પ્રસ્તાવના:
સફળ પશુપાલન વ્યવસાય માટે પશુઓની તંદુરસ્તી આવશ્યક છે. પશુઓમાં પણ મનુષ્યો ની જેમ વિવિધ રોગો થાય છે. આ રોગો મુખ્યત્વે જીવાણુ, વિષાણુ, ફૂગ અને પરોપજીવીઓથી થતાં હોય છે. આજે આપણે જીવાણુઓથી થતાં કેટલાક મહત્વના રોગો વિષે વાત કરીશું. જીવાણુથી થતા થતા સામાન્ય રોગોનો અટકાવ થવો ખૂબ જ જરૂરી છે જો આવા રોગોથી પશુઓનો બચાવ કરવામાં આવે તો સારૂ દૂધ ઉત્પાદન જાળવી શકાય છે તથા આવકમાં પણ વધારો કરી શકાય છે. પશુઓમાં જીવાણુથી થતા વિવિધ રોગોના લક્ષણોને ઓળખી, તેની સમયસર સારવાર કરાવવામાં આવે અથવા તો યોગ્ય રસીકરણથી તેને અટકાવવામાં આવે તો પશુઓને જીવાણુંથી થતા રોગોથી બચાવી શકાય છે.
જીવાણુથી થતા સામાન્ય રોગો :
પશુઓમાં જીવાણુઑથી આમ તો ઘણા બધા રોગો થાય છે પણ અહિયાં આપણે આપણાં વિસ્તારમાં વારંવાર જોવા મળતા અને કેટલાક જીવલેણ તથા દૂધ ઉત્પાદન ઘટાડી અને આર્થિક નુકશાન કરતાં રોગો વિષે વાત કરીશું. એમાં મુખ્યત્વે ગળસૂઢો, ગાંઠીયો તાવ, કાળીયો તાવ, માથાવટુ/ આંત્ર વિષજવર, ચેપી ગર્ભપાત, આઉનો સોજો જેવા રોગોનો સમાવેશ કરી શકાય.
- ગળસૂઢો રોગના લક્ષણો શું હોય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય? : ગળસૂઢો રોગ ને અમે તબીબી ભાષામાં હેમરેજીક સેપ્ટીસીમીયા કહીયે છે. આ રોગ મુખ્યત્વે ગાય / ભેંસમાં થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી, વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે. આ રોગમાં પશુનું ગળુ સુઝીને જાડું હાથીની સૂંઢ જેવું થતું હોવાથી તેને "ગળસૂઢો" કહેવામાં આવે છે. આ રોગના લક્ષણોમાં ૧૦૫ થી ૧૦૮° ફેરનહીટ આસપાસ તાવ આવે છે , નાકમાંથી લેવા જેવો સ્ત્રાવ પડવો, શ્વાસોચ્છવાસ વધે, ગળાના ભાગે સોજા આવે, ગાળામાંથી અસામાન્ય અવાજ પણ થાય છે તથા ર૪ થી ૩૬ કલાકમાં પશુનું મૃત્યુ થઈ શકે છે. રોગ લાગુ પડયા બાદ જો તાત્કાલિક જ નિષ્ણાંત ડોકટરને બોલાવીને સારવાર કરવામાં આવે તો પશુ બચી જવાની શક્યતાઓ વધુ હોય છે.આ રોગને નજીકના બીજા પશુઓમાં ફેલાતો અટકાવવા માટે રોગીષ્ટ પશુને બીજા તંદુરસ્ત પશુઓથી અલગ રાખવું. તેને અલગ પાણી અને ચારો આપવો જોઈએ. આ રોગના નિયંત્રણ માટે દર ૬ માસે તેનું રસીકરણ કરાવવું જોઈએ. ચોમાસા પહેલા મે જુનમાં તથા ડિસેમ્બરમાં. રોગચાળાની વધુ શકયતા વાળા વિસ્તારમાં રસી મુકાવવી હિતાવહ છે.
- ગાંઠીયો તાવ રોગમાં પશુઓને શું થાય છે અને તેને અટકાવી કેવી રીતે શકાય? : આ રોગને અમે તબીબી ભાષામાં બ્લેક ક્વાર્ટર કહીયે છે. આ રોગના લક્ષણોમાં પશુઓમાં પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, થાપાના ભાગે ખરાબ વાસ વાળુ કાળું પ્રવાહિ ભરાયેલ હોય, ત્યાં સોજાની જગ્યાએ દબાણ આપવાથી ક્રિપીટેશન સાઉન્ડ ( કરકરાટી વાળો અવાજ) આવે,રોગીષ્ટ પશુનું શરીર ધ્રુજે છે, અત્યંત દુખાવો થાય છે ચાલી શકે નહીં. શ્વાસોશ્વાસ ઝડપી બને છે અને પશુ ૧૨ થી ૨૪ કલાકમાં મરી જાય છે. આ રોગમાં પણ જો તાત્કાલિક સારવાર કરવામાં આવે તો પશુ બચી જાય છે. આ રોગના નિયંત્રણ માટે ગાંઠીયાવિરોધી રસીકરણ ચોમાસા પહેલા (જુન માસમાં) કરવું જોઈએ. ભૂતકાળમાં જયાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગની શકયતા વાળા વિસ્તારમાં કરવુ જોઈએ.
- કાળીયો તાવ રોગમાં પશુઓમાં કેવા ચિન્હો દેખાય અને તેનો અટકાવ કેવી રીતે કરી શકાય? આ રોગને અમે એથેંકસ તરીકે ઓળખીએ છે. આ પણ જીવાણુથી થતો રોગ છેઆ રોગમાં પણ પશુને ખૂબ જ તાવ આવે છે. આંખો લાલ થઈ જાય છે. શ્વાસોશ્વાસ ઝડપી બને છે અને અચાનક જ પશુનું મોત થાય છે. મરી ગયેલા પશુના કુદરતી છીદ્રો ધ્વારા જેવાં કે નાક, મોટું, ગુદા, યોની વગેરેમાંથી કાળું પડી ગયેલું લોહી બહાર નીકળે છે જે જામી જતું નથી. સામાન્ય રીતે મરણ બાદ પશુ થોડા વખતમાં લાકડા જેવું થઈ જાય જેને રાઈગર મોરટીસ કહે છે પણ તે પણ આ રોગ થી મૃત્યુ પામેલા પશુમાં થતું નથી. આમ તેનુ નિદાન સહેલું છે. તાત્કાલીક સારવાર કરવામાં આવે તો પશુ બચી જાય છે. મરી ગયેલા પશુની ચીરફાડ કરવી જોઈએ નહિ. કારણ કે તે સમયે જીવાણુ બહારની હવા સાથે સંપર્કમાં આવતાં જ તે એક સ્પોરકવચ બનાવે છે જે આ અવસ્થામાં ૪૦ થી ૬૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે અને વારંવાર રોગ ફેલાવી શકે છે. માટે મરેલા ઢોરને ઉંડો ખાડો ખોદીને ઉપર મીઠું કે એન્ટીસેપ્ટીક દ્રાવણ કે ગેમેક્ષીન છાંટી માટીથી દાટી દેવું જોઈએ. આજુબાજુની જમીન પરના ઘાસને પણ સળગાવી દેવું જોઈએ. આ રોગ પશુઓમાથી મનુષ્યોમાં પણ ફેલાય સકે છે. આથી રોગીષ્ટ પશુના સંપર્કમાં રહેતા લોકોએ યોગ્ય કાળજી લેવી જોઈએ. આ રોગ અટકાવવા દર વર્ષે જુન માસ દરમ્યાન આ રોગ વિરોધી રસી મુકાવવી જોઈએ. જયાં રોગ થયો હોય ત્યાં ત્રણ વર્ષ સુધી સતત રસીકરણ કરાવવું જોઈએ.
- માથાવટા આંત્ર વિષજવર રોગના શું લક્ષણો હોય અને તેના અટકાવ વિષે માહિતી આપશો ? : આ રોગને અમે એટ્રોટોકસેમીયા તરીકે ઓળખીએ છે. આ રોગ મુખ્યત્વે ઘેટાં બકરાંમાં જોવા મળે છે અને લક્ષણોમાં માથા, ચહેરા તથા ગરદનના ભાગે સોજા જોવા મળે છે, ઝાડા થાય છે, આંતરડામાં સોજો આવે છે, હાફ ચડે, નબડું પડી જાય તથા ચકરી ખાઈને પડી જાય છે. આ રોગ અટકાવવા માટે મે જુન માસ દરમ્યાન રસીકરણ કરાવવું જોઈએ. આવા રોગીષ્ટ ઘટાંઓ માટે પાણી તથા ઘાસચારાની અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ અને સરસ રીતે વાડાની સફાઈ તથા મળમુત્રનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
- ચેપી ગર્ભપાત રોગ કેવી રીતે અન્ય પશુઓમાં ફેલાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય છે? આ રોગને અમે બ્રુસેલોસીસતરીકે ઓળખીએ છે. આ રોગ ગાય, ભેંસ, ઘેટાં, બકરા તથા ભંડમાં જોવા મળતો ચેપી રોગ છે. જે બ્રુસેલ્લા પ્રકારના જીવાણુઓથી ઉત્પન્ન થાય છે. આ રોગમાં રોગીષ્ટ પશુઓનાગર્ભાશયના સ્ત્રાવ દ્વારા જીવાણુઓ વાતાવરણમાં ભળે છે અને વાતાવરણમાં ઘણા લાંબા સમય સુધી જીવીત રહી શકે છે. તંદુરસ્ત પ્રાણીઓમાં પ્રદુષિત ઘાસ પાણી દ્વારા,આંખો ધ્વારા, ચામડી દ્વારા આ જીવાણુઓ શરીરમાં દાખલ થાય છે. આ ઉપરાંત રોગીષ્ટ નર કે માદા પશુઓમાં પ્રજનન દ્વારા પણ આ રોગ ફેલાય છે. આ રોગમાં માદા પશુઓમાં ગર્ભાધાન બાદ આ રોગના જીવાણુ ગર્ભાવસ્થાના ૭ થી ૯ માસ ના સમયગાળા દરમ્યાન ગર્ભપાત કરતા જોવા મળે છે. આ ઉપરાંત ગર્ભાશયમાં સોજો આવવો, ઓર ન પડવી તથા એક જ પશુમાં વારંવાર દરેક વેતરે ગર્ભપાત થવો વગેરે ચિન્હો જોવા મળે છે. જયારે નર પશુઓમાં શુક્રપિંડમાં સોજો, તથા વૃષણકોથળી સૂજી જવી તે મુખ્ય લક્ષણો જોવા મળે છે.
આ રોગમાં ૬ માસની ઉંમરની માદા બચ્ચાને જીવન માં ફક્ત એકવાર જ જો રસીકરણ કરવામાં આવે તો તેઓ જયારે પુખ્તતા ધારણ કરે ત્યારે આ રોગ સામેની પ્રતિકારક શકિત પૂરતા પ્રમાણમાં હોઈ રોગ સામે લડી શકે છે. આ રસીનું નામ બ્રુસેલ્લા " કોટન સ્ટ્રેઈન૧૯" છે.
- આજકાલ આઉનો સોજો પશુપાલકો માટે એક મોટી સમસ્યા થયો છે તો આ કેવી રીતે થાય અને તેને કેવી રીતે અટકાવી શકાય છે: આ રોગને અમે મસ્ટાઈટીસ કહીયે છે. આ રોગ અનેક કારણોથી થાય છે. જેવા કે જીવાણુ, વિષાણુ, ફૂગ વગેરે પરંતુ મોટાભાગે જીવાણુથી થતો હોય છે. જીવાણુમાં ખાસ કરીને સ્ટેફાઈલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ, કોરીનીબેકટેરિયમથી આ રોગ થાય છે.
આ સિવાય અન્ય કારણોને લીધે રોગ થવાની શકયતા વધી જાય છે જેમકે આંચળ પરની ઈજા ,રહેઠાણની ગંદકી, આંચળના સંકોચક સ્નાયુની શિથિલતા, લાંબા અને લટકતા આંચળ, અંગૂઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત, દુધ દોહનારના હાથની અસ્વચ્છતા, જમીન પર દૂધ દોહતા પહેલાં દૂધની ધાર નાંખવાથી તથા પશુની નબળી રોગપ્રતિકારક શકિત.
આ રોગમાં દૂધગ્રંથી ઉપર એકાએક સોજો આવે, દૂધમાં ધટાડો, દૂધમાં ફોદીઓ વધારે પ્રમાણમાં જણાય, દૂધને બદલે પાણી જેવું ચીકણું અથવા પરૂ નીકળે. કોઈવાર લોહી પણ હોય, સોજાને લીધે પશુને દર્દ થાય, દૂધ દોહવામાં તકલીફ પડે અને પશુ દોહવા માટે સરખુ ઉભુ રહે નહીં. ખોરાક ઓછો લે, શરીર ગરમ જણાય, આંચળ અને આઉ કઠણ થઈ જાય. કોઈવાર આંચળ અને આઉ ઠંડા જણાય.આઉની ત્વચાનો રંગ ભૂરો વાદળી હોય અને ત્વચામાં કાપા જોવામાં આવે અને દૂધને બદલે પ્રવાહી નીકળે (ગેન્ઝીન) વગેરે ચિન્હો જોવા મળે છે.
આ રોગ થતાં પહેલા રોગ ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે અને તે માટે નીચેના સૂચનોનો અમલ કરવો જરૂર છે.
- આઉ ને આંચળને કોઈ રીતે જખમ ઈજા ન થાય તેની કાળજી લેવી.
- પશુઓને બાંધવાની જગ્યા સાફ રાખવી.
- આંચળને દોહતા પહેલા તેના પર ચોટેલ છાણ, માટી ધોઈ નાંખવા
- આંચળ અને આઉને મંદ જંતુનાશક દવાવાળા પાણીથી સાફ કરી સ્વચ્છ કપડાં વડે કોરા કરી દૂધ દોહવું
- દરેક વખતે દવાવાળા પાણીથી હાથ સાફ કરી કોરા કરવા જરૂરી છે. આ સાફસૂફી માટે પોટેશ્યિમ પરમેગેનેટ દવાનું આછું ગુલાબી પાણી, સેવલોન (૧ ભાગ સેવલોન ૫૦૦ ભાગ પાણી) વાપરવા.
- ખરાબ દૂધ ભોયતળિયા પર ન ખાતા તેનો યોગ્ય નિકાલ કરવો.
- રોગવાળા જાનવરને છેલ્લે દોહવું અને દૂધને વપરાશમાં લેવું નહિ.
- નિયમિત રીતે દરેક પશુના દૂધની તપાસ અને પરીક્ષણ કરતાં રહેવું હિતાવહ છે.
- દૂધ દોહવામાં નિપુણતા કેળવવી જરૂરી છે. દૂધ દોહયા બાદ આંચળને મંદ જંતુનાશક દવાવાળા પાણીમાં ડુબાડવા.
- જયાં મશીનથી જાનવરો દોહવામાં આવી છે ત્યાં દૂધ દોહવાના મશીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અને મશીનને વ્યવસ્થિત સાફ કરવું
- આંચળમાં વસુકાતા પહેલા દવા ચઢાવવી જેથી કરીને વસુકાયેલા કાળ દરમ્યાન ચેપ લાગતો નથી. આમ, આ રોગોમાં થોડી વિશેષ કાળજી લેવાથી રોગને અટકાવી શકાય છે. અને દૂધ ઉત્પાદનની ખોટ નિવારી શકાય છે અને પશુપાલકોને થતું આર્થિક નુકશાન ધટાડી શકાય છે.
રેફરન્સ : ડૉ. ડી. બી. બારડ, ડૉ. બી. બી. જાવિયા, ડો. બી. એસ. મઠપતી તથા ડો. એ. એમ. ઝાલા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જુ.કૃ.યુ. જુનાગઢ