સજીવ ખેતીનું નામ સાંભળીને આપણાં મનમાં એક જીવંત ખેતીનું દ્રશ્ય ઉભું થઈ જાય. સાથો સાથ ઘણાં પ્રશ્નો પણ ઉઠે.છેલ્લા થોડાં વર્ષોમાં સજીવ ખેતી, કુદરતી ખેતી, ૠષિ ખેતી, ટકાઉ ખેતી એવાં શબ્દો સાંભળવા મળ્યા છે. આ બધાનો ઉદ્દેશ એક હોઈ શકે, પરંતુ પધ્ધતિમાં ફેર છે. અહીં આપણે સજીવ ખેતી એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ.
સજીવ ખેતીનો પ્રાથમિક ખ્યાલ એવો છે કે, જમીનનું ખેડાણ એ રીતે કરવું કે, જમીન જીવિત રહે, એની અંદર રહેતાં તમામ જીવ–જંતુ, કીટક અને અન્ય સુક્ષ્મ જીવ સલામત રહે અને એમનું જીવનચક્ર ચાલુ રહે. વૈજ્ઞાનિકો આવી ખેતીને મોટાં મોટાં નામ આપે છે. જેમ કે, બાયોલોજીકલ ફાર્મિંગ, બાયો ડાયનેમિક ફાર્મિંગ અને માઈક્રો બાયોટિક ફાર્મીંગ. ખેતીનાં નિષ્ણાંતો આને ઈકોલોજીકલ ફાર્મીંગ પણ કહે છે. પણ આ બધા તો ફકત નામો છે. તેનાં મુળભૂત સિધ્ધાંતો તો એનાં એ જ છે. જે વર્ષો પહેલાં આપણાં પૂર્વજો પાળતા હતાં. નવા સમયની નવી તરાહમાં ખેતીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. ખેતીમાં નવી ટેકનોલોજી આવવાથી ઉત્પાદન તો વધ્યું, જે તે સમયની માંગને પણ આપણે પહોંચી વળ્યા પરંતુ ફકત ઉત્પાદન એક જ માપદંડથી ખેતી કરવાની દોડમાં જમીનને મારી નાંખી. કહેવાય છે ને કે, પાઘડીનો વળ છેડે તેમ હવે સજીવ ખેતી વિશે વધુ સજાગ અને જાગૃત થયા છે.
કુદરતનાં ભરોસે ખેતી કરવી, બિલકુલ રાસાયણિક ખાતર વાપર્યા વગરની ખેતી, જંતુનાશકોના ઉપયોગ વગરની ખેતી, શું આવા પ્રકારની ખેતીને સજીવ ખેતી કહેવાય છે ? તો એનો ઉતર એક શબ્દમાં.. હા કે ના માં તો નહીં અપાય. સજીવ ખેતીની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે, પરંતુ તેની શબ્દબધ્ધ સમજ મેળવવી હોય તો કહી શકાય કે ખેતર,ગામ કે પ્રાકૃતિક વિસ્તારને એકમ તરીકે ગણી તેમાં ઉપલબ્ધ પ્રાકૃતિક સ્ત્રોતોનું એવું વ્યવસ્થાપન કરવું કે જેથી જે તે એકમ પર નભતાં અન્ય સજીવોને પુરતો અને પૌષ્ટીક આહાર મળી રહે. આ સાથે પ્રાકૃતિક સ્ત્રોતોનો નાશ અને પ્રદુષણ થવાને બદલે સંવર્ધન થતું રહે.
સજીવ ખેતી એક પધ્ધતિ છે. જીવનશૈલી છે. આ ખેતીમાં જમીન, હવા,જળ અને માનવ આ ચારે ખૂબ મહત્વનાં છે. ચારે તત્વો એકબીજા પર અસર કરે છે. જયારે બીજ વાવવામાં આવે છે ત્યારે પાણી અને જમીનમાં રહેલા પોષક તત્વો બીજને ફુટવામાં મદદ કરે છે. એ બીજ ફુટીને છોડ બને ને જમીનની બહાર આવે છે. ત્યાં જમીનમાં રહેલાં સુક્ષ્મ જીવાણુ, જમીનનાં પોષક તત્વોને છોડ માટે લભ્ય બનાવે છે. સાથોસાથ હવા તે શ્વસન માટે જરૂરી ખરી જ ને ? જયારે છોડ મોટો થઈને ફળ આપે છે ત્યારે માનવ એનો ઉપભોગ કરે છે અને જમીનને સેન્દ્રિય મળ તરીકે પાછું આપે છે. આ ચક્ર ચાલ્યા જ કરે છે. વૈજ્ઞાનિકો આને પોષક ચક્ર કહે છે, જે નિરંતર ચાલ્યા જ કરે છે. જયારે આ ચક્રનાં કોઈપણ એક તબકકામાં બાધા આવે ત્યારે એ ખેતી માટે અવરોધક બને. તેની આડઅસરો તુરત જ નહીં દેખાય, પરંતુ ૧૦–૧ર વર્ષમાં તેની અસરો જણાવા માંડે છે. આજે આપણે જયારે સજીવ ખેતીની વાત કરીએ છીએ ત્યારે એનો અર્થ એ છે કે આ પોષક ચક્ર ચાલુ રાખવું.
સજીવ ખેતી એ છે કે જેમાં આપણે કુદરતમાં રહીને, એનાં સંતુલનની સાંકળ સમજીને, કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીએ એની સાથે સાથે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો ન વાપરીયે, જે વિવિધતા જાળવીએ, આ બધાં સજીવ ખેતી તરફનાં જ પગલાં છે. તદ્રપરાંત, સજીવ આહાર પર ઓછામાં ઓછી પ્રક્રિયા કરવી જેથી આહારની ગુણવત્તા જળવાય, તેમાં પરિરક્ષણ માટે કૃત્રિમ રસાયણો ન નાંખવા, આ નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખીને જે ખેતી કરાય તેને સજીવ ખેતી કહેવાય છે.
સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020