অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાઈના મુખ્ય રોગ-જીવાત અને તેનું સંકલિત વ્યવસ્થાપન

ખેતી પાકોમાં તેલીબીયા પાકોનું આગવું સ્થાન છે. ગુજરાતમાં મુખ્યત્વે કપાસ, મગફળી, દિવેલા, રાઈ, સુર્યમુખી વગેરેનું વાવેતર થાય છે. રાઈ મગફળી પછી તેલીબીયાંમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. અંદાજે દેશમાં પ૮ લાખ હેકટર જમીનમાં રાઈનું વાવેતર થાય છે. જેમાંથી પર લાખ ટન ઉત્પાદન મળે છે. રાઈના પાકને ઠંડુ અને સૂકુ હવામાન માફક આવે છે. રેતાળ ગોરાડુ અને મધ્યમ કાળી જમીન આ પાકને વધુ અનૂકુળ આવે છે. ગુજરાતમાં રાઈ પાકનું વાવેતર મુખ્યત્વે મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર, કચ્છ, રાજકોટ અને જામનગર જિલ્લામાં થાય છે. ગુજરાતની ઉત્પાદન હેકટર દીઠ ૧ર૩પ કિલોગ્રામ/હેકટર છે. પાક ઉત્પાદનને અસર કરતા મુખ્ય પરિબળો ખેડ, ખાતર, પાણી અને પાક સંરક્ષણ છે. જેમાં આજે પાક સંરક્ષણ ખૂબજ અગત્યનું પરિબળ છે. ખેડૂત રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે ખૂબજ ખર્ચ કરે છે, જેના કારણે ખેતી ખર્ચ વધે છે અને નફાનું પ્રમાણ ઘટે છે.

રાઈના પાકમાં વાવણીથી માંડી કાપણી સુધીમાં આશરે ૧૬ જેટલી જીવાતોનો ઉપદ્રવ રહેતો હોય છે. આ જીવાતો પાકની જુદી-જુદી અવસ્થાએ નુકશાન કરે છે.

મોલો:

આ જીવાત ભૂખરી કાળા, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. જે પાનનાં નીચેના ભાગે રહીને રસ ચૂસે છે જેથી પાન સૂકાઈને ખરી પડે છે. આ જીવાત શરીરમાંથી મધ જેવો રસ કાઢે છે જેના પર ફૂગ વિકાસ પામે છે જેથી છોડ કાળો થઈ સૂકાઈ જાય છે.

બચ્ચા અવસ્થા :  ૭ - ૯ દિવસ        પુખ્ત અવસ્થા : ૧૪ - ર૧ દિવસ

પુખ્ત એક દિવસમાં ૮ થી રર બચ્ચાં મૂકે છે. વર્ષમાં ૧ર - ૧૪ પેઢી પુરી થાય છે.

રાઈની માખી :

 

 

આ જીવાતની ઈયળ લીલાશ પડતા કાળા રંગની હોય છે. ઈયળને અડતા જ જમીન પર પડી ગુચળુ વળી જાય છે. રાઈની માખીનો ઉદરપ્રદેશ નારંગી રંગનો અને બાકીનો ભાગ કાળા રંગનો હોય છે. તે ઘુમાડીયા ભૂખરાં રંગની બે જોડ પાંખો ધરાવે છે. રાઈનો પાક ૧પ થી ર૦ દિવસનો થાય ત્યારથી આ જીવાતની ઈયળો પાનમાં ગોળાકાર કાણાં પાડીને નુકશાન કરે છે. વધુ ઉપદ્રવ વખતે છોડ પાન વિનાનો થઈ જાય છે.

 

 

રંગીન ચૂસિયાં :

પુખ્ય ચૂસિયા કાળા રંગના હોય છે. જેના પર લાલ, સફેદ અને પીળા રંગના ટપકાં હોય છે. તેનું માથું નાનુ અને ગોળાકાર હોય છે જ્યારે પેટ ચપટું હોય છે. પુખ્ત તેમજ બચ્ચાં પાન, ફુલ અને શીંગોમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. તેના ઉપદ્રવથી પાન પીળા પડી જાય છે. શીંગો ઓછી બેસે છે. શીંગોમાં દાણાનો વિકાસ બરોબર થતો નથી. દાણામાં તેલના ટકા પણ ઘટી જાય છે.

પાન જોડનારી ઈયળ :

 

પૂર્ણ વિકસિત ઈયળ લીલા રંગની અને બદામી માથાવાળી હોય છે. શરીર પર લાલ રંગની પટ્ટીઓ હોય છે. ઈયળની લંબાઈ ર સે.મી. જેટલી હોય છે. ઈયળ શરૂઆતમાં પાનનો લીલો ભાગ ખાય છે. ત્યારબાદ તે મોટા પાન, કળીઓ અને શીંગોને નુકશાન કરે છે તેમજ જાળા બનાવીને તેમાં રહે છે. એક જાળાની અંદર ૧૦ થી ૧પ જેટલી ઈયળો જોવા મળે છે.

હીરા ફૂદા (ડી.બી.એમ.) :

આ જીવાતના પુખ્ત કદમાં ઘણાં નાના અને બદામી રંગના હોય છે. જેની પીઠ પર સફેદ રંગનું ટપકું હોય છે. ઈયળ અવસ્થા નુકશાન કારક છે. આ ઈયળ લીલા રંગની હોય છે જે પાનની નીચે રહી પાનમાં કાંણાં પાડી નુકશાન કરે છે.

ઈંડા અવસ્થા :              ૩ થી ૮ દિવસ           ઈયળ અવસ્થા : ૧૪ થી ર૧ દિવસ

કોશેટા અવસ્થા :        ૭ થી ૧૧ દિવસ        પુખ્ત અવસ્થા :     ૩ થી ૪ દિવસ

પુખ્ત માંદા ૪૦ થી ૬૦ ઈંડા મૂકે છે.

જીવાતનું સંકલિત વ્યવસ્થાપન

યાંત્રિક પધ્ધતિ :

  • ઉનાળામાં ઉંડી ખેડ કરવી.
  • પાકની ફેરબદલી કરવી.
  • ખેતરમાંથી ઈયળ અને ઈંડાના સમુહને વીણીને નાશ કરવો
  • પીળા રંગના ચીકણા ટ્રેપ બનાવી ખેતરમાં મુકવા

જૈવિક પધ્ધતિ :

ફાયદાકારક જીવાતો ઓળખી તેનું રક્ષણ કરવું. મોલો મશી તથા ઈયળના નિયંત્રણ માટે લીમડાનું તેલ પ૦ મી.લી./૧૦ લીટર પાણીમાં અથવા બેવેરીયા બેસીયાના નામની ફુગના પાઉડર પ૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

રાસાયણિક પધ્ધતિ :

રાઈનો પાક ૧પ દિવસનો થાય ત્યારે પ્રતિ ચો.ફૂટમાં ર થી વધારે જોવા મળે તો નીચે મુજબની કોઈપણ દવાનો ૧પ દિવસના અંતરે બે વખત છંટકાવ કરવો

  • એન્ડોસલ્ફાનષ્ઠ૩પ ઈ.સી. ર૦ મી.લી./૧૦ લીટર પાણીમાં
  • ફોસ્ફામિડોનષ્ઠ૧૦૦ ઈ.સી. ૭-૧૦ મી.લી./૧૦ લીટર પાણીમાં
  • મોનોક્રોટોફોસ   ૩૬ ઈ.સી. ર૦ મી.લી./૧૦ લીટર પાણીમાં
  • કાર્બોફ્યુરાનષ્ઠ૩ જી પ કિલો/વીઘા
  • મિથાઈલ પેરાથેયોન    ર% ડબલ્ય ુપી. પ કિલો/વીઘા

મોલોનો ઉપદ્રવ વધારે હોય તો (૯-૧૩ મોલો મશી દરેક છોડ પર હોય તો) મીથાઈલ-ઓ-ડિમેટોન ૧૦  મી.લી./૧૦ લી. પાણીમાં અથવા કોઈપણ પ્રકારની શોષક દવાનો છંટકાવ કરવો જેવી કે થાયોમીથોકઝામ રપ વે.પા. અથવા એસીડામીપ્રીડ ર૦ એસપી અથવા ડાયમીથોએટ ર૦ ઈ.સી. અથવા ઈમીડાક્લોપ્રીડ ર૦ એસ એલ માંથી કોઈપણ દવાનો ૧પ દિવસના અંતરે બે વખત છંટકાવ કરવો.

રાઈના મુખ્ય રોગ

સફેદ ગેરૂ :

આ રોગ ફુગથી થાય છે. આ ફુગનાં બીજાણું જમીનમાં તેમજ બીજ પર હોય છે. આ રોગની શરૂઆત પાનથી થાય છે. શરૂઆતમાં પાનની નીચલી સપાટીએ સફેદ ધાબા જોવા મળે છે અને તેની બરાબર ઉપલી સપાટીમાં આછા ધાબા જોવા મળે છે. આ ધાબામાં સફેદ ચૂનાની ભૂકી જેવો પદાર્થ હોય છે. જે ફૂગના બિજાણુંઓ છે જેના દ્વારા રોગનો ફેલાવો થાય છે. આવા ધાબા એકઠા થઈ ફાટે અને પાન સુકાઈ જાય છે. રોગની તીવ્રતા વધારે હોયતો ફુલોમાં પણ વિકૃતિ જોવા મળે છે. પુષ્પવિન્યાસ વિકૃત થઈ જતાં બિલકુલ બેડોળ બની જાય છે અને શીંગો બેસતી નથી.

રોગ માટે અનુકુળ વાતાવરણ : ઠંડુ અને ભેજવાળું વાતાવરણ રોગને અનુકૂળ છે.

તળછારો :

રોગ પણ ફુગથી થતો હોય છે. ઠંડુ અને ભેજવાળું વાતાવરણ રોગને વિશેષ પ્રમાણમાં માફક આવે છે. રોગની શરૂઆતમાં આછા લીલા ધાબા બીજપત્ર કે શરૂઆતના પાન પર જોવા મળે છે. રોગગ્રસ્ત ભાગ સડીને નાશ પામે છે. પુષ્પવિન્યાસનો ભાગ વિકૃત થઈ તેના પર ફુગની સફેદ વૃધ્ધિ જોવા મળે છે. શીંગોમાં દાંણાં ભરાતા નથી અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

 

 

પાનનો સુકારો :

પાનનો સુકારો ફૂગથી થતો રોગ છે. પાન ઉપર ભૂખરા રંગના ધાબા જોવા મળે છે. આ બધામાં ગોળ રીંગો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. રોગનું પ્રમાણ નીચેના પાનમાં વિશેષ જોવા મળે છે. રોગની તીવ્રતા સાથે પાનનું સુકાવું, ખરવું વગેરે ચિન્હો જોવા મળે છે.

રોગ માટે અનુકુળ વાતાવરણ :

આ રોગ માટે હુંફાળુ અને કમોસમી વરસાદવાળુ વાતાવરણ ખુબજ અનુકુળ છે. શીંગો બેસતી વખતે ૮૦% થી વધારે ઉપર ભેજ અને વરસાદી વાતાવરણ રોગ વધારે છે.

રોગનું સંકલિત વ્યવસ્થાપન

  • રોગમુક્ત સર્ટીફાઈડ તંદુરસ્ત બીયારણ વાપરવું
  • પાકની ફેરબદલી કરવાથી જમીનજન્ય રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  • રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતોનું વાવેતર કરવું. ગુજરાત રાઈ-૧, ર, ૩, વરૂણા, ક્રાંતિ, પીએસ-૬૬, પુસા, રાઈ પાટણ-૬૭ તથા કલ્યાણી જેવી જાતોનું વાવેતર કરવું.
  • સમયસર વાવણી કરવી એટલે પ મી ઓકટોબર પહેલા વાવણી પૂરી કરી દેવી.
  • બીજને વાવતા પહેલા ફુગનાશક દવાનો પટ આપીને જ વાવણી કરવી. ટ્રાઈકોડર્મા ૪ ગ્રામ/૧ કિલો બીજ માટે અથવા થાયરમ/કેપ્ટાન ૩ ગ્રામ/૧ કિલો બીજ માટે
  • ટ્રાઈકોડર્મા ફુગનાશક ૧ કિલો રપ કિલો છાણીયા ખાતર સાથે ભેળવી જમીનમાં આપવું.
  • સફેદ ગેરૂ, તળછારો અને પાનના સુકારાના વ્યવસ્થાપન માટે રાસાયણિક દવામાં ડાયથેન એમ ૪પ, ર૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. (ત્રણ દિવસ બાદ ફરીથી છંટકાવ કરવો)
  • વનસ્પતિજન્ય ફુગનાશક દવા + ર% લીમડાના પાનનું દ્રાવણ મીક્સ કરી છંટકાવ કરવો.
  • ભૂકીછારાના વ્યવસ્થાપન માટે રાસાયણિક દવામાં ડીનોકેપ ૪પ% ઈ.સી. (પ મિ.લિ./૧૦ લીટર પાણી) અથવા વેટેબલ    સલ્ફર (૧પ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ કરવો. અથવા ૩૦૦ મેશ ગંધક (સલ્ફર) ર૦ કિ./હેકટર વાવેતર બાદ પ૦ દિવસે છંટકાવ કરવો.

 

લેખક: શ્રી અરવિંદ બી. પરમાર, વિષય નિષ્ણાંત - પાક સરંક્ષણ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી, તા.માતર, જી.ખેડા., ફોન : ૦ર૬૯૪-ર૯૧રપર, ૯૯૭૯૭ર૮૧૯૩

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate