অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દુધાળ પશુની સંર્વધન પધ્ધતિ અને તેની અગત્યતા

દુધાળ પશુની સંર્વધન પધ્ધતિ અને તેની અગત્યતા

પશુસંર્વઘન શબ્દને છુટો પાડીએ તો પશુ સમ્ + વર્ધન એટલે સરખા પશુનું વર્ધન કરવું અર્થાત એક પશુમાંથી તેના જેવું જ બીજા પશુનું જૈવિક વર્ધન કરવું.પશુ સુધારણાનું મુખ્ય પાનુ યોગ્ય સંર્વઘન છે.તાજેતરમાં જ ગુજરાત સરકારના એગ્રીકલ્ચર અને કો-ઓપરેશન ડીપાર્ટમેન્ટ,ગાંધાનગર દ્વારા લાઈવસ્ટોક બ્રીડીંગ પોલીસી નકકી કરવામાં આવી.જેના મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે.સારા આનુવંશિક ગુણો ધરાવતી દેશી જાતોનો પ્રચાર કરવો,વધુ દુધ ઉત્પાદન આપતી અને શુદ્ધ જાતિના ગુણો ધરાવતા પશુઓના સંવર્ધનને પ્રોત્સાહન આપવું, રાજયમાં ઓછુ ઉત્પાદન ઘરાવતા અનેકોઈપણ જાતીના આનુવંશીક ગુણો ના ધરાવતા પશુને તબકકાવાર જુદી જુદી સંર્વધન પધ્ધતિઓના ઉપયોગથી પશુ જનીન બંઘારણમાં સુધારો કરવો,પશુ સંવર્ધન માટેના માપદંડ અને ઘારા-ધોરણો નકકી કરી તેની માર્ગદર્શિકા તૈયાર કરવી,સંકર સંવર્ધનમાં વિદેશી ઓલાદની ટકાવારીનું નિયંત્રણ કરવું,પશુ સંવર્ધન પ્રવૃતિઓમાં સામેલ વિવિધ એજન્સીઓનું સંકલન કરી દિશા સુચન કરવુ,વંશાવલી અને સંતતિ પરીક્ષાણને આધારે પસંદગી કરેલ સાંઢ પાડાનો કુદરતી સેવા અથવા કૃત્રિમ બીજદાન દ્વારા રાજયના બધાજ પશુધનના સંર્વધન માટે ઉપયોગ કરવો,ઓછા આનુવંશિક ગુણવતા ધરાવતા અને રસ્તે રખડતા બાંગરા સાંઢ/પાડાઓને ઓળખી અને તેને  ખસીકરણ અથવા અન્ય કાયદાઓથી પશુ સંવર્ધન પધ્ધતિથી દૂર રાખવા.

ગુજરાતની વર્ષ-ર૦૦૭ની પશુધન વસ્તી ગણતરી મુજબ આપણા રાજયમાં ૭૯ લાખ ગાયો,જેમાં ૪ લાખ જસરડી કોસ ગાયો,૬ લાખ એચ.એફ. કોસ ગાયો,૧ લાખ જેટલી બીજી કક્ષાની બિન ઓલાદ વર્ગની કોસ ગાયો એમ કુલ મળીને ૧૧ લાખ કોસ બ્રીડ ગાયો તેમજ ર લાખ ડાંગી,૧૩ લાખ ગીર,ર૬ લાખ કાંકરેજ,ર૫ લાખ કોઈપણ શુધ્ધ ઓલાદના સ્પષ્ટ લક્ષાણો ન ધરાવનાર એમ કુલ મળીને ૧૮ લાખ જેટલી દેશી ગાયો નોંધાઈ હતી.જયારે ૮૭ લાખ ભેંસમાં ૫ લાખ બન્ની ૧૪ લાખ જાફરાબાદી,૩૫ લાખ મહેસાણી,૧૫ લાખ સુરતી અને ૧૮ લાખ કોઈપણ શુધ્ધ ઓલાદના સ્પષ્ટ લક્ષાણો ન ધરાવતી એમ કુલ ૮૭ લાખ ભેંસો નોંધાઈ હતી આટલા બહોળા પ્રમાણમાં ગાયો તેમજ ભેંસોના સંર્વધન માટે આપણા રાજયમાં અનેક સંસ્થાઓ જેવી કે,ગુજરાત લાઈવ સ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ,ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન (બાયફ),જે.કે.ટ્રસ્ટ,૧૩ જેટલા જુદા જુદા જિલ્લાના સહકારી ડેરી સંદ્યો દ્વારા થીજવેલ બીજદાનથી ગાય-ભેંસમાં કુત્રિમ બીજદાનથી પશુ સંર્વધન કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેની સામે આપણા રાજયમાં ૪ સરકારી અને ૩ બિન સરકારી થીજવેલ બીજદાન ના ઉત્પાદન માટેના કેન્દ્રો આવેલા છે.જે પોતાના કેન્દ્રમાં ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા જુદી જુદી જાતીના નર અને માદા પશુઓને રાખી સરકારશ્રીનામિનિમમ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ તથા આઈ.એસ.ઓ.-૯૦૦રની માર્ગદર્શિકા  પ્રમાણેના ધારા-ધોરણને અનુસરી વીર્ય ડોઝ બનાવતા હોય છે. અને જુદી જુદી સંસ્થાઓને પશુ સંર્વધન માટે પહોંચાડતા હોય છે.

આપણા દેશમાં કુલ ગાયોની સંખ્યામાં માત્ર ૧૮% ગાયો જ સંપુર્ણ શુધ્ધ દેશી ઓલાદના ગુણધર્મો ધરાવે છે. બાકીની નિમ્ન કક્ષાની અથવા કોઈ ચોકકસ ઓલાદના પુરેપુરા લક્ષાણો ધરાવતા નથી અને આવી ગાયો દ્વારા જન્મેલ સાંઢનો પશુપાલકો ભવિષ્યના પશુ સંર્વધન કાર્યક્રમમાં ઉપયોગ કરે છે.જેના લીધે આપણા પશુમાં રોજનો શારીરીક વિકાસ ૧૫૦ ગ્રામ/દિવસ,પ્રથમ વિયાણ ૬૦ મહિને અને કુલ દુધાળ દિવસોનું દુધ ઉત્પાદન ૫૦૦ કિ.ગ્રા. જેટલુ ઓછુ જોવા મળે છે.જે પશુપાલકને આજના મોંઘવારીના સમયમાં આર્થિકક રીતે સાચવવી ન પાલવતા તે રસ્તે રખડતા રેઢીયાર પશુ બને છે અને સમાજમાં અન્ય પ્રશ્નો ઉત્પન્ન કરે છે. આ પરિસ્થિતીનું નિર્માણ આપણા પશુપાલક મિત્રોમાં સંર્વધન પધ્ધતિના વૈજ્ઞાનિક જ્ઞાનના અભાવે થયેલ છે.અત્યારની પરિસ્થિતીતી પ્રમાણે આપણા પશુપાલક મિત્રોએ પોતાના ઘરે કઈ જાતનું પશુ બાંધેલ છે તેનું પુરેપુરુ જ્ઞાન હોતુ નથી.તે કઈ જાતના લક્ષણો ધરાવે છે તેનાથી અજાણ હોય છે અને તેઓ પોતાના પશુનું સંર્વધન ગામમાં હાજર સાંઢ/પાડાથી કરાવતા હોય છે ના કે સાંઢ/પાડાની વંશાવલી અથવા સાંઢ/પાડાની માતાનું દુધ ઉત્પાદન કેટલું હતું તે જોઈ અથવા આવનાર પેઢી કેટલુ દુધ ઉત્પાદન આપશે તેની ગણતરી કરતા હોતા નથી. તેમનું ધ્યાન માત્ર નર પશુ(સાંઢ/પાડા)ના બાહય દેખાવ,રંગ શિગડાનો વળાંકો વગેરેને જોઈને સંર્વધન માટે ઉપયોગ કરે છે અથવા પશુ વેતરમાં આવે ત્યારે કુત્રિમ બીજદાનના થોડા અંશે જ્ઞાનને લીધે કુત્રિમ વીર્યદાન કર્મચારી જોડે થીજવેલ વીર્યનો ડોઝ મુકાવે છે તેટલું જ ધ્યાન રાખતા હોય છે ના કે કઈ જાતના પશુનું વીર્યદાન કર્યુ,વીર્યદાન કરેલ ડોઝની ગુણવતા શુ હતી,તે ડોઝમાં વાપરેલ વીર્ય ધરાવનાર સાંઢ/પાડાની માતાનું દુધ ઉત્પાદન કેટલુ હતુ બસ તેમનો આશય તો પોતાનું પશુ જલ્દીથી ગાભણ થાય અને વિયાણ બાદ દુધ ઉત્પાદન આપે તેટલું જ હોય છે.

ઘણીવાર ગામડાઓમાં એવું જોવા મળે છે કે પશુપાલક મિત્રો જોડે ઉચ્ચ જનીન બંધારણ ધરાવતુ,વધારે દુધ ઉત્પાદન આપતુ અને શુધ્ધ જાતીના લક્ષણો ધરાવતુ પશુ હોય છે પરંતુ તેનું સંર્વધન ગામના બાંગરા સાંઢ/પાડા જોડે અથવા માતાનું ઓછુ દુધ ઉત્પાદન ધરાવતા સાંઢ/પાડા માંથી ઉત્પન્ન કરેલ થીજવેલ વીર્ય દ્વારા કરાવવામાં આવે છે જેનાથી આવનાર આવનાર સંતતિનું દુધ ઉત્પાદન તેની માતા કરતા પણ ઓછુ જોવા મળે છે.આ રીતે જાણે અજાણે પશુપાલક મીત્રો ઘણુ આર્થિક નુકશાન ભોગવતા હોય છે.સાથે સાથે સારી દેશી શુધ્ધ ઓલાદ ધરાવતા પશુપાલક મિત્રોને ઘણા પ્રશ્નો મુંજવતા હોય છે. જેવા કે, શું આપણી દેશી ગાયો અથવા ભેંસો વધુ દુધ ઉત્પાદન ન આપી શકે? , દુઘ ઉત્પાદન વધારી ન શકાય? શું પશુઓની દુધ ઉત્પાદન ક્ષમતામાં આમુલ પરીવર્તન ન થઈ શકે? શું આપણે દેશી પશુનું વિદેશી ઓલાદના આખલા સાથે સંર્વધન કરીને શંકર ઓલાદ મેળવી સારૂ દુધ ઉત્પાદન ન મેળવી શકીએ? શું આ રસ્તો સારો અને પરીણામ લક્ષી નથી? આ ઉપરોકત પ્રશ્નો ના જવાબ પણ હા અને ‘ના’ બન્ને માં આવી શકે તે પણ એક મુંજવણ થાય તેવો પ્રશ્ન  છે. જો આપણે આપણી દેશી ઓલાદનું સરેરાશ દુધ ઉત્પાદન જોઈએ તો ગીર ગાયમાં ૧ર૦૦ થી ૧૮૦૦ કિ.ગ્રા.,કાંકરેજમાં ૧૨૦૦ થી ૧૪૦૦ કિ.ગ્રા મુરાહ ભેંસમાં ૧૫૦૦ થી રપ૦૦ કિ.ગ્રા. જાફરાબાદી ભેંસમાં ૯૦૦ થી ૧૩૦૦ કિ.ગ્રા.તથા મહેસાણી ભેંસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ કિ.ગ્રા. નોંધાયેલ છે.આમ, ઉપરોકત દુધ ઉત્પાદનને ધ્યાને લઈ આપણે ઘરે બાંધેલ પશુને તેની સાથે સરખામણી કરી રાજયની નીચે દર્શાવેલ પધ્ધતિઓ પ્રમાણે સંર્વધન કરવામાં આવે તો આપણે અચુક આપણા પશુના આનુવંશીક ગુણો તથા દુધ ઉત્પાદન વધારી શકીશ.

તાજેતરમાં બહાર પાડેલ સંર્વધન નીતી મુજબ સમગ્ર રાજયના પશુઓ માટે સમાન સંર્વધન નીતીનો ઉપયોગ કરવો. ઉપર જણાવ્યા મુજબ દેશી ઓલાદનું સરેરાશ દુધ ઉત્પાદન જોઈને ગીર, કાંકરેજ, જાફરાબાદી, મહેસાણી, સુરતી અને બન્ની જેવી જાતોની શુધ્ધ જાળવણી કરવી.વિવિધ ભૌગોલીક પરીબળો અને સ્થાનિક અભિપ્રાયને આધારે સ્થાનિક સ્થાપીત ઓલાદોનું શુધ્ધ સંર્વધન અથવા અપગ્રેડેશન કરવું.આ મુજબ જો પશુપાલક શુધ્ધ ઓલાદના લક્ષાણો ઘરાવતી અને વધારે દુધ ઉત્પાદન વાળી ગાય/ભેંસ રાખતો હોય તો તેને શુધ્ધ સંર્વધન દ્વારા જે તે ઓલાદના જ સાંઢ/પાડા અથવા કુત્રિમ બીજદાનો ઉપયોગ કરી જે તે ઓલાદની સંતતિ પેદા કરી ઉછેર કરવો.દા.ત.પશુપાલકના ઘરે શુધ્ધ ઓલાદના લક્ષાણો ધરાવતી કાંકરેજ ગાયને કાંકરેજ સાંઢ દ્વારા કુદરતી સેવા અથવા કાંકરેજ સાંઢના થીજવેલ વીર્ય ડોઝ દ્વારા કૃત્રિમ વીર્યદાન વાપરી સંર્વધન કરવું તેવી જ રીતે ગીર ગાય હોય તો ગીર સાંઢ અથવા ગીર સાંઢના થીજવેલ વીર્ય ડોઝ દ્વારા નર પશુની માતાનું દુધ ઉત્પાદન ચકાસી સંર્વધન કરાવવું જોઈએ.

જો પશુપાલક મિત્રોના ઘરે નિમ્નકક્ષાની બિન ઓલાદ વર્ગના પશુ ઉછેર કરતા હોય અને તેનું દુધ ઉત્પાદન તે ઓલાદના સરેરાશ દુધ ઉત્પાદન કરતા સામાન્યઉતરતુ હોય ત્યારે તેમને અપગ્રેડીંગ સીસ્ટમ દ્વારા શુધ્ધ ઓલાદના સાંઢ/પાડા દ્વારા સંર્વધન કરાવવામાં આવે તો આવનાર સંતતિની દુધ ઉત્પાદન ક્ષામતા તેની માતા કરતા વધારે જોવા મળે છે. જો પશુપાલક મિત્રો એકદમ ઓછુ દુધ ઉત્પાદન ધરાવતા પશુ કે જેમનું દુધ ઉત્પાદન હર્ડ એવરેજ કરતાં એકદમ નીચુ હોય તથા કોઈપણ ઓલાદના આનુવંશીક ગુણો ન ધરાવતું હોય તેવા પશુને શંકર સંર્વધન દ્વારા અલગ ઓલાદના નર દ્વારા સંર્વધન કરવામાં આવે તો આવનાર પશુની દુધ ઉત્પાદનમાં તરતજ વધારો શકાય.આ પધ્ધતિ અત્યારે આપણી દેશી ગાયોમાં જર્સી અથવા હૉલસ્ટેઈન ઓલાદના સાંઢ દ્વારા સંર્વધન માટે ખુબ પ્રચલીત છે. તેના દ્વારા ઉત્પન્ન સંતતિને શંકર પશુ તરીકે ઓળખવામં આવે છે આ પ્રથમ પેઢીની સંકર ગાયનું દુધ ઉત્પાદનમાં ઘણો વધારો થયો હોય તેમ જાણવા મળે છે.પરંતુ આ દુધ ઉત્પાદનનો વધારો પેઢી દરપેઢી ટકી રહેતો નથી.આ માટે તેને ફરીથી સંકર સાંઢથી ફેળવવી જોઈએ.નવી પશુસંર્વધન નીતી મુજબ સંકર જાતીની ઉત્પાદન ક્ષમતામાં ફરીથી વધારો થાય તે માટે તેને બીજીવાર આનુવંશીક રીતે ચઢિયાતા ગુણો ધરાવતા સંકર જાતિના સાંઢનો ઉપયોગ કરી સંર્વધન કરવુ જોઈએ અને સંકર જાતીમાં વિદેશી ઓલાદની ટકાવારી ૬૨.૫ ટકાથી વધે નહી તેની કાળજી રાખવી.

ભેંસોનું શુધ્ધ સંર્વધન વંશાવલીના આધારે પસંદગી કરેલ અને/અથવા ઓલાદ ચકાસણીથી પસંદગી કરેલ પાંડાથી જ કરવું જોઈએ. કોઈપણ ઓલાદના આનુવંશીક ગુણો ન ધરાવતી ભેંસોના આનુવંશીક ગુણોમાં વધારો કરવા શુધ્ધ,ઉચ્ચ જનીન ગુણો ધરાવતા દેશી પાડાથી સંર્વધન કરવું.

રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નવી સંર્વધન નીતીમાં સંર્વધન માટે સાંઢ/પાડાની પસંદગી માટેના માપદંડો પણ નકકી કરવામાં આવ્યા છે આ નીતી મુજબ જેસાંઢ/પાડાની માતાનું દુધ ઉત્પાદન તથા દુધમાની ચરબીની ટકાવારી નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની અથવા તેથી વધુ હોય તેને કુદરતી સેવા અથવા કુત્રિમ બીજદાન માટે વાપરવા.

 

નસ્લ(ઓલાદ)

માતાનું દુશ ઉત્પાદન - કિલોગ્રામ

પ્રથમ

શ્રેષ્ઠ

ચરબીની ટકાવારી

ગીર

૨૪૦૦

3000

 

૪.૫

કાંકરેજ

૨૦૦૦

૨૫૦૦

૪.૫

ડાંગી

૪૦૦

૫૩૦

મેહસાણી

૨૪૦૦

3000

જાફરાબાદી

૨૮૦૦

૩૫૦૦

સુરતી

૧૬૦૦

૨૦૦૦

બન્ની

૨૪૦૦

3OOO

 

 

આ નીતીમાં કોઈપણ ગામ/ગોશાળા/પાંજરાપોળમાં સાંઢ/પાડાને ઉમેરતા પહેલા તેના જાતીય આરોગ્ય, સામાન્ય આરોગ્ય, માતાનું દુધ ઉત્પાદન પશુપ્રજનન અંગોના આરોગ્યની  ચકાસણી સ્થાનિક પશુચિકિત્સા અધિકારી જોડે કરાવી, તેની નોંધણી કરીને જ સંર્વધન કાર્યક્રમમાં મુકવા. વર્ષમાં એક વાર પશુપ્રજનન દ્વારા ફેલાતા રોગો જેવા કે ક્ષાય, ચેપી ઝાડા અને ચેપી ગર્ભપાતની સંર્વધન યોગ્ય સાંઢ/પાડાની તપાસ કરાવવી. સંગોત્રીય સંર્વઘન અટાકાવવા માટે દર ત્રણ વર્ષે ફળાઉ સાંઢ/પાડાને બદલી નાખવા. ફળાઉ સાંઢ/પાડાથી ઉત્પન્ન થયેલ વાછરડી/પાડીમાં તે જ સાંઢ/પાડાના ઉપયોગથી થતુ આંતર સંર્વધન અટકાવવા માટેફળાઉ સાંઢ/પાડા બદલાવવા ખુબ જ જરૂરી છે. કૃત્રિમ બીજદાનના કિસ્સામાં વપરાયેલ કૃત્રિમ વીર્યદાન ડોઝ સ્ટ્રો ઉપરથી ફળાઉ સાંઢ/પાડાના નંબરની નોંધણી કરી, ફરીથી તેનો ઉપયોગ આંતર સંર્વધન માટે ન થાય તેની કાળજી રાખવી. રાજય સરકાર દ્વારા સંર્વધન નીતીમાં વર્ષ-ર૦રર પછી સંતતિ પરીક્ષાણના આધારે સિધ્ધ થયેલ ઉચ્ચ આનુવંશીક ગુણો ધરાવતા સાંઢ/પાડા વાપરવા માટે નો આગ્રહ રાખવામાં આવ્યો છે.

હાલમાં આપણા રાજયની પાંચ મુખ્ય ઓલાદો જેવી કે ગીર, કાંકરેજ, મહેસાણી, જાફરાબાદી અને બન્નીમાં સંતતિ પરીક્ષાણની શરૂઆત સરકારી/બીન સરકારી અથવા અન્ય સંસ્થાઓ દ્વારા શરૂઆત કરવા હાકલ કરાઈ છે. હાલના તબકકે વંશાવલીને આધારે પસંદગી પામેલ સાંઢ/પાડાનો સંર્વધન કાર્યક્રમમાં ઉપયોગ માટે જણાવેલ છે. વીર્ય ઉત્પાદન કરતા કેન્દ્રોને પણ આ નીતી મુજબ ભારત સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસેજર(એસ.ઓ.પી.) તથા મીનીમમ સ્ટાન્ડર્ડ નું પાલન કરી વીર્યના ડોઝ ઉત્પાદન કરવાનું રહેશે સાથે  જૈવિક સુરક્ષા અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ નકકી કરંલ જીવાણુ/વિષાણુનું પરીક્ષાણને નીયમીત અનુસરવાનું રહેશે. કૃત્રિમ વીર્યદાનની સેવા બજાવતી સંસ્થાઓએ માત્ર એ અથવા બી મુલ્યાંકન ધરાવતા વીર્ય ઉત્પાદન કરતાં કેન્દ્રો દ્વારા ઉત્પાદિત સ્ટ્રો/ડોઝ નો ઉપયોગ કુત્રિમ વીર્યદાનમાં કરવાનો રહેશે.કુત્રિમ બીજદાનનો ફેલાવો ૩૦% થી વધારી વર્ષ-ર૦રર સુધી ૬૬% સુધી લઈ જવા પ્રયત્ન કરવો.ભવિષ્યના સંર્વધન યોગ્યસાંઢ/પાડાના ઉત્પાદન અને સંતતિ પરીક્ષાણ કાર્યક્રમ માટેકુત્રિમ બીજદાનનો ફેલાવો કરવો જરૂરી છે. કુદરતી સેવાનો લાભ ખુબજ દુરસ્ત અને દુર્ગમ ગામડામાં જયાં કૃત્રિમ બીજદાનની સગવડના હોય ત્યાં જ કરવો. જો રાજયમાં પશુપ્રજનન/સંર્વધન સાથે સંકળાયેલ સંસ્થાઓએ વિદેશમાંથી અથવા દેશના અન્ય રાજયોમાંથી થીજવેલ વીર્ય અથવા સંર્વધન યોગ્યસાંઢ/પાડા મેળવવાના થાય તો તે ઉપર કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ લઘુતમ ધોરણો કરતા ઓછામાં ઓછા ૩૦% વધારે ધોરણો ધરાવતો હોવો જોઈએ તથા જે સંસ્થા પાસેથી તે મેળવવાના થાય તે સંસ્થાઓ ઓ.આઈ.ઈ.ની માર્ગદર્શિકા ને અનુસરતી હોવી જોઈએ.

આમ જો સ્થાનિક પશુ ચિકિત્સક અધીકારી, જીલ્લા પંચાયતના નાયબ નિયામકશ્રી કૃત્રિમ બીજદાન તથા સંર્વધન સાથે સંકળાયેલ સંસ્થાઓ અથવા પશુપાલકો સાથે સીધા સંપર્કમાં રહેતા ગોપાલમિત્રો, કૃત્રિમ વીર્યદાન કર્મચારી મિત્રો, પશુધન નિરક્ષાકો ઉપરોકત સંર્વધન નીતી અને ઉપયોગથી થતા ફાયદાઓથી પશુપાલકોને માહીતગાર કરી તેના અસરકારક  અમલ માટે સમજાવવામાં આવે તો આપણે વૈશ્વિક સ્તરે ફકત પશુધનની સંખ્યા જોરે મેળવેલ દુધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાનની જગ્યાએ પશુદીઠ દુધ ઉત્પાદનનાં જોરે વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવવા તરફ પ્રયાણ કરી શકીશું.

રેફરન્સ : ડો. આર. જે. રાવલ, ડો. કે.બી. વાળા તથા ડો. કે.એચ. પરમાર પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate