નવજાત બચ્ચાની જન્મ સમયે શું કાળજી લેવી જોઇએ ?
- બચ્ચાના જન્મ બાદ, શ્વાસોશ્વાસ ચાલુ થયા છે કે નહી તે તપાસવુ, બચ્ચાના નાક, આંખ, કાન વગેરેમાં ચોંટેલી ચિકાશ આંગળીઓ વડે દુર કરવાથી બચ્ચુ આસાનીથી શ્વાસ લઇ શકશે. આમ છતા જેા શ્વાસ ચાલુ ન થાય તો બચ્ચાને હળવો આંચકો આપવો. કુદરતી પધ્ધતિમાં ગાય/ભેસ ઝડપથી બચ્ચાને ચાટીને કોરૂ કરી નાંખે છે. જેને લીધે શ્વાસ ઝડપી બને છે અને રૂધિરાભિસરણ ગતિ પકડે છે. (કૃત્રિમ પધ્ધતિમાં આપણે બચ્ચાને અલગ કરી કપડા વડે કોરૂ કરવુ પડે છે.)
- તંદુરસ્ત બચ્ચા ૧૫-ર૦ મિનિટમાં પોતાના પગ ઉપર ઉભા થઇ જાય છે. આ વેળા તેમનું વજન કરી લેવુ જેાઇએ. નર બચ્ચા માદા બચ્ચા કરતા થોડા વજનદાર હોય છે. બચ્ચાનો ડુંટો/નાળ પ સે.મી.જેટલો રાખી, સ્વસ્ચ જંતુરહિત બ્લેડ/કાતર ધ્વારા કાપી નાંખવો તથા ૩૦ ટકા ટીચર આયોડીનનું પોતુ લગાવવુ (સેવલોન પણ વાપરી શકાય).
- મોટી ગૌશાળા/ડેરી ફાર્મ પર બચ્ચાઓના કાનમાં છુંદૃણા પધ્ધતિથી (ટેટુ) ઓળખ નંબર રાખવા અથવા નંબરવાળી પટી (ટેગ) કાન પર ફીટ કરી દેવી.
કરાઠું/ખીરૂ શુ છુ ?
- બચ્ચાના જન્મ બાદ તેની માતા (ગાય/ભેસ)નું પ્રથમ દુધ કરાઠું/ખીરૂ (કોલોસ્ટ્રમ) કહેવાય છે. જે રંગે ઘટૃ પીળુ તથા ચીકણુ હોય છે આ કરાઠું/ખીરૂ વિયાણ બાદ પ્રથમ ૩ થી ૪ દિવસ ઉત્પન્ન થાય છે તથા ત્યારબાદ ગાય/ભેંસ સામાન્ય દુધ આપે છે.
કરાઠું/ખીરૂ વચ્ચે શું તફાવત છે ?
ગાયના કરાઠા અને દુધના બંધારણમાં ઘણો તફાવત છે.
ક્રમ
|
દુધના ઘટકો
|
કરાઠું/ખીરૂ
|
દુધ
|
૧
|
પ્રોટીન
|
૧૪ ટકા-૧૫ ટકા
|
૩.૫ ટકા
|
૨
|
લેકટોઝ
|
૩ ટકા થી ૩.પ ટકા
|
૪.૫ ટકા
|
૩
|
ફેટ
|
૩.૫ ટકા
|
૪ ટકા-૫ ટકા
|
૪
|
પાણી
|
૭૮ ટકા
|
૮૭ ટકા
|
૫
|
કુલ ઘન પદાર્થ
|
રર ટકા
|
૧૩ ટકા
|
- કરાઠાના પ્રોટીનમાં ઇમ્યુનોગ્લોબ્યુલીન (રોગપ્રતિકારક દ્રવ્ય) પ.૫ થી ૬. ૮ ટકા જેટલુ રહેલુ છે. જયારે દુધમાં તે નગણ્ય છે. આ ઉપરાંત દુધની તુલનાએ કરાઠામાં બમણું કેલ્શિયમ, અઢી ગણુ ફોસ્ફરસ, ત્રણ ગણુ મેગ્નેશિયમ તથા ચાર ગણુ લોહ તત્વ હોય છે.
- દુધની તુલનાએ પાંચ ગણુ વિટામિન-એ, બમણુ વિટામિત-ડી, છ ગણુ વિટામિન-ઇ તથા લગભગ બમણુ વિટામિત-બી કોમ્પલેક્ષ હોય છે.
- આમ દુધ કરતા કરાઠુ પોષકતત્વોથી ભરપુર હોય છે.
કરાઠુ શા માટે પીવડાવવુ જોઇએ ?
- કરાઠામાં દધુ કરતા ૩ થી પ ગણુ વધુ પ્રોટીન રહેલુ છે. આ ઉપરાંત તાંબુ, લોહતત્વ, મેગ્નેશિયમ, મેગેનીઝ, કેરોટીન, વિટામિન-એ અને વિટામિન-બી કોમ્પલેક્ષ પણ દુધ કરતા ધણા વધુ હોઇ વાછરડાની વૃધ્ધિની સારી શરૂઆત કરવા અંત્યત જરૂરી છે.
- કરાઠું રેચક છે. જેથી જન્મ સમયે વાછરડાના આંતરડામાં ચોટેલ પ્રથમ મળ કે જે કઠણ,વાસ મારતો, કાળો ચીકણો હોય છે, તેને નિકાલ કરવામાં ઉપયોગી થાય છે તથા ત્યારબાદ આંતરડુ ચોખ્ખુ થતા પોષક તત્વો શોષાય છે.
- કરાઠામાં ગામાગ્લોબ્યુલીન (ઇમ્યુનોગ્લોબ્યુલીન) પ્રકારનું પ્રોટીન રહેલુ છે, જે રોટ પ્રતિકારક દ્રવ્યો ધરાવે છે. જે નવજાત વાછરડા-પાડાને ઘણા બધા જીવાણુંજન્ય રોગો સામે તાત્કાલિક રક્ષણ કવચ આપે છે.
કરાઠું કેટલુ અને કયારે પીવડાવવુ જોઇએે ?
- સામાન્ય રીતે જન્મના અર્ધા કલાકથી એક-દોઢ કલાકની અંદર જ કરાઠાનો પ્રથમ ડોઝ બચ્ચાને પીવડાવવો/ધવડાવવો જરૂરી છે. તેની માત્રા ૫૦૦ મીલી. થી ૧ લિટર જેટલી તો હોવી જોઇએ. પ્રથમ ડોઝ આપ્યા બાદ ર લિટર જેટલુ કરાઠું દિવસમાં બે વાર પાવુ જોઇએ.બીજી રીતે જોઇએ તો બચ્ચાને વજનના ૧૦ટકા જેટલુ કરાઠુ (ર-૩ લિટર) દિવસમાં બે-ત્રણ વખત થઇ પીવડાવવુ જોઇએ.
- પ્રથમ ડોઝ આપવાનો સમય અત્યંત અગત્યનો છે. કારણ કે ત્યારબાદ આંતરડાના કોષોના સ્વરૂપમાં ફેરફાર થાય છે. તથા રોગ પ્રતિકારક દ્રવ્યોનું સીધે સીધું શોષણ થતુ નથી તથા આ શોષણ દરમાં સતત ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે. આથી બચ્ચાને રક્ષક કવચ આપવા માટે પ્રથમ ડોઝ અર્ધાથી એક-દોઢ કલાકમાં અવશ્ય પાઇ દેવો જોઇએ.
કોઇ સંજોગોમાં કરાઠું પ્રા૫ય ન થાય તો શુ કરવુ ?
- કેટલીક વખત બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય/ભેસનું મૃત્યુ થતુ હોય છે, તો કેટલીક વખત પહેલ વેતરી (પ્રથમ વિયાણવાળી) ગાય/ભેસ સહેલાઇથી પાનો મૂકતી નથી. તો ઘણી વખત કરાઠાની માત્રા થોડીક જ પ્રાપ્ત થાય છે.
- આવા સંજોગોમાં નવજાત બચ્ચાને અન્ય કોઇ ગાય/ભેસ કે જે બે ત્રણ દિવસમાં જ વિયાયેલ હોઇ તેનુ કરાઠુ આપવુ. જો આ પણ શકય ન બને તો સામાન્ય દુધમાં ર૦ મિ.લિ. કોડલિવર ઓઇલ (માછલીનું તેલ), ૬૦ મિ.લિ. દિવેલા તથા એક મરધીના ઇડાની સફેદી ભેળવી બચ્ચાને પીવડાવવી જોઇએ.
જન્મ બાદ નવજાત બચ્ચાને ધાવવામાં મદદ જરૂરી છે ?
- સામાન્ય સંજોગોમાં તંદુરસ્ત-ચપળ બચ્ચા જન્મના ૧૫-ર૦ મિમિટમાં જ ચાર પગ પર ઉભા થઇ જાય છે અને અર્ધાથી એક કલાકમાં માતાના આંચળ અને આઉ શોધી કાઢે છે. પરંતુ ઘણી વખત ઓછા વનજવાળા-નબળા બચ્ચા જન્મે છે તેમને ઉભા થતા તથા આંચળ શોધવામાં ધણી વાર લાગે છે. તેથી કિંમતી સમય બચાવવા આવા બચ્ચાને આંચળ મોંમા આપવો જોઇએ તથા ધાવવામાં મદદ કરવી જોઇએ. ધણી વેળા ગાય/ભેસના આંચળ ખૂબ જ કઠણ તથા જાડા થઇ ગયા હોય બચ્ચાને મોઢામાં લેતા મુશ્કેલી થાય છે. આવા વખતે પ્રથમ થોડુ કરાઠુ વાસણમાં દોહી લેવાથી આંચળ પોચા-નરમ-પાતળા પડે છે. ત્યારબાદ બચ્ચુ આસાનીથી ધાવી શકે છે.
- કૃત્રિમ પધ્ધતિથી બચ્ચાને જરૂરી કરાઠુ તબાસરામાં આપી તેને પીવડાવવાની ટેવ પાડવી જોઇએ.તથા શીખવવુ જોઇએ. ધીમે ધીમે બચ્ચા ૧-ર દિવસમાં દુધ કરાઠુ પીતા શીખી જાય છે, પરંતુ આ કામમમાં ખૂબ ધીરજ રાખવી જોઇએ. ધણી વખત માનવ-બાળની દુધ-બોટલ ટોટી સાથે પશુ બચ્ચાને દુધ પીવડાવવામાં ઉપયોગી થાય છે. પરંતુ આમાં ધણી ચોખ્ખાઇ જોઇએ. નહી તો બચ્ચાને ચેપ લાગી ઝાડા થઇ જાય છે.
વાછરડાને કેટલી ઉમર સુધી દુધ પીવડાવવુ જોઇએ ? અન્ય ખોરાક કેટલો-કયારે આપવો ?
- પ્રથમ ૬ થી ૮ અઠવાડીયા સુધી વાછરડા-પાડીયાને તેના વજનના ૧૦ ટકા પ્રમાણે દૈનિક દુધ સવાર-સાંજ મળી પીવડાવવુ જેાઇએ. ત્યારબાદ દુધ આપવાનું પ્રમાણ ક્રમશ : ઘટાડતા જઇ, ૩-૪ મહિને સદંતર બંધ કરી દેવુ.
- દુધની સાથે સાથે અન્ય આહર-દાણ-લીલો/સુકો ઘાસચારો આપતા રહેવુ.
- એક અઠવાડીયાની ઉંમરે દુધ છાંટલુ મૂઠીભર દાણ ખાવા મૂકવુ. વાછરડા-પાડીયા જેમ જેમ ખાતા જાય તેમ માત્રા વધારતા જઇ દૈનિક ૫૦૦ ગ્રામ દાણ સુધી પહોચવુ.
- ઉત્તમ પ્રકારના લીલા/સૂકાચારા બે અઠવાડીયાની ઉંમરે ખવા માટે નીરવા. વાછરડા-પાડીયા જેમ જેમ ખાતા જાય તેમ જથ્થો વધારતા જવો તથા જેટલુ ખાઇ શકે તેટલુ નીરવુ. ઉદા. સૂકો રજકો, લીલી મકાઇ.
દુધના ભાવ આજકાલ વધુ હોય-વાછરડાને દુધની અવેજીમાં બીજુ કંઇ આપી ઉછેરી શકાય ?
દુધના ભાવ વધુ આવતા હોઇ વાછરડા ઉછેર દુધને બદલે અન્ય ખોરાક પર પણ થઇ શકે. જેમ કે,
- સેપરેટ દુધ (મલાઇ કાઢી લીધા પછીનું દુધ)
- તાજી મોળી છાશ.
- દુધના પર્યાય રૂપે પ્રવાહી ખોરાક (મિલ્ક રી૫લેસર)
- વાછરડા માટેનું વૃધ્ધિદાણ (કાફ ર્સ્ટાટર)
મિલ્ક રી૫લેસર અને કાફ ર્સ્ટાટરમાં ભલામણ કરેલ માત્રામાં અને ગુણવત્તાવાળા પ્રોટીન, શકિતદાયક તત્વો, ક્ષાર અને વિટામિન હોવા જોઇએ. સપરેટ દુધ અને મીલ્ક રીપ્લેસર શરીરના તાપમાન સુધી ગરમ કરી સ્વચ્છ રીતે પાવા જોઇએ, અન્યથા બચ્ચાંને ઝાડા થઇ જશે અને મૃત્યુ થવાની શકયતા રહેશે. વાસી-ખાટી છાશ કદી ન આપવી અન્યથા ઝાડા થઇ જશે.
વાછરડા માટેનું ખાસ વૃધ્ધિ દાણ કેવુ હોય ?
શીંગ નાબુદી ૧-ર અઠવાડીયાની ઉંમરે કરવી જોઇએ. શીંગડા પ્રથમ એક નાના બટન રૂપે હોય છે. તેની આજુબાજુના વાળ કાતર વડે કોકાપી લેવા તથા શીંગડાની આજુબાજુ ગોળાકારે પેરાફીન જેલી લગાડવી. શીંગડાને ગરમ કરેલા સળીયા વડ, કોસ્ટીક પોટાશની સળી ૧૫ સેકન્ડ સુધી શીંગડાના બટન પર ગોળ ગોળ ઘસવી, થોડા પરપોટા જેવુ નીકળે એટલે અટકી જઇ, પ્પાંચ મિનિટના અંતરે ફરી ઘસવુ. જયારે લોહીના એક બે ટીપા નીકળે એટલે અટકી જઇ, બળ લા રૂ વડે ઘા દાબી દેવો જોઇએ.
વાછરડાના સ્વાસ્થય સંરક્ષણ માટે શું પગલા લેવા જોઇએ ?
નાના વાછરડા-પાડીયામાં કૃમિજન્ય રોગોનો ખાસો ઉ૫દ્રવ થાય છે. જેને લઇ બચ્ચા વૃધ્ધિ પકડતા નથી. નબળા રહે છે. અન્ય રોગોનો ભોગ બને છે અને મૃત્યુ પ્રમાણ વધે છે. માટે સમય અંતરે કૃમિનાશક દવાઓ પીવડાવતા રહેવી જોઇએ. વાછરડાની સરખામણીએ પાડીયામાં કૃમિઓનો ઉ૫દ્રવ વધુ જોવા મળે છે.
નવજાત બચ્ચામાં કયા રોગો જોવા મળે છે ?
૧. ઝાડા
ર. ફેકસાનો સોજો (ન્યુમોનિયા)
૩. ડૂંટો પાકવો.
૪.કૃમિ રોગો (ખાસ કરીને એસ્કેરીયાસીસ)
પ.મરડો (કોસીડીઓસીસ)
૬.ત્રૂટી જન્ય રોગો (વાળ ખરવા)
વાછરડા-પાડીયામાં મૃત્યુદર કેટલો હોય છે ?
- ર૦-ર૫ ટકા થી લઇ ઘણી વખત ૫૦ ટકા જેટલો (પાડીઓમાં) જોવા મળે છે.
- શહેરી વિસ્તારોમાં ધંધાદારી પશુપલકો/વેપારીઓને ત્યાં નિષ્કાળજી તથા અસ્વચ્છ પરિસ્થિતિ કુપોષણના કારણોસર ઘણીવાર નર બચ્ચા સો ટકા મૃત્યુ પામે છે.
- પરંતુ સંસ્થાકીય ગૌશાળાઓ તથા પ્રગતિશીલ પશુપાલકો સજાગ રહી વૈજ્ઞાનિક પધ્ધતિથી વાછરડા-પાડીયા ઉછેર કરે તો મૃત્યુદર ૫-૧૦ ટકા સુધી નિયંત્રિત કરી શકે છે, જે સંતોષકારક ગણી શકાય.
પશુઓના આરોગ્ય માટે રસીકરણ કરાવો.
|
રોગનું નામ
|
કયા પશુઓને મૂકાવવી
|
કેટલા મહિનામાં મૂકાવવી
|
ગળસૂઢો
|
ગાય, ભેંસ, બળદ
|
મે/જુન (મે મહિનાના છેલ્લા અથવા જુનના પ્રથમ અઠવાડીયામાં)
|
ખરવા-મોંવાસા
|
ગાય, ભેંસ, બળદ
|
નવેમ્બર અને એપ્રિલ
|
ગાંઠીયો તાવ
|
ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરા
|
મે/જુન
|
કાળીયો તાવ
|
ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરા
|
ફેબ્રઆરી/માર્ચ
|
ચેપી ગર્ભપાત
|
૬ થી ૯ માસની ઉંમરવાળી પાડીઓ અને વાછરડીઓ
|
૬ થી ૯ માસની ઉંમરે
(જીવનમાં ફકત એક જ વખત)
|
હડકવા
|
દરેક પશુને
|
હડકવાયુ, કુતરુ કરડાય બાદ ૦, ૩, ૭, ૧૪, ૩૦ અને ૯૦ મા દિવસે
|
થાયલેરીયોસીસ
|
ખાસ કરીને પરદેશી ગાયોને
|
વર્ષમાં એક વખત
|
વાછરડી / પાડી શા માટે ?
- ગૌશાળામાં ગાય-ભેંસોને દુધ ઉત્પાદન હેતુ રાખવામાં આવે છે. ગૌશાળા/ડેરી ફાર્મની મુખ્ય આવક દુધ વેચાણ થકી થાય છે. દર વર્ષે ર૦ થી ૩૦ ટકા ગાય-ભેસોનો વિવિધ કારણોસર ધણમાંથી નિકાલ કરવો પડે છે. જેવા કે, મોટી વય/ઉંમર, સંવર્ધનમાં ખામી, એક અથવા વધુ આંચળની કાયમી ખરાબી/બંધ, ઓછુ, આર્થિક રીતે પરવડે નહી તેટલુ, દુધ ઉત્પાદન, ગંભીર ચેપી રોગો, કુટેવો વગેરે.
- આમ, ઘણની સંખ્યા જાળવી રાખવા ર૦-૩૦ ટકા પશુઓ પ્રતિ વર્ષ ઉમેરવા પડે. તો અને તો જ ધણનું દુધ ઉત્પાદન જાળવી શકાય. આથી ભવિષ્યની ગાય-ભેસો બનાવવા વાછરડી-પાડીઓનો ઉછેર કરવો આવશ્યક છે.
ધણની સંખ્યા કઇ રીતે જાળવી રાખશો ?
- બે રીતે ધણની સંખ્યા જાળવી શકાય છે.
- બજારમાંથી ગાય-ભેસો ખરીદીને.
- ગૌશાળ ડેરી ફાર્મ ખાતે જ વારડી-પડીઓ ઉછેરી, સંવર્ધન કરી ભવિષ્યની ગાય-ભેસો બનાવીને.
- આ બે પૈકી બીજો વિકલ્પ વધુ સારો છે.
નવી ગાય-ભેસો ખરીદવી સારી કે ખરાબ ?
બહારથી નવી ગાય-ભેસો ખરીદવાના કેટલાક ગેરફાયદા છે જેવા કે, લોકો ફકત અણગમતાપશુઓ જ વેચે છે. જેથી ધણુખરૂ ખરીદાયેલ પશુ ઓછુ દુધ ઉત્પાદનવાળુ હોય અગર કેટલીક ખામીઓ/કુટેવોવાળુ હોય તેવી સંભાવના રહે છે. ખરીદેલ પશુ મારફત ઘણીવાર ધણમાં ચેપીરોગો પણ પ્રવેશે છે. ખરીદેલ ગાય-ભેસો ધ્વારા વરસો-વરસ કે પેઢી સાતત્યપૂર્ણ રીતે ધણનું દુધ ઉતપાદન વધી શકતુ નથી.
વાછરડી-પાડીયા ઉછેરની પધ્ધતિઓ :
- વાછરડી-પાડીયા ઉછેરની મુખ્ય બે પધ્ધતિ/રીત છે. કુદરતી પધ્ધતિ જેમાં બચ્ચુ તેની માતા સાથે જ રહે છે. તથા ધાવણ ધ્વારા દુધ મેળવે છે.
- કૃત્રિમ (વીનિંગ) પધ્ધતિ જેમાં બચ્ચાંને જન્મ સમયે માતાથી અલગ કરી દેવામાં આવે છે. તથા વાસણમાં દુધ પીવડાવવામાં આવે છે. બચ્ચાંને ધાવવા દેવામાં આવતુ નથી. તથા ત્યારબાદ ગાય/ભેંસ સામાન્ય દુધ આપે છે.
કૃત્રિમ પધ્ધતિ શા માટે ?
કૃત્રિમ પધ્ધતિના ઘણા ફાયદાઓ છે. જેવા કે, કુદરતી પધ્ધતિમાં વાછરડા-પાડીયા વધુ પડતુ એટલે કે દુધ ઉત્પાદનના રપ-૩૦ ટકા જેટલુ દુધ ધાવી જાય છે. વેતરના કુલ દુધ ઉત્પાદન પૈકી સરેરાશ ૪૫૦ થી ૫૦૦ લીટર દુધ બચ્ચા ધાવી જાય છે. કૃત્રિમ પધ્ધતિમાં દુધ પીવડાવવાનું પ્રમાણ ધણુ બધુ ધટાડી શકાય છે. તે થકી વાછરડા-પાડીયાઓનો આર્થિક રીતે સસ્તો ઉછેર થઇ શકે છે. ગાય/ભેંસની ખરેખર દુધ ઉત્પાદન ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે. વાછરડા/પાડીયાના મૃત્યુ વખતે પણ ગાય/ભેંસનું દધુ આપવાનું ચાલુ રાખે છે. નર બચ્ચાઓનો ધણમાંથી વહેલો નિકાલ/વેચાણ કરી શકાય છે. ગાય/ભેસમાં સંવર્ધન નિયમિત થાય છે. તેઓ વિયાણ બાદ વહેલી ગરમીમાં આવી અને ફલુ થાય છે. જયારે કુદરતી પધ્ધતિથી વાછરડા ઉછેર કરવામાં આ ગાળો લંબાય છે. જે આર્થિક રીતે નુકશાનકર્તા છે.
કૃત્રિમ પધ્ધતિથી વાછરડા ઉછેરના ગેરફાયદા શું છે ?
જો યોગ્ય કાળજી તથા ચોખ્ખાઇ અને સાફસફાઇ રાખવામાં ન આવે તો વાછરડા/પાડીયામાં મૃત્યુદર વધી જાય છે.
સ્ત્રોત: i-ખેડૂત