অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાયો નિયંત્રણ

બાયો નિયંત્રણ

હરિયાળી ક્રાંતિ આવ્યા બાદ ખેતી પાકોનુંં ઉત્પાદન વધ્યુ પણ સાથે સાથે વધારે ઉત્પાદન મેળવવાની લાલચમાં ખેડ, ખાતર અને પાણીનો ખેડૂતોએ અતિરેક ઉપયોગ કર્યો જેના કારણે ઉત્પાદન તો વધ્યું પણ સાથે-સાથે બીજી ઘણી બધી મુશ્કેલીઓ પણ ઉભી થઈ. જેવી કે જમીનમાં વધારે પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન ક્ષાર વાળી બની, ઉત્પાદન ધીમે-ધીમે ઘટવા લાગ્યું અને આ બધા કરતા વિકટ પ્રશ્ન બન્યો રોગ-જીવાતના અસરકારક વ્યવસ્થાપન જે આજનો મુખ્ય પ્રશ્ન છે.

રોગ-જીવાતના નિયંત્રણ માટે ખેડૂતો બેફામ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા જેના કારણે ખેતી ખર્ચ વધ્યો અને નફાનું પ્રમાણ ઘટવા લાગ્યું. આ સિવાય જીવાતોમાં દવા પ્રત્યે પ્રતિકારક શક્તિ પેદા થવા લાગી. ગૌણ જીવાતો મુખ્ય જીવાત તરીકે ઉદભવા લાગી જેવી કે મિલીબગ અને ચુસીયા. આ સિવાય રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જે રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે તેના અવશેષો પાકમાં રહી જતા હોવાથી તેની ગંભીર અસર માનવ જાતના સ્વાસ્થ્ય ઉપર પણ જોવા મળી છે જે ખરેખર ગંભીર બાબત છે.

રોગ-જીવાતના નિયંત્રણ માટે અત્યારે સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન પ્રચલિત છે. એટલે કે એક થી વધારે પધ્ધતિનો ઉપયોગ કરીને જીવાતનું પ્રમાણ આર્થિક ક્ષમ્ય માત્રા કરતા નીચે રાખવું. સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં મુખ્યત્વે કર્ષણ પધ્ધતિ, તાંત્રિક પધ્ધતિ, રાસાયણિક પધ્ધતિ, જૈવિક પધ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી પધ્ધતિઓમાંથી જૈવિક નિયંત્રણ પધ્ધતિના ઘણા ફાયદા છે. જૈવિક નિયંત્રકો પાસે જીવાતોને ઓળખી કાઢવાની અજબ શક્તિ હોય છે. જૈવિક નિયંત્રકો હાનિકારક જીવાતોનો ખોરાક તરીકે ઉપયોગ કરી જીવાતોનો ઉપદ્રવ ઘટાડે છે. જૈવિક નિયંત્રણનો મુખ્ય ફાયદો એ છે કે તેના કારણે વાતાવરણમાં કોઈપણ પ્રકારનું પ્રદુષણ થતું નથી. જીવાતમાં પ્રતિકારક શક્તિ પેદા થતી નથી તે ઉપરાંત પાકમાં કોઈ પ્રકારના ઝેરી અવશેષો રહી જતા નથી. આ પધ્ધતિ દ્વારા જીવાતોનું વ્યવસ્થાપન ખૂબ લાંબા સમય સુધી અસરકારક રીતે કરી શકાય છે. આ પધ્ધતિની આડઅસરો ઘણી ઓછી છે તેમજ સજીવો માટે તદ્દન સલામત છે. જૈવિક નિયંત્રકોના ઉપયોગથી રાસાયણિક દવાનો ઉપયોગ ઘટશે જેના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને નફાનું પ્રમાણ વધશે.

કુદરતમાં જુદા-જુદા પ્રકારના ઘણા પરજીવી અને પરભક્ષી કીટકો તેમ જ સુસ્ત રોગકારકો હોય છે. જે પાક ઉપર પડતી જીવાતોને કાબુમાં રાખે છે.

ટ્રાયકોગ્રામા ભમરી :

આ ભમરી નરી આંખે સહેલાઈથી જોઈ ન શકાય તેવી નાની અને પીળા રંગની હોય છે જે લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાબરી ઈયળ અને દીવેલાની ઘોડીયા ઈયળ વગેરે જીવાતોના ઈંડામાં પોતાનું ઈંડુ મુકે છે અને ૮ થી ૧૦ કલાકમાં ઈંડાનું સેવન થયા બાદ તેમાંથી નીકળી ઈયળ નુકશાનકારક જીવાતોનાં ઈંડાને અંદરથી કોરી ખાય છે. અને ૭ થી ૮ દિવસમાં પોતાનો વિકાસ પૂર્ણ કરીને પુખ્ત ભમરી રૂપે ઈંડામાંથી બહાર નીકળી આવે છે. આમ આ ભમરીઓ નુકશાનકારક જીવાતોનું તેની ઈંડા અવસ્થામાં જ નિયંત્રણ કરે છે. એક માંદા ભમરી પોતાના એક અઠવાડીયાના જીવનકાળ દરમ્યાન નુકશાનકારક જીવાતોના લગભગ ૧૦૦ થી ૧ર૦ જેટલા ઈંડાનો નાશ કરી શકે છે.

ક્રાયસોપા (લીલી પોપટી) :

આ પરભક્ષી કીટકને ખેડૂતો "લીલી પોપટી" ના નામે ઓળખે છે. જે પાકને નુકશાન કરતી ચૂસીયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, થ્રિપ્સ, લીલા તડતડીયાં, સફેદ માખી, પાનકથીરી, મીલીબગ તથા ફૂદાં પતંગિયાએ મુકેલા ઈંડા અને નાની ઈયળોનું ભક્ષણ કરે છે. ક્રાયસોપાની માંદા પાન ઉપર રેશમી તાંતણામાંથી બનાવેલ દંડ ઉપર લગભગ ૩૦ થી ૩પ ની સંખ્યામાં એકલદોકલ અથવા સમૂહમાં ઈંડા મૂકે છે. એક માંદા પોતાના બે મહિનાના જીવનકાળ દરમ્યાન રોજના લગભગ ૩૦ લેખે ૭૦૦ જેટલા ઈંડા મૂકી શકે છે. ઈંડામાંથી ૩ થી ૪ દિવસે ઈયળ નીકળે છે જે ૬ થી ૮ દિવસના જીવનકાળ દરમ્યાન લગભગ પ૦૦ જેટલાં મોલો અથવા સફેદ માખીના બચ્ચાં અથવા ૮૦૦ થી ૧૦૦૦ જેટલા લીલી ઈયળ ઈંડા ખાઈને કોશેટામાં રૂપાંતરણ પામે છે અને ૬ થી ૭ દિવસ બાદ તેમાંથી પુખ્ત બહાર નીકળે છે.

લેડી બર્ડ બીટલ (દાળીયા) :

આ પરભક્ષી કીટકને ખેડૂતો દાળિયાં, ઢાલિયાં, બગવા કે કાચન્બાના નામે ઓળખે છે. તેની જાતિ મુજબ તે વિવિધ રંગના પાંખોવાળા અને તેની ઉપર વાંકાચૂંકી લીટીઓ અથવા કાળા ટપકાં ધરાવતાં હોય છે. ઢાલિયાંની માંદા મોટે ભાગે પોતાની નીચેની બાજુએ લંબગોળ અને પીળા રંગના ઈંડા સમુહમાં મુકે છે. ઈંડા ૩ થી ૪ દિવસમાં સેવાતા તેમાંથી નીકળતી ઈયળો કાળાશ પડતા રંગની અને મગર જેવા આકારની હોય છે. આ ઈયળો મોલો અને બીજી પોચા શરીર વાળી નાની જીવાતોને ખાઈને ૬ થી ૮ દિવસમાં પુખ્ત બને છે અને પાન પર જ કોશેટો બનાવે છે. કોશેટામાંથી ૭ થી ૯ દિવસ બાદ પુખ્ત ઢાલિયું બહાર આવે છે જે ૬૦ થી ૬પ દિવસનું લાંબુ આયુષ્ય ધરાવે છે. આ કીટકોની પુખ્ત અને ઈયળ એમ બંને અવસ્થા પરભક્ષી હોય છે. ઈયળ તેના જીવનકાળ દરમ્યાન ૯૦૦ થી ૧૦૦૦ જેટલી મોલો ખાય છે.

જીઓકોરીસ:

આ એક અસરકારક પરભક્ષી કીટક છે. ખેડૂતો તેને "મોટી આંખવાળા ચૂસિયા" તરીકે ઓળખે છે તે નાની માખી જેવું હોય છે જે પાકને નુકશાન કરતી ચૂસીયાં પ્રકારની જીવાતો જેવી કે મોલો, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ, પાનકથીરી, મીલીબગ તથા નુકશાનકારક જીવાતોના ફૂદાં-પતંગિયાએ મુકેલા ઈંડા અને પ્રથમ અવસ્થાની નાની ઈયળોનું ભક્ષણ કરે છે. જીઓકોરીસની માંદા પાન ઉપર છુટાછવાયા દરરોજ ૩ થી ૪ ઈંડા મુકે છે. એક માંદા પોતાના એક મહિનાના જીવનકાળ દરમ્યાન લગભગ ૩રપ જેટલા ઈંડા મુકે છે. ઈંડામાંથી ૬ થી ૭ દિવસમાં બચ્ચું નીકળે છે જે ૬ દિવસના જીવનકાળ દરમ્યાન લગભગ રપ૦ જેટલી મોલો અથવા તડતડીયાના બચ્ચાનું ભક્ષણ કરે છે. આમ બચ્ચાં તથા પુખ્ત એમ બંને અવસ્થા ફાયદાકારક છે. જીઓકોરીસ કપાસ, મકાઈ, જુવાર, બાજરી, ડાંગર, રજકો, ઘઉં, રાઈ, કસંુબી, સોયાબીન, મગફળી વગેરે પાકમાં જોવા મળે છે.

એપીરીકેનીયા - શેરડીની પાયરીલાનું પરજીવી :

આ પરજીવીનાં પુખ્ત (ફૂંદા) કાળા રંગના અને કદમાં નાંના હોય છે. તેની માંદા શેરડીના પાનની નીચેની બાજુએ આશરે ૪૦૦ જેટલા ઈુડા સમૂહમાં મૂકે છે. ઈંડા ૯ થી ૧ર દિવસમાં સેવાતા તેમાંથી ઈયળ નીકળે છે. જે પાયરીલાની પૂંછડી અથવા પાંખો મારફતે તેની પીઠ પર પહોંચે છે અને ત્યાં ચીટકી રહી પાયરીલાના શરીરમાં મુખાંગ દાખલ કરી તેમાંથી લોહી ચૂસે છે. જેથી પાયરીલાનો નાશ થાય છે. ઈયળ અવસ્થા ૧૭ દિવસની હોય છે જે વિકાસ પામી પાયરીલાથી છૂટી પડી શેરડીના પાન પર જ સફેદ રંગના લંબચોરસ આકારના કોશેટા બનાવે છે. કોશેટા અવસ્થા આશરે ૭ દિવસની હોય છે. તેમાંથી પુખ્ત બહાર આવે છે. જે ૩ થી પ દિવસ સુધી જીવીત રહે છે. આ પરજીવીનો જીવનકાળ ૩૦ થી પ૦ દિવસમાં પૂર્ણ થાય છે. ગુજરાતમાં જૈવિક નિયંત્રણ દ્વારા શેરડીમાં પાયરીલા જીવાતને કાબૂમાં લેવા માટેનું આ એક સફળ ઉદાહરણ છે.

ટેકની માખી :

ટેકની માખી ઘરમાખી જેવી જ હોય છે તેની કેટલીક જાતિઓ કદમાં મોટી અને મધમાખી કે ભમરી જેવી દેખાય છે. ફૂલો, ઘાસ કે અન્ય વનસ્પતિ પર ઉડતી જોવા મળે છે. આ પરજીવી કીટક ફૂદાં અને પતંગિયાની ઈયળો, રાઈની માખી અને ઢાલિયાં પ્રકારની જીવાતોની ઈયળ અવસ્થા પર પરજીવીકરણ કરી તેનો નાશ કરે છે. ખાસ કરીને નારિયેળીની કાળા માથાવાળી ઈયળ, જુવારના પાકમાં લશ્કરી ઈયળ, લીલી ઈયળ, શેરડીના વેધકો તેમજ ગાભમારાની ઈયળનું નિયંત્રણ કરે છે. આ પરજીવી કીટકની કેટલીક જાતિઓ યજમાન કીટકની ઈયળો પર, તેની નજીક કે વનસ્પતિ પર ઈંડા મુકે છે જ્યારે અન્ય જાતિમાં તેની ઈંડા અવસ્થા માંદાના શરીરમાં જ પૂર્ણ થઈ સીધે સીધી પ્રથમ અવસ્થાની ઈયળોને જન્મ આપે છે. ઈંડામાંથી ૪ થી ૮ દિવસ બાદ નીકળેલી ઈયળ નુકશાનકારક ઈયળના શરીરમાં પ્રવેશી શરીરને અંદરથી કોરી ખાય છે. ઈયળ અવસ્થા ૧ થી ૩ અઠવાડીયા સુધીની હોય છે. આ પરજીવી માખીની ઈયળ પુખ્ત થતાં નુકશાનકારક કીટકના શરીરના કોઈપણ ભાગમાંથી બહાર નીકળી મૃત્યું પામેલ ઈયળની નજીકમાં જ કોશેટો બનાવે છે.

એપેન્ટેલીસ ભમરી :

એપેન્ટેલીસ જાતિની પરજીવી ભમરી કદમાં એકદમ સૂક્ષ્મ હોય છે. તેની માંદા લશ્કરી ઈયળ, કોબીજના પાન કાપી ખાનાર ઈયળ, કપાસની ગુલાબી ઈયળ, ડાંગરનો દરજી, કોબીજના હીરા ફૂદાંની ઈયળ વગેરે જીવાતોની નાની ઈયળોના શરીરમાં પોતાના ઈંડા મૂકે છે. ઈંડા સેવાતા તેમાંથી નીકળતી ઈયળ જીવાતની ઈયળમાં અંદર રહીને વિકાસ પામે છે. પરિણામે પરજીવીકરણ થયેલ ઈયળો ધીમે ધીમે અશક્ત બની ખોરાક લેવાનું બંધ કરે છે અને છેવટે મૃત્યુ પામે છે. એપેન્ટેલીસ જાતિના પરજીવીની પુખ્ત ઈયળો નુકશાનકારક ઈયળના શરીરમાંથી સમૂહમાં બહાર આવી કોશેટા બનાવે છે. છોડ પર પરજીવીકરણથી મૃત્યુ પામેલી નુકશાનકારક ઈયળની નજીક/બાજુબાજુ નાના નાના સફેદ રૂ જેવા રંગના કોશેટાઓનો સમૂહ જોવા મળે છે તે આ પરજીવી ભમરીની હાજરી સૂચવે છે.

એન્કાર્સીયા ભમરી :

એન્કાર્સીયા જાતિની પરજીવી ભમરી શેરડીના પાકમાં નુકશાન કરતી સફેદ માખી પર પરજીવીકરણ કરી તેનું નિયંત્રણ કરે છે. આ પરજીવીની માંદા સફેદ માખીના બચ્ચામાં પોતાના ઈંડા મુકે છે. પરજીવી ઈંડા, ઈયળ અને કોશેટા અવસ્થા લગભગ ર૦ થી રપ દિવસમાં પુરી થાય છે. પરજીવીકરણ થયેલ સફેદ માખીના બચ્ચાં વિકાસ પામી કોશેટામાં રૂપાંતરણ પામે છે. જ્યારે પરજીવીની ઈયળ સફેદ માખીના કોશેટાનો અંદરનો ભાગ કોરી ખાય છે. અને તેમાં પોતે કોશેટા બનાવે છે. પરજીવીકરણ થયેલ સફેદ માખીના કોશેટામાંથી સફેદ માખીના પુખ્તની જગ્યાએ એન્કાર્સીયા ભમરીના પુખ્ત વિશિષ્ટ પ્રકારનું ગોળ કાણું પાડી બહાર આવે છે. જ્યારે પરજીવીકરણ  ન થયેલ કોશેટામાંથી સફેદ માખીનું પુખ્ત અંગ્રેજી "ટી" આકારનો છેદ પાડી બહાર આવે છે. આમ પરજીવીકરણ થયેલા કોશેટા સહેલાઈથી ઓળખી શકાય છે.

જૈવિક નિયંત્રકો માટેનું અભ્યારણ :

ખેતરના એક છેડા ઉપર અમુક ખાસ જાતિના છોડ ઉછેરવામાં આવે છે કે જે જીવાતના કુદરતી દુશ્મનો (પરજીવી અને પરભક્ષી કીટકો) ને ખોરાક અને આશ્રયસ્થાન પુરુ પાડે છે. આવા ખાસ હેતુસર ઉગાડવામાં આવતી વનસ્પતિવાળા ભાગને "જૈવિક નિયંત્રકો માટેના અભ્યારણ" તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વાનસ્પતિક વિવિધતા વધારવા માટે કપાસ, રજકો, મકાઈ, કાસિન્દ્રો, મીંઢી આવળ (સોનામુખી), હજારી (ગલગોટા) અને કોસમોસ (ફૂલછોડ)ની પસંદગી કરવામાં આવે છે. જે તે વિસ્તાર માટે સ્થાનિક યોગ્ય વનસ્પતિની પસંદગી કરી તેનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રમાણેનું અભ્યારણ સ્થાપિત કરવાનો મુખ્ય આશય એ હોય છે કે જ્યારે ખેતરમાં પાક ઊભો ન હોય ત્યારે જૈવિક નિયંત્રકો ઉપરોક્ત વનસ્પતિ પરની જીવાતો અને મધુરસ પરથી તેનો ખોરાક મેળવી શકે અને તેનું સંરક્ષણ  થાય. ખેતરમાં પાક ઉગતા જૈવિક નિયંત્રકો તેના પર સ્થળાંતર કરી તેની કામગીરી ફરીથી શરૂ કરે છે.

ટ્રાયકોગ્રામા ભમરીનો કુદરતી રીતે વધારો :

ટ્રાયકોગ્રામા ભમરી એ ઈંડાનું પરજીવી કીટક છે. આ પરજીવી ભમરીનો પ્રયોગશાળામાં મોટા પાયે ઉછેર કરવામાં આવે છે. કુદરતમાં આ ભમરી દ્વારા નુકશાનકારક જીવાતોના ઈંડાનું પરજીવીકરણ થતું હોય છે. કાસિન્દ્રા (કેસીયા ઓકસીડેન્ટાલીસ) ના છોડ ઉપર કેટોપ્સીલા નામના પતંગિયા ખૂબ જ મોટી સંખ્યામાં ઈંડા મુકે છે. આ ઈંડાનું ટ્રાઈકોગ્રામા ભમરી દ્વારા સારા એવા પ્રમાણમાં પરજીવીકરણ થતું હોય છે અને આ રીતે કુદરતમાં ટ્રાયકોગ્રામા ભમરીની વસ્તીમાં સારા એવા પ્રમાણમાં વધારો થતો હોય છે. કપાસની દર છ હાર પછી એક હાર કાસિન્દ્રાની ઉગાડવા માટે ભલામણ થયેલ છે.

જૈવિક કીટનાશક બનાવટો :

વિષાણું (વાયરસ) :

કીટકોમાં રોગ પેદા કરતા વિષાણુંઓ પૈકી ન્યુક્લિયર પોલીહાડ્રોસીસ વાયરસ કે જે ટૂંકમાં એનપીવી ના ટૂંકા નામે ઓળખાય છે. તેનો ઉપયોગ જૈવિક નિયંત્રણમાં થાય છે. જીવાણુંઓની જેમ આવા વિષાણુંને પ્રયોગશાળામાં જીવંત ઈયળો પર ઉછેરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શક્ય બન્યું છે. બજારમાં તે જુદા-જુદા વ્યાપારી નામે મળે છે. આવા વિષાણું જે તે જીવાત માટે ખાસ (સ્પેસીફીક) હોય છે. તેનો ઉપયોગ લીલી ઈયળ અને લશ્કરી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના જૈવિક નિયંત્રણ માટે થાય છે. એનપીવી એક પ્રકારનું જઠરવિષ છે. તેને જ્યારે કીટકના યજમાન પાક પર છંટકાવ કરવામાં આવે છે ત્યારે આ વિષાણું ઈયળોના ખોરાક સાથે પાચનતંત્રમાં પ્રવેશે છે અને ત્યાંથી ઈયળના અંદરના ભાગમાં રહી ને વૃદ્ધિ પામે છે. વિષાણુંના કણો ઈયળના શરીરમાં રહેલા અગત્યનાં કોષો પર આક્રમણ કરતા તેનો નાશ થાય છે. ઈયળના શરીરમાં વિષાણું દાખલ થયા બાદ ૩ થી ૪ દિવસમાં તેના લક્ષણો દેખાવાની શરૂઆત થાય છે. રોગિષ્ટ ઈયળો પ થી ૭ દિવસમાં મૃત્યું પામે છે. આવી મૃત્યું પામેલી ઈયળો તેના પાછલા પગે છોડના ટોચના ભાગે પાન કે ડાળીની નીચે ઊંધે માટે લટકતી જોવા મળે છે. રોગિષ્ટ ઈયળોની ચામડી પોચી પડી જાય છે અને અડકતાની સાથે જ ફાટી જાય છે.

જીવાણુંઓ (બેકટરીયા) :

જીવાતોમાં રોગ પેદા કરતા જુદાં-જુદાં રોગકારકોમાં બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં "બીટી" તરીકે ઓળખાય છે તે અગત્યના ગણાય છે. આવા ઉપયોગી જીવાણુંઓને પ્રયોગશાળામાં ખાસ પ્રકારનાં માધ્યમ પર મોટા પાયે પેદા કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરી શકાય છે. જે બજારમાં પ્રવાહી અને પાઉડર સ્વરૂપે અલગ અલગ વ્યાપારી નામે મળે છે. તેનો ઉપયોગ ખાસ કરીને લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાબરી ઈયળ, દિવેલાની ઘોડીયા ઈયળ અને કોબીજના હીરાફૂદાંની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. બીટી આધારિત જૈવિક કીટકનાશક એ એક પ્રકારનું જઠરવિષ છે. પાક પર જ્યારે તેનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે સુશુપ્તાવસ્થામાં રહેલા જીવાણુંઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે. ઈયળોનાં આંતરડામાં રહેલા આલ્કલાઈન માધ્યમમાં જીવાણુંનુંં બાહ્ય કવચ ઢીલું પડતા તેમાંથી એક ખાસ પ્રકારનું ઝેરી પ્રોટીન (ડેલ્ટા એન્ડોટોક્ષીન) ઉત્પન્ન થાય છે.  જે ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે. આમ થતાં બીટી જીવાણુંની અસર પામેલ ઈયળો ધીરે ધીરે ખોરાક લેવાનું બંધ કરે છે અને છેવટે ૩ થી ૪ દિવસમાં મૃત્યું પામે છે.

ફૂગ :

જે રીતે જીવાણું અને વિષાણું જીવાતોમાં રોગ ઉત્પન્ન કરી તેની વસ્તીમાં ઘટાડો કરે છે તે જ રીતે અમુક જાતિની ફૂગ પણ જીવાતોમાં રોગ પેદા કરી તેની વસ્તીનું નિયંત્રણ કરે છે. આવી ફૂગને "એન્ટોમોપેથોઝેનિક" ફૂગ કહે છે. જીવાતોમાં રોગ પેદા કરતી ફૂગની વિવિધ જાતિઓ પૈકી બીવેરીયા બેસીયાના, મેટારીઝીયમ, એનીસોપ્લી, વર્ટીસીલીયમ લેકાની, નીમોરિયા રીલે જાતિની ફૂગ અગત્યની ગણાય છે. આવી જૈવિક નિયંત્રણ કરતી ફૂગોને પ્રયોગશાળામાં જુદાં-જુદાં માધ્યમ પર ઉગાડી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરી શકાય છે. બજારમાં તે અલગ અલગ વ્યાપારી નામે મળે છે. જૈવિક કીટકનાશક ફૂગની બનાવટને જ્યારે પાક પર છંટકાવ કરવામાં આવે છે ત્યારે જીવાતના યજમાન પાક પર સ્થિર થાય છે. જીવાત જ્યારે ફૂગના બિજાણું (કનીડીયા) ના સંપર્કમાં આવે છે ત્યારે તે જીવાતના શરીર સાથે ચોંટી જાય છે. આવા બિજાણુંમાંથી એક ખાસ પ્રકારનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે જીવાતના કાઈટીન યુક્ત બાહ્યાવરણને ઓગાળી નાખે છે જેને લીધે ફૂગની કવચજાળ જીવાતના શરીરમાં સહેલાઈથી અંદર પ્રસરે છે અને તેમાંથી એક ખાસ પ્રકારનું ઝેરી તત્વ છુટું પડે છે જે જીવાતનો નાશ કરવા માટે જવાબદાર ઠરે છે. તે ઉપરાંત ફૂગના પરજીવીકરણથી જીવાતના શરીરમાંથી પાણી અને પોષક તત્વોમાં ઘટાડો થતા જીવાત નબળી પડે છે અને ધીરે ધીરે મૃત્યું પામે છે. આવી મૃત જીવાતની આજુબાજુ ફૂગની વૃદ્ધિ જોવા મળે છે.

સ્ત્રોત: શ્રી એ. બી. પરમાર, વિષય નિષ્ણાંત-પાક સરંક્ષણ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી, તા.માતર, જી.ખેડા., ફોન : ૦ર૬૯૪-ર૯૧રપર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate