સુરતી બકરીઓનું વતન મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લાનાં સમુદ્ર કાંઠા વિસ્તારનાં ગામો, નાના અને મોટા શહેરો ગણાય છે અને તેનું નામ સુરત શહેર ઉપરથી રાખવામાં આવેલ છે. આ ઓલાદ અરબસ્તાન અથવા ઇરાકની બકરીઓમાંથી પેદા થયેલી મનાય છે. હજ કરવા જતાં હજયાત્રીઓ અને સુરતના ખારવા આ જાતની બકરીઓ ભારતમાં લાવેલા તેમાંથી સંકરણ થઇને આ જાત ઉત્પન્ન થઇ હોવાનું મનાય છે.
આ બકરાં કદમાં પ્રમાણમાં નાના, પાસાદાર શરીરવાળા, રંગે સફેદ તથા સુંવાળા વાળવાળાં છે. તેમનાં કાન અને શિંગડા નાના અને પાતળા હોય છે. આ બકરીનું માથું નાનું અને આઉ મોટું હોય છે. તેમના પગ ટુંકા અને પાતળા હોય છે. પુખ્ત વયની બકરીનું સરેરાશ વજન ૩૦-૩૫ કિ.ગ્રા. અને બકરાંનુ વજન ૪૦-૪૫ કિ.ગ્રા. જેટલું હોય છે.
આ ઓલાદને શહેરી બકરી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બકરાંને ઘેર બાંધી ચારો કે ઝાડના પાંદડા કે અન્ય વનસ્પતિ ખવડાવી પાળી શકાય છે. આ બકરીઓ કદમાં નાની હોવાથી રાખવામાં અગવડતા પડતી નથી. બકરીઓ વર્ષામાં બે વખત વિયાય છે અને પ્રત્યેક વિયાણ વખતે બે કે ત્રણ બચ્ચાં આપે છે. તેઓ દરરોજનું ૧.૦ થી ૧.૫ કિ.ગ્રા. દુધ આપે છે. દુધાળ ગાળો લાંબો અને વસુકેલા દિવસો ઓછા હોય છે. આ ઓલાદના બકરાં દુધાળ ઓલાદ તરીકે ગણાય છે.
આ જાતની જન્મભૂમિ મહેસાણા જિલ્લો છે, પણ તે ઉત્તરમાં બનાસકાંઠા, પૂર્વમાં સાબરકાંઠા અને દક્ષિાણમાં છેક વડોદરા સુધી ફેલાયેલી છે. રબારી લોકો સામાન્ય રીતે ૫૦ થી ૧૦૦ ની સંખ્યામાં બકરીઓને પાળતાં હોય છે. તેનું કદ મોટું હોય છે. શરીરનો રંગ સામાન્ય રીતે કાળો હોય છે. કાન સફેદ અને કાળા ટપકા વાળા હોય છે. કેટલીક વખત તદન સફેદ કાન પણ હોય છે. વાળ
બરછટ અને મોટા હોય છે. તેની દાઢી ઉપર વાળનો ગુચ્છો હોય છે. નર અને માદાના શિંગડા સૂ જેવા વળેલા અને તે આગળ અને પાછળ હોય છે.
આઉ વિકસિત અને આંચળ મોટા હોય છે. પુખ્ત વયનાં નરનું વજન ૩૬ કિ.ગ્રા. અને માદાનું વજન ૩ર કિ.ગ્રા. જેટલું હોય છે.
આ ઓલાદ દુધ અને માંસ ઉત્પાબ માટે જાણીતી છે. તેનું દુધ ઉત્પાદન સરેરાશ રોજનું ૧.૦ કિ.ગ્રા. જેટલું હોય છે. વાળનું ઉત્પાદન વાર્ષિક માથા દીઠ ૨૦૦ ગ્રામ જેટલું હોય છે.
આ જાતની બકરીઓ સૌરાષટ્રના ઝાલાવાડ વિસ્તારમાં અને તેની ઉત્તરે વઢિયારમાં જોવા મળે છે. તેનો રંગ મુખ્યત્વે કાળો હોય છે. કેટલીક વખત સફેદ ધાબા પણ હોય છે. કદમાં સુરતી બકરી કરતાં મોટી હોય છે. તેના કાન મોટા અને લબડતાં હોય છે. તેના શીંગડા ઉભા અને જુની માફક વળ લેતાં હોય છે. ગળા ઉપર અજાગળ સ્તન (wattles) હોય છે. તેની ચામડી રતુમડી, કાળી અને વાળ ચળકતાં હોય છે.
વર્ષોમાં એક જ વાર વિચાર છે અને વર્ષો દરમ્યાન સરેરાશ દરરોજનું ૧.રપ કિ.ગ્રા. જેટલું ધ આપે છે. દરેક વિચાણે સામાન્ય રીતે એક જ બચ્ચાંને જન્મ આપે છે. વાળ ૧૦-૧૫ સે.મી. લાંબા હોય છે. તેનો મુખ્ય ઉપયોગ દોરડાં વણવામાં થાય છે. દુધ અને માંસ ઉત્પાદન માટે આ ઓલાદ જાણીતી છે.
આ બકરીઓનું ઉદગમ સ્થળ ગુજરાતના કાઠિયાવાડ ક્ષોત્રનો ગોહિલવાડ વિસ્તાર છે. આ બકરીઓ શુધ્ધ સ્વરૂપમાં મુખ્યત્વે ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં જોવા મળે છે. આ ઉપરાંત તે અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓમાં પણ જોવા મળે છે. આ બકરાંઓનો રબારી અને ભરવાડ લોકો ઉછેર કરે છે.
આ બકરાંઓ મુખ્યત્વે માંસ, દૂધ અને વાળ માટે જાણીતા છે. આ બકરાં મધ્યમથી માંડી મોટા કદઅને શરીરનો રંગ કાળો હોય છે. માથુ લાંબુ અને કપાળ ઉપસેલું, બહિર્ગોળ ચહેરો ધરાવે છે. શિંગડાં મધ્યમ લાંબા વળ લેતાં ઉભા અને પાછળની તરફ ઢળતાં જોવા મળે છે. કાના કાળા, મધ્યમ લાંબા અને લબડતાં જોવા મળે છે. આ સપ્રમાણ, ભરાવદાર આંચળ નળાકાર જોવા મળે છે.
તેનું દૂધ ઉત્પાદન સરેરાશ રોજનું ૧.૨ કિ.ગ્રા. જેટલું હોય છે. પ્રથમ વિયાણની સરેરાશ ઉમર ૧૯ મહિના જેટલી જોવા મળે છે. જોડકા બચ્ચાં આપવાનું પ્રમાણ ૫૦-૬૦ ટકા જોવા મળે છે.
આ ઓલાદનાં બકરાંઓનું મૂળ વતન ગુજરાત રાજયના કચ્છ જિલ્લો છે. હાલમાં કચ્છ ઉપરાંત રાજ્યનાં અન્ય જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં પણ આ ઓલાદનાં બકરાંઓ જોવા મળે છે.
આ બકરાં મધ્યમ કદનાં, શરીરનો રંગ કાળો અને ગરદન ઉપર સફેદ ધાબાવાળા જોવા મળે છે. નાનાં નાનાં સફેદ રંગનાં ટપકાં કાન પર પણ જોવા મળે છે. કાન મધ્યમ લંબાઇના લબડતાં પાંદડા આકારનાં જોવા મળે છે. શરીર પર મધ્યમ લંબાઇ (ક-૯ સે.મી.) ના વાળ ઉગેલા જોવા મળે છે. બકરીઓમાં શિંગડા ટૂંકા (૫ સે.મી.) થી માંડી લાંબા (રપ સે.મી.) કદનાં હોય છે. શિંગડા ઉભા અને જૂની માફક વળ લેતાં હોય છે. દાઢી અને અજાગળ સ્તન (વેટલ્સ) બકરાંઓમાં જોવા મળતા નથી.
આ ઓલાળાં બકરાંઓ માંસ અને દૂધ માટે ઉપયોગી છે. તેનું દૂધ ઉત્પાબ સરેરાશ રોજનું ૦.૭ કિ.ગ્રા. જેટલું હોય છે. પ્રથમ વિયાણની ઉમર લગભગ ૨૦ મહિના જેટલી જોવા મળે છે. પુખ્ત વયનાં માદા અને નારનું વજન અનુક્રમે ૪૦ કિ.ગ્રા. અને ૪૮ કિ.ગ્રા. જેટલું હોય છે. વિયાણ વખતે જોડકા બચ્ચાં આપવાનું પ્રમાણ ૧૦-૧ર ટકા જોવા મળે છે.
સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/17/2019