પૃથ્વી પર પેદા થતા કુલ ગ્રીન હાઉસ ગેસમાં ત્રીજો ભાગ અન્ન ઉત્પાદનથી થાય છે અને તેમાં મોટો વિલન ઘઉં છે. બ્રેડ કે રોટલી બનાવવા વપરાતી ઊર્જા કરતાં ઘઉંના ઉત્પાદનમાં વપરાતા રાસાયણિક ખાતર એમોનિયમ નાઇટ્રેટથી પેદા થતો નાઇટ્રિયસ ઓક્સાઇડ વાતાવરણને વધુ નુકસાન કરે છે.
ઋતુચક્ર અને કુદરતી પ્રક્રિયાઓમાં આવી રહેલા ઝડપી ફેરફારો પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે એવું વિજ્ઞાનીઓએ સાબિત કર્યાને દાયકાઓ વીતી ગયા છે, પણ હજી સુધી પૃથ્વીનું વાતાવરણ ગરમ રાખનારા ગ્રીનહાઉસ ગેસને ઓછો કરવાના નક્કર ઉપાયો ઉપર કામ કરવામાં આખું વિશ્વ અનેક રીતે પાછી પાની કરી રહ્યું છે. પૃથ્વીના વાતાવરણને જરૂર કરતાં વધારે ગરમ કરનારા સૂર્યમાંથી નીકળતાં પારજાંબલી કિરણોને રોકતું ઓઝોન વાયુનું પડ ધીમે ધીમે ક્ષીણ કરી રહેલા આ ગ્રીનહાઉસ ગેસનો સૌથી મોટો ખલનાયક એટલે કાર્બન ડાયોક્સાઇડ, ત્યારબાદ મિથન અને નાઇટ્રિયસ ઓક્સાઇડનો નંબર આવે છે. આવા ઝેરી વાયુ પેદા કરનારી માનવીય પ્રક્રિયાઓના ટોપ ફાઇવ વિલનમાં એક વિલન તરીકે ઘઉંના ઉત્પાદનનો પણ વારો નીકળ્યો છે. મોટાભાગના લોકોને એ સવાલ તો સ્વાભાવિક થશે કે ઘઉંનું ઉત્પાદન કેવી રીતે ગ્રીન હાઉસ ગેસ પેદા કરી શકે? તેના કરતાં વધારે ગ્રીન હાઉસ ગેસ તો ઘઉંમાંથી બનતો વિશ્વનો સૌથી પ્રાથમિક ખોરાક ‘બ્રેડ’ હોઈ શકે? ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો રોટલી હોઈ શકે?
બહુ સાદો તર્ક લડાવવા જઈએ તો વિલન ઘઉં નહીં, પણ મોટાપાયે ઉત્પાદન થતી બ્રેડ હોઈ શકે. કારણ કે બ્રેડ બનાવવા માટે ઘઉંનો લોટ બનાવવો પડે અને તેના માટે ઉત્પાદકોને વિશાળ મીલની જરૂર પડે, ઓવનની જરૂર પડે અને તેના માટે ઇલેક્ટ્રિસિટી, ગેસનો ઉપયોગ કરતાં વિશાળ પ્લાન્ટ્સની જરૂર પડે. આ પ્રક્રિયામાં જેટલો કાર્બિન ડાયોક્સાઇડ કે મિથેન વપરાઈ જાય કે ઘઉંના ઉત્પાદનનો તો વારો જ ન આવે? આ માટે વિજ્ઞાનીઓએ ઘઉંના ઉત્પાદનથી લઈને વિતરણ, ફૂડ પ્રોસેસિંગથી રેસ્ટોરન્ટ કે ઘરની સેન્ડવિચ સુધીની પ્રક્રિયાનો ગહન અભ્યાસ કર્યો છે. અભ્યાસના તારણ આઘાતજનત છે, કારણ કે ત્રીજાભાગના ગ્રીન હાઉસ ગેસિસ ફૂડ પ્રોડક્શનના (તેમાં ખેતીનો પણ સમાવેશ થાય છે) કારણે ઉત્પન્ન થયાનું તારણ મળ્યું છે. વિશ્વમાં કોઈ એક જ પાક સૌથી મોટાપાયે લેવાતો હોય તો તે ઘઉં છે. એટલે વિજ્ઞાનીઓએ તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વિજ્ઞાનીઓનું માનવું છે કે ઘઉંના ઉત્પાદનથી લઈને સેન્ડવિચ કે રોટલી બનવા સુધીની પ્રક્રિયામાં સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ નાઇટ્રિયસ ઓક્સાઇડ ઘઉંને આપવામાં આપવા ફર્ટિલાઇઝરના કારણે ઉત્પન્ન થાય છે. ઘઉંના ઉત્પાદન માટે જમીનને સૌથી વધુ જો કોઈ એક તત્ત્વની જરૂર હોય તો તે નાઇટ્રોજન છે. તેના માટે જમીનને રાસાયણિક ખાતર તરીકે એમોનિયમ નાઇટ્રેટ આપવામાં આવે છે. આ ખાતર માટી સાથે ભળીને જે પ્રક્રિયા કરે છે તેનાથી નાઇટ્રિયસ ઓક્સાઇડ પેદા થાય છે. ઘઉંના ઉત્પાદનથી સેન્ડવિચ કે રોટલી સુધીની પ્રક્રિયામાં સૌથી વધુ 43 ટકા ગ્રીનહાઉસ ગેસ તરીકે નાઇટ્રિયસ ઓક્સાઇડ પેદા થાય છે એટલા માટે તે વિલન છે. કારણ કે ઘઉંને પીસવા માટેની મિલ, લોટને બેક કરવા માટેની ઊર્જા કે ટ્રાન્સપોર્ટેશનમાં વપરાતા ઇંધણથી પણ 43 ટકા ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન થતા નથી.
વિજ્ઞાનીઓનું માનવું છે કે સાત અબજે પહોંચેલી વિશ્વની વસ્તીને દર વર્ષે ઘઉંના જથ્થાની જરૂરિયાત વધવાની છે, ઘટવાની નથી. ત્યારે ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન કરતાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ પણ વધતો જ રહેવાનો છે. ત્યારે વિશ્વને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે કોઈક રસ્તો તો અપનાવવો જ પડશે. અત્યારે તો વિજ્ઞાનીઓ પાસે પણ એક જ રસ્તો છે કે બને એટલો ખેતીમાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે, પણ વિજ્ઞાનીઓએ વ્યક્ત કરેલી જમીની વાસ્તવિકતા એવી છે કે ઓર્ગેનિક ખાતરથી પેદા થતી પ્રોડક્ટ્સ સમગ્ર વિશ્વમાં નોર્મલ પ્રોડક્ટ્સ કરતાં મોંઘા ભાવે વેચાય છે. ફૂડ સિક્યોરિટીના ક્ષેત્રે કામ કરતાં વિજ્ઞાનીઓએ સમગ્ર વિશ્વની પોલિટિકલ સિસ્ટમને અનુરોધ કર્યો છે કે ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરતાં ખેડૂતોને વધુ આર્થિક સવલતો આપો, જેનાથી ઓર્ગેનિક ઉત્પાદનો બજારમાં સસ્તા ભાવે વેચી શકાય. પહેલા પ્રયાસમાં ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોને સારી એવી સબસિડી પણ આપવી જરૂરી છે.
ભારત જેવા ખેતી પ્રધાન દેશની સરકારોને વિજ્ઞાનીઓએ વિનંતી કરી છે કે રાસાયણિક ખાતરના ઉપયોગને ઘટાડવા માટે ગાય-ભેંસના છાણનો ઉપયોગ કરીને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જાળવવામાં આવે. એ ઉપરાંત જમીનમાં નાઇટ્રોજનના પ્રમાણને મોનિટર કરવા માટે સોઇલ ટેસ્ટિંગનું પ્રમાણ વધારવું જરૂરી છે. કારણ કે મોટાભાગના વિકાસશીલ દેશોમાં ખેડૂતો દ્વારા જમીનમાં નાઇટ્રોજન પેદા કરી શકતા રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ થાય છે. જરૂર કરતાં વધુ ઉપયોગ માત્ર વાતાવરણને જ નહીં, પરંતુ જમીનને પણ મોટું નુકસાન કરી રહ્યો છે. ભારત સહિતના વિકાસશીલ દેશોમાં પણ ઓર્ગેનિક ખેતી બહુ અસરકારક રીતે થઈ શકે છે, કારણ કે અહીં ઓર્ગેનિક કચરો મળવો અને તેને ખાતરમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયાઓ આસાનીથી અને સસ્તા ભાવે થઈ શકે છે. અહીં માત્ર ખેડૂતોમાં જાણકારીનો અભાવ છે એટલે ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક ઉપયોગ નથી થઈ રહ્યો.
વિજ્ઞાનીઓની ચિંતાનું સૌથી મોટું કારણ એ છે કે ખેતીથી ફૂડ પ્રોસેસિંગ સુધીનો ખાદ્યાન્ન ઉદ્યોગ વધી રહેલી વિશ્વની વસ્તીને અન્ન પૂરું પાડવા માટે કામ નથી કરી રહ્યો. ઓછા ભાવે ઉત્પાદન કરવું અને સારા ભાવે વેચવું એ તેમનો ટાર્ગેટ હોય છે. આ ઉદ્યોગ હંમેશા ઉત્પાદનોના સસ્તા રસ્તાઓ જ શોધશે. રાસાયણિક ખાતર કિંમતમાં સસ્તું પડે છે એટલે તેનો ઉપયોગ ઘટાડવા માટે ઓર્ગેનિક ખેતી સસ્તી કરવી પડશે. વિજ્ઞાનીઓની આ ગણતરી પ્રારંભિક છે અને ઘઉંનું ઉત્પાદન સરવાળે કેટલો વિનાશ નોતરે છે તેના નક્કર આંકડા ઉપલબ્ધ નથી. આ આંકડા મેળવતાં પાંચ વર્ષ પણ વીતે અને એક દાયકો પણ નીકળી જાય, પણ ત્યાં સુધી આપણે ઘણો વિનાશ નોતરી ચૂક્યા હોઇશું.
લેખક ઋત્વિક ત્રિવેદી, પોઈન્ટ ટુ Ponder rutvik.trivedi@timesgroup.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024