অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાય/ભેંસનુ માદા પ્રજનનતંત્ર

ગાય/ભેંસનુ માદા પ્રજનનતંત્ર

આપણે જાણીએ છીએ કે, પ્રજનનતત્રનો મુખ્ય લક્ષ પશુનો વંશાવલી જાળવી રાખવાનો છે. માદા પ્રજનનતંત્ર, તેના અવયવોનુ જ્ઞાન, તેની રચના અને શરીર વિજ્ઞાન અથવા સમજણ હોય તો કુત્રિમ બીજદાનનો સફળતાનો આંક/ટકાવારી ઉંચો-ઉંચી રહે છે. તેમજ પશુપાલક માટે નીચે મુજબના ફાયદા થઇ શકે છે.

  • વોડકીઓ/વાછરડીઓ/જોટાઓની પુરતી માવજત કરે જેથી ૨૭૫-૩૦૦ કીલોગ્રામ વજન ગ્રહણ કરે તો જ તેની પ્રજનનક્ષમતા બને તે સમજી શકે.
  • પ્રજનનતંત્ર અને ઋતુકાળના વિવિધ તબક્કાને તેની સાથે સાંકળીને  આવવાની પ્રક્રિયાને તે રીતે સમજી યોગ્ય સમયે બીજદાન કરાવી શકે,
  • પશુ ગરમીમાં છે કે નહી તેનો ખ્યાલ આવે,
  • ઋતુકાળના સમયે લાળી સ્વચ્છ છે કે નહી તેનો ખ્યાલ આવે અને તેની અગત્યતા સમજે.
  • વિયાણ પછી ૬૦ દિવસ બાદ કેમ ફળાવવુ તેનો ખ્યાલ આવે, વિગેરે.
  • યોગ્ય સમયે જાનવરને ફેલવી-ગાભણ કરી નિયમિત રૂપે બચ્ચાં મેળવે તેમજ દુધની આવકમાથી પોતાના પરિવારનું ભરણપોષણ કરી આર્થિક રીતે સધ્ધર બની શકે.

માદા પ્રજનંતંત્રના અવયવોને બે ભાગમાં વહેંચી શકાય. અ) જનનગ્રંથી બ) નળી જેવા અવયવો

અ) જનનગ્રંથી

માદા પ્રજનનતંત્રમાં જનનગ્રંથી તરીકે ડિમ્બગ્રંથી/અંડાશય (Ovary)એ મુખ્ય/પ્રાથમિક અવયવ છે. ડિમ્બગ્રંથીઓ બે (૦૨) હોય છે, એક ડાબી અને એક જમણી. આ ગ્રંથીઓ ડિમ્બવાહિની નલીકાના છેડે હોય છે. તેનો અધિઅમધ્યભાગ, ગર્ભાશયઅને વિસ્તૃત બંધની સાથે જોડાયેલો હોય છે. તે લોહીનો પુરવઠો ગર્ભાશય-અંડકોષ નામક ધમનીની એક શાખામાંથી મળે છે. તે લમ્બગોળ અથવા આખી બદામ જેવા આકારની હોય છે. તેની સાઈજ/માપ ૧ થી ૧.૫ ઈંચ હોય છે. જમણી બાજુની ડિમ્બગ્રંથી, ડાબી બાજુના કરતા વધુ સક્રિય હોય છે. જેમ જેમ પશુની ઉંમર વધે તેમ ડિમ્બગ્રંથીના કદમાં પણ વધારો થાય છે. તે શ્રોણી (પેલ્વીસ)ના પ્રવેશદ્રાર નજીક શ્રોણીના ભોયતળીયાને અડીને રહેલી હોય છે.

મુખ્યત્વે ડિમ્બગ્રંથીના બે કાર્ય છે –

  • એક ડિમ્બ (ફોલીકલ-Follicle)બનાવવાનું, વિકાસ કરવાનું તેમજ પીળો મસો ઉત્પન્ન કરવાનું અને
  • બીજુ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા અંતર્સ્ત્રાવો ઉત્પન્ન કરવા.

ડિમ્બગ્રંથી ઉપર ઘણા ડિમ્બ હોય છે. જે નરી આંખે ના દેખી શકાય થી માંડીને ૧૮-૨૦ મીલીમીટર ની સાઇજ ના હોય છે. તે સુવાળુ, બહિર્ગોળ અને પાતળી દિવાલ ધરાવતુ હોય છે. ૯૫% થી વધુ ડિમ્બનુ પ્રત્યાગમન (રીગ્રેસ) થઇ જાય છે અને તેની જગ્યાએ નવીન ડિમ્બનુ નિર્માણ થાય છે. સૌથી મોટુ ડિમ્બ પ્રબળ હોય છે અને તેનુ ડિમ્બક્ષરણ/અંડમોચન (Ovulation) થાય છે અને તે જગ્યાએ ૩ થી ૫ દિવસ બાદ પિત્તપીંડ (મસો/સી.એલ.)બને છે જે પીળાશ રંગનો હોય છે જેથી, આપણે તેને પીળા મસા તરીકે ઓળખીયે છીએ. તેને વિશિષ્ટ પ્રકારનો મુગટ/માથુ હોય છે જે ડિમ્બગ્રંથીની સપાટીમાથી બહાર નિકળતુ હોય છે. વળી તે બીજા ડિમ્બક્ષરણના ત્રણ દિવસ પહેલા એટલે કે પ્રઆવર્તકાળથી જ તે નાનો થવા માંડે છે. પરંતુ ડિમ્બક્ષરણ થયા બાદ ડિમ્બનુ શુક્રાણુંથી ફલીત થઇ જાય તો પિત્તપીંડ બચ્ચાનો જન્મ થાય ત્યા સુધી કાર્યવંતીત રહે છે અને પ્રોજેસ્ટેરોન નામનો અંત:સ્ત્રાવ ઉત્પન્ન કરીને ગર્ભાવસ્થા જાળવી રાખે છે.

સામાન્ય રીતે ડિમ્બગ્રંથી ગર્ભાશયગ્રીવા (કમળ)ના અંદરના મુખને સમાંતર હોય છે. પરંતુ, સગર્ભાવસ્થા દરમ્યાન તેનું સ્થાન સમય પ્રમાણે બદલાતું રહે છે. સગર્ભાવસ્થાના શરૂઆતમા તેનુ મળાશય દ્રારા પરિસ્પર્શન (પાલપેશન) કરી શકાય છે. સગર્ભાવસ્થા જેમ જેમ આગળ વધે તેમ તેમ તે ગર્ભાશયની સાથે-સાથે ઉદર (એબ્ડોમેન)માં વધુ ને વધુ ઊંડે ઉતરે છે.

નળી જેવા અવયવો:

તેમાં ડિમ્બ્વાહિની નલિકા (oviduct/fallopian tube), ગર્ભાશય (uterus), ગર્ભાશયગ્રીવા (cervix), યોની ( vagina) અને ભગોષ્ટ (vulva) નો સમાવેશ થાય છે-

ડિમ્બ્વાહિની નલિકા

ગર્ભાશયમાથી બે નલીકાઓ નીકળે છે. એક જમણી અને એક ડાબી બાજુના ડિમ્બ (અંડપિંડ) તરફ જાય છે. નામ ઉપરથી લાગે છે કે તેનુ કામ ડિમ્બના વિમોચન બાદ છુટા પડેલા અંડ/ડિમ્બને લઈ જવાનુ કાર્ય કરવાનુ છે. તેનુ કાર્ય ડિમ્બને પરિવહન કરવાનુ કાર્ય કરવાનુ છે. ગાય/ભેંસમા ડિમ્બવાહિની નલિકા ૨૦ થી ૩૦  સેંટીમીટર જેટલી લામ્બી હોય છે. તે કઠણ અને ભારે વળાકવાળી  અને અતિશય પાતળી હોય છે. તેનો એક છેડો ગર્ભાશયના શિંગમા ખુલે છે જ્યારે બીજો છેડો જે ગરણી જેવો હોય છે તે ડિમ્બગ્રંથીની નજીક ખુલે છે. જે ડિમ્ભક્ષરણ વખતે ક્ષરણ થયેલ ડિમ્બને પ્રાપ્ત કરવાનુ કાર્ય કરે છે.

ગર્ભાશયની નજીક આવેલ નલીકાને ઈસ્થમસ કહેવાય છે.જે તંદુરસ્ત શુક્રાણુંઓના ભંડારા તરીકે ઓળખાય છે. જ્યારે ગર્ભાશય અને ઈસ્થમસને સ્પર્શતા જોડાણને ગર્ભાશય-નલીકા જોડણ (utero-tubal junction) કહેવાય છે જે વિકૃત/અસામાન્ય શુક્રાણુંઓને આગળ જતા અટકાવે છે એટલે કે તેવા શુક્રાણુંઓને ચાળે છે. તંદુરસ્ત શુક્રાણુંઓ ઈસ્થમસ નલીકાની દિવાલને ચોંટીને આગળ વધે છે અહી ૫ થી ૬ કલાક સુધી તેઓનુ કેપેસીટાઈજેશન થાય છે. કેપેસીટાઈજેશન એટલે કે શુક્રાણુંઓમા થતા ફેરફાર જેનાથી શુક્રાણું ડિમ્બને ફલીત કરવા સક્ષમ બને છે.આ પ્રકારના સજ્જ શુક્રાણુંઓ પુરતા પ્રમાણમા એકઠા થાય છે. પછી ડિમ્બક્ષરણ થતા જ તેઓને સીગ્નલ મળે છે અને તેઓ આગળ પહોળી નળી એમ્પ્યુલા તરફ વધે છે જ્યાં શુક્રાણું, ડિમ્બનુ ફલીનીકરણ કરે છે. ડિમ્બ્વાહિનીના છેડાને ઈનફન્ડીબ્યુલમ કેહવાય છે. જે પહોળી ગરણી જેવી હોય છે અને તે અંડપિંડની ચારેબાજુ  હોય છે જે ડિમ્બક્ષરણ થયેલ ડિમ્બને કેચ કરે છે/ પકડે છે.

૨. ગર્ભાશય

ગ્રીવાના પછી તરત જ ગર્ભાશય ચાલુ થાય છે. ગર્ભાશયામાં  ગર્ભાશય કાયા  તથા ગર્ભાશયના શિંગડા એમ બે ભાગ હોય છે. જે આગળ જતા નળીકા/ફેલોપીયન ટ્યુબ ના સ્વરુપમા ફેરવાય છે. ગર્ભાશય કાયા ૧ થી ૨.૫ સેંટીમીટર લામ્બી હોય છે. ગાય/ભેંસની ઉમર અને ઓલાદ પ્રમાણે ગર્ભાશય શિંગોની લમ્બાઈ ૧૫ થી ૩૦ સેંટીમીટર અને વ્યાસ ૧.૨૫ થી ૫ સેંટીમીટર જેટલો હોય છે. બન્ને શીંગો, શુગાંતર બંધ (ઈંટર કોરનુઅલ લીગામેંટ) વડે બંધાયેલા તેમની લમ્બાઈના અડધા ભાગ સુધી બંધાયેલા હોય છે. ગર્ભાશયની અભિપૃષ્ઠ-પાશ્વ (ડોરસો-લેટરલ) બાજુઓ વિસ્તૃત બંધની (બ્રોડ લીગામેંટ) સાથે જોડાયેલ હોય છે જેના વડે ગર્ભાશય શ્રોણીમા અને ઉદરગુહામા લટકે છે. તેને લોહીનો પુરવઠો પુરો પાડવા લોહીની અસંખ્ય નળીઓ હોય છે. ગર્ભાશયની દિવાલો ત્રણ માંસપેશીઓના પડની બનેલી હોય છે જેનાથી ગર્ભાશયનુ કદ સગર્ભાવસ્થા દરમ્યાન અનેકગણુ વધે છે. તેના ગર્ભાશ્યાંત-સ્તર (એંડોમેટ્રિયમ) ઉપર ૮૦ થી ૧૪૦ જેટલા માસાંકુરો કે સ્તવકો (કોટીલેડન) હોય છે જે ગર્ભારોપણમા મદદ કરે છે. ગર્ભને વિકાસ માટે અનુકુળ વાતાવરણ પુરુ પાડવુ અને પોષણ આપવુ, ગર્ભાશયનુ મુખ્ય કામ છે.

૩. ગ્રીવા

જેને કમળ તરીકે પણ ઓળખવામા આવે છે. તે ગર્ભાશયગ્રીવા, ગર્ભાશયકાયા અને યોનીને જોડે છે. તે કડક, કઠણ અને તંતુમય જનન અવયવ છે. ગ્રીવા ૫ થી ૧૦ સેન્ટીમીટર લાંબી અને ૧.૫ થી ૫ સેન્ટીમીટર વ્યાસની હોય છે. તેમા ૩ થી ૫ તંતુમય ગોળાકાર વલયોની ઘટ્તા ઉપાસ્વી (કાર્ટીલેજ) જેવી હોય છે. ગ્રીવાનુ મુખ યોનીની અંદર ૨.૫ થી ૫ સેન્ટીમીટર જેટલુ દાખલ થયેલુ હોય છે. એક થી વધુ વખત વિયાણ ગાય/ભેંસમા ગર્ભાશય શિંગો, ગર્ભાશય કાયા અને ગ્રીવાનુ કદ પણ મોટુ હોય છે. ગ્રીવાનુ મુખ કુદરતી રીતે બે (૦૨) વખત જ ખુલે છે. એક પશુ ગરમી/ઋતુકાળમા અને બીજુ પશુનું વિયાણ થાય ત્યારે. અન્યથા, પશુ જ્યારે ગર્ભાશયના ચેપાથી પિડીત હોય ત્યારે પણ મુખ ખુલ્લુ હોય છે. ગર્ભાશયને બહારના વાતાવરણથી/ચેપથી બચાવવાનુ ગ્રીવાનુ મુખ્ય કાર્ય છે.

૪. યોની

યોની, શ્રોણીગુહા (પેલ્વીક કેવીટી)મા મુત્રાશયની ઉપર હોય છે. તે માદામા, સમાગમ માટેના અવયવ ના વિભાગમા જોડાયેલ છે. કુદરતી રીતે સમાગમ વખતે વીર્યનુ મુકવાનુ કાર્ય યોનીમાજ થાય છે. પ્રસવ વખતે યોની જનનમાર્ગનુ પણ કાર્ય કરે છે. તે અનેકગણી વિસ્તરી શકે છે. ગાય/ભેંસમા યોની ૧૮ થી ૨૫ સેંટીમીટર લાબી હોય છે.

૫. ભગોષ્ટ

માદા પ્રજનનતંત્રનુ બાહ્ય દ્વાર છે. છે.તેના ત્રણ કાર્ય છે. પેશાબ/મુત્રનુ વિસર્જન કરવુ, કુદરતી રીતે સમાગમ માટેનુ બાહ્ય ખુલ્લો દ્વાર, અને થોડોક જનનમાર્ગનુ પણ કાર્ય કરે છે. તેમા ભગ્ના શિશ્ન અને ભગોષ્ટના ઓઠ પણ હોય છે. ભગોષ્ટની બાજુમા ઓઠ આવેલા છે, જે પશુ જ્યારે ઋતુકાળમા આવે ત્યારે, સુજે છે અને અંદરની આંતરત્વચા લાલાશ આને ભીનાશ પકડે છે. અન્યથા તે કરચલીવાળી અને સુકા હોય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate