অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નીંદણનો ફેલાવો

નીંદણનો ફેલાવો

આજના ખેડૂતને પાકની વાવણી સમયે તથા વાવણીબાદ ઉભા પાકમાં કોઇ સતત સતાવતી સમસ્‍યા હોય તો તે પાકમાં ઉગતા અને ઉત્‍પાદનમાં અડચણરૂપ બનતા નીંદણો અને નીંદણોનો ઉગાવો છે. નીંદણને કાબૂમાં લેતા પહેલા જો નીંદણનો ફેલાવો કઇ રીતે થાય છે તથા નીંદણની વૃધ્ધિની ખાસ પ્રકારની ખાસિયતોથી ખેડૂત વાકેફ હોય તો ઉત્‍પાદનમાં ઘટાડો થયા સિવાય ખેતરમાં જે તે પાકમાં નીંદણના ફેલાવાને અસરકારક રીતે અટકાવી શકાય છે. પવન, પાણી, છાણિયું ખાતર, કમ્‍પોસ્‍ટ ખાતર માણસ, પશુ પંખીઓ, ખેત ઓજાર, પાકની વાવણી સમયે ખરીદ કરવામાં આવતા સર્ટિફાઇડ સિવાયના બીજ તથા નીંદણયુક્ત વિસ્તારમાંથી પસાર થતા પાણીનો પિયત તરીકે ઉપયોગ વગેરે આડતિયા કે નીંદણના ફેલાવામાં એજન્‍ટ તરીકે કામ કરે છે. એક વખત નીંદણનો  ખેતરમાં પ્રવેશ થયા પછી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં નીંદણ ખેતરમાં હક્ક જમાવે છે અને હઠીલાઇ કરે છે. નીંદણની કેટલીક વિશિષ્‍ટ પ્રકારની ખાસિયતોના કારણે નીંદણનો વ્યાપ વધતો જાય છે

બીજ ઉત્‍પાદન અને બીજ સ્‍ફૂરણની ખાસિયતો:

વા‍ર્ષિ‍ક જીવનચક્ર ધરાવતા નીંદણો વિપુલ પ્રમાણમાં બીજ ઉત્‍પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. નીંદણ પ્રચંડ સ્‍ફૂરણશક્તિ ધરાવતા હોવાથી તથા વર્ષો સુધી સ્‍ફૂરણશક્તિ ટકાવી શકતા હોવાથી કોઇપણ ઋતુમાં સાનુકૂળ પરિસ્થિતિ મળતા ઉગી નીકળે અને ઉપદ્રવ કરે છે.

વધુ સંખ્‍યામાં બીજ ઉત્‍પન્‍ન કરવાની શક્તિ:

નીંદણો એક સાથે એક જ છોડ ઉપર ખૂબજ મોટી સંખ્‍યામાં બીજ ઉત્‍પન્‍ન કરવાની શક્તિ ધરાવે છે, જેના થોડા ઉદાહરણ નીચે દર્શાવેલ છે.

નીંદણનું નામ

છોડદીઠ બીજની સંખ્યા

નીંદણનું નામ

છોડદીઠ બીજની સંખ્યા

તાદળજો

૧,૮૦,૨૨૦

ડીડીયુ

૭,૦૦૦

સામો

૫,૦૦૦

કણજરો

૧,૧૨૦

ચીલ

૭૨,૪૫૦

ચોકડીયુ

૮,૯૮૦

લૂણી

૫૨,૩૦૦

ભોયઆંબલી

૧,૦૨૦

અમરવેલ

૧૬,૦૦૦

મેથીયું

૩,૧૦૦

કોંગેસઘાસ

૫,૦૦૦

નાળી

૨૨૦

ગુલ્લીદંડા

૫૦૦

સાંકળીયુ

૧,૨૦૦

સાટોડો

૫,૨૦૦

સેમૂલ

૨,૪૫૦

નીંદણના બીજમાં સુષુપ્‍ત રહેવાની  ખાસિયત:

નીંદણના બીજ જુદા જુદા ત્રણ પ્રકારની સુષુપ્ત અવસ્થા ધરાવે છે

  1. જમીનમાં દબાયેલ બીજનું દીર્ઘાયુષ્‍ય: આ એક સર્વ સામાન્‍ય હકીકત છે કે જમીનમાં દબાયેલ બીજ ૧૦ વર્ષઅથવા તેથી પણ વધારે સમય માટે સ્‍ફૂરણશક્તિ જાળવી રાખે છે. દા.ત. ચીલના બીજ ૩૮ વર્ષ પછી પણ ૭% સ્‍ફૂરણશક્તિ ધરાવે છે.
  2. કેટલાક નીંદણનાં બીજ પ્રતિકુળ પરિસ્થિતિ માં સુષુપ્‍ત અવસ્થામાં રહે છેઅને જ્યારે પરિસ્થિતિ સાનુકુળ થાય ત્યારે જ સ્ફૂરણ પામે છે ખરાબ આબોહવામાં પણ નીંદણ તેનું જીવન ટકાવી રાખે છે. દા.ત. વાંકુબાના બીજ
  3. કેટલાક નીંદણના બીજ જનીનિક રીતે સુષુપ્‍ત અવસ્‍થા ધરાવે છે અને તરત જ ઉગી શકતા નથી. દા.ત. જંગલી ઓટ

જલ્‍દી બીજ ઉત્‍પન્‍ન કરવાની ક્ષમતા:

મોટા ભાગના નીંદણોમાં પ૦% ફૂલ આવે ત્‍યારે ર૦% જેટલા બીજ બેસી ગયેલ હોય છે, જ્યારે કેટલાક નીંદણો પરિપક્વ થાય તે પહેલા ઉખાડી છાયામાં રાખવામાં આવે તો પણ બીજ ઉત્‍પાદન પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે. દા.ત. લૂણી
આ ઉપરાંત વિશિષ્‍ટ હકીકત એ છે કે નીંદણ પરિપક્વ થાય તે પહેલાં પણ પ્રતિકૂળ આબોહવામાં પોતાનું જીવનચક્ર ટૂંકાવી બીજ ઉત્‍પન્‍ન કરી શકે છે. દા.ત. ચીલનો છોડ સામાન્‍ય પરિસ્થિતિમાં ૩૦ સે.મી. અથવા તેનાથી વધારે ઉંચાઇનો થાય છે, જ્યારે ખરાબ પરિસ્થિતિમાં ૩ સે. મી. ની ઉંચાઇએ પણ બીજ ઉત્‍પન્‍ન કરે છે. આ હકીકત જોતાં જણાય છે કે નીંદણ બીજ ઉત્‍પન્‍ન કરવાની પ્રક્રિયામાં ખેડૂતોને છેતરે છે.

વાનસ્‍પતિક વૃધ્ધિ કરવાની શક્તિ:

મોટાભાગના નીંદણો વાનસ્‍પતિક ભાગોમાંથી નવો છોડ સહેલાઇથી ઉત્‍પન્‍ન કરે છે. દા.ત. ગાંઠામૂળી (Rhizome) કેના, ગ્રંથીલ (Tuber) જંગલી ડુંગળી, ભુરોહી (Sucker) અને વજ્રકંદ (Root Stocks) બરૂ

કેટલાક કાયમી નીંદણોની જમીનમાં મૂળ ની લંબા

નાળી    ­-   પ૧૦ સે.મી.

દાભ     -   ૧૨૫ સે.મી.

ચીઢો    -     ૪૫ સે.મી.

ઉપરોક્ત નીંદણોનો જમીન ઉપરનો ભાગ કાપી નાખવામાં આવે તો જમીનમાં રહેલ ભાગમાંથી નવો છોડ સહેલાઇથી ઉત્‍પન્‍ન થાય છે.

ફેલાવા માટેની ખાસિયતો:

પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ, ખેત ઓજારો, બિયારણ અને સેન્દ્રિય ખાતરો દ્વારા નીંદણના બીજ ઝડપથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફેલાય છે અને જ્યાં તેને વૃધ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિ મળી રહે છે ત્યાં તેનો ઉગાવો થાય છે. પવન મારફતે ફેલાતા નીંદણો અટકાવવા ઘણા જ મુશ્‍કેલ છે. આવા નીંદણના બીજની વિશિષ્‍ટ રચના હાય છે જેથી પવનથી સહેલાઇથી ઉડી શકે છે અને એક સ્‍થળેથી બીજે સ્‍થળે જઇ શકે.

ઘણીવાર ખેડૂતો જાણે અજાણે તેમના પશુઓને પાકટ બીજવાળા નીંદણો ખવડાવે છે, જે પૈકી મોટાભાગના નીંદણના બીજ સ્ફૂરણશક્તિ ગુમાવ્યા સિવાય છાણમાં બહાર આવે છે. આ છાણને બરોબર કહોવડાવવામાં ન આવે તો નીંદણના બીજ કમ્પોસ્ટ ખાતર મારફતે ખેતરમાં આવે છે.

જંગલી ડાંગર અને અમરવેલ જેવા નીંદણનાં બીજ અનુક્રમે ડાંગર અને રજકાના બીજ સાથે ભળી  જઈ બિયારણ મારફતે ખેતરમાં આવે છે

અમુક નીંદણો મનુષ્‍ય દ્વારા ફેલાય છે. શરુઆતમાં માણસ તેના ચોક્કસ ઉપયોગ માટે ઉગાડે છે, પરંતુ પાછળથી સાવચેતી ન રાખતા તે આજુબાજુના વિસ્તારમાં ફેલાઇ જાય છે. દા.ત. લેન્‍ટેના કેમેરા અને જળકુંભી શોભાના છોડ તરીકે દેશમાં લાવવામાં આવેલ હતા પરંતુ લેન્‍ટેના કેમરા જંગલો તથા બિનપાક વિસ્‍તારોમાં ખૂબ જ પજવતું નીંદણ થયુ અને જળકુંભી તળાવ તથા બંધિયાર પાણીવાળી જગ્‍યામાં નાથવું મુશ્‍કેલ થઇ રહયુ છે.

વારસાગત રીતે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવાની શકિત:

મોટા ભાગના નીંદણો કુદરતી આફત જેવી કે ભેજની અછત, વધુ ગરમી, હિમ તેમજ જમીન અને પાણીમાં વધુ ક્ષારો, પોષક તત્‍વોની અછત વગેરે સામે ટકી રહે છે અને પોતાનું જીવનચક્ર પુરૂ કરે છે. કારણ કે...

 

  • નીંદણના મૂળ સામાન્‍ય રીતે પાક કરતાં વધુ પ્રમાણમાં અને મજબૂત હોય છે
  • નીંદણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાનું જીવનચક્ર ટૂંકાવી શકે છે
  • પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુષુપ્તાવસ્થા અને અનુકૂળ સંજોગોમાં ઝડપી સંવર્ધન કરવાની શક્તિ ધરાવે છે
  • નીંદણ ગમે ત્‍યાં સહેલાઇથી ઉગી શકે છે એના માટે જમીનની તૈયારી કે ખાતરની જરૂરીયાત રહેતી નથી

 

જુદા જુદા નીંદણની સંખ્‍યામાં વિવિધતા:

લગભગ ૩૦,૦૦૦ નીંદણની જાતો છે. આ જાતોની કેટલીયે જાણીતી પ્રજાતિઓ છે જે જુદી જુદી પરિસ્થિતિમાં સહેલાઇથી ઉગી શકે છે. આ માટે એક સ્થળે નીંદણની એક જાત માટે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ત્‍યાં બીજી જાત માટે એ પરિસ્થિતિ અનુકૂળ હોય છે.

નીંદણનો દેખાવ અને સ્‍વાદ:

ઘણા નીંદણો તેના ખરાબ સ્‍વાદ, ગંધ કે કંટકને કારણે પશુઓ મારફતે થતા નુકસાનમાંથી કે ખાવામાંથી છટકી જાય છે. જ્યારે અમુક નીંદણો તેના મુખ્‍ય પાક જેવા જ દેખાવ અને આકારને કારણે મનુષ્‍યના નિયંત્રણમાંથી છટકી જાય છે. દા.ત. ડાંગરના ખેતરમાં બંટ, જીરુના ખેતરમાં જીરાળો, ઘઉંના ખેતરમાં ગુલ્‍લી દંડા તથા ડુંગળીના ખેતરમાં ડુંગળો.

ઉપરોકત હકીકત જોતા સ્‍પષ્‍ટ જણાશે કે નીંદણોને કુદરતે બક્ષેલી વ્‍યવસ્‍થા મારફતે મનુષ્‍ય દ્વારા અજમાવવામાં આવતા વિવિધ નીંદણ નિયંત્રણના ઉપાયોમાંથી છટકી જાય છે અથવા તેની સામે ટકી રહે છે. આથી નીંદણમુકત ખેતી મુશ્‍કેલ છે, પરંતુ આર્થિક રીતે પોષાય તેટલું પાક ઉત્‍પાદન લઇ શકીએ તેટલી હદ સુધી નીદણનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એ દિશામાં વિચારવું મહત્વનું છે.

સ્ત્રોત: આણંદ યુનિવર્સિટી

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate