સજીવ ખેતી માટે જરૂરી એવા પદાર્થોમાં એક એવા ગૌમૂત્રના ઉપયોગથી પાકને પણ પુરતું પોષણ મળવાની સાથે પાકની ગુણવત્તા પણ સારીએવી જળવાઈ રહે છે. ત્યારે આ ગૌમૂત્રનો ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરવો, તે અંગે માહિતી આપતા કછોલી ગામના ખેડૂત દીપકભાઈ પટેલે પોતાના અનુભવના આધારે તૈયાર કરેલી વિગતો અહીં આપી છે, તે આપણે જોઇએ.
તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે ગૌમૂત્ર એક ઉત્તમ ખાતર, ફુગનાશક અને પાક માટે વૃદ્ધિકારક છે. ગૌમૂત્ર વનસ્પતિઓ માટે કુદરતી ખાતર એટલે કે પોષક દ્રવ્ય છે. ઘણાં ખેડૂતો તેને અમૃત સંજીવની ગણે છે. તો કેટલાક ખેડૂતો તેને કુદરતી યુરિયા પણ ગણાવે છે. ગાભણી કે દુજણી ગાય ગોય તો તેના મુત્રમાં હામોgન્લ પણ વધારે હોય છે. ગૌમૂત્ર સેન્દ્રિય પદાર્થ અને નાઈટ્રોજનની દ્રષ્ટિએ ઉત્તમ છે.
તેમણે જણાવ્યું કે ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ગૌમૂત્ર ઉપર કરેલા પ્úથ્થકરણ મુજબ ગૌમૂત્રમાં સેન્દ્રિય પદાર્થ ૭૮.૪ ટકા, નાઈટ્રોજન ૧૦.૬ ટકા, પોટાશ ૭.૨ ટકા અને ફોસ્ફરિક એસિડ ૦.૨ ટકા હોય છે. જે ખેતી માટે અતિઉત્તમ પદાર્થો છે.
ગૌમૂત્રના ઉપયોગ બાબતે તેમણે જણાવ્યું કે ગૌમૂત્ર પિયતમાં પણ આપી શકાય અને પંપ વડે પણ તેનો છંટકાવ ખેતરોમાં કરી શકાય છે. જો ગૌમૂત્ર પિયતમાં આપવું હોય તો એક પ્લાસ્ટિકના નળવાળા કેરબામાં ગૌમૂત્ર અને ધોરિયામાં જ્યાંથી પાકનું વાવેતર શરૂ થતું હોય ત્યાં રાખવું. ટીપે ટીપે અથવા અત્યંત ધીમી ધારે ગૌમૂત્ર ધોરિયામાં જતાં પાણીમાં પડે તે રીતે નળ ખુલ્લો રાખવો જોઇએ.
સજીવ ખેતીમાં ગૌમૂત્રના ઉપયોગ કરવાના પ્રમાણ વિશે મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે. કચ્છ વિસ્તારમાં કેટલાક ખેડૂતો એક પંપમાં ૨ લિટર ગૌમૂત્ર વાપરાવાના અનુભવો કરી ચુક્યાં છે જે મહદ્અંશે સફળ પણ થયાં છે. દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક ખેડૂતો તેનો ઉપયોગ કરી અનુભવોના આધારે સવા બે કે અઢી લિટર જેટલો ઉપયોગ એક પંપમાં કરે છે. પરંતુ ખેડૂતોએ જાતે જ પોતાના ખેતરોમાં ગૌમૂત્રનો ઉયોગનો અનુભવ કરી આગળ વધવું જોઇએ. ગૌમૂત્રના વધારે ઉપયોગ કરવાથી પાક બળી જવાની સંભાવના રહેલી છે. એક એકરમાં પાંચથી સાત લિટર ગૌમૂત્ર આપી શકાય.
જો ગૌમૂત્રનો છંટકાવ કરવાનો હોય તો એક પંપમાં ૩૦૦ મિલીથી શરૂઆત કરી શકાય છે. ગૌમૂત્રનો છંટકાવ સવારે ૧૦ કલાક પહેલા અથવા તો સાંજે ૪ કલાક પછી કરવો હિતાવહ હોવાનું તેમણે જણાવ્યું હતું.
યોગ્ય માત્રામાં ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઘણાં ફાયદા થાય છે. ગૌમૂત્રથી પાકને પોષણ મળે છે. તેની સાથે પાકની ગુણવત્તા પણ સુધરે છે. ગૌમૂત્રથી જમીનજન્ય ફુગના રોગનો અને ઉધઈનો નાશ થાય છે. ગૌમૂત્રથી જમીનના ક્ષાર પણ ઓછાં થઈ જતાં હોવાનું એક અનુભવના આધારે દીપક પટેલને જાણવા મળ્યું છે. આ પ્રયોગ ખેડૂતોએ અપનાવવા જેવો ખરો.
સ્ત્રોત: કૃષિ ગુરુ બ્લોગ સ્પોટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020