અશ્વએ ઘણું ચતુર અને ચબરાક પ્રાણી છે. અશ્વ ઉછેર અને અશ્વપાલન ૩૦૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલ છે. અશ્વોનો ઉપયોગ મિલિટરીમાં, ખેતીવાડીમાં ટ્રાન્સપોર્ટમાં, રમત-ગમતમાં તથા માંગલિક પ્રસંગોમાં બહોળા પ્રમાણમાં થાય છે. અશ્વ એ ખૂબ જ વફાદાર પ્રાણી છે. પ્રાચીન સમયમાં યુદ્ધોની હાર-જીતનો આધાર જે તે રાજ્યોના અશ્વદળ ઉપર રહેતો. અત્યારના આધુનિક જમાનામાં પણ અશ્વોનું ઘણું મહત્ત્વ છે.
ગાભણ માદા પશુને સવારે ખોરાક આપ્યા બાદ ચરિયાણમાં ચરવા માટે તેમજ કસરત માટે છૂટાં મૂકવા જોઈએ. તાજી હવા અને કસરત ગાભણ માદાં પશુ માટે ખૂબ જ અગત્યનાં છે. કસરતથી પેટ ચરબીથી મોટું થતું અટકે છે અને લોહીના પરિભ્રમણમાં ઓક્સીજનનું વહન પણ સારી રીતે થાય છે. છેલ્લા માસમાં માદા પશુને વિયાજણ માટેના વિશાળ તબેલામાં રાખવું જોઈએ અને તબેલો એવી જગ્યાએ હોવો જોઈએ કે જેથી પશુને ખલેલ પહોંચાડ્યા વગર તેનું નિરીક્ષણ થઈ શકે. તબેલો સાફ અને શુદ્ધ રાખવો જોઈએ. પંદર હાથ ઊંચાઈના અશ્વ માટે ૧૧.૫ કિલો ખોરાક આપવો જોઈએ અને તેનાથી વધુ કે ઓછી ઊંચાઈ ધરાવતા અશ્વ માટે દરેક પાંચ સે.મી.ની ઊંચાઈ વધ કે ઘટ માટે એક કિલો ખોરાક વધારવો કે ઘટાડવો જોઈએ. ગાભણ માદા પશુને ૭-૮ કિલો સુકો ચારો ૧૦-૧૨ કિલો રજકો આપવો જોઈએ. ૧.૫ કિલો ચણા-જવ તથા ૧ કિલો ઘઉંનું ભૂસું ચંદી તરીકે આપવું જોઈએ. મીનરલ મીકચર ૬૦ ગ્રામ તથા મીઠું પ૦ ગ્રામ દરરોજ આપવું જોઈએ.
વિયાજણના છેલ્લા પંદર દિવસ માદા પશુની કાળજી વધુ લેવી જોઈએ. તેને પૂરતી જગ્યાવાળા તબેલામાં રાખવાથી આજુબાજુ પૂરતી રીતે હલન ચલન કરી શકે તેવી ગોઠવણ કરવી જોઈએ. ભોંયતળિયામાં ઘાસની પથારી રાખવી જોઈએ. આ દિવસો દરમ્યાન ચંદીમાં અનાજ, ચણા, જવનું પ્રમાણ ઘટાડવું જોઈએ અને તેમાં રેચક પદાર્થો ઉમેરવા જોઈએ. જેથી કબજીયાત થાય નહીં. છેલ્લા પંદર દિવસ દરમ્યાન માદા પશુનું અવારનવાર નિરીક્ષણ કરતું રહેવું જોઈએ.
ગાભણનો ગાળો ઘોડીમાં ૩૩૫ થી ૩૪૫ દિવસ હોય છે. ગધેડીનો ગાભણ સમય ૧ વર્ષનો હોય છે. વિયાજણના સમય વખતે ઘોડીને શાંત વિસ્તારમાં તબેલો હોય તેમાં રાખવી જોઈએ. ધમાલ-ઘોંઘાટ બિલકુલ ન થવાં જોઈએ, નહિંતર ઘોડીનો વિયાવાનો સમય લંબાય છે. તબેલો સાફ અને શુદ્ધ કરેલ હોવો જોઈએ. છેલ્લા સમયમાં ગાભણ ઘોડીના આઊનો વધુ વિકાસ થાય છે. જ્યારે આંચળમાંથી વેસેલીન જેવો પદાર્થ બહાર આવે છે અને પચી દૂધનાં ટીપાં પડવાં શરૂ થાય છે જે વિયાજણ પ્રક્રિયા શરૂ થવાની નિશાની છે. વિયાજણ વખતે ઘોડીને વિયાણા પહેલાં અડધી બાલદી નવશેકું પાણી પીવડાવવું જોઈએ અને વિયાજણ પછી ઘોડી ઊભી થાય ત્યારે ફરીથી અડધી બાલદી નવશેકું પાણી પીવડાવવું જોઈએ. આ વખતે પ્રથમ ખોરાક ભુસા જેવો હળવો આપવો ત્યારબાદ જવ અને ભુસું આપવું જોઈએ. વિયાજણ બા એકાદ બે કલાકમાં જર પડી જાય છે. જો તેમ ન થાય તો સારવાર કરાવવી જોઈએ. જો બધું બરાબર પાર
પડે તો ચાર કે પાંચ દિવસ બાદ ઘોડીને ચરિયાણ માટે છોડી શકાય છે. ઘોડીને વિયાજણ બાદ ફોલીંગ મીક્ષચર આપવું જોઈએ.
ફોલીંગ મિક્ષચર
વિયાજણ બાદના પ્રથમ દિવસથી કુલ દસ દિવસ સુધી - દસ સરખા ભાગ કરી - એક ભાગ દરરોજ આપવામાં આવે છે.
વિયાજણ બાદ ૧૦ મા કે ૧૨માં દિવસે ઘોડીને તણવવામાં આવે છે.
વિયાજણના ત્રણ અઠવાડિયા પહેલાં ટીટેનસ ટોક્સોઈડનો ડોઝ આપી વિયાજણ વખતે ટીટેનસ ટોક્સોઈડનો બુસ્ટર ડોઝ આપવો જોઈએ.
ઘોડીના વિયાજણ બાદ બચ્ચાંને મોઢાં ઉપર જો જરનું આવરણ હોય તો તરત જ દૂર કરવું જોઈએ. અન્યથા શ્વાસ રૂંધાવાને લીધે બચ્ચાનું મૃત્યુ થવા સંભવ રહે છે. બચ્યું અડધી કલાકમાં પોતાના પગ પર ઊભું થઈ જાય છે. બચ્ચાંને ખીરું જન્મ બાદ બે કલાકની અંદર આપવું જોઈએ. જેનાથી બચ્ચાંને રોગ પ્રતિકારકશક્તિ મળે છે. ત્રણ માસ દરમ્યાન બચ્ચાંને માતાની સાથે જ તબેલામાં છૂટું રાખવામાં આવે છે. અને તેને પૂરતા પ્રમાણમાં માતાનું દૂધ મળી રહે છે. નાના બચ્ચાંને ચેપ તુરત જ લાગતો હોવાથી તબેલો ચોખ્ખો અને શુદ્ધ રાખવો જોઈએ. બચ્યું જન્મ બાદ પ્રથમ વખત કાળાશ પડતો બગાડ મળ દ્વારમાંથી કાઢશે જેને મ્યુકોનીયમ કહેવાય છે. આ તેની ગર્ભાવસ્થા દરમ્યાન ભેગો થયેલો મળ-પદાર્થ હોય છે. ઘોડીનું ખીરું કુદરતી રેચક પદાર્થ છે. છતાંય બચ્ચાંને જરાપણ પેટનો દુખાવો થાય તો એકાદ ચમચો લિક્વીડ પેરાફીન અથવા એરંડિયું આપવું જોઈએ.
બચ્યું માતાથી ચાર થી છ માસે જુદું પાડવામાં આવે છે. આ વખતે માતા અને બચ્ચાં બંને તરફથી વિરોધ થશે અને ઘણી વખત તોફાન કરે તો ઈજા પણ થવા સંભવ રહે છે. માતાથી છૂટા પડેલા બચ્ચાંને પૂરતી જગ્યાવાળા તબેલામાં રાખવું જોઈએ. ભોંયતળિયે બેડીંગ પૂરતું રાખવું જેથી ઈજા થવા સંભવ રહે નહીં. બચ્ચાંને રાખેલ જગ્યા એટલી દૂર હોવી જોઈએ કે જેથી તે તેની માતાનો અવાજ સાંભળી શકે નહીં. માતાથી છૂટા પાડતાં પહેલાં બચ્યું ઘાસ અને ખાણ-દાણ ખોરાકમાં લેવા માટે અગાઉથી ટેવાઈ ગયું હોવું જોઈએ. બચ્ચાંના પાચનતંત્રના વિકાસનાં કુલ ચાર તબક્કા હોય છે.
બચ્ચાંનું વિનીંગ થાય ત્યારબાદ તે ખાણદાણ અને ઘાસના ખોરાક પર આધારિત રહે છે. બે વર્ષની ઉંમર થાય ત્યાં સુધી બચ્ચાંના વિકાસ માટે પ્રોટીનવાળા ખોરાક અત્યંત જરૂરી હોય છે. પ્રોટીનવાળો ખોરાક ઓછો મળે તો વિકાસ રૂંધાય છે અને હાડકાનાં છેડાનો વિકાસ પણ રૂંધાય છે. આમ બનવા ન પામે તે માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનવાળો ખોરાક આપવો જોઈએ. પ્રોટીનવાળો ખોરાક વધુ પ્રમાણમાં અપાય તો વધારાના પ્રોટીનનું કાર્બોહાઈડ્રેટમાં રૂપાંતરિત થઈ ચરબીના રૂપમાં સંગ્રહ થાય છે જેથી વજન વધુ પડતું થઈ જાય છે અને પેટનો ભાગ વધી જાય છે. આમ ન બને તે માટે સારી જરૂરિયાત પ્રમાણેનો પ્રોટીનવાળો ખોરાક આપવો જોઈએ. આ ઉંમરે વિકાસ બરોબર થાય તે માટે સારી જાતનો ખોરાક આપવો જોઈએ. જેમાંથી તેને પ્રોટીન, ખનીજ તત્ત્વો તથા વિટામિન્સ મળી રહે. બચ્ચાંને તેના વજનના અઢી ટકા જેટલો ખોરાક આપવો જોઈએ. સારી જાતનું ઘાસ તેના વજનના બે ટકા જેટલું આપવું જોઈએ. ચંદીમાં ચણા, જવ, ભૂસું તથા મિનરલ મિક્ષચર આપવું જોઈએ. પુખ્ત ઉમરે પહોંચે ત્યારે લીલોચારો રજકો ૧ર કિલો, સૂકું ઘાસ ૭ કિલો ચણા તથા જવ બે કિલો, મિનરલ મિકચર ૬૦ ગ્રામ, મીઠું પ૦ ગ્રામ આપવું જોઈએ સૂકું ઘાસ પથારી માટે અલગ આપવું જોઈએ. કૃમિનાશક દવાનો ડોઝ વર્ષમાં ત્રણ વખત, ધનુર ન થાય તે માટે ટીટેનસ ટોક્સોઈડ દર છ માસે આપવું જોઈએ. એન્ટીસરાનું ઈન્જેકશન વર્ષમાં એક વાર આપવું જોઈએ. બાહ્ય પરોપજીવી માટે બ્યુટોક્ષ પ સી.સી. ૧ લીટર પાણીમાં ઓગાળી શરીરના બહારના ભાગે દર પંદર દિવસે એક વખત લગાડવું જોઈએ. ગ્રુમીંગ (ખરેરો) દિવસમાં એક વખત કરવાની પ્રથા રાખવી.
ખાસ કરીને અશ્વ શબ્દનો પ્રયોગ ઘોડા માટે હોય છે. પરંતુ અશ્વપરિવારમાં બીજા પણ પશુઓનો સમાવેશ
કરેલો છે. જેવા કે ગધેડા, ખચ્ચર, ઝીબ્રા, જીરાફ વગેરે. આમાં ઘોડા, ગધેડા અને ખચ્ચરના રહેઠાણ વ્યવસ્થા સંબંધી જાણકારી આપી રહ્યા છીએ.
અન્ય પ્રાણીઓ કરતાં વિશેષ રીતે અશ્વોની ખાસ સાર-સંભાળ-ખોરાકી વગેરે કરવાનું રહે છે. અશ્વોને સુદઢ અને મજબૂત બનાવવા માટે તથા રાખવા માટે કાળજીપૂર્વકની ખોરાકીની જરૂરિયાત રહે છે. અન્ય પશુઓને, ગમે ત્યારે, ગમે તેટલી ખોરાકી અપાય અથવા ઓછી સારસંભાળ કરાય તો તેઓ નિભાવી લે છે, પરંતુ અશ્વો માટેની દિનચર્યા સમય લઈ થાય તો જ અશ્વ સંપૂર્ણપણે તંદુરસ્ત અને હરહંમેશ માટે ઉપયોગ લાયક રહે, જેમાં ખોરાકી અને કસરત મુખ્ય ભાગ ભજવે છે.
પશુઓને અપાતા દાણને “ખાણ આપવું”.- “દાણ આપવું” શબ્દ વપરાય છે, જ્યારે અશ્વોને અપાતા ખોરાકને માટે “ચંદી આપવી” – “જોગાણ આપવું” તેવા શબ્દ પ્રયોગો કરાય છે.
પશુઓના દાણમાં વિવિધ અનાજનું મિશ્રણ કરી ખોળ, કપાસિયા વગેરે અપાય છે. આ ખાણ પલાળીને અથવા કોરું અપાય છે, જયારે અશ્વો માટે શક્તિ આપે તેવું અનાજ આપવું હિતાવહ છે. અશ્વોનું પેટ તથા તેના આંતરડાં અન્ય પશુઓ કરતાં જુદી જ રીતે કુદરતે રચેલાં હોવાથી, જામી જાય તેવો, વધારે ગરબડ ઉત્પન્ન કરે તેવો ખોરાક આપવો હિતાવહ નથી અને તેથી જ અશ્વોને ‘ચંદી” તરીકે એક અથવા બે પ્રકારનાં ધાન્ય સિવાય બીજાં ધાન્ય માફક આવતાં નથી.
સામાન્ય રીતે અશ્વોને ચણા અથવા બાજરાનું જોગાણ અપાય તે હિતાવહ છે. તેની સાથે ઘઉંનું ભૂસું, ઓટ, જવનું ભૂસું વગેરે આપી શકાય છે. અશ્વોને પ્રમાણસર ગોળ ખવડાવવાથી તેની શક્તિ ટકી રહે છે. જો અશ્વોને લીલો ચારો અપાતો ન હોય તો ચંદી સાથે “ખનીજ મિશ્રણ” (મીનરલ મીચિર) આપવું જરૂરી ગણાય.
અશ્વો જુવારની સુકી કડબ સહેલાઈથી પાચન કરી શકતા નથી. તેવી જ રીતે લીલી જુવાર અને લીલી મકાઈ પણ ઉપરોક્ત કારણોસર ઓછાં આપવાં જોઈએ. આવા લીલા ચારાથી વાયુ થઈ જવાનો તથા હાંફ ચડવાનો ભય રહે છે.
અશ્વો માટેના લીલા ચારામાં રજકો, ગાજર, શ્રેષ્ઠ ગણાય છે, જ્યારે સૂકા ચારામાં (ગાંસડીનું) વીડીનું ઘાસ, જેને તળપદી ભાષામાં “ખસલું અથવા ‘ઘોડાઘાસ’ કહેવાય છે, તે આપવું હિતાવહ ગણાય.
અન્ય પશુઓને ખાણ-ખોરાકી બાદ પાણી પાવાનો રિવાજ છે, જ્યારે અશ્વોને તેના શરીરનાં અવયવોની રચનાના કારણે ખોરાકી બાદ, - ખાસ કરીને ચંદી-જોગાણ આપ્યા બાદ, પાણી પીવડાવવું હિતાવહ નથી. અશ્વને હંમેશાં પાણી પાયા બાદ જ જોગાણ મૂકવું જોઈએ.
સાચા અશ્વપાલકો, અશ્વના મજબૂત પગને અગત્ય આપે છે. જો નબળા પગનો અશ્વ રાખવામાં આવે તો અશ્વ નહીં રાખ્યા બરાબર છે.
પગની તકલીફો કેટલીક વખત વારસાગત રીતે ઉતરી આવે છે, જ્યારે બીજી કેટલીક અશ્વોના અયોગ્ય વ્યવહારિક ઉપયોગના કારણે ઊભી થાય છે. આના પરિણામે સારા અશ્વો નકામા થઈ જાય છે અને અંતે સારા અશ્વો નષ્ટ થતા જાય છે.
આવી પગની કેટલીક તકલીફ નીચે દર્શાવેલ છે.
પાછલા પગે રસ (BOG SPAVIN) :પાછલા પગના ઢીંચણના સાંધાઓમાં અંદરના તેમજ બહારના ભાગમાં સોજો દેખાય છે. આ સોજો પાણી ભરેલો હોય તેવો માલુમ પડે છે. દબાવતાં પોચો જણાય છે. આ રોગથી સાંધો જકડાઈ જાય છે, જેથી અશ્વ લંગડાય છે. આ રોગ મોટી ઉંમરના અશ્વોમાં થાય છે, અથવા વારસાગત રીતે ઊતરી આવે છે, જે વારસદાર વછેરામાં પણ થાય
મહોત્રો (BONE SPAVIN) :પાછલા પગનાં ઢીંચણમાં મધ્યભાગથી થોડા નીચેના ભાગે સાંધાનું હાડકું વધતાં આ રોગ થાય છે. જેથી સાંધાનું હલન-ચલન મુશ્કેલ બનતાં અશ્વ લંગડાય છે. આ જગ્યાએ હાથ ફેરવતા વધેલું હાડકું સ્પર્શ દ્વારા જાણી શકાય છે. આ રોગ વારસાગત છે, અથવા કાચી ઉંમરે અશ્વના ઉપયોગથી ઉદ્દભવે છે.
કર્બ (CURB) :ઢીંચણના મધ્યભાગથી થોડા નીચેના ભાગમાં આવેલ નાનું હાડકું વધવાથી આ રોગ થાય છે. ઢીંચણના નીચેના ભાગનો મહોત્રો કહેવાય છે. સાંધાને વાળવામાં તકલીફ થાય છે. આ રોગમાં શરૂઆતમાં લંગડાપણું હોય છે, પરંતુ હાડકું વધી રહ્યા બાદ લંગડાપણું જતું રહે છે. આ રોગ વારસાગત હોય છે, તેમ જ કાચી વયે અશ્વને ઉપયોગમાં લેવાથી થાય છે.
રીંગ બોન-ચક્રવાક (RING BONE) :આગલા પગના ગાળાની નીચેના ભાગમાં ડાબલાને જોડતા હાડકાંના સાંધા ઉપર આગળના ભાગમાં “ચણા’ જેવડું હાડકું વધે છે. આ રોગ એક પ્રકારનો વા ગણાય છે, તેમ માનવું બરાબર નથી. આ રોગ વારસાગત રીતે ઊતરી આવે છે.
સાઈડ બોન (SIDE BONE) :અશ્વના ડાબલાની કિનારી ઉપર અંદરના તેમ જ પાછળના ભાગમાં ધાર ઉપરનુ હાડકું રીંગ બોનની જેમ જ વધે છે. હાડકું બાજુમાં વધતું હોય તેને સાઈડ બોન કહે છે. હાડકું વધવાની શરૂઆત થતાં લંગડાપણું હોય છે. પરંતુ પૂરું વધી ગયા બાદ (ચણા જેવડું થઈ ગાય બાદ) લંગડાપણું આપોઆપ દૂર થઈ જાય છે. ઉછરતા અને લાંબી ઉંમરના અશ્વોમાં આ રોગ વધારે હાનિકારક નીવડે છે.
બોરહડ્ડી (SPLINTS) :આગલા પગના અંદરના ભાગમાં (ધરુ) નળનાં હાડકાં ઉપર ચોટેલું હાડકું વધે છે, તેને “બોરહડ્ડી” કહેવાય છે. સાધારણ રીતે ચણીબોરથી માંડીને અજમેરી બોર જેવું હોવાના કારણે તેને “બોરહડ્ડી” નામ અપાયું છે. નાની (કાચી) ઉંમરે વધારે કામ આપવાથી આ રોગ ઉત્પન્ન થાય છે. ખડકાળ પ્રદેશોમાં ડાબ પછાડીને દોડવાની ટેવ-રીત વાળા અશ્વોમાં આ રોગ વિશેષ થાય છે. શરૂઆતના લંગડાપણા બાદ લંગ જતો રહે છે. સોજો પણ આપોઆપ ઓછો થઈ જાય છે. નળાંના (ધરુના) ઉપરના ભાગમાં નીકળતી બોરહડ્ડી વધારે હાનિકારક નીવડે છે.
સ્ટ્રીંગ હોલ્ટ (STRING HALT):પાછળના પગનાં ઢીંચણનાં સાંધાઓની શિરા (લીગામેન્ટ)ના સંકોચાઈ જવાથી આ રોગ જુવાનીમાં આવતા અશ્વોમાં (પ થી ૬ વર્ષની વયે) વિશેષ જોવા મળે છે. જો કે આ રોગનાં ચોક્કસ કારણો મળતાં નથી. આ રોગ મટી શકતો નથી.
વિન્ડ ગોલ્સ –રસ (WIND GALLS) :પાછળના પગનાં ઢીંચણોમાં અંદર તથા બહારના ભાગમાં દેખાતા સોજા જ્યારે દબાવીએ, ત્યારે અંદર બહાર ફરતા દેખાય છે. નાની શીરા (લીગામેન્ટ)નાં ખેંચાણનાં કારણે આ રોગ મોટી ઉંમરના અશ્વોમાં ઉદ્દભવતો જોવા મળે છે.
ઉપરોક્ત તમામ રોગ વારસાગત રીતે ઊતરી આવે છે, તેમજ અશ્વોને હાનિકારક નીવડે છે. આ રોગવાળા અશ્વો પસંદ કરવા હિતાવહ નથી.
અશ્વો દોડતાં પ્રાણી છે. તેનાં હલન-ચલન, દોડવાની ક્રિયાઓ જ અશ્વોને તંદુરસ્ત, મજબૂત તેમજ સશક્ત રાખે છે. અશ્વપાલકો પોતાના અશ્વોને હલન-ચલન વગરનાં ફેરવ્યા વગરનાં રાખે છે (બાંધી રાખવા) તેવા અશ્વોમાં નીચે દર્શાવેલ સામાન્ય રોગ થતા જોવા મળે છે.
પેટપીડા (COLIC) :અશ્વને બાંધી રાખીએ, પૂરતી કસરત ન આપીએ તો તેને અપાયેલ ખોરાકનું પાચન કરવામાં તેને તકલીફ થાય છે, પરિણામે કેટલીક વખત ગેસ ઉત્પન થાય છ. હોજરીમાં ખોરાક પચ્યા વગરનો રહેવાથી બંધાઈ જાય છે, અથવા પ્રવાહી થઈ જાય છે, જેનાં કારણે તેને પેટમાં શૂળ ઊપડે છે. અશ્વ અવારનવાર ઊઠ-બેસ કરે, પેટ સામું જોયા કરે છે, અને પછડાટો ખાવાના કારણે હોજરી ફાટી જવાથી અશ્વ મરણ પામે છે.
પેશાબ બંધ થવો (RETENTION OF URINE): પુષ્કળ દોડ આપવાના કારણે, પૂરતું અને સમયસર પાણી નહીં પીવાના કારણે આ તકલીફ ઊભી થાય છે.
લાદિઆ સોજા (TEMPORARY FETLOCK SWELLING) :અશ્વને બાંધી રાખવાના કારણે તેના ચારે પગમાં મુઠીઆના ભાગમાં ગાળા સુધી સોજા ચઢી જાય છે. પૂરતી કસરતથી આ સોજા આપોઆપ ઊતરી જાય છે.
શરદી (CATARRH) : સામાન્યતઃ અશ્વને શરદી થતી નથી. પરંતુ નાળ વડે દવા પાવાથી અસંતુરાય જવાથી શરદી થઈ જાય છે. સાધારણ રીતે અશ્વ કલાકો સુધી વરસાદમાં પલળે તો પણ શરદી થતી નથી, પરંતુ જ પાણી ઊંધી રૂંવાટીએ ઊતરે, તો શરદી તરત થઈ જાય છે.
તળવાટ (TENDER-SOLES) : અશ્વને લાંબી મજલ મુસાફરી આપવાથી તેના ડાબલામાં નીચેના ભાગે તળવાટ આવે છે, આથી અશ્વને ચાલવામાં તકલીફ પડે છે.
ડાબનો સડો (CANKER, THRUSH) : અશ્વના પગના ડાબલા નીચેના ભાગેથી જો સાફ કરવામાં ન આવે તો તેમાં લાદ, કચરો, ભરાઈ રહેવાના કારણે સડો ઉત્પન્ન થાય છે,તેથી ખરેરો, બ્રશ વગેરે કરતી વેળાએ તેના ડાબલા પણ નીચેના ભાગમાંથી સાફ કરવા જરૂરી છે.
આ રીતે અશ્વોના ઓછા ઉપયોગના કારણે, તેમજ વધારે પડતા ઉપયોગના કારણે, જુદા જુદા સામાન્ય રોગ થતા જોવામાં આવે છે, જે તમામ યોગ્ય સારવાર અને સાવચેતી રાખવાથી મોટી શકે છે.
ચેપી રોગ ખાસ કરીને પરોપજીવી દ્વારા અથવા હવા પાણી તથા રોગી પશુની સાથે રહેવાથી રોગી પશુ દ્વારા તંદુરસ્ત પશુમાં ફેલાયછે. અશ્વમાં ચેપી રોગોની સમયસર અટકાવ ન થાય તો એ ભયાનક મહામારીનું રૂપ પણ લઈ શકે છે. આથી તેને અટકાવવા માટે નીચે આપેલ ઉપાય કરવા ખાસ જરૂરી છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020