નીંદણ વ્યવસ્થાપનની પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફેલાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય તેમ છે.
પ્રતિરોધક પધ્ધતિઓ:
૧. ભૌતિક પધ્ધતિ
ર. યોગ્ય પાક પધ્ધતિ
૩. જૈવિક પધ્ધતિ
૪. રાસાયણિક પધ્ધતિ
પ. લેસર કિરણોની રીત
૬. કાયદાથી વ્યવસ્થાપન
૭. સોઇલ સોલરાઇઝેશન
આ રીતમાં નીંદણ વ્યવસ્થાપન જુદી જુદી ભૌતિક પધ્ધતિઓથી કરવામાં આવે છે.
ખેડાણ જમીનમાં યોગ્ય પાક પધ્ધતિ નીંદણ વ્યવસ્થાપનમાં ઘણી જ અસરકારક માલૂમ પડેલ છે. યોગ્ય પાક પધ્ધતિથી નીંદણની સંખ્યા ઘટે અને સાથે સાથે નીંદણ નબળા પડે જેનાથી અન્ય રીતો કરતા સહેલાઇથી નીંદણ વ્યવસ્થાપન કરી શકાય છે. અન્ય રીતો કરતા આ પધ્ધતિ ઓછી ખર્ચાળ છે અને અસરકારક પરિણામો મેળવી શકાય છે.
આ પધ્ધતિમાં નીંદણ વ્યવસ્થાપન માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જેને નીંદણનાશક કહેવામાં આવે છે. નીંદણનાશક કયારે વાપરી શકાય તથા ક્યા પાકમાં ક્યા સમયે અને કેટલા પ્રમાણમાં વાપરવી તેની જાણકારી જરૂરી છે.
સોઇલ સોલરાઇઝેશન પધ્ધતિ દ્વારા વાતાવરણ પાક પાણી તથા જમીનને પ્રદૂષિત કર્યા સિવાય નીંદણ નિયંત્રણ કરી શકાય છે. ઉનાળામાં ખૂબ ગરમી હોય ત્યારે એપ્રિલ-મે માસ દરમ્યાન જમીનમાં પિયત આપી વરાપ થયે ર૫ માઇક્રોન (૧૦૦ ગેજ) એલ.ડી.પી.ઇ. પારદર્શક પ્લાસ્ટિક ૧૫ દિવસ સુધી જમીન ઉપર હવાચુસ્ત રીતે ઢાંકી રાખવાથી જમીનનું તાપમાન સામાન્ય રીતે ૪૫-૪૬૦ સે. હોય છે તે સોઇલ સોલરાઇઝેશન દ્વારા ૧૦-૧ર૦ સે. વધુ ઉચું જાય છે. જમીનના ઉપરના સ્તરમાં તાપમાન વધતાં જમીનમાં રહેલ નીંદણના બીજની સ્ફૂરણશક્તિ નાશ પામે છે. સોઇલ સોલરાઇઝેશન અપનાવ્યા બાદ જમીનના સ્તરને ઉથલપાથલ કર્યા સિવાય પાકની વાવણી કરવાથી અસરકારક નીંદણ વ્યવસ્થાપન મળે છે. આ ઉપરાંત જમીનમાં રોગ કરનારા જીવાણુઓ ફુગ તથા કૃમિનું પણ નિયંત્રણ થાય છે. આ પધ્ધતિને લીધે જમીનમાં રહેલા કેટલાક જરૂરી આવશ્યક અલભ્ય પોષકતત્વો લભ્ય સ્વરૂપમાં ફેરવાતાં છોડને શરુઆતના ઉગાવા દરમ્યાન સહેલાઇથી મળતા હોવાથી છોડ તંદુરસ્ત રહે છે. નીંદણ નિયંત્રણ યોજના આણંદ દ્વારા હાથ ધરેલ સોઇલ સોલરાઇઝેશન સંશોધન અભ્યાસમાં ચોમાસુ ભીંડાના પાકમાં બિન-સોઇલ સોલરાઇઝેશન માવજત કરતા સોઇલ સોલરાઇઝેશન માવજતમાં ભીંડાનું ર૭% જેટલું વધુ ઉત્પાદન તેમજ ૭૪% સુધી નીંદણ વ્યવસ્થાપન થયેલ જોવા મળેલ છે. ધરુવાડિયાના પાકો તથા વધુ આવકવાળા પાકોમાં સોઇલ સોલરાઇઝેશન પધ્ધતિ નીંદણ વ્યવસ્થાપન માટે અસરકારક છે.
સોઇલ સોલરાઇઝેશન પધ્ધતિથી વિવિધ પાકોમાં ઉત્પાદનમાં થયેલ વધારો |
|||
પાકનું નામ |
ઉત્પાદન (કિ.ગ્રા./હે) |
ઉત્પાદનમાં વધારો (%) |
|
બિન-સોઇલ સોલરાઇઝેશન |
સોઇલ સોલરાઇઝેશન |
||
ભીંડા |
૫૭૪૦ |
૭૨૮૦ |
૨૭ |
સોયાબીન |
૧૦૮૦ |
૧૭૨૮ |
૬૦ |
સૂર્યમુખી |
૧૦૦૨ |
૧૧૩૪ |
૧૩ |
બાજરી |
૨૭૫૦ |
૩૨૭૫ |
૧૯ |
નીંદણના ઉગાવા ઉપર સોઇલ સોલરાઇઝેશનની અસર |
|||
નીંદણ |
નીંદણની સંખ્યા/ચોરસ મીટર વિસ્તાર |
નીંદણનું વ્યવસ્થાપન (%) |
|
બિન-સોઇલ સોલરાઇઝેશન |
સોઇલ સોલરાઇઝેશન |
||
ચોકડીયુ |
૧૩૯ |
૨૧ |
૮૪.૮ |
બંટ |
૨૧ |
૨ |
૯૦.૫ |
ચીઢો |
૫૨ |
૪૦ |
૨૩.૦ |
ગુલ્લી દંડા |
૪૧ |
૦ |
૧૦૦ |
ચીલ |
૩૦ |
૦ |
૧૦૦ |
કણજરો |
૧૨૫ |
૩ |
૯૭.૬ |
ભોંયઆમલી |
૧૭ |
૭ |
૫૮.૮ |
સાટોડો |
૧૭૩ |
૩ |
૯૮.૨ |
મેથીયું |
૮૮ |
૮૨ |
૬.૮ |
નાળી |
૩ |
૩ |
૦.૦ |
વાકુંબા |
૧૦૦ |
૨૦ |
૮૦.૦ |
સંશોધન અખતરાઓમાં સોઇલ સોલરાઇઝેશન પધ્ધતિથી નીંદણ વ્યવસ્થાપન થતાં ઉત્પાદનમાં ૧૩% થી ૬૦% વધારો જોવા મળેલ છે. જે સોઇલ સોલરાઇઝેશન પધ્ધતિની ફાયદાકારક અસરોનું પરિણામ છે.
સોઇલ સોલરાઇઝેશન પધ્ધતિ દ્વારા ઉનાળામાં જમીનનું ઉષ્ણતામાન ઉંચુ લઇ જતાં નીંદણના બીજની સ્ફૂરણશક્તિ નાશ પામે છે. કોષ્ટકમાં આપેલ આંકડા જમીનના ઉપરના સ્તરમાં રહેલા કેટલાક નીંદણોના બીજની સ્ફૂરણશક્તિ નાશ પામતાં ઉગાવા પર થયેલ અસર દર્શાવેલ છે. આંકડાઓ પરથી ફલિત થાય છે કે પાકમાં થતા હઠીલા નીંદણો ઉપરાંત પરોપજીવી નીંદણોનું વ્યવસ્થાપન સોઇલ સોલરાઇઝેશન દ્વારા થઇ શકે છે.
નીંદણ નુકશાનકર્તા ન બને અને તેનું વ્યવસ્થાપન થાય તે ખેડૂતને માટે અગત્યનું છે. ઉપરોક્ત નીંદણ વ્યવસ્થાપન અંગેના જુદા જુદા ઉપાયોનો સમજપૂર્વક ઉપયોગ કરવા છતાં ઘણીવાર નીંદણ વ્યવસ્થાપન અસરકારક ન પણ બને આ માટે નીંદણ વ્યવસ્થાપનને અસર કરતા કેટલાક પરિબળો જવાબદાર છે. નીંદણનું જીવનચક્ર, નીંદણનાં લક્ષણો, વૃધ્ધિની ખાસિયતો, જમીનનો પ્રકાર અને જમીનમાં રહેલ ભેજ નીંદણનાં ફેલાવાનો વિસ્તાર તથા ઉગાવા દરમ્યાનની ઋતુ તથા વાતાવરણ જેવા પરિબળો ભાગ ભજવે છે.
નીંદણ વ્યવસ્થાપનમાં સફળ થવા માટે નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ રીતો બહુવર્ષિય નીંદણો માટે અનુકુળ ન પણ હોય. વાર્ષિક નીંદણનો ફેલાવો મુખ્યત્વે બીજથી થતો હોય છે, જેથી આવા નીંદણ ફૂલ કે બીજ અવસ્થા એ પહોંચે તે પહેલા તેનો નીંદણ વ્યવસ્થાપનની કોઇ એક કે વધારે પધ્ધતિનો ઉપયોગ કરી નાશ કરવાથી અસરકારક રીતે નીંદણનો ફેલાવો થતો અટકાવી શકાય છે.
કાયમી પ્રકારના નીંદણનું પ્રસર્જન બીજ તથા વાનસ્પતિક ભાગ જેવા કે ગાંઠો, પીલા, રાઇઝોમ્સ, મૂળ, થડ કે પાનથી થાય છે. બીજમાંથી તૈયાર થતા નીંદણનો નાશ કરવો તથા વાનસ્પતિક ભાગથી તૈયાર થતા નીંદણ ખેડકાર્યો, હાથ નીંદામણ કે રાસાયણિક પધ્ધતિનો ઉપયોગ કરી તેની ઉગવાની ક્ષમતા નષ્ટ કરી તેનું નિયત્રણ કરવા જરૂરી છે.
જુદી જુદી પરિસ્થિતિમાં નીંદણ કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તે જાણવું જોઇએ. દા.ત. સૂકા વિસ્તારમાં થતા નીંદણ ક્યારીની જમીનમાં જોવા મળે તો તેનો પાણી ભરી નાશ કરી શકાય.
રેતાળ અને ગોરાડુ જમીનમાં વાયુરૂપ નીંદણનાશક રસાયણો જેટલા અસરકારક રહે તેટલા અસરકારક ભારે જમીનમાં રહેતા નથી. એ જ પ્રમાણે પાણી ભરીને ભારે ક્યારીની જમીનમાં નીંદણ વ્યવસ્થાપન અસરકારક રીત કરી શકાય છે. પૂરતો ભેજ હોય તો ભીની જમીનમાં રાસાયણિક નીંદણ વ્યવસ્થાપનની પધ્ધતિ સૂકી જમીન કરતા સારાં પરિણામો આપે છે. ભારે કાળી જમીનમાં પોષક તત્વો તથા સાનુકૂળ વાતાવરણ હોવાથી ભેજ મળતાં નીંદણનો ઉગાવો તીવ્ર તથા વધુ હોય છે જ્યા રેતાળ હલકી જમીનમાં નીંદણનો ફેલાવો પ્રમાણમાં ઓછો હોય છે.
ઓછા વિસ્તારમાં ખર્ચાળ છતાં અસરકારક ઉપાય અપનાવવો. હાથથી નીંદણ વ્યવસ્થાપન ઓછા વિસ્તારમાં સરળ પધ્ધતિ હોવાથી અપનાવી શકાય, જ્યાંરે મોટા વિસ્તારમાં નીંદણનાશક રસાયણના ઉપયોગની પધ્ધતિ આર્થિક રીતે વધુ અનુકૂળ જણાય છે.
મિશ્ર પાક પધ્ધતિ, વાવણીની રીત, પાક લેવા માટેનો હેતુ વગેરે નીંદણ વ્યવસ્થાપનને અસર કરે છે. કપાસના પાકમાં નીંદણ વ્યવસ્થાપન માટેની રીત તથા કપાસ અને મગના મિશ્ર પાક માટે નીંદણ વ્યવસ્થાપનની રીત જુદી જુદી હોઇ શકે.
સ્ત્રોત : આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020