાના યંત્રો
  • કાપણી અને મસળવાના યંત્રો
  • પાકના પ્રોસેસીંગ તેમજ સંગ્રહ કરવા માટેના ઓજારો, વગેરેનો સમાવેશ થાય છે.

આધુનિક અને સુધારેલાં ખેતી ઓજારો/યંત્રો કે યંત્ર સામગ્રીઓ ખેતીની હાલની પરિસ્થિતિમાં ખૂબ જ મહત્વનું ઈનપુટ સાબિત થઈ શકે તેમ છે, કારણ કે ખેતી કાર્યો માટે જે કંઈ વિવિધ પ્રકારની શકિતઓનો વપરાશ થાય છે, તે આવા ઓજારો કે યંત્રો મારફત થાય છે. તેથી જો ઓજારો કે યંત્રો આધુનિક અને કાર્યક્ષમ હોય તો તેના મારફત વપરાતી શકિતનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે. ખેતી ક્ષેત્ર વપરાતી વિવિધ શકિતઓ સામાન્ય રીતે ન પરવડે તેવી ઉચી કિંમતની લાગે છે. આથી શકિત વપરાશમાં આધુનિક ખેતયાંત્રોથી ઉચી કાર્યક્ષમતા મેળવી ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી ખેતીને અર્થક્ષમ બનાવવી એ હાલની ખેતીની જરૂરીયાત છે.

ચોમાસા દરમ્યાન ઉપયોગમાં ન લેવાતાં ઓજારોની કાળજી / સારસંભાળ

ખાસ કરીને દરેક પ્રકારના ઓજારો અને યંત્રોની સારસંભાળ અને જાળવણી ખૂબ અગત્યની છે. મોસમની દૃષ્ટિએ જોઈએ તો ઓજારો/યંત્રોને ચોમાસામાં વિશેષ નુકસાન થવાનો સંભવ રહે છે. આ સમયમાં સૌપ્રથમ પ્રાથમિક ખેડના ઓજારોની વાત કરીએ તો, હળ, કલ્ટીવેટર, માઢ વગેરેનો ચોમાસા દરમ્યાન કોઈ ઉપયોગ થતો નથી. આવા ઓજારોને શેડ કે છાપરાં નીચે રાખવા જોઈએ. ઓજારોને માટી ચોંટેલી હોય તો સાફ કરીને તેને કલર કરીને રાખવા જોઈએ, જેથી ભેજને લીધે કાટ લાગતો અટકાવી શકાય. બેરીંગવાળા ઓજારો હોય તો ગ્રીસ-ઓઈલીંગ કરીને તેની ઉપર પ્લાસ્ટીક કે કંતાન ઢાંકીને રાખવા તેમજ પાણી કે ભેજ ન લાગે તેવી જગ્યાએ રાખવા જોઈએ. આ ઉપરાંત, યંત્રોના દરેક ભાગ કામ કરે તેવા છે કે નહીં તે ચકાસવું અને રાંપ કે કોસ જેવા ઓજારોની ધાર ઘસાઈ કે તૂટી ગયેલ હોય તો તેને રીપેર કરાવી ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તરત જ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રાખવા જોઈએ.

ચોમાસા દરમ્યાન ઉપયોગમાં લેવાતાં ઓજારોની કાળજી / સારસંભાળ

ચોમાસા દરમ્યાન ઉપયોગમાં લેવાતા હોય તેવા ઓજારોમાં વાવણી માટેનાં યાંત્રિક વાવણિયાની વાત કરીએ તો, યંત્રને વાપરતાં પહેલા, હાથની મદદથી તેની ધરી ફેરવી ખાતરી કરી લેવી કે તે સહેલાઈથી અને કોઈપણ પ્રકારનાં અવરોધ વિના ફરે છે કે નહીં. તેના ચેઈન-સ્પોકેટ તપાસી લેવા, ત્યારપછી જરૂરી જથ્થામાં બિયારણની અને ખાતરની ઓરણી થાય છે કે નહીં તેની ચકાસણી કરી લેવી. સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં ખાતર પડવાના કાણામાં ખાતર-માટી જામી જવાનું બને છે. તે અવારનવાર તપાસતાં રહેવું જોઈએ.

જો હાથ ઓરણીથી વાવણી કરવાની હોય તો, ઓરણી દંતાળ ઉપર બરાબર ફીટ થઈ છે કે નહીં તે તપાસી લેવું, તેમજ દરેક ચાસમાં એકસરખા બીજ પડે છે કે નહીં તે તથા એક સરખી ઉડાઈ જળવાય છે કે નહીં તે પણ તપાસી લેવું જોઈએ. વાવણીનું કામ પૂરું થયા પછી ઓજારના દરેક ભાગને ભીની માટી ચોંટી હોય તો, તેને પાણીથી સાફ કરીને કાટ ન લાગે તેવી જગ્યાએ મુકી દેવું. ચેઈન-ચક્ર કે રોટરને ગ્રીસ /ઓઈલીંગ કરીને ઢાંકી દેવું, જેથી તેના પર માટી કે કચરો ચોંટે નહીં.

હવે, આાંતરખેડ અને નિંદામણનાં ઓજારોની વાત કરીએ તો, આવા ઓજારો ચોમાસામાં હળવા કે ચાલુ વરસાદે પણ વપરાતા હોય છે. તેની જાળવણી માટે તેને બરાબર સાફ કરીને કાટ ન લાગે તેવી જગ્યાએ રાખવા. ઓજારમાં જે જે ભાગો તેમજ નટ-બોલ્ટ બદલાવવાની જરૂરીયાત હોય

તેવા ભાગો બદલી નાંખવા, તેમજ જે ભાગ વારંવાર બદલાવવા પડતા હોય કે તૂટી જતાં હોય તેવા ભાગો વધારાના સ્ટોકમાં રાખવા જોઈએ. જેથી કામની મોસમમાં યંત્રોને ફરી ચાલુ કરવામાં મુશ્કેલી ન પડે.

આ ઉપરાંત, જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેના સોયર – ડસ્ટરની વિશેષ સારસંભાળ રાખવી પડે છે. સોયર કે પંપથી દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયા પછી સોયરની સકશન નળી પાણી ભરેલી ડોલમાં રાખી ર -૩ મિનીટ ચલાવવું, ત્યારબાદ નળી પાણીમાંથી બહાર કાઢી ખાલી ચલાવો, જેથી અંદર રહેલ પાણી નીકળી જાય. બધા વાઈશર તથા પેકીંગસ તપાસી લેવા. તેમાં તિરાડ કે કાણાં પડેલા ન હોવા જોઈએ. વાઈશર લાંબો સમય સારી રીતે કામ આપે તે માટે ઉજણ કરતાં રહેવું. નોઝલ ખોલી તેમાં રહેલી જાળી સાફ કરીને તેની ઉપર કપડું બાંધી દેવું જોઈએ.

ડસ્ટર ચલાવતી વખતે પેટીમાં કે પાવડરમાં કાગળના ટુકડા જેવું કંઈ ન જાય તે ખાસ ધ્યાન રાખવું. ડસ્ટરનું કામ પૂરું થયા પછી મુકી રાખવાનું થાય ત્યારે તેના દરેક ભાગ ઉપરથી તેમજ રોટરના બેરીંગને સાફ કરી ગ્રીસ લગાડવું જોઈએ.

વિવિધ ખેતઓજારો / યંત્રોની સારસંભાળ

વિશિષ્ટ પ્રકારના ખેતયત્રો જેવા કે અનાજ મસળવાના ઓપનરો, સીંગ ફોલ મશીન વગેરે મોટાભાગે દરેક ખેડૂતો પાસે હોય છે. આવા યંત્રોને ચલાવતાં પહેલા હાથ વડે ચલાવી ખાતરી કરી લેવી જોઈએ કે તે કોઈપણ જાતના અવરોધ વિના સહેલાઈથી ફરે છે કે નહીં. ઓપનરમાં દાંતી અને જાળી વચ્ચે યોગ્ય માપનો ગાળો રાખવો જોઈએ. ઓપનર બનાવનાર કંપનીએ ભલામણ કરેલ માપના એન્જીન કે ઈલેકટ્રીક મોટરનો ઉપયોગ કરવો જોઈએ. તેના પટા વધુ પડતાં ઢીલાં કે ટાઈટ ન રાખવા અને બેરીંગ ગરમ ન થાય તે તપાસતાં રહેવું. બેરીંગ ગરમ થવાનું કારણ કાં તો તે ઘસાઈ ગયું હશે કાંતો ગ્રીસનું પ્રમાણ ઓછું હશે.

મસળવાના કાર્યો પુરા થયા પછી ઓપનરની આજુબાજુથી ભૂસં તેમજ પાંદડી સાફ કરી તેને ૫ - ૧૦ મિનીટ ખાલી ચલાવવું જેથી અંદર રહેલ કચરો બહાર નીકળી જાય. ત્યારપછી ફરતા ભાગો જેવા કે બેરીંગને બરાબર સાફ કરી તેમાં ગ્રીસ ભરી તેની ફરતે કપડું વીંટાળી દેવું જેથી બહારની રજ તેમાં ચોંટે નહીં. બધા પટા ઉતારીને તેની ઘડી ન પડે તેમ ભેજ કે પાણી ન લાગે તેવી જગ્યાએ મુકી દેવા. ઉપરાંત, ઓપનરને વરસાદથી નુકસાન ન થાય તે માટે છાપરાં નીચે રાખીને શકય હોય તો પ્લાસ્ટીક કે કંતાનથી ઢાંકી રાખવું જોઈએ.

ટાયરવાળા યંત્રો જેવા કે હાર્વેસ્ટર, ટ્રેકટર, ગાડું, ટાયરવાળું ઓપનર, ટ્રેલર વગેરેને જયારે મુકી રાખવાના હોય ત્યારે ટાયરમાં હવા ભરેલી રાખવી. જેકથી યંત્રને ઉપાડી ધરીની નીચે પથ્થર કે ઈટો ગોઠવી દેવી જેથી ટાયર ઉપર યંત્રનો ભાર ન આવે. જો આમ ન કરીએ તો લાંબા સમયે હવા ઓછી થઈ જાય છે અને ત્યાંથી જલ્હીથી તુટવાની શરુઆત થાય છે. આ ઉપરાંત, ટાયર અને યંત્રને વરસાદ અને તડકાથી રક્ષણ મળે તેવી જગ્યાએ રાખવા જોઈએ.

ઈલેકટ્રીક મોટર અને પંપની સારસંભાળ

ખેતીમાં પિયતનું મહત્વ ઘણું છે. અત્યારે પિયત માટેના પંપમાં સબમસીંબલ પંપ, મોનોબ્લોક વગેરે વિજળીથી ચાલતાં યંત્રો છે. ચોમાસા દરમ્યાન કુવામાં પાણીની આવક વધવાથી પાણીનું લેવલ ઉચું આવે છે. આવા સંજોગોમાં અગાઉથી જ મોટરને ઉપરના માંચડે જયાં પાણી મોટરને અડે નહીં ત્યાં બેસાડવી, તેમજ ઢાંકણ તરીકે કામ કરે તેવી લાકડાની કે પતરાંની પેટી મુકવી જોઈએ. મોટર ખુલ્લી જગ્યાએ રાખી હોય અને જો ભેજવાળા હવામાનથી કે પાણી પડવાથી ભીંજાઈ હોય તો ઈલેકટ્રીશ્યન પાસે ચેક કરાવીને પછી જ ચાલુ કરવી જોઈએ. મોટર તથા પંપના બેરીંગને દર છ મહીને ગ્રીસીંગ કરવું તેમજ સ્વીચ બોર્ડ કે વાયરીંગ ઉપર પાણી કે ભેજ ન આવવો જોઈએ.

આમ, ખેત ઓજારોની સારસંભાળ-જાળવણી જો બરાબર રીતે કરવામાં આવે તો ઘણાં ફાયદા થાય છે. સમયસર અને નિયમિત રીતે યંત્રોની સારસંભાળ રાખવાથી યંત્રોનું આયુષ્ય વધે છે, રીપેરીંગ ખર્ચ ઘટાડી શકાય છે, ઓજારો પાસેથી લાંબા સમય સુધી સારું કામ લઈ શકાય છે અને સમયસર કામ પુરું કરી શકાય છે. શકિતનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કામની ગુણવતા જળવાય છે અને ખેત ઉત્પાદન ખર્ચ ઘટે છે. આમ, કૃષિ યંત્રોની સારસંભાળ ખેડૂતોને વિવિધ રીતે ફાયદાકારક રહે છે.

શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate