વનસ્પતિને તેની દેહધાર્મિક ક્રિયાઓમાં પાણી એક અગત્યનું અંગ છે. વનસ્પતિમાં પાણીની મદદથી છોડના મૂળ દ્વારા શોષણ થયેલ જરૂરી પોષકતત્વોનું વહન થાય છે અને વનસ્પતિના ઉષ્ણતામાનનું નિયમન કરે છે. છોડની દેહધાર્મિક ક્રિયાઓ , તેમજ છોડની વૃધિ અને વિકાસમાં પાણી સીધો જ ભાગ ભજવે છે. છોડના વિકાસમાં એક કિલો સૂકો પદાર્થ બનાવવા માટે જમીનમાં પાણીનું શોષણ કરી છોડના પાન દ્વારા ઉત્સ્વેદનમાં 300 થી 400 લિટર પાણીનો વપરાશ થાય છે.તેટલું જ નહિ ગુજરાત રાજયમાં જુદા જુદા વિસ્તારમાં જમીનના પ્રકાર , હવામાન અને પાકની પરિસ્થિતિ મુજબ પિયતની ભલામણ જુદી જુદી હોય છે. જેની વિગત અત્રે દર્શાવેલ છે.
મધ્ય ગુજરાતમાં ઉનાળુ મગફળીનું પિયત આપી વાવેતર કરી ત્યારબાદ ડાળી ફૂટવાની અવસ્થાએ (25-30 દિવસે), ફૂલ અવસ્થા (40-45 દિવસે) સુયા બેસવાની અવસ્થા (55-60 દિવસે), સુયા જમીનમાં વિકાસની અવસ્થા (65-70 દિવસે) ,ડોડવા બેસવાની અવસ્થા(80-85 દિવસે), દાણા ભરવાની અવસ્થા (102-107 )અને પરિપકવ અવસ્થાએ આમ કુલ નવ પિયત દરેક 50 મિ.મી.ની ઊંડાઇના આપવાની ભલામણ છે.
ઉત્તર ગુજરાતમાં સૂક્ષ્મ ફૂવારા પિયત પધ્ધતિથી 3મી * 3મી. ના અંતરે નાના ફુવારા ગોઠ્વી તેને કુલ 40 મિ.મી. ઊડાઇના પિયત આપવા માટે 1.75 કિલો/ચોરસ સે.મી.ના દબાણે સાડા ત્રણ કલાક સુધી ચલાવવાથી 30 ટકા જેટલું વધારે ઉત્પાદન મેળવી શકાય છે અને રેલાવીને પિયત આપવાની સરખામણીમાં પિયત પાણીનો બચાવ થાય છે.
દક્ષિણ ગુજરાતમાં નાના ફુવારા પિયત પધતિથી 2.5 મી* 2.5 મીટરના અંતરે ગોઠવી તેને 1.8 કિલો/ચોરસ સે.મી. દબાણે 50 મિ.મી ઊંડાઇનું પિયત આપવા.દરેક પિયત વખતે 6 કલાક 30 મિનિટ ચલાવવાની જરુરિયાત રહે છે. પાણીનો બચાવ 38 ટ્કા અને વધારાની આવક 22 ટકા મળે છે.
પિયત પાણીના કરકસરભર્યા ઉપયોગ માટે મુખ્ય ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ.
મધ્ય ગુજરાતમાં 12 મી.* 12મી. ના અંતરે ફૂવારા ગોઠવી તેને 2.75 કિલો/ચોકસ સે.મી. દબાણે કુલ 50 મિ.મી ઊંડાઇના પિયત આપવા. ત્રણ કલાક સુધી ચલાવવાથી 18 થી 20 ટકા વધારે ઉત્પાદન અને પિયત પાણીનો બચાવ 10 થી 15 ટકા થાય છે.
દક્ષિણ સૌરાષ્ટ્રમાં ટપક પિયત પધ્ધતિમાં એકાંતરે હારમાં 60 સે.મી.ના અંતરે ગોઠવી 45 સે.મી.ના અંતરે બે ટપકનું અંતર રાખી 4 લિ/કલાક પ્રવાહ દરના ડ્રિપરથી સંચયી બાષ્પીભવનનો ગુણોત્તર 0.8 થાય તેમ ચલાવી કુલ 43 પિયત આપવાથી 18 થી 20 ટકા પિયત પાણીની બચત થાય છે.
ઉત્તર ગુજરાતમાં ટપક પિયત પધ્ધતિથી 0.6 સંચયી બાસ્પીભવનના ગુણોત્તર 4લિટર /કલાક પ્રવાહ દરના ડ્રિપર વચ્ચે 50 સે.મી. અંતરે ગોઠવી ફેબ્રુ-માર્ચમાં એક કલાક પાંચ મિનિટ અને એપ્રિલ-મે માસમાં દોઢ કલાક ચલાવવાથી 32 ટકા પિયત પાણીનો બચાવ થાય છે.
ઉનાળુ બાજરીમાં 60 મિ.મી. ઊંડાઇના 10 થી 12 દિવસના અંતરે 6 થી 7 પીયત આપવા જયારે 40 મિ.મી. ઊંડાઇના 10 થી 12 દિવસના અંતરે 6 થી 8 પિયત આપવાથી 20 ટકા વધારે ઉત્પાદન મળે છે.
ઉનાળુ તલનું વાવેતર બાદ તુરત જ પ્રથમ પિયત ત્યારબાદ છ દિવસે બીજુ પિતય સારા ઉગાવા માટે આપવું. કુલ 8 થી 10 પિયત પાકની વૃધિની અવસ્થા જમીનની પ્રત અને હવામાન પરિસ્થિતિ પ્રમાણે 8 થી 10 દિવસના અંતરે આપવા . ફૂલ બેસવા અને બૈઢા અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી.
ઉનાળુ ગુવારના પાકને 0.6 સંચયી ઉત્સ્વેદનના ગુણોત્તર વખતે 50 મિ.મી. ઊડાઇના 8 પિયત આપવાની ભલામણ છે .ફૂલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરવાની અવસ્થાએ અચૂક પિયત અપવું.
ઉનાળુ શાકભાજી જેવા કે ,ભીંડા ,ચોળા, ગુવાર, દૂધી,કાકડી,કારેલા વગેરેને પિયતની જરુરિયાતોનો આધાર શાકભાજીની જાત , જમીનનો પ્રકાર અને ઋતૂ ઉપર રહેલો છે. ઉનાળામાં શાકભાજીને 8 થી 10 દિવસના અંતરે પિયત આપવા.
લીંબુના પુખ્ત વયના છોડમાં ટપક સિંચાઇ દ્વારા પિયત આપવામાં આવે તો 63 ટકા પાણીનો બચાવ થાય છે. દીઠ 4 ડ્રિપર રાખી જાન્યુઆરીમાં 2 કલાક ,અને ઓકટોબર – ડિસેમ્બર દરમ્યાન 4 કલાક ચલાવવાની ભલામણ છે.
આંબામાં વટાણા જેવડી કેરી થાય ત્યારે 15 દિવસના અંતરે ખામણાં ભરી પિયત આપવાથી કેરીની સંખ્યામાં વધારો થાય છે કેરીના ફળની વૃધિ અને વિકાસ સારો થાય છે અને કેરીઓ ખરી પડતી અટકે છે.
ઘાસચારાના પાકો જેવા કે ઉનાળુ જુવાર , મકાઇ , રજકો , ચોળા , ગજરાજ ઘાસ , દશરથ ઘાસને પાકની વૃધિ જમીનની પ્રત અને હવામાનની પરિસ્થિતિ મુજબ 6 થી 8 દિવસના અંતરે પિયત આપવાથી પાકની ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે.
સ્ત્રોત:ડો.ડી.આર.પદમાણી નિવૃત્ત સંશોધન વૈજ્ઞાનિક(સૂકી ખેતી) સ્વસ્તિક, ગોવિંદ રત્ન પાર્ક, શેરી નં.1, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ- 360004
કૃષિગૌવિદ્યા માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11સળંગ અંક : 815
કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020