অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ સ્વાસ્થ્યને હાનિકર્તા પરોપજીવી કૃમિ અને તેના ઉપાયો

પશુઓમાં અનેકાનેક પ્રકારના પરોપજીવી જન્ય કૃમિઓ જોવા મળે છે. જેઓ મુખ્યતઃ પોતાનું જીવન પોષકના શરીરમાં વિતાવે છે. અથવા મધ્યસ્થ પોષક ધ્વારા મુખ્ય પોષકમાં દાખલ થઈને પરોપજીવી જન્ય રોગ કહે છે. પશુઓના શરીરમાં અંદરના અવયવોમાં જોવા મળતા પરોપજીવીને આંતરિક પરોપજીવી કહેવામાં આવે છે. પરોપજીવી કૃમિ અને તેમની જીવન જીવવાની કળા અત્યંત નિરાળી છે. સમયાંતરે એ પોતાના અને પોતાના વંશના રહેઠાણનો બદલાવ કરતા રહે છે ઘડીકમાં યજમાનના શરીરમાં તો ઘડીક ખુલ્લા વાતાવરણમાં અસંખ્ય કષ્ટદાયક યાતનાઓનો સામનો કરીને પણ એ જીવન જીવી જાય છે. પશુઓના શરીરને પણ આવા પરોપજીવી કૃમિ રહેઠાણનું સ્થળ બનાવી જીવનચર્યા માટે જરૂરી ખોરાક તત્વો, પદાર્થો વિગેરેને પશુઓના શરીરમાંથી ઘણી જ સહેલાઈથી છીનવી લે છે. વળી ઘણી વખત યજમાન સાથે સુમેળાભર્યુ વાતાવરણ ઉત્પન્ન કરી ઘણા લાંબા સમય સુધી આરામથી જીવન વિતાવવાનું પસંદ કરતા હોય છે. શરીરમાં પરોપજીવી કૃમિની હાજરીની પશુ સ્વાસ્થ્ય પર અસર પડયા વિના રહેતી નથી. ગોળકૃમિ અને યકૃતકૃમિ પણ આવા જ પરોપજીવીઓ છે. ગોળકૃમિ મુખ્યત્વે ચતુર્થ આમાશય (જઠર) તથા આંતરડામાં ને યકૃતકૃમિ કલેજું (યકૃત) તથા પીતનળીઓમાં જોવા મળે છે.

મોટા ગોળકૃમિ (મોટા કરમિયા)

ટોકસોકેરા વીટયુલોરમ નામે ઓળખાતા મોટા કરમિયા ગાય, ભેંસો, ઘેટા, બકરાનાં આંતરડામાં રહી પોતાનું જીવન ગુજારે છે. આ કૃમિની બાહય દિવાલ નાજૂક અને પાતળી હોઈ અંદરના અંગો પણ નરી આંખે જોઈ શકાય છે. નર કૃમિની લંબાઈ રપ૦ મીલીમીટર અને પહોળાઈ પ મીલીમીટર જયારે માદા કૃમિની લંબાઈ ૩૦૦ મીલીમીટર અને પહોળાઈ ૬ મીલીમીટર જેટલી હોય છે.

ચિન્હો અને હાનિકારક અસરઃ

નાના જન્મેલા પાડા/ વાછરડાના આંતરડામાં જે મોટા પ્રમાણમાં મોટા કરમિયા થાય તો તે આંતરડામાં પોલાણને બંધ જેવુ કરી દે છે. જેથી ચૂંક આવે છે અને શરીરનો વિકાસ રૂંધાય છે. પાચન બરાબર થતુ ન હોઈ વાછરડા/ પાડા નબળા પડે છે. પાતળા, ચીકણા, દુર્ગધ મારતા કાળાશ પડતા ઝાડા થાય છે અને જાનવરનું મરણ થાય છે. જો કાળજી સારી રાખવામાં ન આવે તો ફાર્મ હાઉસમાં નાના બચ્ચાઓના મરણ પ્રમાણમાં ખૂબ વધારો થઈ જાય છે. મોટા જાનવરો પોતાની કુદરતી પ્રતિકારક શકિતને કારણે આ રોગ સામે સામનો કરી જીવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ રોગથી જનન પ્રક્રિયા દરમિયાન ઘણું આર્થિક નુકશાન થઈ જાય છે, વળી જો કૃમિનાશક દવા આપવામાં ન આવે તો મરણ પણ પામે છે.

નિદાનઃ

રોગના ચિન્હોને ધ્યાનમાં લઈ પશુચિકિત્સક અધિકારી નિદાન કરે છે. પ્રયોગશાળામાં સૂક્ષ્મદર્શક યંત્રની મદદ વડે ઝાડા તપાસવામાં આવે તો મોટા કરમિયાના ઈંડા જોઈ શકાય છે. વળી ઘણીવાર જીવતા કરમિયા જીવનચક્ર પુરુ થયે પણ પશુઓના ઝાડામાં નીકળે છે.

સારવાર અને અટકાવઃ

  • પાડા/ વાછરડા દસથી સોળ દિવસના થાય ત્યારે લેવામીસોલ, પાઈપરેઝીન વિગેરે દવાઓ  સામાન્યતઃ પશુચિકિત્સક અધિકારી આપતા હોય છે.
  • ગમાણની રોજબરોજની સાફસફાઈ પરવધુ ધ્યાન આપવાથી રોગની તીવ્રતા ઓછી થઈ જાય છે. આથી દરરોજ ગમાણ બરાબર સાફ કરવી ખૂબ જ જરૂરી છે. રોગિષ્ટ પશુઓના છાણ ધ્વારા મોટા કરમિયાના ઈંડા દુષિત ખોરાકપાણી સાથે અન્ય જાનવરમાં દાખલ થાય છે. જેથી ગમાણની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે.
  • રોગ થયેલ વાછરડા અને પાડાને અલગ રાખવા અને તેમની સારવાર કરાવવી

નાના કરમિયા

જુદી જુદી જાતના નાના કરમિયા મુખ્યત્વે પાચનતંત્રના અવયવોમાં અને તેમાંથી ખાસ કરીને ચતુર્થ આમાશય(જઠર) અને આંતરડામાં રહી જીવન વિતાવે છે. ચતુર્થ આમાશયમાં રહેતા નાના કરમિયા કે જેની લંબાઈ ફકત ૦.રપ ઈંચથી ૧.૭પ ઈંચ જેટલી હોય છે તે વધુ હાનિકારક છે. કારણ કે તે ખોરાક તરીકે પ્રાણીના લોહીનો ઉપયોગ કરે છે. આંતરડામાં રહેતા નાના કરમિયા જાતિ પ્રમાણે જુદી જુદી લંબાઈના હોય છે. વાગોળતા પ્રાણીઓમાં આવા કરમિયા ટ્રાયકોસ્ટ્રોન્ગાલીસ ગ્રુપથી ઓઈખાય છે અને તે પરાસાઈટીક ગેસ્ટ્રોએન્ટરાઈટીસે નામનો રોગ કરે છે. ચોમાસાની શરૂઆતના મહિનાઓમાં આ રોગ વધુ જોવા મળે છે. ઉપરોકત નાના કરમિયા પશુઓ જે કંઈ ખાય છે તેના પોષક દ્રવ્યોનું શોષણ કરે તથા આંતરડાની દિવાલમાં ચીકણું શ્લેષ્મ ચોંટાડીને અને રકતસ્ત્રાવ કરે છે.

ચિન્હો અને હાનિકારક અસરઃ

પશુઓ ભાગ્યેજ એક જ જાતિના નાના કરમિયાથી પીડાય છે. મોટાભાગે કુદરતી રીતે જ સ્વચ્છતાના અભાવે જુદી જુદી જાતિના કરમિયાની નાની ઈયળ અવસ્થા દુષિત ખોરાક / પાણી ધ્વારા રોગિષ્ટ પશુઓના શરીરમાં દાખલ થતી હોય, જેમાં મુખ્યત્વે ઢોર નબળું પડે છે અને શરીરનો ચળકાટ જતો રહે છે. જડબા નીચે પ્રવાહી ભરાય છે. ઝાડા અને કબજીયાત વારાફરતી થતા રહે છે. ઉત્પાદનશકિત ઘટી જાય છે.

નિદાનઃ

રોગના ચિન્હોને ઓળખીને પશુચિકિત્સક અધિકારી નિદાન કરતા હોય છે. વળી પ્રયોગશાળામાં ઝાડાના નમુનાને તપાસવાથી નાના કરમિયાના ઈંડા જોઈ શકાય છે. થાયાબેન્ડાઝોલ, આલબેન્ડાઝોલ તથા તેના જેવી બીજી દવાઓનો પશુચિકિત્સક અધિકારી સારવાર અર્થે ઉપયોગ કરે છે.

અટકાવઃ

  • ચોમાસાની શરૂઆત થતાં પશુચિકિત્સક અધિકારીની સલાહ મુજબ દવાના ઉપયોગથી રોગની પીડાથી જાનવરને બચાવી શકાય છે.
  • નિયમિત ગમાણની બરાબર સાફ સફાઈ કરવી
  • છાણને એક જગ્યાએ ઢગલો કરી ભેગુ કરવુ. જેથી ઈંડા તથા તેમાંથી બહાર નીકળેલ ઈયળનો નાશ થઈ શકે.
  • રોગિષ્ટ જાનવરની સારવાર કરાવવી.

યકૃતકૃમિ

  • યકૃત એટલે કે કલેજામાં રહેતા કૃમિને યકૃતકૃમિ કહે છે. યકૃત કૃમિનું વૈજ્ઞાનિક નામ કેશીઓલા હિપેટીકા અને જાયજેપ્ટીકા'' નામે ઓળખાય છે. આ કૃમિ પૃષ્ઠવક્ષ બાજુએ થી ચપટા અને પાન જેવા આકારના હોય છે. ચોમાસાની શરૂઆત પછી પાણીમાં જોવા મળતા શંખલા (ગોકળગાય) જેનેે અંગ્રેજીમાં ''સ્નેઈલ'' તરીકે ઓળખાય છે. મધ્યસ્થ પોષક ધ્વારા તેમનો ફેલાવો થાય છે.
  • શરીરના મધ્યમાં રાખોડી સફેદ રંગ ધરાવતા અને બાજુએથી કાળા રંગના ફેસીઓના, જાયજેન્ટીકા કૃમિની લંબાઈ ૭પ મીલીમીટર જયારે પહોળાઈ ૮ થી ૧૦ મીલીમીટર જેટલી હોય એના શરીરનો આગળનો નાનો ભાગ શંકુ આકારનો હોયછે. શરીરની પહોળાઈ આ ભાગ પછી વધતી હોય તે જગ્યાએ ખભા જેવો અસ્પષ્ટ દેખાવ બને છે. ખભાના ભાગ પછી ધીરે ધીરે પહોળાઈ ઘટી ચાલે છે જે છેવટના ભાગે સૌથી ઓછી થઈ જાય છે. તેઓ ઉભયલિંગી હોય છે.
  • કુદરતે આ કૃમિને યકૃતમાં પકડ જમાવવા માટે સૌથી આગળના ભાગમાં એક ચૂસક અને ખભાના ભાગની શરૂઆતના મધ્યમાં એક ચૂસક એમ બે ચૂસકો આવેલ છે.

મુખ્ય યજમાનઃ

  • ઘેટા બકરા ગાય બળદ સસલાં હરણા હાથી ઘોડા વિગેરે તથા જવલ્લે મનુષ્ય પણ આ કૃમિનો ભોગ બનતા જોવા મળેલ છે.

ચિન્હો અને હાનિકારક અસરઃ

  • જો ઘણા બધા અપરિપકવ કૃમિ યકૃતમાં એક સાથે પ્રવેશ કરે તો વધુ પડતા યકૃતના કોષોનો નાશ કરી તીવ્ર પ્રકારનો રોગ કરે છે. જેમાં યકૃતના કોષોનો નાશ કૃમિ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાથી જાનવરના મરણ જલ્દી થઈ શકે છે. જેથી રોગના ચિન્હો વધુ વખત જોવા મળતા નથી તેમ છતાં મરણ પહેલાં ખોરાક ઓછો લેવો, શરીર ફીકકુ તથા નબળુ થવુ. જમણી તરફના ભાગમાં પેટ દબાવવાથી દુઃખદાયક પીડા થવી વિગેરે ચિન્હો જોઈ શકાય છે.
  • રોગની ક્રોનીક અવસ્થામાં યકૃતકૃમિ પિતનળીઓમાં પહોચી પુખ્યવયના બની જીવન વિતાવે છે. આથી આવા કૃમિ મંદ પ્રકારનો રોગ કરે છે. જેમાં યકૃતના કોષેાનો નાશ તથા રકતત્રાવ થયા બાદ ફાઈબ્રસ ટીસ્યુનો જમાવ સંધાણ માટે થાય છે. જેથી યકૃતની કાર્યશકિત ઘટે છે. યકૃત સખત થઈ જાય છે. પિતનળીઓની દિવાલના કોષો તેમની વૃધ્ધિ વધારે છે. આથી તેમની દિવાલ જાડી કઠણ પાઈપ જેવી થઈ જાય છે. જેને પાઈપ સ્ટેમ લીવર તરીકે ઓળખવામાં આવે છે. પિતનળીઓમાં જાડુ, ઘેરા સફેદ રંગનું ચીકણું પ્રવાહી ભરાય છે પિત્તાશયની નળીઓમાં અવરોધ થવાથી પિત્તનો ભરાવો થવા લાગે છે. પિત્તાશય મોટુ થઈજાય છે. કમળા જેવા ચિન્હો જોવા મળે છે. વળી જડબા નીચે પ્રવાહી ભરાય છે. જેને બોટલ મે કહેવામાં આવે છે. વજન ઘટે છે.

નિદાનઃ

  • ચિન્હો અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પશુચિકિત્સક અધિકારી નિદાન કરતા હોય છે.
  • છાણના નમૂનાની સુક્ષ્મદર્શક યંત્ર વડે તપાસ કરવાથી યકૃતકૃમિના ઈંડા જોઈ શકાય છે.
  • નજીકના ભૂતકાળમાં લીધેલ ખોરાક/ પાણીની પૂછપરછથી પણ રોગનો ખ્યાલ આવી શકે છે.
  • મરણોત્તર ચીરફાડ ધ્વારા યકૃતમાં કૃમિઓની હાજરી નજરે પડે છે.

અટકાવઃ

  • ચોમાસાની ૠતુના પાછળના મહિનાઓમાં તથા શિયાળાની ૠુતુના શરૂઆતમાં મહિનાઓમાં નદી/ તળાવ/ નહેરના કિનારાનું ઘાસ ઢોરને ચરવા દેવુ નહી. આવુ ઘાસ કાપી બરાબર રીતે સુર્યતાપમાં સૂકવી ખવડાવી શકાય અથવા આવા ઘાસનું સાલેજ બનાવી ઉપયોગમાં લઈ શકાય.
  • શંખલાનો નાશ કરવો. આ માટે શંખલાનાશક દવાઓનો ઉપયોગ થાય છેસાથે બતક જેવા પક્ષીઓ જે શંખનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તે પણ પાળીને આ રોગનું નિયંત્રણ થઈ શકે છે.
  • રોગિષ્ઠ જાનવરોની સારવાર કરાવવી તથા જાનવરોનું છાણ એક જગ્યાએ ભેગું કરી ઢગલો કરવો જેથી અંદર ઉત્પન્ન થતી ગરમીથી ઈંડાનો નાશ થાય.
  • નીલગીરીના વૃક્ષપાન અને શીંગોડા શંખલાનો નાશ કરતા હોઈ તેમના ઝાડને તળાવ/ નદી કિનારે ઉગાડવા જોઈએ. આ રોગના મધ્યસ્થ પોષકનો ઉપદ્રવનો અટકાવે છે. વળી સઘળી કૃમિનાશક દવા એવં શંખલાનાશક દવાઓ પશુચિકિત્સક અધિકારીશ્રીના માર્ગદર્શન અને સલાહ પ્રમાણે આપવી હિતાવહ છે.

લેખકો:

ડો. શ્રીકાંત  બી. કાટોલે,  વિષય નિષ્ણાત(પશુપાલન)
ડો. જે. જે. હસનાની, વડાશ્રી, પરજીવીશાસ્ત્ર વિભાગ, પશુચિકિત્સા મહાવિદ્યાલય, આણંદ
ડો . જી. જી.પટેલપ્રોગ્રામ કોઓર્ડિનેટર
પ્રકાશક :કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,આણંદ કૃષિ યુનિવર્સિટી,દેવાતજ (સોજીત્રા)જિઃઆણંદ ફોન નં.૦ર૬૯૭ર૯૧ ૩ર૭
ડો. શ્રીકાંત  બી. કાટોલે,  વિષય નિષ્ણાત(પશુપાલન)ડો. જે. જે. હસનાની, વડાશ્રી, પરજીવીશાસ્ત્ર વિભાગ, પશુચિકિત્સા મહાવિદ્યાલય, આણંદ ડો . જી. જી.પટેલપ્રોગ્રામ કોઓર્ડિનેટરપ્રકાશક :કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,આણંદ કૃષિ યુનિવર્સિટી,દેવાતજ (સોજીત્રા)જિઃઆણંદ ફોન નં.૦ર૬૯૭ર૯૧ ૩ર૭

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate