অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા આધુનિક ખેતી

ખેતીવાડીમાં પ્લાસ્ટિકના ઉપયોગને પ્લાસ્ટિકલ્ચર કહેવામાં આવે છે. ખોરાકની વધતી જતી જરૂરિયાત પુરી પાડવા માટે મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ જળ અને જમીનમાંથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જળ અને જમીનનાં સંરક્ષણ અને કાર્યક્ષમ ઉપયોગ, માનવશક્તિ બચાવવા સુધારેલા ખેતીનાં ઓજારોમાં, કાપણી પછીની પ્રક્રિયાના સાધનોમાં તેમજ વધુ ઉત્પાદન મેળવવા અને પેકેજિંગ અને સાચવણી માટે પ્લાસ્ટિક અગત્યનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે કૃષિ ક્ષેત્રે એલડીપીઈ, એચડીપીઈ, પોલીપ્રોપલીન, પીવીસી અને નાયલોન જેવા પ્લાસ્ટિક વપરાય છે. કૃષિ ક્ષેત્રે નીચે મુજબ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

જમીન સંરક્ષણ

જમીનનાં ઉપલા ફળદ્રુપ પડને પવન અને પાણી દ્વારા થતા ધોવાણ, જમીનમાં થતા મોટા કોતરો તેમજ કેનાલનાં કાંઠાનું ધોવાણ અટકાવવા પ્લાસ્ટિક સીટ ખૂબ જ ઉપયોગી છે. ઝડપથી ફૂંકાતા તીવ્ર પવનને લીધે થતા જમીનનાં ધોવાણ અટકાવવા નકકર વિન્ડ બ્રેક પ્લાસ્ટિક બનાવટનાં હોવાથી સસ્તા અને અનુકૂળ છે જે ઠંડા કે ગરમ પવન રોકી પાકને થતું નુકસાન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

જળ અને નિતાર વ્યવસ્થા/પિયત પદ્ધતિ:


પાણીની અછતવાળા વિસ્તારમાં તળાવમાંથી ઝરતુ પાણી અને નિતાર અટકાવવા માટે 100 થી ૮00 ગેજની જાડાઈનાં પ્લાસ્ટિકને તળાવના અસ્તર (પોન્ડ લાઈનિંગ) તરીકે ઉપયોગ કરવાથી ઘણું પાણી બચાવી શકાય છે. ખેડૂતોને ખેતરમાં પાણીની વહેંચણીમાં પીવીસી, એચડીપીઈ, એલડીપીઈ તથા કૃષિ (કિસાન) હોસ પાઈપ ખૂબ જ ઉપયોગી છે જેથી પાણી અને ઊર્જાની  બચત થાય છે.

બોર ભરાઈ જતો અટકાવવા માટે પીવીસી અથવા એચડીપીઈ કોલમ પાઈપ કેસિંગ તરીકે ઉતારવામાં આવે છે. બોર તથા કૂવામાંથી એચડીપીઈ પાઈપ દ્વારા પાણી બહાર કાઢવામાં આવે છે. આ પાઈપ પર જમીનમાં પાણી સાથે રહેવા છતાં કાટ લાગતો નથી અને રસાયણોની અસર થતી નથી. આથી ધાતુના પાઈપના સ્થાને પ્લાસ્ટિકના પાઈપનો ઉપયોગ ખૂબ જ વધવા લાગ્યો છે. આ ઉપરાંત કે જ્યાં પાણી સતત ભરાઈ રહેતું હોય ત્યાં વોટર લોગિંગ અટકાવવા, જમીનને ક્ષારમુક્ત કરવા તેમજ જમીનમાં વોટર ટેબલને નીચું લઈ જવા માટે પાણીના નિકાલની વ્યવસ્થામાં પાઈપનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. પિયત પંપમાં પ્લાસ્ટિકના રોટરનો ઉપયોગ કરવાથી વધુ કાર્યક્ષમતા મેળવી શકાય છે.

પાણીની અછતવાળા અથવા પહાડી વિસ્તારમાં જયાં ચોમાસામાં પાણી ખૂબ જ ઝડપી વહી જતું હોય છે ત્યાં પીવા માટે તેમજ પિયત આપવા પાણીનો સંગ્રહ માટે મોટી કેપેસિટીનાં ટાંકા ખૂબ જ ઉપયોગી છે. આ ટાંકામાંથી ટપક પદ્ધતિથી ટાંકામાંથી ટપક પદ્ધતિથી પિયત આપવાથી બાકીની ઋતુમાં પાક લઈ શકાય છે. ફુવારા અને ટપક પિયત જેવી આધુનિક પદ્ધતિમાં મુખ્ય તથા પ્રશાખાના પાઈપો, જોઈન્ટસ, ખાતર-દવા આપવાની ટાંકી, ડ્રિપર વગેરે પ્લાસ્ટિકની બનાવટના હોય છે. પ્લાસ્ટિકના પાઈપમાં પાણીનું ઘર્ષણ બીજા પાઈપો કરતા ઓછું થાય છે તેમજ હેરફેરમાં અનુકુળ રહે છે અને વાતાવરણની અસર ખૂબ જ ઓછી થાય છે.

ગ્રીનહાઉસ / નેટહાઉસ / ટનલ્સ:


ગ્રીનહાઉસમાં વાતાવરણને નિયંત્રિત રાખવા માટે પ્લાસ્ટિક કાચ કરતાં સસ્તુ પડે છે. શરૂઆતનું રોકાણ, તૂટવાની મુશ્કેલી, ફિટિંગ જેવા મુદ્દાઓ જોતાં કાચના ગ્રીનહાઉસ કરતા પ્લાસ્ટિકનું ગ્રીનહાઉસ સસ્તુ પડે છે. ગ્રીનહાઉસ આવરણ એલડીપીઈ, ઈપીએ અથવા અન્ય પ્લાસ્ટિક મટીરિયલ્સનું બનેલું હોય છે. નેટહાઉસમાં આવરણ તરીકે અલગ-અલગ કલરની વપરાતી નેટ નાયલોનની બનેલ હોય છે. ગ્રીનહાઉસ થકી ઓછા ખર્ચે વધુ નફા સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા મૂલ્યવાન ફળ, ફૂલ, શાકભાજી કોઈપણ ઋતુમાં ઉગાડી શકાય છે. હારમાં ઉગાડવામાં આવતા પાકોને ઠંડી, વરસાદ, હિમ, તડકા, રોગ, જીવાતથી રક્ષણ આપવા માટે તેમજ શિયાળામાં બીજનાં ઝડપથી ઉગાવા માટે પ્લાસ્ટિકનાં આવરણવાળા ટનલ્સ ખૂબ જ ઉપયોગી છે.

સોઈલ સોલારાઈઝેશન / મલ્ચિગ / રો કવર :


સફેદ રંગની પ્લાસ્ટિક શીટનો સોલારાઈઝેશન તરીકે ઉપયોગ કરવાથી જમીનજન્ય રોગો, ફૂગ અને નીંદણનું નિયંત્રણ કરી શકાય છે અને જમીનની ગુણવત્તા જાળવી શકાય છે.

પાકની આજુબાજુની જમીન પર જે તે વિસ્તારનાં આબોહવાને અનુરૂપ મલ્ય પદ્ધતિમાં બ્લેક, સિલ્વરબ્લેક તેમજ જુદાજુદા પ્લાસ્ટિકશીટનો ઉપયોગ થાય છે. મલ્ચિગ ટેકનોલોજીથી જમીનનું તાપમાન, ભેજ, અંગારવાયુ અને બંધારણ જળવાઈ રહે છે. નીંદામણની વૃદ્ધિ અટકે છે પાકનું ઉત્પાદન વહેલું થાય છે અને બજારમાં ખેડૂતોને પુરતા ભાવ મળી રહે છે તેમજ પાક ઉત્પાદકતા વધે છે. આજકાલ બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધવા લાગ્યો છે કારણ કે આ પ્લાસ્ટિકમાં સ્ટાર્ચનો ભાગ હોવાથી જમીનમાં સૂક્ષ્મ જીવો તેને જમીનમાં ભેળવી દે છે અને બીજા પાક માટે આ પ્લાસ્ટિકનો નિકાલ ખર્ચ લાગતો નથી અને જમીનમાં જ સડી જાય છે. આ પ્લાસ્ટિક ઈકોફ્રેન્ડલી હોવાથી પર્યાવરણને નુકસાન થતું ટકે છે. શિયાળામાં લાઈનવાળા શાકભાજીની આસપાસ તાપમાન જાળવવા તેમજ છોડની યોગ્ય વૃદ્ધિ કરવા ફલેકસીબલ પારદર્શક પ્લાસ્ટિક (રો-કવર) ઢાંકવામાં આવે છે.

નર્સરી બેગ

જંગલખાતામાં અથવા નર્સરીમાં રોપા ઉછેર માટે એલડીપીઈની બનેલ નાની બેગનો વ્યાપક ઉપયોગ થાય છે. જે જમીન તથા ભેજ સાથે હોવા છતાં ઝડપથી ફાટતી ન હોવાથી તેમજ હેરફેર માટે અનુકુળ હોવાથી ખૂબ ઉપયોગી થાય છે.

સૂકવણી :


ખેતીપાકોને સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે માટીના લીપણ કે રોડ પર સૂકવવા કરતાં કાળા પ્લાસ્ટિક પર રાખી સૂકવવાથી ઝડપથી સૂકાઈ જાય છે કારણ કે કાળા રંગ ગરમીનું વધુ શોષણ કરે છે. પશુ-પંખી કે ઉંદરથી થતું નુકશાન ઘટાડી શકાય છે અને બગાડ અટકાવી શકાય છે. આ જ રીતે સોલાર ડ્રાયરમાં પણ સૂકવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.

હેરફેર અને પરિવહન :


ટામેટા, જાંબુ, કેળા તેમજ કેરી જેવા ફળ-શાકભાજીને ખેતરથી બજાર સુધી અથવા પ્રોસેસિંગ યુનિટ સુધી લઈ જઈ આવવા મોલેડ પ્લાસ્ટિક ક્રેટનો ઉપયોગ કરવાથી નુકસાન અટકાવી શકાય છે.

પેકેજિંગ / સંગ્રહ :


દૂધ, ખાતર, જંતુનાશક દવાના પેકિંગ તરીકે પ્લાસ્ટિકનો ખૂબ જ ઉપયોગ થાય છે. તાજા ફળ-શાકભાજી, જ્યુસ કે મૂલ્ય વર્ધક બનાવટોને લાંબા સમય સુધી ગુણવત્તા સાથે સાચવી રાખવા મોડિફાઈડ એટમોસ્ફીયર પેકેજિંગ, ટેટ્રાપેક, શ્રીંક રેપિંગ, લેમિનેટસ કે રીટોર્ટેબલ પાઉચનો વ્યાપક અંશે ઉપયોગ થવા લાગ્યો છે જે ખોરાકને જીવાણુ મુક્ત રાખવામાં ઉપયોગી થાય છે.

પાણી હવા, ભેજ અને જંતુઓથી પાકને બચાવવા માટે કાચા ગોદામો, લોખંડની કોઠી, કોથળા કે પરાળની બનાવેલ કોઠીને બદલે પ્લાસ્ટિક બનાવટના પીપ અથવા કોઠીનો ઉપયોગ કરવાથી બગાડ અટકાવી ગુણવત્તા જાળવી શકાય છે. કઠોળ, તેલીબિયા, ધાન્યપાકો અને મસાલાપાકો માટે આવી કોઠીઓ ખૂબ જ ઉપયોગી છે. ડુંગળીને લાંબા સમય સુધી સાચવવા હવાની અવરજવર થઈ શકે તેવી પ્લાસ્ટિકની જાળીનો ઉપયોગ કરવાથી જલ્દીથી બગડી જતી નથી. કેપ સ્ટોરેજ અને પુરા બિન જેવા સુધારેલ સંગ્રહમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ગોડાઉનમાં પાકની કોથળીની થપ્પી નીચે ૨૫૦ માઈક્રોનની પ્લાસ્ટિકની સીટ લગાવવાથી જમીનમાંથી લાગતા ભેજથી રક્ષણ મેળવી શકાય છે.

ખેતઓજારો :

દાતરડી, પાવડો, કોદાળી, ખપાળી જેવા ખેતઓજારોમાં પ્લાસ્ટિકના બનેલા હાથાનો ઉપયોગ કરવાથી કાર્યક્ષમતા વધારી શકાય છે. ખાતર અને બિયારણ વાવવાના વાવણિયા, યુરિયા એપ્લિકેટર, દવા છાંટવાના પંપ તેમજ અન્ય ખેતઓજારોમાં શક્ય હોય ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી વજન ઘટે છે તેમજ કાર્ય કરવામાં સરળતા રહે છે.

પ્રોસેસિંગ સાધનો:

પીલર, બ્લેન્ડર, ગ્રાઈન્ડર જેવા પ્રોસેસિંગ સાધનોમાં હાથો તેમજ બોડી પ્લાસ્ટિક બનાવટના હોવાથી કામ આસાન બને છે. ફળ-શાકભાજીમાં સફાઈ તેમજ ગ્રેડિંગ કરવાના સાધનોમાં પ્લાસ્ટિકનો મહત્તમ ઉપયોગ કરવાથી ઓપરેશન દરમ્યાન થતા મીકેનિકલ ડેમેજને નિવારી શકાય છે.

પશુઓના શેડ (એનિમલ શેલ્ટર) :

પાલતુ પશુઓને ઠંડી, ગરમી તેમજ હિમથી રક્ષણ કરવા પ્લાસ્ટિકનાં પતરાનો શેડમાં ઉપયોગ કરવાથી ખર્ચ ઘટાડી શકાય છે.

માછલી પકડવાની નેટ તેમજ હેચરી :

માછલી પકડવા માટે ઉપયોગમાં લેવાતી નેટ તેમજ હેચરીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.

જાન્યુઆરી-ર૦૧૮ વર્ષ : ૭૦ અંક : સળંગ અંક : ૮૩૭ કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate