આ જીવાત એ પોતાના જીવન કાળ દરમ્યાન જુદી-જુદી ચાર અવસ્થાઓ માંથી પસાર થાય છે.
ઇંડા અવસ્થા: આ જીવાતનાં ઇંડા ચપટા અને લંબગોળ આકારના હોય છે જે કુંમળા પાનની નીચેની બાજૂએ, કપાસની ફૂલ-ભમરી તેમજ કળી અને નાના જીંડવાની રૂવાટી ઉપર એકલ દોકલ અથવા ર થી ૧૦ ની સંખ્યામાં જથ્થામાં મૂકાતા હોય છે. ઇંડા અવસ્થા ૪ થી ૬ દિવસની હોય છે.
ઇયળ અવસ્થા: નાની અવસ્થાની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. જ્યારે મોટી ઈયળ ગુલાબી રંગની હોય છે.
કોશેટો અવસ્થા: આ જીંવાતનો કોશેટો આછા બદામી રંગનો હોય છે. ઇયળની છેલ્લી અવસ્થા જીંડવામાં રહેલા બે બીજ એક બીજા સાથે ભેગા કરી તેમાં કોશેટો બનાવે છે અને તેમાથી લગભગ ૬-૨૦ દિવસે ગુલાબી ઇયળનુ પુખ્ત બહાર આવે છે.
પુખ્ત અવસ્થાઃ ફૂદી ઘાટા બદામી રંગની અને આગળની પાંખો ઉપર કાળા ટપકાં હોય છે જયારે પાછળની પાંખોની ધારો ઉપર વાળની ઝાલર હોય છે. નર અને માદા ફૂદીનો જીવનકાળ અનુક્રમે ૧૫ અને ૨૦ દિવસનો હોય છે. કપાસનો પાક પુરો થવાના સમયે છેલ્લી પેઢીની ઇયળો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને કયારેક બે વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. પાકની અવધી દરમ્યાન આ જીવાતની કેટલી પેઢીઓ થવી અને ઇયળની સુષુપ્ત અવસ્થા ધારણ કરવી તેનો આધાર કપાસના બીજમાં રહેલા તેલનું પ્રમાણ, વાતાવરણનુ તાપમાન અને ભેજનાં ટકા ઉપર આધારિત છે. સામાન્ય રીતે આ જીવાત વર્ષ દરમ્યાન ૪-૬ પેઢીઓ થતી હોય છે. કોશેટામાંથી ફૂદીઓ મે-જૂન અને જુલાઇઓગષ્ટમાં બહાર આવે છે. મે-જૂનમાં નીકળતી મોટા ભાગની કૂદીઓ ઇંડા મૂકતી નથી. પરંતું જુલાઇ-ઓગષ્ટમાં નીકળતી ફૂંદીઓ ઇંડા મૂકીને વધુ નુકસાન કરે છે. આમ, જીવાતનું સંપૂર્ણ જીવન ચક્ર સામાન્ય રીતે ૨૨-૭૭ દિવસનું હોય છે. પરંતુ પાક પુરો થયા બાદ ઇયળો સુષુપ્ત અવસ્થામાં જતાં તેનું જીવન ચક્ર લગભગ ૧૩ થી ૧૩.૫ મહિના સુધીનું હોય છે.
આ જીવાતનો ઉપદ્રવ એ છોડમાં કળીઓ અને ફૂલ બેસવાની શરુઆત થાય ત્યારે થતો હોય છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઇ જઇ ગુલાબના ફૂલ જેવા આકારમાં (રોસેટ) ફેરવાઇ જાય છે. ઇંડામાંથી નીકળી ઇયળ નાનું કાણું પાડી ફૂલ, કળી અથવા નાના જીંડવામાં દાખલ થાય છે. સમય જતા ઇયળે પાડેલ કાણું કુદરતી રીતે પુરાઇ જાય છે. આ ઇયળથી ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી, ફૂલ ખરી પડતા હોય છે. ઇયળ જીંડવાની અંદર દાખલ થઇ રુ તેમજ બીજને નુકસાન કરે છે. ઘણીવાર એક કરતાં વધુ ઇયળ એક જ જીંડવામાં જોવા મળે છે. બીજની આજુબાજુનું રુ પીળું પડી જાય છે. જીવાતના નુકસાનથી ઉત્પાદન પર માઠી અસર પડે જ છે. પરંતુ તેની સાથે સાથે રુની ગુણવત્તા, કપાસના બીજમાં તેલના ટકા અને બીજની સ્કુરણશક્તિ ઉપર અવળી અસર પડતી હોય છે. પરિણામે જીનીંગમાં પણ ધટાડો જોવા મળે છે.
આ જીવાત જીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશી દવા ઇયળ સુધી પહોંચી શકતી નથી. આ જીવાતનું નુકસાન જીંડવા અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાનને જોઇ શક્તા નથી અને તેના માટે આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી. ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ દવા છાંટવાનું બંધ કરતા હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછળની અવસ્થામાં વધારે રહેતો હોય છે. આ જીવાતના કુદરતી દુશ્મનનો પણ બીજી અન્ય જીવાત કરતા ઘણા ઓછા હોવાથી જૈવિક નિયંત્રણનો કાર્યક્ષમ ઉપયોગ લઇ શકાતો નથી. ખેડૂતો મોટે ભાગે કપાસ પુરો થયેથી તેની કરાઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મુકી રાખે છે. આમ કરવાથી આ જીવાતને અવશેષ પ્રભાવનો લાભ મળે છે. આ જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવુ નુકસાન ઓછું થતુ હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી. હકીકતમાં આ જીવાતથી કપાસની ગુણવત્તા ઉપર ખુબ જ માઠી અસર પહોચતી હોય છે અને સારા ભાવ મળતા નથી. બીટી જીનની કપાસની પાછોતરી અવસ્થાએ ઓછી અસરકારકતા પણ આ જીવાતનો ઉપદ્રવ વધતો હોવનું કારણ ગણાવી શકાય છે. પાછલી આવસ્થાએ કપાસ લોઢવાના જીન ચોમાસા સુધી ચાલુ રહેતા હોવાથી તેની આજુબાજુનાં ખેતરમાં આ ઇયળની શરુઆત ખુબ જ વહેલી થઇ જતી હોય છે. જીનીંગ દરમ્યાન નિકળેલ વધારાના કપાસિયામાં આ જીવાત સુષુપ્ત અવસ્થામાં રહે છે અને નવા વાવેતરમાં ફૂલ-ભમરી અને જીંડવા શરુ થતાં તેનો ઉપદ્રવ શરુ થતો હોય છે.
સંદર્ભ: જુનાગઢ઼ ક્રુષિ યુનિવર્સિટી
વધુ સંપર્ક
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024