કેળ એ ઉષ્ણકટિબંધ એટલે કે ગરમ અને ભેજવાળા હવામાનનો પાક છે. સામાન્ય રીતે ર૦ થી ૩પ૦ સે. ઉષ્ણતામાન પાકના વિકાસ અને વૃદ્ધિમાં અતિ ઉત્તમ છે. ૧૫° સે. નીચે ઉષ્ણતામાનમાં પાકનો વિકાસ રૂંધાય છે, પાન પીળા પડે છે. જો આ સમય દરમ્યાન લૂમો આવે તો કેળા ટુંકા તથા પાતળા (શી) કેળા થઈ જાય છે. સુકી ગરમી કે સુકી ઠંડી આ પાકને અનુકૂળ નથી.
કેળની સેન્દ્રિય ખેતી કરવા માટે જમીન એવી પસંદ કરવી કે જેમાં ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કોઈપણ જાતનું રાસાયણિક ખાતર કે રસાયણો જમીનમાં આપેલા ન હોય અને સેન્દ્રિય ખાતરોનો જ ઉપયોગ કર્યો હોય તેવી સારી ફળદ્રુપ જમીન પસંદ કરવી. સારા ઉત્પાદન માટે ગોરાડુ, મધ્યમ કાળી અને સારી નિતારશક્તિ ધરાવતી ફળદ્રુપ અને ૧ મીટર ઊંડી જમીન વધુ માફક આવે છે આ પાક ૬.પ થી ૭.૫ પી.અચે ધરાવતી જમીનમાં સારો થાય છે. આ પાક ખારાશવાળી, ચીકણી, રેતાળ, પથરાળ કે છીછરી જમીનમાં સારો થતો નથી.
ગુજરાતમાં અત્યારે મોટા પાયે ગ્રાન્ડનેઈન અને રોબસ્ટા જાતોનું વાવેતર હાલ વિશેષ થાય છે. આ ઉપરાંત બસરાઈ, મહાલક્ષ્મી, ગણદેવી સીલેકશન પણ થોડા ઘણા અંશે વાવેતર થાય છે.
સેન્દ્રિય ખેતી માટે કેળાનું સંવર્ધન તલવાર પીલા અથવા ગાંઠોથી થાય તે જરૂરી છે. ચોક્કસ જાતના રોગમુક્ત માતૃછોડ પસંદ કરવા. સેન્દ્રિય ખેતી માટે રોપણીનું મટીરિયલ્સ : * પીલા રોપણી માટે લેવાના હોય તો તલવાર આકારના પાન ધરાવતા પીલા સેન્દ્રિય ખેતીવાળા ખેતરમાંથી પસંદ કરવા. • ગાંઠો લેવાની હોય તો પ૦૦ ગ્રામ કરતા વધારે વજનની ગાંઠો જે સેન્દ્રિય ખેતીવાળા ખેતરમાંથી પસંદ કરવી.
કેળની રોપણી ૧.૮ મીટર X ૧.૮ મીટર અંતરે કરવી. દક્ષિણ ગુજરાતમાં બે જોડીયા હારો ૧.૨ x ૧.૨ મીટર અને તેવી જ બીજી લાઈન ૨ મીટર પછી વાવેતરની. ભલામણ છે.
રોપણીનો સમય ખાસ અગત્યતા ધરાવે છે. ભલામણ પ્રમાણે ૧૫મી જૂન થી ૧૫મી જૂલાઈ સુધીમાં રોપણી કરવામાં આવે તો છોડ સેટ થવા ગરમ અને ભેજવાળું હવામાન પુરતું મળી રહે છે. હવે જ્યારે ટિયૂકલ્ચરના રોપાથી વાવતેર થવા માંડયું છે ત્યારે રોપણી ઓગષ્ટના પ્રથમ અઠવાડીયાથી વધારે મોડુ ના થાય તે મુજબ રોપણી કરવી.
જે જમીનમાં કેળની રોપણી કરવાની હોય તે જમીનને ખેડ કરીને આગલા પાકના જડીયા,થડીયા વીણી સમાર મારી સમતલ કરવી, જે રોપણી પહેલા ૨ માસ જેટલો સમય મળે તો લીલો પડવાશ કરવો. ત્યારબાદ ૧.૮ મીટર x ૧.૮ મીટરના અંતરે ૩૦ સે.મી. × ૩૦ સે.મી. x ૩૦ સે.મી.ના ખાડા કરી થોડા દિવસ તપવા દેવા પછી રોપાખાડા દીઠ ૧૦ કિલો કહોવાયેલું છાણિયું ખાતર આપવું અને જમીનજન્ય રોગ જીવાત માટે ૧૦ મામ ટ્રાયકોમામા તથા ૫ ગ્રામ પેસીલોમાયસીસ નાખી બરાબર મિશ્ર કરી ખાડા પુરવા અને ત્યારબાદ આ સમય દરમ્યાન વરસાદ ન હોય તો પાણી આપવું અને વરાપ થયે ખાડાના મધ્ય ભાગમાં છોડ રોપવા અને ફરીથી પાણી આપવું અથવા ટુવા દેવા.
સારૂ ઉત્પાદન મેળવવા માટે છોડ દીઠ ર૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૧૦ ગ્રામ ફોસ્ફરસ અને ર૦૦ ગ્રામ પોટાશની જરૂરિયાત પડે છે. જ્યારે ગ્રાન્ડનેઈન જાતને ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન પ્રતિ હેકટરે આપવું. તે માટે છાણિયું ખાતર / વર્મિકમ્પોસ્ટનો ઉપયોગ કરી જરૂર પ્રમાણો જથ્થો લઈ શકાય છે.
પોષક તત્વો |
છાણિયું ખાતર |
વર્મિકમ્પોસ્ટ |
નાઈટ્રોજન (ટકા) |
૦.૫ - ૦.૭પ |
૧.૪ - ૧.૬ |
ફૉસ્ફરસ (ટકા) |
૦.૧૭ - ૦.૨૦ |
૧.૬ - ૨.૫ |
પોટાશ (ટકા) |
૦.૫ - ૦.૫૫ |
૦.૬ - ૦.૮ |
કૅશિયમ (ટકા) |
૦.૯૧ |
૦.૪૪ |
મૈગ્નેશિયમ (ટકા) |
૦.૧૯ |
૦.૧૫ |
લૌહ (પીપીએમ) |
૧૪૬.૫ |
૧૭૫.૨ |
મેંગેનીઝ(પીપીએમ) |
૬૯.૦ |
૯૬.૫૧ |
જસત (પીપીએમ) |
૧૪.૫ |
૨૪.૪૩ |
તાંબુ (પીપીએમ) |
૨.૮ |
૪.૮૯ |
કાર્બન/નાઈટ્રેન રેશિયો |
૩૧:૧ |
૧૫.૧ |
પીપીએમ એટલે દશ લાખ ભાગમાં પ્રમાણ
|
દા.ત. ૧૦ કિલો છાણિયું ખાતર લેવામાં આવે તો તેમાં પ૦ થી ૭પ ગ્રામ નાઈટ્રોજન તથા ૨૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦ ગ્રામ પોટાશ હોય છે. ઉપરાંત સૂક્ષ્મત્ત્વો પણ હોય છે. તેથી ઉપરોક્ત ખાતરની ભલામણ પ્રમાણે આપવાનું થાય તો ૪ થી ૬ હપ્તામાં દરેક વખતે ૧૦ કિલો છાણિયું ખાતર આપવું પડે અને આ ખાતર ત્રીજી ચોથા અને પાંચમા માસે (૧૫ દિવસના અંતરે) આપી શકાય. આ ઉપરાંત આણાંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ છે કે જે જમીનમાં ફોસ્ફરસ અને પોટાશ સારા પ્રમાણમાં હોય ત્યાં કેળના પાકને પાયામાં ૧૦ કિલો છાણિયું ખાતર ઉપરાંત ૩.૬ કિલો દિવેલીનો ખોળ આપવો.
વધુમાં ૧૦ લિટર પાણીમાં ૧ લિટર એઝોટોબેક્ટર, પ૦ મિ.લિ. ફોસ્ફો બેકટેરીયા અને ૧ લિટર પોટાશ બેકટેરીયા આ ત્રણેય મિશ્ર કરી છોડ દીઠ ર૦૦-૨૫૦ મિ.લિ. પ્રવાહી થડમાં આપવું.
કેળ એ પાણી પ્રિય પાક છે તેથી કયારેય પાણીની ખેંચ પડવા ન દેવી. રોપણી પછી તુરત જ પાણી આપવું. ત્યારબાદ શિયાળા દરમ્યાન ૧૦-૧૨ દિવસે અને ઉનાળમાં અઠવાડિયે પાણી આપવું. ટપક સિંચાઈ દ્વારા જો પાણી આપવાનું હોય તો શરૂઆતમાં છોડના વિકાસ દરમ્યાન ૧૫-૨૦ લિટર એકાંતરે દિવસે, શિયાળામાં ૨૦-૩૦ લિટર અને ઉનાળામાં ૪૦-૫૦ લિટર પાણી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ આપવું.
સજીવ ખેતી માટે વાડી અને આજુબાજુના શેઢાપાળા સાફ રાખવા તેથી મહદ અંશે જીવાતોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે તથા પાક સંરક્ષણમાં ટ્રાયકોડર્મા, પેસીલોમાયસીસ, લીમડા આધારિત જૈવિક દવાઓ વાપરવી.
સામાન્ય રીતે છોડ દીઠ સરેરાશ ૨૦-૨૨ કિલોની લુમ મળે છે અને પ૦ થી ૬૦ ટન ઉત્પાદન મેળવી શકાય છે.
ગુજરાતમાં કેળ, આંબા (કેરી) પછીનો અગત્યની ફેળપાક છે. જે એકમ દીઠ વધુ ઉત્પાદન, આવક અને વધુ કેલરી શક્તિ આપવા જણીતો છે. કેળાનું ફળ ૨૭ ટકા કાર્બોહાઈડ્રેટસ અને ૨૦ ટકા શર્કરા ધરાવે છે. કાચા કેળાનું શાક થાય છે. કેળામાંથી વેફર, પાઉડર, બેબી ફૂડ અને તાજા ખાવામાં ઉપયોગ થાય છે. કેળના પાનમાંથી જમવાની ડીશ તરીકે અને કપ બને છે. થડમાંથી રેસા બને છે અને તે દ્વારા અનેક બનાવો પણ બને છે તેથી | ખેડૂતોમાં હવે સેન્દ્રિય ખેતી એટલે કે સજીવ ખેતી તરફ ઢળતા થયા છે. તેને ધ્યાને લઈ સિન્દ્રિય ખેતી કરવામાં રસ ધરાવતા ખેડૂતોને આ અંગે માર્ગદર્શન આપવા પ્રયત્ન કરેલ છે. જે ગુજરાતના ખેડૂત સારી ગુણવત્તાવાળા કેળનું ઉત્પાદન કરી નિકાસ માટેની ઉત્તમ તક પુરી પાડશે.
સ્ત્રોત :કે ડો. એમ. જે. પટેલ ડો. એચ.સી. પટેલ,ડૉ. એ.વી. કોટેચા, બાગાયત વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુવિનર્સિટી, આણંદ
કૃષિગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020