જરૂરીયાત
- છોડને તેના પોષણ અને વ્રુધ્ધિ માટે ૧૭ આવશ્યક પોષક તત્વોની જરૂરીયાત રહે છે જે પૈકીના આયર્ન (લોહ), મેંગેનીઝ, ઝીંક(જસત), કોપર(ત્રાંબુ), બોરોન અને મોલિબ્ડેનમ જેવા તત્વોની વનસ્પતિને જરૂરીયાત નહીવત તેમજ જમીનમાં ઉપલબ્ધતા પણ ઓછી હોવાથી તેને સૂક્ષ્મતત્વો તરીખે ઓળખવામાં આવે છે.
- જરૂરીયાત ઓછી પરંતુ આવશ્યકતાની દ્રષ્ટિએ તેની અગત્યતા મુખ્ય તત્વો જેટલી જ છે.
- સૂક્ષ્મતત્વોની ઉણપથી છોડનો વિકાસ રૂંધાય છે, વ્રુધ્ધિ અટકે છે અને ઉત્પાદન ઘટે છે.
- સૂક્ષ્મતત્વ ઉત્સેચક ક્રીયામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. જમીનમાં આવા તત્વોની અછત ઉભી થતા છોડની દેહધાર્મિક પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને ઉત્પાદન પર અવળી અસર પડે છે.
- ખેડૂત મિત્રો, માનવ આરોગ્યમાં સૂક્ષ્મપોષક તત્વો જેવા કે જસત, લોહ, મેંગેનીઝ વગેરેનું ઘણુ જ મહત્વ રહેલુ છે. આવા તત્વોની ઉણપથી માનવમાં અને ખાસ કરીને સ્ત્રીઓ તથા બાળકોમાં બિમારી તથા રોગનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.
- આ તત્વો અનાજ તથા વિવિધ શાકભાજી અને ફળોના રૂપમાં ખોરાકના માધ્યમથી પોષણ કડી દ્વારા માનવીને મળે છે. તેથી ખેડૂત મિત્રો જો જમીનમાં સૂક્ષ્મતત્વોની ઉણપ હોય તો તેની જરૂરી પૂર્તતા કરી ઉત્પાદન વધારી આપના વધુ આર્થિક વળતર સાથે સૂક્ષ્મતત્વોના ઉંચા પ્રમાણ યુક્ત ખોરાકથી સમાજમાં માનવ આરોગ્ય સારૂ રહેશે અને રોગ તથા બિમારીઓનું પ્રમાણ ઘટશે.
સૂક્ષ્મતત્વોની તત્વોની ઉણપના વિશિષ્ટ લાક્ષણિક ચિહનો
- નાઇટ્રોજન જેવા વહન પામતા તત્વોની ઉણપના ચિહ્નો પ્રથમ છોડના જુના પાન ઉપર જોવા મળે છે.જ્યારે જસત, લોહ, મેંગેનીઝ, ત્રાંબુ અને બોરોન જેવા વહન ન થઇ શકે તેવા તત્વોની ઉણપ પ્રથમ નવા કુમડા પાન ઉપર જોવા મળે છે.
- છોડના પાન પીડા પડવાનું લક્ષણ વિવિધ તત્વોની ઉણપના લીધે જોવા મળતું હોય છે. દા.ત નીચેના પાન પીળા પડે તો નાઇટ્રોજનની અને જો છોડની ટોચના નવા પાન પીળા પડે તો તે ગંધક અથવા લોહની ઉણપ હોય શકે.
- જો ઉપરના પાનની આ પીળાશ માત્ર નશોની વચ્ચે હોય અને નશો લીલી માલુમ પડે તો લોહની ઉણપ હોય શકે અને જો નશો ફીક્કી પડે તો તે ગંધકની ઉણપ હોય શકે છે. કેટલીક વખતે રોગના ચિહ્નો પણ આવી મુશ્કેલી ઉભી કરી શકે છે.દા.ત વાયરસને લીધે નાના પાન થવાની અસર જસત અથવા બોરોનની ઉણપ સાથે અને ડાંગરના ભુખરા પટ્ટા પડી જવાના રોગના ચિહ્નો જસતની ઉણપ સાથે ભળી જવાની શક્યતા રહે છે.
- આવી પરિસ્થિતિમાં છોડનું પ્રુથક્કરણ કરાવીને નિષ્ણાંતની મદદથી મુશ્કેલી નિવારી શકાય છે.
- કોઇ તત્વની ઉણપ અન્ય તત્વ સાથે પારસ્પરિક સંબંધનું પરિણામ પણ હોય છે. દા.ત. વધુ પડતા ફોસ્ફરસની હાજરીથી જસતની ઉણપ વર્તાય. આ કારણોને લઇને સૂક્ષ્મતત્વોની સુલભ્યતા સંબંધિત સાચી માહિતી હોવી જરૂરી છે.
ગૌણ અને સૂક્ષ્મતત્વોની ઉણપનું નિવારણ
- ગુજરાતની જમીનોમાં ગંધક, જસત અને લોહની ઉણપ અનુક્રમે આશરે ૫૦, ૨૫ અને ૧૦ ટ્કા જેટલી નોધાયેલ છે. જ્યારે મેંગેનીઝ્ અને ત્રાંબાની ઉણપ નોંધપાત્ર જોવા મળેલ નથી.
- સૂક્ષ્મતત્વોની ઉણપ નિવારવા માટે જરૂરી સૂક્ષ્મતત્વ યુક્ત ખાતર આપવાથી ઉણપ નિવારી શકાય છે. ઉભા પાકમાં ઉણપ વર્તાય ત્યારે આ તત્વોની ઉણપ નિવારવા છંટકાવ પણ કરી શકાય છે.
- આ ખાતરનો છંટકાવ કરતી સમયે ખાતરના જથ્થાથી અડધા કળીચૂનાને રાત્રે ઓગાળી સવારે તેનુ નિતારેલું દ્રાવણ ખાતરના તાજા પ્રવાહી મિશ્રણમાં ઉમેરી છંટકાવ કરવાથી કુમળા પાન ઉપર ખાતરની તેજાબી અસર નિવારી શકાય છે. દ્રાવણ પાન પર ચોંટે તે માટે થોડુ ટીપોલ કે સાબુનું દ્રાવણ ઉમેરી અઠવાડીયાના આંતરે ઉણપની તીવ્રતા મુજબ બે થી ચાર છંટકાવ સવારે કે સાંજે કરવાથી ફાયદો થાય છે.
- સૂક્ષ્મતત્વોની પૂર્તિ જમીન ચકાસણીના આધારે કરવી વધુ હિતાવહ છે તે માટે દર બે થી ત્રણ વર્ષે જમીનની ચકાસણી કરાવવી જોઇએ.
સ્ત્રોત :
આણંદ કૃષિ યુનીવર્સીટી ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.