પશુપાલનના વ્યવસાયમાં પશુઆરોગ્યનું શું મહત્વ છે ?
આપણે સહુ જાણીએ છીએ કે 'પહેલું સુખ તે જાતે નર્યા' તેવી જ રીતે પશુપાલનના વ્યવસાયમાં પશુઆરોગ્યનું મહત્વ છે, કારણ કે નિરોગી પશુ જ વધુ દૂધ આપી શકે, સારૂં કાર્ય કરી શકે તેમજ સારી ઓલાદ (તંદુરસ્ત બચ્ચા) આપી શકે. ખરૂં કહીએ તો પશુપાલનના વ્યવસાયના અર્થતંત્રનો સીધો આધાર પશુના આરોગ્ય ઉપર જ રહેલો છે.
આપણું પશુ તંદુરસ્ત છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય ?
તંદુરસ્ત પશુના મોઢા પર અમૂક પ્રકારનું તેજ હોય છે, તે ચપળ અને હોંશિયાર દેખાય છે પશુપાલકના ડચકારાથી દિશા તરફ જોશે અને કાન ઊચા કરશે. નાકનાં ફોરણાં ઉપરનાં કાળા ભાગ ઉપર ઝાકળનાં ટીંપા જેવા પાણીનાં ટીંપા બાઝેલા હોય છે. ખોરાક તથા પાણી બરાબર લે છે. મળ-મૂત્રનો રંગ, ગંધ અને બાંધો સામાન્ય હોય છે. શ્વાસની કિ્રયા નિયમિત હોય છે. ઉત્પાદન અને કાર્યશકિત બરાબર હોય છે. પશુઓમાં રોગ અવસ્થાની જાણ જે તે રોગના લક્ષાણોથી થાય છે. રોગિષ્ટ પશુમાં ઉપર જણાવેલ બાબતો વિપરીત જોવા મળે છે.
પશુઓમાં સામાન્ય રીતે કયા રોગો જોવા મળે છે ?
પશુઓમાં સામાન્ય રીતે આઉનો સોજો, ખરવામોંવાસો, આફરો, સામાન્ય અપચો, ગળસૂંઢો, પરોપજીવીથી થતા રોગ, મેલી ન પડવી, ચેપી ગર્ભપાત, વેતરમાં ન આવવું, ચકરીનું દર્દ, વાંઝિયાપણું, માટી ખસી જવી વગેરે છે.
આઉનો સોજો અથવા બાવલાના સોજાનો રોગ કેવી રીતે અટકાવી શકાય ?
દૂધાળા પશુમાં થતા રોગોમાં સૌથી મહત્વનો રોગ છે જેના કારણે પશુપાલકને આર્થિક નુકશાન બહુ થાય છે. આ રોગને અટકાવવા માટે પશુને દોહતા પહેલાં અને દોહયા બાદ આંચળ તથા બાવલું ચોખ્ખા પાણીની ધોવાનું રાખો અને ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટના મંદ દ્રાવણથી સાફ કરવાનું રાખવું જોઈએ. દોહનારના હાથ પણ આ દ્રાવણથી ધોવા પશુને તથા રહેઠાણને સ્વચ્છ રાખવું જોઈએ. ખરાબ દૂધ ભોંયતળિયે ન ફેંકતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આવા પશુને છેલ્લા દોહવાનું રાખવું. બાવલામાં કોઈપણ પ્રકારની ઈજા થાય તો તુરત તેનો ઉપચાર કરાવવો જોઈએ.
પોટેશ્યમ પરમેંગેનેટ શું છે ? અને તેનું મંદ દ્રાવણ કેવી રીતે બનાવવું ?
પોટેશ્યમ પરમેંગેનેટ એક સસ્તુ અને સારૂં એંટીસેપ્ટિક, ડીસઈન્ફેકટન્ટ (ચેપ ન લાગે તેવી જંતુનાશક દવા) અને ડીઓડરન્ટ (ગંધ ન આવે/ગંધને દૂર કરે) દવા છે. જાંબુડીયા કણના સ્વરૂપમાં બજારમાં મળે છે. એક ડોલ પાણીમાં પાંચ કણ નાંખી બરાબર હલાવતાં આછા ગુલાબી રંગનું દ્રાવણ તૈયાર થશે જેને મંદ દ્રાવણ કહેવાય.
ખરવામોંવાસાનો રોગ શેનાથી થાય છે અને કેવી રીતે ફેલાય છે ?
ખરવામોંવાસાનો રોગ વિષાણુંથી થાય છે. આ રોગ ખૂબ જ ચેપી છે અને જોતજોતામાં ઝડપથી આખા ગામના પશુઓમાં ફેલાય છે. રોગિષ્ટ પશુના મોઢામાંથી પડતી લાળમાં આ રોગના વિષાણુંઓ પુષ્કળ હોય છે. વૈજ્ઞાનિક રીતે એવું પુરવાર થયેલું છે કે ચેપી પશુના મોઢામાંથી લાળનું એક માત્ર ટીંપુ જો હવાડામાં કે કૂંડીમાં પડે તો તે બધું પાણી દૂષ્િાત થઈ જાય છે. આ દૂષિત પાણી જો તંદુરસ્ત પશુ પીવે તો તેને રોગ થાય છે. લાળથી દૂષિત ખોરાક ધ્વારા તથા સીધા સંપર્કથી તથા હવા ધ્વારા પણ રોગ ફેલાય છે.
ખરવામોંવાસાનો રોગ થતો અટકાવવા શું કરવું જોઈએ ?
આ રોગ થતો અટકાવવા માટે પશુને ખરવામોંવાસાની રસી નિયમિત મૂકાવવી જોઈએ.
તમારા નજીકના પશુ દવાખાને જઈ ડૉક્ટરની સલાહ મુજબ વર્ષમાં બે વખત નવેમ્બર માસમાં અને એપ્રિલ માસમાં રસીકરણ કરાવવું જોઈએ.
ખરવામોંવાસાનો રોગ થયો હોય તેવા પશુને ઘરગથ્થું ઉપચાર શું કરી શકાય ?
એક ડોલ પાણીમાં મૂઠી ભરીને ખાવાનો સોડા નાંખી તેને ઓગાળીને આ દ્રાવણથી પશુની ખરી અને મોં દિવસમાં ચાર થી પાંચ વખત ધોવાનું રાખો, મોંઢામાં ચાંદા પડયા હોય તો મધ અને કાથાનો પાઉડર લગાવવો. વધુ તકલીફ જણાય તો પશુ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ગળસૂંઢાનો રોગના લક્ષાણો શું છે ?
ગળસૂંઢાનો રોગમાં પશુને તાવ આવે, આંખો લાલ થઈ જાય, ખાતુપીતું બંધ થઈ જાય, શ્વાસોશ્વાસની ક્રિયામાં મુશ્કેલી જણાય, શ્વાસ લેતી વખતે મોંઢું ખુલ્લું રહે અને ઘરર ઘરર અવાજ પણ આવે, ગળાના ભાગમાં સોજો ચઢી જાય, દૂધ ઉત્પાદન એકદમ ઘટી જાય અથવા બંધ થઈ જાય છે.
ગળસૂંઢાનો રોગને અટકાવવા શું કરવું જોઈએ ?
ગળસૂંઢાનો રોગને અટકાવવા ચોમાસા પહેલાં એટલે કે મે મહિનામાં અથવા જૂન માસનાં પહેલાં અઠવાડીયામાં રોગપ્રતિકારક રસી મૂકાવી દેવી જોઈએ.
સામાન્ય અપચો શા કારણે થઈ શકે ?
પશુના ખોરાકમાં અચાનક ફેરફાર થવાથી કે હલકા પ્રકારનું ઘાસ ખવડાવવામાં અથવા પચે નહીં તેવો ખોરાક આપવાથી સામાન્ય અપચાની તકલીફ થઈ શકે છે.
સામાન્ય અપચો થાય તો ઘરગથ્થું ઉપચાર શું કરી શકાય ?
બજારમાં મળતાં હિમાલયન બતીસા નામના આયુર્વદિક પાઉડર પ૦ ગ્રામ લઈ તેમાં થોડો ગોળ અને લાડુ બને તેટલું ઘી કે તેલ નાંખી લાડુ બનાવી દેવો અને પશુને ખવડાવવો. આ પ્રકારે ત્રણ દિવસ દવા આપવાથી સુધારો થાય છે અથવા રપ૦ ગ્રામ જેટલો ગોળ તથા પ૦ ગ્રામ દળેલી સૂંઠ અને ઘી નાંખી લાડવો બનાવી ખવડાવવો. આવું ત્રણ દિવસ માટે કરવાથી ફાયદો જણાય છે.
આફરો કયા પશુમાં વધુ થાય છે ? તેના લક્ષાણો શું છે ?
વાગોળનારા પશુઓમાં (રૂમિનન્ટ) આફરો વધુ જોવા મળે છે. આ રોગમાં પેટમાં ગેસનો ભરાવો થતાં ડાબુ પડખું ફુલાઈ જાય છે. પશુ ડાબી તરફ વારંવાર જોયા કરે છે, ખાવાપીવાનું બંધ કરે અથવા અરૂચિ બતાવે, બેચેની રહે, વધુ તકલીફ થાય ત્યારે ઉઠ-બેસ કર્યા કરે, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે અને આમ છતાં યોગ્ય નિદાન અને સમયસર સારવાર ન થાય તો પશુ મોતને ભેટે છે.
આફરાના રોગમાં ઘરગથ્થું ઉપચાર શું કરી શકાય ?
ગાય-ભેંસ કે બળદમાં આફરો થાય ત્યારે પુખ્ત વયના પશુમાં પ૦૦ ગ્રામ ખાવાના તેલમાં રપ ગ્રામ હિંગ પાઉડર, પ૦ ગ્રામ સંચર પાવડર તથા પ૦ ગ્રામ અજમા પાઉડર મિશ્ર કરી પીવડાવવાથી રાહત થાય છે.
આફરો થતો જ અટકાવવા શું કરવું ?
કુણો લીલો રચકો વધુ પડતો ન ખાય તે ધ્યાન રાખવું. કઠોળ વર્ગનો કે ધાન્ય વર્ગનો લીલો ચારો વધ ન ખવડાવવો. ઘાસચારામાં લોખંડની કે પ્લાસ્ટિકની વસ્તુઓ કે ટૂકડા ન આવે તેનો ખ્યાલ રાખવો. ખીલી, તાર, સોય, ટૂકડા વગેરે પણ હાનિકારક છે. ચોમાસામાં ભેજવાળો લીલો ચારો વધુ ન આપવો.
પરોપજીવીઓથી પશુને શું થાય ? કરમિયાની અસર શું છે ?
નાના બચ્ચાંઓને શરીરની વૃધ્ધિ-વિકાસ અટકી જાય છે. દૂધાળા પશુઓમાં દૂધ ઘટી જાય છે. વેતરમાં એટલે કે ગરમીમાં બરાબર ન આવે, આવે તો બંધાય નહીં, શરીરનું વજન ઘટતુ જાય, ગમે તેટલું સારૂં ખવડાવો તો પણ શરીરનું વજન ન વધે વગેરે તકલીફ થાય છે. બળદ દૂબળો થઈ જાય અને ખેતરમાં કાર્યશકિત પર અસર પડે છે.
કૃમિઓથી થતા રોગ અટકાવવા શું કરવું જોઈએ ?
કૃમિનાશક દવાનો ડોઝ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ આપવો જોઈએ. નજીકના પશુ દવાખાને ડૉક્ટરને મળીને જે તે વિસ્તારમાં થતા કૃમિઓ આધારિત દવા આપવી જોઈએ. નાના બચ્ચાંઓને મહિને એક વખત કૃમિનાશક દવા આપવી.
બાહય પરોપજીવીઓ કયા કયા છે ?
ઈતરડી, જીંગોડા, કથીરી, બગાઈ, જૂ, ચાંચડ, ડાંસ, માખી વગેરે બાહય પરોપજીવીઓ તરીકે ઓળખાય છે.
બાહય પરોપજીવીઓ કેવી રીતે નુકશાનકારક છે ?
આ પરોપજીવીઓ શરીરમાંથી લોહી ચૂસે છે. પશુને ચેન લેવા દેતાં નથી. પશુ પરેશાન થઈ જાય છે. ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આવા પરોપજીવીઓ રોગ પણ ફેલાવે છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
બાહય પરોપજીવીઓના નિયંત્રણ માટે શું પગલાં લઈ શકાય ?
પશુને બાંધવાની જગ્યા ચોખ્ખી રાખવાથી તેમજ છાણવાંસીદુ નિયમિત રીતે કરવાથી લોહી ચૂસતી માખો, ચાંચડ વગેરેની વૃધ્િધ અટકાવી શકાય છે. નિયમિત રીતે યોગ્ય કીટનાશક દવા દિવાલની તિરાડોમાં, કોઢના તળિયા ખાંચામાં તેમજ પશુના શરીર પર છાંટવી, પશુના રહેઠાણના ભોંયતળિયાની જમીનને લગભગ એક વેંત જેટલા ખોદી કાઢી તેના પર સૂકું ઘાસ પાથરીને સળગાવી દેવું. કોઢની દિવાલો અને તળિયા પાકા હોય તો ઈતરડીનો ઉપદ્રવ ઓછો થાય.
પશુને ચામડીના રોગો થતાં અટકાવવા શું કરવું જોઈએ ?
પશુને નિયમિત નવડાવવું જોઈએ. શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. લીમડાના પાના પાણીમાં નાંખી તે પાણી ગરમ કરી બાદમાં નવશેકું પાણી કરી તેનાથી નવડાવવું. કપડાં ધોવાના બ્રશથી ઘસીને નવડાવવું.
ચેપી ગર્ભપાન (બ્રુસેલ્લોસીસ) રોગને થતો અટકાવવા માટેની કોઈ રસી મળે છે ?
હા. આ રોગ થતો અટકાવવા માટે ૪ થી ૯ મહિનાની વાછરડી કે પાડીઓને બ્રુસેલ્લોસીસ રોગ થતો અટકાવવા માટેની રસી મૂકાવી દેવી જોઈએ. આ રસી જીવનમાં એક જ વખત મૂકાવવી પડે છે.
જે પશુને હડકાયું કૂતરૂં કરડયું હોય તેને રસીના કેટલાં ઈન્જેકશનો અપાવવા પડે અને કયારે ?
હડકાયું કૂતરૂં કરડયું હોય તો પશુને ૦, ૩, ૭, ૧૪, ૩૦ અને ૯૦ મા દિવસે એમ છ ઈન્જેકશન અપાવવાં પડે.
આપણા ફાર્મમાં કે ઘરે પશુ રહેઠાણમાં મુલાકાતીઓ પર કયારે પ્રતિબંધ રાખવો જોઈએ ?
જયારે આજુબાજુના વિસ્તારમાં પશુમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે, દાખલા તરીકે ખરબ-મોંવાસાનો રોગચાળો, કાળીયા તાવનો, ગળસૂંઢાનો રોગચાળો વગેરે. કારણ કે મુલાકાતીઓ આ રોગના જીવાણુંઓ કે વિષાણુંઓ તેમની સાથે ચપલમાં-બૂટમાં, કપડાંમાં, શરીર ધ્વારા લાવે અને આપણા ફાર્મમાં કે ઘરે છોડી શકે છે જેના ધ્વારા આપણા પશુઓને ચેપ લાગી શકે.
રોગિષ્ટ પશુઓને નિરોગી પશુઓથી અલગ બાંધવાની જરૂર ખરી ?
હા. રોગિષ્ટ પશુના ખોરાક, પાણી અને માવજતની અલગ વ્યવસ્થા કરવી જોઈએ જેથી તેનો ચેપ બીજા તંદુરસ્ત પશુને ન ફેલાય. તેનો સંપર્ક રોગ ફેલાવી શકે છે.
પશુને જખમ થયો હોય તો શું ઉપચાર કરી શકાય ?
જખમને ચોખ્ખા પાણીથી ધોઈ ત્યાર બાદ પોટેશ્યમ પરમેંગેનેટના દ્રાવણના ઉપયોગથી સાફ કરવો. ત્યારબાદ ટીંકચર આયોડિન લગાવવું. ઘરગથ્થું ઉપચાર તરીકે લીમડાના પાન અને સીતાફળના પાન સરખે ભાગે લઈ તેની ચટણી /લુબ્દી બનાવી જખમ પર લગાવવું.
દૂધાળા પશુઓના વિયાણ બાદ ઠંડી પડી જવાની બિમારી શેને લીધે થાય છે ? તેનો ઉપાય?
આ બિમારી શરીરમાં કેલ્શિયમના અભાવથી થાય છે. ડર્ાકટરને બોલાવી સારવાર કરાવવાથી તુરંત પરિણામ મળે છે.
પશુઓમાં ઝાડા થવાના કારણ શું ?
ફેરફાર, જીવાણુંથી, વિષાણુંથી, ફૂગથી અને કરમિયાથી ઝાડા થાય છે.
પશુઓમાં કોઈ વખત નસકોરી ફૂટે તો શું કરવું ?
પશુના માથા પર ઠંડા પાણીનો છંટકાવ કરવો. બરફના ઠંડા પાણીની ધાર માથા પર કરવી.
કેટલીક વખત પશુના ગળામાં ડૂચો બાઝી જાય છે તેનું કારણ શું ?
પશુઓના ખાદ્ય પદાર્થોના કેટલીક વખત કેરી, કેરીના ગોટલા, સૂરણ, કોબીજ જેવી વસ્તુઓ આવી જાય ત્યારે અન્નનળીમાં ડૂચો બાઝી જાય છે જેને ચોક કહેવાય છે. આ પ્રકારના પદાર્થો ન ખાય તે જોવું.
પશુને લૂ લાગે ત્યારે શું કરવું જોઈએ ?
લૂ લાગે ત્યારે પશુને છાંયડામાં રાખવું તથા ઠંડા પાણીથી નવડાવો અથવા શરીર ઉપર બરફ ઘસવો અથવા ઠંડા પાણીમાં પલાળેલ કોથળો શરીર પર રાખવું. ઠંડું પાણી પીવડાવો. શકય હોય તો સાકર-વરિયાળીનું શરબત પીવડાવો.
હડકાયું કૂતરૂં કરડે ત્યારે ઘરગથ્થું ઉપચાર શો કરવો ? પ્રાથમિક સારવાર શું કરી શકાય ?
હડકાયું કૂતરૂં કરડે ત્યારે તુરંત ઘાને પુષ્કળ પાણીથી ધોઈ નાંખો અને ત્યારબાદ સાબુના પાણીથી ધોઈ નાંખો પછી ડૉક્ટર પાસે લઈ જઈ રસી મૂકાવવી.
બળદમાં કાંધ આવવાના કારણ શું ?
બળદની જોડીમાં બંને બળદોની ઊંચાઈ એકસરખી ન હોય, કાંધ ઉપર રાખવામાં આવતો ધૂસરીનો ભાગ બરાબર લીસો ન હોય અને રસ્તો એકદમ ખાડાટેકરાવાળો હોય તો કાંધ ઉપર સોજો આવી જાય છે. ગજા ઉપરાંત કામ લેવામાં આવે તો પણ કાંધ આવી જાય છે.
પશુને પ્રદૂષણથી બચાવવા શું કરવું જોઈએ ?
પશુપાલકે પશુને ફેકટરી, ઔદ્યોગિક કચરાવાળા સ્થળે, વધુ ધૂમાડા નીકળતા હોય તે વિસ્તારમાં, વટર અથવા ગંદા નાળાની આસપાસ તેમજ બજારમાં છૂટા ચરવા ન દેવા જોઈએ. તેને બદલે સારો ઘાસચારો ઘેર નીરણ કરો અવા જાણીતી જગ્યાએ પશુઓને ચરવા લઈ જવા જયાં દૂષિત ખોરાક ખાવામાં ન આવે. પ્લાસ્ટિકની કોથળીઓ ન ખાય તેનું ધ્યાન રાખો. આપણે પણ પ્લાસ્ટિકની થેલીઓમાં કચરો નાંખવા જઈએ ત્યારે થેલીને ગાંઠો ન વાળવી જોઈએ અને કચરો જ નાંખવો થેલી જયાં ત્યાં ન નાંખવી જોઈએ.
મૃતક પશુનો નિકાસ કેવી રીતે કરવો ?
મૃતક પશુને તેના શરીરના કદ મુજબ યોગ્ય ખાડો ખોદીને દાટવું જેમાં આખું મીંઠુ અને ચૂનો નાંખવો. દાટયા પછી ઉપરના ભાગે ત્રણ ફૂટ માટીનો થર રહે તે જોવું જોઈએ.
ફાર્મમાં નવું પશુ ખરીદીને લાવીએ ત્યારે શું કાળજી રાખવી જોઈએ ?
જયારે પણ નવું પશુ લાવો ત્યારે તે પશુને કોઈ રોગ છે કે કેમ તેની ખાતરી પશુ ડોક્ટરને બોલાવી કરાવવી જોઈએ. કેટલીક વખત નવા આવનાર પશુ તેમની સાથે ચેપી રોગ લઈને આવે છે. દા.ત. ડીય, ચેપી ગર્ભપાત વગેરે જ આપણી પાસે રહેલ અન્ય તંદુરસ્તી પશુને ચેપ લગાડી શકે છે.
બકરીઓમાં સામાન્ય રીતે કયા રોગો જોવા મળે છે ?
આઉનો સોજો, આંતર અને બાહય પરોપજીવીઓથી થતા રોગ, આફરો, એસિડીટી, કાળીયો તાવ, ખરીઓ સડી જવી, શરદી-સળેખમ, ન્યુમોનિયા, ઝાડા, ગાંઠીયો તાવ, મગજનો તાવ, મોઢાનો રોગ.
પશુઓમાં કઠણ પોદળો આવે તેનું કારણ શું ?
જો પૂરતું પીવાનું પાણી ન આપતા હોય, જરૂરી લીલો ચારો ખવડાવતાં ન હોય તથા પેટમાં-આંતરડામાં કરમિયા હોય (અમુક જાતના) તો પણ કઠણ પોદળો આવી શકે છે. જેને કબજીયાત કહેવાય છે.
ગાય/ભેંસોમાં છુપા રોગો કયા હોય છે?
ગાય/ભેંસોમાં મુખયપણે ટી.બી.(ક્ષય), જહોન્સનો રોગ તથા ચેપી ગર્ભપાત (બૃસેલ્લોસિસ) છુપા રોગ છે. આ રોગો જલ્દીથી પકડી શકતા નથી અને ધણમાં તેનો ફેલાવો થતો જાય છે. આથી દર વર્ષે એકવાર – મે માહિનામાં આ રોગથી પીડાતા પશુઓને ઓળખી કાઢવા પરીક્ષણ કરાવવું તથા જે પોજીટિવ કેસ આવે એટલેકે બીમાર પશુ પકડાઈ જાય તો તેનો નિકાલ કરવો.
રસીકરણ કરાવતી વેળા શું ધ્યાન રાખવું?
રસીકરણ કરાવતી વેળા નીચેની બાબતોનું ધાયન રાખવું જરૂરી છે:
ગાંઠીયો તાવ નામના રોગને કેવી રીતે ઓળખવો?
આ રોગમાં પશુને પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, પશુ ચાલી ના શકે, થાપના ભાગે ખરાબ વાસવાળુ કાળુ પરવાહી ભરયેલું હોય. સોજાની જગ્યા ઉપર થાપકરવાની ચાર-ચાર અવાજ આવે. તીવ્ર રોગમાં સરવારના અભાવે ૨૪ કલાકમાં પશુનું મૃત્યુ થાય.
વાછરડા પાડીયામાં કૃમિનાશક દવાઓ કયારે પીવડાવવી જોઈએ?
વાછરડા પાડીયામાં જન્મના દસ દિવસે પહેલો ડોઝ તથા ત્યારબાદ દર મહિને કૃમિનાશક દવાનો એક ડોઝ જ્યાં સુધી દૂધ પીતા/ધાવતા હોય ત્યાં સુધી પીવડાવવો જોઈએ. ત્યારબાદ મોટા વાછરડા પાડીયાને ચોમાસા પહેલા અને ચોમાસા પછી એમ બે-વાર કૃમિનાશક દવાનો ડોઝ આપવા જોઈએ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020