કોઈપણ પાકના મહત્તમ અને વધુ નફાકારક ઉત્પાદન ઉપર વાવણી સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. યોગ્ય સમયે વાવણી કરવાથી બીજના સ્ફૂરણ માટે અનુકૂળ ઉષ્ણતામાને બીજનો ઉગાવો પૂરતા પ્રમાણમાં થાય છે. જેથી છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ઉપરાંત,યોગ્ય સમયે વાવણી કરવાથી છોડને સાનુકૂળ હવામાન મળતાં છોડની વાનસ્પતિક વૃધ્ધિ સારી થાય છે.તેમજ પ્રજનન અવસ્થા અને દાણા બેસવાની અવસ્થાએ દાણાની સંખ્યા વધારે મળે છે અને દાણા પુરતા પ્રમાણમાં પોષાય છે.ઉપરાંત રોગ–જીવાતનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળે છે.પરિણામે વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળા દાણાના કારણે નફાકારકતામાં વધારો થાય છે.આનાથી વિપરિત,યોગ્ય સમય કરતાં વહેલી વાવણી કરવાથી ઉષ્ણતામાનની અયોગ્ય પરિસ્થિતિના કારણે છોડના ઉગાવા તેમજ વાનસ્પતિક વૃધ્ધિ ઉપર પ્રતિકૂળ અસર થવાથી ઉત્પાદન ઘટે છે. તેવી જ રીતે ખૂબ જ મોડી વાવણી કરવાથી પણ છોડના જીવનક્રમના વિવિધ તબકકે ઉષ્ણતામાનની અસરના કારણે તેની સીધી અસર પાક ઉત્પાદન અને દાણાની ગુણવત્તા ઉપર થાય છે. પ્રતિકૂળ હવામાને રોગ–જીવાતથી નુકશાન થવાની સંભાવનાઓ વધી જાય છે. વિવિધ મસાલા પાકો માટે વાવણીનો યોગ્ય સમય નીચે મુજબ છે.
વાવણી સમયની સાથે સાથે જે તે સમયને અનુરૂપ જાતની પસંદગી પણ તેટલું જ મહત્વ ધરાવે છે. વરિયાળી પાકમાં શિયાળુ વરિયાળીમાં પાછલી અવસ્થાએ (ફેબ્રુઆરી–માર્ચ) ઉષ્ણતામાન વધવા સમયે દાણાના વિકાસ ઉપર વિપરિત અસર થાય છે. ગરમી સહન ન કરી શકવાના કારણે દાણાનો વિકાસ પુરતો થતો નથી, દાણા પુરતી સંખ્યામાં બેસતા નથી તેથી ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર થાય છે. આવા સંજોગોમાં છોડના ચકકર એક સાથે પાકી જાય અને ઉંચા ઉષ્ણતામાન સહન કરી ટકી શકે તેવી જાતોની પસંદગી કરવી જોઈએ. આ માટે તાજેતરમાં ભલામણ કરવામાં આવેલ જાત ગુજરાત વરિયાળી–૧૧ અને ગુજરાત વરિયાળી–૧ચ્ ની જ પસંદગી કરવી જોઈએ. તેવી જ રીતે સુવાનો પાક પિયત અને બિનપિયત બંને પરિસ્થિતિમાં લેવામાં આવે છે. બિનપિયત પાક માટેની જાત સંગ્રહિત ભેજનો મહત્તમ ઉપયોગ કરી શકે તેમજ ભેજની અછતમાં ટકી શકે તેવી જાતની પસંદગી કરવી જોઈએ. આ માટે ગુજરાત સુવા–ર જાતની ભલામણ કરવામાં આવેલ છે. જયારે પિયત પાક માટે ગુજરાત સુવા–૧ જાતની ભલામણ કરવામાં આવેલ છે. પિયત અને બિનપિયત બંને પરિસ્થિતિ માટે ગુજરાત સુવા–૩ જાતની ભલામણ કરવામાં આવેલ છે. આમ વાવણી સમયને અનુરૂપ જાતની પસંદગી કરવાથી વધારે નફાકારક ઉત્પાદન મળે છે.
મહત્તમ પાક ઉત્પાદન માટે એકમ વિસ્તારમાં છોડની પુરતી સંખ્યા મળી રહે તે ખૂબ જ જરૂરી છે. જરૂર કરતાં છોડની સંખ્યા ઓછી હોય તો તેની સીધી અસર પાક ઉત્પાદન ઉપર થાય છે. સાથે સાથે છોડની અપુરતી સંખ્યાને કારણે આપવામાં આવેલ પિયત પાણી તેમજ ખાતરનું પુરતું વળતર મળી શકતું નથી. આનાથી વિપરીત, છોડની સંખ્યા વધારે હોય તો પિયત અને ખાતર માટે છોડ વચ્ચે હરિફાઈ થાય છે અને અપુરતા પોષણને કારણે છોડનો પૂરતો વિકાસ થતો નથી, પરિણામે ઉત્પાદન ઘટે છે. એકમ વિસ્તારમાં છોડની પુરતી સંખ્યાની સાથે સાથે પાયાના ખાતરો છોડને પુરતા પ્રમાણમાં મળી રહે અને છોડ તેનો મહત્તમ ઉપયોગ કરી શકે તેમજ બિયારણના વધુ ઉપયોગથી થતુ ખેતી ખર્ચ ધટાડવા નીચે મુજબ વાવણી પધ્ધતિ અપનાવવી જોઈએ.
સામાન્ય રીતે ખેડૂતો જીરૂનું વાવેતર પુંખીને કરે છે.આ રીતમાં જીરૂનું બિયારણ એક સરખી રીતે જમીનમાં ના પડવાને કારણે અમુક જગ્યાએ ખૂબ જ નજીક નજીક છોડ ઉગે છે. જયારે અમુક જગ્યાએ ખૂબ જ આછા છોડ ઉગે છે વળી પૂખ્યા બાદ બીજને યોગ્ય રીતે જમીનમાં ભેળવવામાં આવતું ના હોવાથી ઉપર રહી ગયેલ બીજ પિયત પાણી સાથે તણાઈ જઈ એક જગ્યાએ જથ્થામાં ઉગે છે. જયારે ઉંડે પડેલ બીજનું પુરતું સ્ફૂરણ અને ઉગાવો થતો નથી.આમાં બિયારણનું પ્રમાણ વધારે રાખવું પડે છે. તેથી ખેતી ખર્ચમાં વધારો થાય છે. સાથે સાથે પૂંખવાને કારણે ખાતર અને બીજ એક બીજાથી દૂર પડવાથી તેનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકતો નથી. આથી જીરૂની વાવણી ૩૦ સે.મી.ના અંતરે કરવી જોઈએ. ચાસમાં વાવેતર કરવાથી પ્રથમ ચાસમાં ખાતર અને પછી બિયારણ પડવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. બીજનો દર ઘટાડી શકાય છે. બીજ યોગ્ય ઊંડાઈએ પડવાથી એક સરખો અને એક સાથે ઉગાવો થાય છે. આંતરખેડ કરી શકાય છે. જેથી નિંદણ નિયંત્રણ સારી રીતે થઈ શકે છે અને ભેજનો સંગ્રહ થવાથી બે પિયત વચ્ચેનો ગાળો લંબાવી પિયતનો બચાવ કરી શકાય છે. તેમજ ચરમી રોગનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
ચાસમાં વાવેતર ઉપરાંત ક્ષારીય ભાસ્મિક જમીનમાં અથવા પિયત પાણીમાં ક્ષારોનું પ્રમાણ વધારે હોય તેવી પરિસ્થિતિમાં જમીનની પ્રત બગડતી અટકાવવા માટે ગાદી કયારા કરીને જીરૂનું વાવેતર કરવું વધુ હિતાવહ છે.
સામાન્ય રીતે ચોમાસુ વરિયાળીના વાવેતર માટે ૯૦ × ૬૦ સે.મી. અંતરે ફેરરોપણી કરવાની ભલામણ છે. આ પધ્ધતિથી વાવેતર કરવાથી ફેરરોપણી બાદ આડી ઉભી ખેડ/આંતરખેડ કરી શકાય છે. પરિણામે નિંદણ નિયંત્રણ થાય છે. વરસાદના પાણીનો જમીનમાં સારીરીતે સંગ્રહ કરી શકાય છે. ઉપરાંત પૂર્તિ ખતર આપેલ હોય તો જમીનમાં સારી રીતે ભળી જવાથી છોડ પોષક તત્વોનો મહત્તમ ઉપયોગ કરે છે. જેથી વૃધ્ધિ અને વિકાસ સારો થાય છે. સાબરકાંઠા વિસ્તારના ખેડૂતો બીજની સીધી ચાસમાં વાવણી કરતા હોય છે. પરિણામે ચાસમાં બે છોડ વચ્ચે યોગ્ય અંતર જાળવી શકાતું નથી. એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધારે થાય છે આથી બિયારણનો ખર્ચ વધે છે. છોડમાં પોષક તત્વોની હરિફાઈ વધતાં સપ્રમાણ વિકાસ થતો નથી. ઘાટુ વાવેતર હોય તો હવાની અવરજવર ન થવાથી ભેજનું પ્રમાણ વધતાં ચરમીનો રોગ આવતો હોય છે. જેથી ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.
શિયાળુ વરિયાળીની વાવણી યોગ્ય અંતરે જ કરવી જોઈએ. રેતાળ અને ગોરાડુ જમીનમાં ૪પ × ૧પ સે.મી. અથવા ૩૦ × રર.પ સે.મી. અંતર રાખવાથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. જયારે વધુ ફળદુ્રપ મધ્યમ કાળી જમીનમાં વધારે અંતર (૬૦ થી ૯૦ સે.મી.) રાખવું. વરિયાળીની ખેતી પુંખીને કરવી ન જોઈએ. આમ કરવાથી ખેતી કાર્યો સુગમતાથી થઈ શકતા નથી બીજનો ખર્ચ વધારે થાય છે અને રોગ–જીવાતનો ઉપદ્રવ વધે છે પરિણામે ઉત્પાદન ઓછું મળે છે.
જમીનની ફળદુ્રપતાને ધ્યાને લઈ મરચીની ફેરરોપણી ૯૦ × ૬૦ સે.મી. અથવા ૬૦ × ૬૦ સે.મી. અંતરે કરવી. વધારે અંતરે રોપણી કરવાથી એકમ દીઠ છોડની સંખ્યા ઘટે તો મરચાંનું ઉત્પાદન ઘટે છે. વધારે ફળદ્રુપ જમીનમાં ઓછું અંતર રાખવાથી મરચાંની વીણી કરવામાં અનુકૂળતા રહેતી નથી તેમજ રોગ–જીવાતનો ઉપદ્રવ વધવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આથી જમીનની પસંદગી સાથે જ ફેરરોપણીનું અંતર નકકી કરી લેવું.
મેથી અને ધાણા બીજ તરીકે ઉત્પાદન લેવાનું થાય ત્યારે વાવણી ૩૦ સે.મી.ના અંતરે કરવી અને યોગ્ય બિયારણનો દર રાખવો પરંતુ વધારે ફળદુ્રપ જમીન હોય તો પણ ૪પ સે.મી.થી વધારે અંતર રાખવું નહીં.
સામાન્ય રીતે આ બંને પાકો બિનપિયત તરીકે લેવામાં આવતા હોય છે. આથી પુંખીને વાવેતર કરવું હિતાવહ નથી. પુંખીને વાવેતર કરવાથી બીજ ભેજના સંપર્કમાં આવતું ન હોવાથી બીજનો ઉગાવો પૂરતો મળતો નથી તેમજ આંતરખેડ થઈ શકતી ન હોવાથી નિંદામણ નિયંત્રણ થઈ શકતુ નથી. ઘણા ખેડૂતો પહોળા (૬૦ સે.મી.) અંતરે વાવેતર કરે છે જે પણ યોગ્ય નથી. ૪પ સે.મી.ના અંતરે જ વાવેતર કરું જોઈએ.
જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્ફૂરણશકિત ધરાવતું અને શુધ્ધ બિયારણ એ વધુ ઉત્પાદનની ચાવી છે. અશુધ્ધ બિયારણમાં વિજાતીય છોડ તેમજ અન્ય પાક કે નિંદણના છોડ જોવા મળે છે. વિજાતીય છોડ ઉંચાઈ અને પાકવામાં એક સરખા ન હોવાથી કાપણી દરમ્યાન અપરિપકવ રહેતા છોડના દાણા પાકની ઉપજની ગુણવત્તા બગાડે છે. જીરૂના બિયારણમાં જીરાળાનું બી હોય છે જેના છોડ જીરૂના જેવા જ થતા હોવાથી હાથથી નિંદામણ કરી દુર કરવા મુશ્કેલ બનેલ છે. જેથી જીરૂના ઉત્પાદનમાં ભળવાથી તેની ગુણવત્તા અને બજારભાવ ઉપર અસર પડે છે. આના ઉપાય તરીકે મસાલાના પાકોના સુધારેલા બિયારણો કૃષિ યુનિવર્સિટીઓ તથા માન્ય સરકારી સંસ્થાઓ પાસેથી જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો અને આવા બિયારણો ર–૩ વર્ષ બાદ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું જોઈએ.સુધારેલા બિયારણોનો ફરીથી ઉપયોગ કરવાનો થાય ત્યારે જેતે પાકમાંથી વિજાતીય છોડ કાઢી નાખવા. વરિયાળી અને મરચી જેવા પાકોમાં સારા શુધ્ધ છોડની પસંદગી કરી ફૂલ બેસવાની શરૂઆત પહેલાં ઝીણા મખમલના કાપડની થેલીઓ ચઢાવીને બિયારણની જનીનિક શુધ્ધતા જાળવવી જોઈએ. રાજયના કેટલાક વિસ્તારોમાં મસાલા પાકોના સુધારેલા બિયારણોમાં ફેરબદલીનું પ્રમાણ નજીવું હોવાથી મિશ્રણનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે.આથી આવ વિસ્તારોમાં વધુમાં વધુ શુધ્ધ સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવાથી ઉત્પાદન તેમજ ગુણવત્તા બંનેમાં વધારેકરી શકાશે.
સારી ગુણવત્તાવાળા બિયારણો વાવતાં પહેલાં જમીનજન્ય ફૂગથી થતા રોગો અટકાવવા માટે ભલામણ મુજબ દવાનો પટ આપીને જ વાવેતર કરવું જોઈએ.
સ્ત્રોત: ડો. ડી.બી.પ્રજાપતિ તથા ડો. એમ. એ. વાડદોરીયા, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, જગુદણ–૩૮ર ૭૧૦, જી. મહેસાણા અને શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020