অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુઓના ખોરાક પર કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાઓની પોષણમૂલ્ય પર અસર

પશુઓના ખોરાક પર કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાઓની પોષણમૂલ્ય પર અસર

પ્રોસેસીંગની પધ્ધતિઓઃ

પશુ ઉત્પાદનમાં પશુ આહારનું ઘણું જ મહત્વ છે. પશુ ઉત્પાદનમાં ખોરાકનો ખર્ચ ૬પ થી ૭પ ટકા જેટલો થાય છે. એટલા માટે જરૂરી છે કે પશુઆહારની એવી રીતે પ્રોસેસ કરવામાં અવો કે તે પધ્ધતિ અર્થક્ષમ હોય અને પશુઓની ઉત્પાદન ક્ષમતા પણ વધારે.

પશુઆહારની પ્રોસેસીંગ પ્રક્રિયાઓમાં ૧. ભૌતિક ર. રાસાયણિક અને ૩. જૈવિક પ્રક્રિયાઓ થાય છે. પશુઆહારના પ્રોસેસીંગનો ઉદેશ અને ફાયદા નીચે પ્રમાણે છે.

  1. વધુ નફો મેળવવોઃ પ્રક્રિયા કરેલ પશુઆહાર ખાવાથી પશુઓની ઉત્પાદન ક્ષમતા ૧૦ થી ૧પ ટકા જેટલી વધી જવાથી નફો વધવાની શકયતાઓ છે.
  2. પશુઆહારના કણોના કદમાં ફેરફાર કરવો
  3. પશુઆહારની ઘનતા વધારવી
  4. પશુઆહારને રૂચિકર બનાવો
  5. પોષક તત્વોની પાચ્યતા વધારવી
  6. નુકશાનકારક તત્વોનો નાશ કરવો અથવા તેને દૂર કરવા

ઘાસચારા પર થતી પ્રક્રિયાઓઃ

આપણા દેશમાં મોટા ભાગે પશુઓ ખાસ કરીને વાગોળતા, પશુઓ કૃષિની આડપેદાશો ઉપર નભે છે. પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા માણસો શકિત પ્રમાણે લીલા ઘાસચારાના ઉત્પાદન માટે થોડી જમીન ફાળવે છે. મોટા ભાગના ખેડૂતો તે પણ કરતા નથી. કૃષિની આડ પેદાશો જેવી કે પરાળ, કડબ, ઢુણસા વગેરે પોષણની દષ્ટિએ ઉતરતી કક્ષાના ગણાય છે. માટે તેમની પોષણ ગુણવતા વધારવાના ઉપાયો ઘણા સમયથી કરવામાં આવે છે.આ ઉપાયોમાં કેટલાક ખેડૂતો જાતે કરી શકે છે અને તે આવા પરાળ અને કડબની પોષક ગુણવતામાં સુધારો કરી પશુઓને સારો ખોરાક પૂરો પાડી આર્થિક ફાયદો મેળવી શકે છે.

ભૌતિક પધ્ધતિઓઃ

ઘાસચારા/ સૂકાચારાના કટકા કરવાઃ

લીલાચારાના નાના ૧ થી ૪ સે.મી. સુધીના કટકા કરી પશુઓને ખવડાવવાથી પશુઓ આ ચારાને સહેલાઈથી ખાઈ શકે છે. અને ઘાસચારાનો ૧૦ થી ૧પ ટકા જેટલો બગાડ અટકી શકે છે. આવા કટકા કરેલા લીલાચારાને સૂકા ઘાસચારા સાથે ભેગા કરી આપવાથી પશુઓ સૂકોચારો પણ સારી રીતે ખાઈ છે અને સૂકા ઘાસચારાની પોષક ગુણવત્તામાં સુધારો થવાથી પશુઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો શકય બને છે. આ રીતે સુકાચારાના પણ ટુકડા કરી પશુઓને ખવડાવવાથી ઉપર મુજબના ફાયદા મેળવી શકાય છે.

ઘાસ  કડબ વગેરેના નાના કટકા (ટુકડા) કરી વાગોળતા પશુઓને ખવડાવવું સલાહ ભરેલુ છે.

કડબના રાડા કે જેનો સામાન્ય રીતે પશુઓ બગાડ કરતા હોય છે. નાના કટકા કરી ખવડાવવાથી આ બગાડ કે જે ૧પ થી ર૦ ટકા જેટલો હોય છે. તે અટકાવી શકાય. કટકા કરવાથી  પશુઓની ખોરાક ખાવાની માત્રામાં વધારો જોવા મળે છે. કડબ વગેરેનું જમીન પર નીરણ કરવાથી તેના બગાડનું પ્રમાણ વધેછે.

આપણા દેશમાં ઘાસચારાને દળીને ખવડાવવાનો રિવાજ નથી અનેુ તે મોંઘુ પણ પડે છે. હાલના સંજોગોમાં ઘાસચારો, પરાળ, કડબ વગેરે દળવાનું સક્ષમયંત્ર પણ આપણે ત્યાં સહેલાઈથી ઉપલબ્ધ નથી. આવા ઘાસચારા કડબ, પરાળ વગેરેને દળવાથી તેના રજકણો ઉડતા હોઈ પશુઓ તેને ઓછો પસંદ કરે છે. પશુઓને ઝીણો દળેલો ઘાસચારો આપવાથી તેની પાચ્યતા ઘટે છે. કારણ કે તેના કણોનું કદ નાનું હોઈ તે પાચનનળીમાંથી ઝડપથી પસાર થતા હોઈ ઓછુ પાચન થાય છે.

પલાળવુઃ

પરાળને  પલાળવાથી પણ પશુઓની ખાવાની માત્રામાં વધારો કરી શકાય છે. પલાળવાથી અમુક સુકાચારામાં જેવા કે ડાંગરમાં ઓકઝલેટ નામનું નુકશાનકારક તત્વ છે તે પાણીમાં ઓગળી જવાથી તેને દુર કરી શકાય છે. અમુક અખતરાઓમાં પલાળેલ સૂકો ચારો ખાવાથી નેટ એનર્જી વધુ મળે છે. એવું સાબિત થયુ છે.

વરાળની પ્રક્રિયાઃ

સૂકા ઘાસચારા જેવા કે પરાળ, શેરડીના કૂચા વગેરેને વરાળની પ્રક્રિયા આપવાથી પશુઓને તે વધુ ભાવે છે. અને તેની પાચ્યતામાં પણ પ થી ૧૦ ટકા સુધી વધારો જોવા મળે છે. જયાં આ સસ્તી પડે તેમ હોય ત્યાં આ પધ્ધતિ ઘાસચારાની ગુણવત્તા સુધારવા માટે ઉપયોગી થઈ પડે છે.  દા.ત. ખાંડ બનાવતા કારખાનામાં શેરડીના કૂચાને વરાળની પ્રક્રિયા આપવી સહેલી અને સસ્તી પડે છે.

ઘાસચારાની ટીકડી બનાવવીઃ

ઘાસચારાને દળીને તેની ટીકડી બનાવવાથી પશુઓ આવો ખોરાક વધુ ખાઈ શકે છે. પણ તેની પાચ્યતામાં ઘટાડો જોવા મળે છે. ટીકડી પાડવાનો મુખ્ય હેતુ પશુઓ વધુ ખોરાક ખાય તે છે. આવો ખોરાક ખાવાથી પશુઓ ચયાપચયની શકિતનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. ટીકડીમાં ભેળસેળ શકય નથી.

કયુબીંગ (મોટી ટીકડીઓ પાડવી)

કયુબ એટલે મોટી ટીકડીઓ. તે આકારની દષ્ટિએ જુદા જુદા પ્રકારની હોઈ શકે છે. દા.ત. ગોળ, ચોરસ વગેરે તેનો વ્યાસ પ થી ૮ સે.મી. અને લંબાઈ ર.પ થી ૧૦ સે.મી. હોઈ શકે છે. ઘાસચારાના કયુબ્સ બનાવવા માટે ઘાસચારાને દળવાની જરૂર નથી. પશુઓને ખવડાવવા માટે કયુબ જમીન પર નીરણ કરી શકાય છે. કયુબ્સમાં ઉતરતી કક્ષાના ઘાસચારાનો સમાવેશ સહેલાઈથી કરી શકાય છે. પશુઓ તેને સારી રીતે ખાઈ શકે છે.

પરાળના ચોસલા તૈયાર કરવાઃ

પરાળના ચોસલા બનાવી પશુઓને ખવડાવવાથી તેની પોષણ ગુણવત્તા વધે છે. અને પશુઓને આવા ચોસલા ભાવે છે. ચોસલા બનાવવા માટે પરાળ સાથે, ગોળની રસી, ક્ષારમિશ્રણ, યુરિયા વગેરે ભેળવીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને ત્યાર બાદ મશીન વડે ચોસલા તૈયાર કરી શકાય છે. આવા ચોસલા સંગ્રહ કરવાથી ઓછી જગ્યામાં વધુ માત્રામાં સંગ્રહ કરી શકાય છે. તદઉપરાંત પરિવહનના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. ચોસલા બનાવવાનું યંત્ર ઉપલબ્ધ ના હોય તો તૈયાર થયેલ મિશ્રણ સીધે સીધુ પશુઓને ખવડાવી શકાય.

રાસાયણિક પધ્ધતિઓઃ

કુંવળ/ પરાળ/ કડબની પોષણમૂલ્યતા વધારવા આલ્કલીની માવજતઃ

ઘઉ કુંવળની પોષણમૂલ્યતા વધારવા માટે ૧૯૧૯માં જર્મનમાં સૌ પ્રથમ વાર આલ્કલી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવેલ. આ પ્રક્રિયામાં ૧.પ ટકા થી ૪.૦ ટકા સુધી સોડીયમ હાઈડ્રોકસાઈડના દ્રાવણમાં ઘઉ કુંવળની દશ ગણી માત્રાને ર૪ કલાક સુધી પલાળી રાખવામાં આવેલ. દ્રાવણ નિતર્યા બાદ પરાળમાં સોડીયમ હાઈડ્રોકસાઈડ ના રહે ત્યાં સુધી પાણીથી ધોવામાં આવે છે. આમ કરવાથી  ઘઉં કુંવળમાં રહેલ કાર્બનિક પદાર્થોની પાચ્યતામાં ઘણો વધારો (૪૬ ની સરખામણી ૭૦ ટકા) થાય છે પરંતુ પ્રક્રિયા દરમિયાન કાર્બનિક પદાર્થોની માત્રામાં ર૦ ટકા જેટલો ઘટાડો થાય છે.

ચુનાના દ્રાવણની પ્રક્રિયાઃ

પરાળ કુંવળને ૧.રપ ટકા ચુનાના દ્રાવણમાં ૪૬ દિવસ સુધી પલાળી રાખવાથી પરાળની પોષણ ગુણવત્તામાં વધારો થાય છે. આ પ્રક્રિયાથી પરાળની પાચ્યતામાં ર૪૩૦ ટકા સુધી વધારો થઈ શકે છે.

એમોનિયા વાયુની માવજતઃ

ભેજરહિત એમોનિયા વાયુની માવજતથી પરાળ/ કુંવળમાં રહેલ રેસાવાળા તત્વોની પાચ્યતામાં ઘણો વધારો થાય છે. આ ઉપરાંત પરાળમાં રહેલ પ્રોટીન ની માત્રા ર.પ થી ૩.૦ ગણી વધી જાય છે. એમોનિયા પ્રક્રિયા થયેલ પરાળમાં સેલ્યુલોઝની પાચ્યતામાં ૧૦૧પ ટકા જેટલો વધારો થાય છે. એમોનિયા પ્રક્રિયા કરવા માટે ઘાસના ઢગલાને પ્લાસ્ટીકથી બરાબર ઢાંકી દેવુ જોઈએ અને પછીથી એમોનિયા નીચેના ભાગમાંથી પસાર કરવો જોઈએ.

જૈવ રાસાયણિક પધ્ધતિઓઃ

ખાણદાણમાં થતી પ્રક્રિયાઓઃ

આ પ્રક્રિયાઓમાં પરાળ/ કુંવળ ઉપર ફૂગ  મશરૂમ અને જીવાણુઓની માવજત કરી તેની પોષણ મૂલ્યતા વધારવામાં આવે છે. આવી પ્રક્રિયાથી પરાળ/ કુંવળ શેરડીના કૂચાની પાચ્યતામાં વધારો થાય છે. અને પશુઓને મળતી શકિતની માત્રામાં રપ થી પ૦ ટકા સુધીનો વધારો થાય છે.

ખાણદાણમાં થતી પ્રક્રિયાઓઃ

ખાણદાણ પર થતી પ્રક્રિયાઓનો મુખ્ય હેતુ તેમાં રહેલ સ્ટાર્ચ પશુઓને વધુ પ્રમાણમાં મળે અને તેની પાચ્યતા વધે તે છે. ખાણદાણ પર મુખ્ય બે પ્રક્રિયાઓ કરવામાં આવે છે.

(અ)  સૂકી પ્રક્રિયાઓ (ડ્રાય પ્રોસેસીંગ)

૧. ભરડવુઃ

ઝીણા દાણા જેવા કે બાજરી, જુવાર તેમજ હલ્કા ધાન્ય વગેરે પશુઓને આખા ખવડાવવાથી તેમાંથી પોષક તત્વો ઓછા મળે છે કારણ કે આવા દાણા ઉપરના કઠણ આવરણના કારણે તેના પર પાચક રસોની અસર ઓછી થાય છે અને તે પચ્યા વગર છાણ વડે બહાર નીકળી જાય છે. તેથી તેને પશુઓને આપતા પહેલા ભરડવા જોઈએ. ભરડવાથી તે તૂટી જાય છે. આમ તેમાં  રહેલ પોષક તત્વો પર પાચક રસોની ક્રિયા થવાથી તે સહેલાઈથી પચી શકે છે અને પશુઓને વધુ પોષક તત્વો મળવાથી તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો જોવા મળે છે. ખાણ દાણને ઝીણું લોટ જેવુ દળવુ સલાહ ભરેલ નથી કારણ કે આવુ દાણ પાચન નળીમાંથી ઝડપથી પસાર થતુ હોઈ તેની પાચ્યતા ઓછી થાય છે તેમજ પશુઓના જઠરમાં ચાલતી ચયાપચયની ક્રિયાઓમાં અવરોધ ઉત્પન્ન થવાથી પશુઓના ઉત્પાદન તેમજ તંદુરસ્તી ઉપર માઠી અસર પડે છે.

ર. સૂકા દાણાને તોડવા અથવા રોલીંગ કરવુઃ

આ પધ્ધતિમાં દાણાને ફિકસ કરેલા સ્ટીલના બે રોલર વચ્ચેથી પસાર કરાય છે. આ રોલરની લાંબી ધરી પર ખાંચા રાખવામાં આવે છે. આ પધ્ધતિમાં દાણા તૂટતા હોઈ તેનુ કદ દળવા કરતા મોટુ હોય છે અને આવા તૂટેલા દાણા વાગોળતા પશુઓને વધુ ભાવે છે. ઉપરાંત તેનુ કદ મોટુ થવાથી તે પશુઓના પાચન માર્ગમાંથી ઝડપથી પસાર થતા નથી. જેથી પાચન સારી રીતે થાય છે.

૩. દાણાની ધાણી બનાવવી (પોપીંગ)ઃ

આ પ્રક્રિયામાં માણસો જે રીતે ધાણીનો ઉપયોગ કરે છે. તે રીતે જ દાણા પર પ્રક્રિયા કરી ફુલાવવામાં આવે છે. આ પધ્ધતિમાં દાણા પર ઝડપી સૂકી ગરમીની પ્રક્રિયા કરવાથી તે અચાનક ફુલી જાય છે અને તેનુ ભુ્રણ પણ તૂટી જાય છે. દાણાની ઘનતા ઓછી થવાથી તેના સંગ્રહ માટે જગ્યાની જરૂરીયાત વધી જાય છે. આ પ્રક્રિયામાં દાણા તૂટવાથી સ્ટાર્ચ છુટો પડતો હોય તેની પાચ્યતા વધી જવાની શકયતા રહે છે.

બ. ભેજવાળી પધ્ધતિઓ (વેટ પ્રોસેસીંગ)

૧. પલાળવ/ રાંધવુ/ બાફવુ :

પલાળવા  રાંધવા અને બાફવાથી પણ ખાણદાણની પોષક ગુણવતાવાપરી શકાય છે. પશુપાલકો સામાન્ય રીતે અમુક પ્રકારના ખાણદાણને પલાળી અથવા બાફીને પશુઓને ખવડાવતા હોય છે. ઝીણા બાજરી જેવા દાણા પશુઓને ખવડાવવાથી તે મોટે ભાગે છાણ વડે પચ્યા વગર નીકળી જાય છે અને પશુઓને તેના પોષક તત્વોને લાભ મળતો નથી. તેમજ તેને દળવુ સહેલુ નથી તેથી પલાળી બાફીને ખવડાવવાથી સહેલાઈથી પચે છે. આવા દાણાને ૧ર થી ર૪ કલાક સુધી પાણીમાં પલાળવાથી પશુઓ તેને હોશે હોશે ખાયછે અને પાચ્યતા વધે છે.  પશુઓને ખવડાવતા પહેલા રાયડાખોળ, અળસીખોળ પાણીમાં પલાળવાથી તેમાં રહેલ એચ.સી. એન.ની ઝેરી અસર નિવારી શકાય છે. બીજી બાજુ બટાકા, સોયાબીન અને વાલના દાણાને બાફવાથી તેની પાચ્યતા વધે છે અને તેમાં રહેલ નુકશાનકારક તત્વો નાશ પામે છે. માટે પશુઓને વધુ પોષક તત્વો મળતા હોઈ તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે.

ર. સ્ટીમરોલીંગ :

રોલીંગમાં દાણાને બે રોલર વચ્ચેથી પસાર કરાવવાથી દાણા દબાઈ જાય છે અને તૂટી જાય છે.જયારે સ્ટીમ રોલીંગ આ દાણાને રોલર વચ્ચેથી પસાર કરતાં ૮ થી૧૦ મીનીટ સુધી વરાળ પ્રક્રિયા કરવાથી તે ચપટા થઈ જાય છે. સ્ટીમ રોલીંગને ક્રિમ્પીંગ પણ કહેવાય છે. આવુ દાણ નાના બચ્ચાઓ માટે કે જેના દાંત વિકસ્યા ના હોય અથવા ઘરડા પશુઓ માટે ઘણા ઉપયોગી છે. આવી પ્રક્રિયા કરેલ દાણ પશુઓને ભાવે છે. તે સહેલાઈથી ખાઈ શકે છે અને તે સારી રીતે પચે છે.

૩. ટીકડી તૈયાર કરવીઃ

દાણને દળ્યા પછી તેના પર વરાળની પ્રક્રિયા કર્યા બાદ અથવા તેના વગર પણ ગોળની રસી ભેળવી શકિતના ઉપયોગ વડે ડાઈમાંથી પસાર કરાવાય છે. આમ દાણના ભૂકામાંથી ટીકડી બનાવી શકાય. ટીકડી બનાવવાથી દાણની પાચ્યતા વધે છે. તેમજ દાણ મિશ્રણ ખાતી વખતે ઉડતી રજકણોમાં ઘટાડો થાય છે. દાણ મિશ્રણને ટીકડીના રૂપમાં વાપરવાથી તેનો બગાડ અટકે છે અને તેને પશુઓને ખવડાવવામાં અનુકૂળતા રહે છે. ટીકડીથી દાણને સંગ્રહ કરવા માટે ઓછી જગ્યાની જરૂરીયાત રહે છે. ટીકડી બનાવવાની દાણની કિંમતમાં ૧૦ ટકા જેટલો વધારો થાય છે. પરંતુ તેની સામે દાણમાં ભેળસેળની શકયતા ઓછી કરી શકાય છે. અને ટીકડી ખવડાવવાથી પશુઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાથી ટીકડી પાડવાનું સરવાળે નફાકારક નીવડે છે.

આમ ઉપર આપણે જોયું કે ઘાસચારા તથા ખાણ દાણ ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ કરી તેની પોષક ગુણવત્તા વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. ઘાસચારો (સૂકોલીલો) ટુકડા કરીને આપવા જોઈએ. એકલો સૂકોલીલો ચારો ખવડાવવા કરતાં મિશ્રણ કરીને ખવડાવવાથી ઘાસચારાનો બગાડ અટકાવી સુકાચારાની પોષક ગુણવત્તા વધારી શકાય છે. સૂકાચારા ઉપર યુરિયા પ્રક્રિયા કરવાથી પણ તેની પોષક ગુણવત્તા વધારી શકાય છે. પશુ પાલકો સહેલાઈથી પોતાના ફાર્મ ઉપર કરી સારો ખોરાક પશુઓને આપી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. ખાણદાણ જેવા કે બાજરી જુવાર  મકાઈ વગેરેને ભરડીને આપવા જોઈએ અથવા બાફીને આપવા જોઈએ.

લેખક

ર્ડા.શ્રીકાંત  બી. કાટોલે, શ્રી જૈમિન એચ.ભટ્ટ, શ્રીમતી અમીતા બી.પરમાર, ર્ડા. જી. જી.પટેલ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,આણંદ કૃષિ યુનિવર્સિટી,દેવાતજ (સોજીત્રા)૩૮૭ ર૪૦.

ફોન નં.૦ર૬૯૭ર૯૧ ૩ર૭

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate