অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રીન હાઉસમાં (પોલી હાઉસ) કેપ્સીકમ મરચાની ખેતી પધ્ધતિ

ગ્રીન હાઉસમાં (પોલી હાઉસ) કેપ્સીકમ મરચાની ખેતી પધ્ધતિ

ગ્રીન હાઉસમાં શાકભાજી ની ખેતી આર્થિક દષ્ટિએ ધણી જ નફાકારક છે. ગ્રીન હાઉસ માં શાકભાજી ના પાકો માં કેપ્સીકમ સારા થાય છે કેપ્સીકમ એ સામાન્ય રીતે સ્વીટ પેપર, બેલ પેપર, ગુજરાતી ભોલર મરચા અને હિન્દીમાં સિમલા મિર્ચ તરીકે ઓળખાય છે. તેમજ પોલીહાઉસમાં વાવેતર માટે પ્રચલિત થયેલ શાકભાજીનો અગત્યનો રોકડીયો પાક છે. કેપ્સીકમ જાતની ખાસિયત પ્રમાણે જુદા જુદા આકારમાં તેમજ કલરમાં ઉપલબ્ધ છે. આ મરચાં મોળા હોવાથી સલાડમાં, શાક તરીકે ભરીને / કાપીને તેમજ પીઝા અને ચાઈનીઝ આઈટમો બનાવવામાં ઉપયોગી છે. કેપ્સીકમ મરચામાં વિટામીન ' એ ' અને વિટામીન ' સી ' ભરપુર તેમજ સારી સુગંધ હોવાથી વિશ્વ કક્ષાએ પ્રચલિત થયેલ છે. દરેક પ્રકારના શાકભાજીનાં ધરૂ ઝડપથી તૈયાર કરવા માટે ગ્રીન હાઉસ ની સાથે સાથે ઉત્પાદન પણ વધુ મળે છે. આમ બેઉ બાજુથી નફો વધારે લઈ શકાય છે. આમ ઓછી જમીનમાંથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માટે ગ્રીન હાઉસ એક ઉતમ સાધન છે.

ફાયદા

ગ્રીન હાઉસ, નેટ હાઉસમાં કેપ્સીકમની ખેતીના ફાયદા :

પ્રતિકૂળ વાતાવરણમાં તેમજ આખા વર્ષ દરમ્યાન ઉગાડી શકાય છે.

તંદુરસ્ત ધરૂ ઉછેરી સહેલાઈથી લઈ શકાય છે.

ખુલ્લા ખેતરની સરખામણીમાં ઘણું વધુ ઉત્પાદન લઈ શકાય છે.

ઉત્તમ ગુણવત્તાવાળા બીજ ઉત્પાદન લઈ શકાય છે.

ખાતર દ્રારા પાણીનો અર્થક્ષમ અને અસરકારક ઉપયોગ કરી શકાય છે.

પાક ઉત્પાદન માટે અનુકુળ વાતાવરણ જાળવી શકાય છે.

બાહય હવામાનના,રોગ–જીવાતના પરિબળોથી પાકને બચાવી શકાય છે.

ઓછા વિસ્તારમાં વધુ ઉત્પાદન ટુકા ગાળામાં લઈ શકાય છે.

બિન ૠતુના શાકભાજી લઈ શકાય છે.

૧૦

એાષધકીય છોડ ઝડપથી ઉછેરી શકાય છે.

જાતની પસંદગી :

કેપ્સીકમમાં બે પ્રકારની જાતો જોવા મળે છે. પ્રથમ જાડી છાલવાળી જે રોસ્ટીંગ અને રસોઈ માટે ઉપયોગી છે અને બીજી પાતળી છાલ વાળા સલાડ માટે અનુકૂળ છે.  કેપ્સીકમ મરચાનું ઉત્પાદન જાત પ્રમાણે જુદું જુદું જોવા મળે છે. મરચાની જાતો પ્રમાણે ફળનો આકાર ગોળ, લાંબા, ચોરસ એમ અલગ અલગ હોય છે. પસંદગીમાં ખાસ કરીને આકારમાં ચોરસ અને આગળનો ભાગ ચાર ભાગમાં વહેચાયેલો હોય તેવા મરચાની બજારમાં વધુ માંગ રહે છે. વિવિધ રંગના કેપ્સીકમ મરચામાં લીલા, ભૂરાશ પડતાં જાંબલી મરચા તીવ્ર સુગંધીદાર હોય છે, જયારે પીળા, લાલ અને નારંગી મીઠાશ ધરાવતા હોવાથી ગ્રાહકો વધારે પસંદ કરે છે.

ભારતમાં વવાતી ખાનગી તેમજ સરકારી જાતો :

લીલા મરચા

લાલ મરચા

પીળા મરચા

સફેદ મરચા

નારંગી

ઈન્દ્રા, ભારત, અરકા મોહિની, અરકા ગૌરવ, અંકુર હા. કેપ્સીકમ- ૧૯, નિશાન્ત, માસ્ટર, કેલિફોર્નિયા વન્ડર

બોમ્બે, કિંગ એન્થર, યુનીયન, નન- ૩૦૧૯, હીરા, જૈમિની, પુસા દીપ્તી       

ઓરોબેલા, નન-૩૦ર૦, તન્વી, ગોલ્ડન, બોયટન સમર

વ્હાઈટ-૧, અરકા બસંત

બોકસર

બિયારણનો દર :

  1. સુધારેલી જાત : ૬૦૦ ગ્રામ/હે.
  2. હાઈબ્રીડ જાત : ૩પ૦ ૪૦૦ ગ્રામ/હે. બીજનું પ્લગ ટે્ર માં ઉગાડીને ધરૂને ઉછેરી ઉપયોગમાં લેવું. ધરૂવાડિયું નાખવાનો સારો સમય જુન માસનું બીજુ પખવાડિયું છે. સામાન્ય રીતે મરચીના પાકોના એક હેકટર વિસ્તારની ફેરરોપણી માટે એક ગુંઠા વિસ્તારમાં ગાદી કયારા બનાવી  ધરૂવાડીયું તૈયાર કરવું.

આબોહવા :

આ પાક ઉપર વાતાવરણની અસર ખૂબ જ થાય છે. સારી ગુણવત્તાવાળા ફળોના ઉત્પાદન માટે રાત્રીનું યોગ્ય ઉષ્ણતામાન ૧૬ થી ર૧ સે. હોવું જોઈએ જો ૧૬ સે. થી ઓછું ઉષ્ણતામાન લાંબો સમય ચાલુ રહે તો છોડની વૃધ્ધિ અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. આ પાક જો રાત્રીનું ઉષ્ણતામાન ર૧ થી ર૪ સે. સુધી જળવાઈ રહે તો દિવસનું ૩૦ સે. થી વધારાના ઉષ્ણતામાનને સહન કરી શકે છે. આ પાકને ફુલ બેસવા પરાગનલિકાની વૃધ્ધિ, ફલિનીકરણ, ફળ બેસવા, ફળ અને બીજની વૃધ્ધિ વગેરે માટે ખાસ પ્રકારના હવામાનની જરૂરીયાત રહે છે. ઉંચું ઉષ્ણતામાન પાકને ભારે નુકસાન પહોંચાડે છે, જેના કારણે ફૂલો ખરી પડે છે અને સરવાળે ફળો ઓછા બેસે છે.

જમીનની તૈયારી :

  • આ પાક માટે જમીનનો પી.એચ. ૬.પ થી ૭.પ હોવો જોઈએ. ગ્રીન હાઉસમાં જમીન સારા નિતારવાળી, મધ્યમ કાળી અથવા ગોરાડું જમીન જરૂરી છે. ગ્રીન હાઉસમાં પાળા પધ્ધતી અથવા ગાદી કયારા બનાવી છોડ રોપવામાં આવે છે. જમીનને બરાબર ખેડી જમીનને મુલાયમ અને સમતળ બનાવવી, ત્યારબાદ તેમાં ૧૦૦ સે.મી. પહોળા અને ૧પ સે.મી. ઉંચા ગાદી કયારા બનાવવા, ત્યારબાદ ૧ ટોપલો સારૂ કોહવાયેલું છાણિયું ખાતર પર મીટર પ્રમાણે નાંખી જમીન સાથે બરાબર મિશ્ર કરવું. ત્યારબાદ જમીનમાં નુકસાનકારક ફુગ અને જીવાણુનો નાશ કરવા માટે ૪% ફોર્માલ્ડીહાઈડનું દ્રાવણ ૪ લિ./ચોરસ મીટર પ્રમાણે જમીન ઉપર છાંટી જમીનને કાળા પ્લાસ્ટીકથી ૪ દિવસ સુધી ઢાંકી રાખવું. ૪ દિવસ બાદ પ્લાસ્ટીક દૂર કરવું, જેથી અંદર જે ધુમાડો રહેલ હોય તે બહાર નીકળી જાય. ત્યારબાદ ર૦૦ ચો. મીટરમાં ૧૦૦ કિ.ગ્રા. લીંબોળીનો ખોળ સાથે ૧ કિ.ગ્રા. ટ્રાઈકોડર્મા નાખી જમીનમાં ભેળવવી.
  • ત્યારબાદ બે હાર વચ્ચે ૪પ સે.મી. અંતર રાખી નીક બનાવી તેમાં ૧ મીટરમાં પ ગ્રામ નાઈટ્રોજન, પ ગ્રામ ફોસ્ફરસ અને પ ગ્રામ પોટાશ જમીનમાં આપી જમીનને સરખી કરવી. ૩૦ થી ૪પ દિવસનું તંદુરસ્ત ધરૂ ફેરરોપણી માટે ઉપયોગમાં લેવું જોઈએ. ૪પ દિવસ કરતાં વધુ દિવસના ધરૂના ઉપયોગથી ઉત્પાદન પર અસર પડે છે.

ફેરરોપણી :

સામાન્ય રીતે કેપ્સીકમની ફેરરોપણી સપ્ટેમ્બરઓકટોબર માસમાં કરવામાં આવે છે. કેપ્સીકમ છોડને શરૂઆતમાં રોગ અને જીવાતથી મુકત રાખવા માટે ઈમીડાકલોપ્રીડ ૦.૩ મિલિ./લિ. અને કાર્બેન્ડાઝીમ ૦.પ ગ્રામ/લિટર પ્રમાણે ભેળવી છંટકાવ કરવો. કેપ્સીકમની રોપણી બે લાઈન વચ્ચે ૪પ સે.મી. અને બે છોડ વચ્ચે ૩૦ થી ૩પ સે.મી. અંતર રાખી કરવી. રોપણી કર્યા બાદ ઝારાની મદદથી રોજ જયાં સુધી છોડ બરાબર ચોંટી ન જાય ત્યાં સુધી પાણી આપવું. ફેરરોપણી બપોર બાદ ૪ વાગ્યા પછી કરવી.

કેળવણી, છાંટણી અને માવજત :

કેપ્સીકમ મરચાના છોડમાં શરૂઆતમાં એક થડનો વિકાસ થાય છે. પરંતુ ૯ થી ૧૩ પાન નીકળ્યા બાદ છેલ્લે ફુલ આવે છે ત્યારે છોડ બે શાખામાં વિભાજીત થાય છે. ઘણી વખત બે કરતાં વધુ ૩ થી ૪ શાખાઓ પણ ફુટે છે અને ૧ થી ર ફુલ આવે છે. આવા સમયે ફકત બે શાખા અને એક જ ફુલ રાખવામાં આવે છે. પ્રથમ શાખાને જે ફુલ બેસે છે તેને મુકુટકલી કહે છે. સામાન્ય રીતે છોડમાં ૩૦ દિવસ પહેલા આવતા ફુલને ફળમાં રૂપાંતર થવા દેવામાં આવતું નથી. પરંતુ તેને દેખાય કે તરત જ તોડી દેવામાં આવે છે જેને પીચીંગ કહેવામાં આવે છે. મોટા ભાગે દરેક છોડમાં  મુખ્ય  બે શાખાઓ જાળવી રાખવી અને દરેક ગાંઠમાં ફકત બે પાન અને એક ફુલ રાખી અને બાકીની શાખાઓને દુર કરવામાં આવે છે જેને છાંટણી કહે છે.

એક બેડની ઉપર ૩ ગેલ્વેનાઈઝના વાયર જમીનથી ૩.૦ થી ૩.પ મીટરની ઉંચાઈએ બાંધવા. એક છોડની ઉપર ચાર પ્લાસ્ટીકની દોરી આવે તે રીતે ઢીલા લટકાવવા જેથી છોડને દોરી વડે ઢીલા બાંધી દોરી વડે ટટૃાર રાખવાં.એક સાથે વધારે ફળો આવે ત્યારે થોડા ફળો તોડી લેવા.

ગ્રીન હાઉસમાં પાણીની ગુણવત્તા અને જરૂરીયાતઃ

ગ્રીન હાઉસમાં પાક માટે પ૦૦ ટી.ડી.એસ. કરતાં વધારે ન હોય તે જરૂરી છે. આ ઉપરાંત નુકસાન કરતા ક્ષારો જેવા કે કાર્બોનેટ, બાયકાર્બોનેટ, સોડીયમ કલોરાઈડ ૧૦૦ર૦૦ પી.પી.એમ. થી વધારે ન હોવા જોઈએ. છોડની સતત વૃધ્ધિ જળવાઈ રહે તે માટે ગ્રીન હાઉસમાં કેપ્સીકમ મરચાંને ટપક સિંચાઈ પધ્ધતિથી પિયત અને પ્રવાહી ખાતર આપવામાં આવે છે. પિયતની જરૂરીયાતનો આધાર પાકની વૃધ્ધિ અને વાતાવરણ ઉપર રહે છે. સપ્ટેમ્બરઓકટોબર માસમાં ૬ થી ૭ દિવસના અંતરે અને શિયાળામાં ૧૦ થી ૧ર દિવસના અંતરે જયારે ઉનાળામાં ફરીથી ૬ થી ૭ દિવસના અંતરે પિયત આપવું. પરંતુ મેજુન માસમાં અઠવાડીયામાં બે વાર પાણી આપવું. કેપ્સીકમ મરચાના પાકને પ્રતિ ચોરસ મીટરે દરરોજ ર થી ૩ લિટર પાણીની જરૂરીયાત  છે.

ખાતર :

દરેક પિયત વખતે પ્રવાહી રૂપમાં ખાતર આપવા જોઈએ. રોપણીના ત્રીજા અઠવાડીયા પછી પ્રવાહી ખાતર ૧૯:૧૯ :૧૯,ર.૭પગ્રામ/મીટર પ્રમાણે ડ્રીપમાં આપવું જોઈએ. જો આ ખાતર ન આપવું હોય તો ર.પર.૦ર.પ કિલો ના.ફો.પો./૧ગુંઠા પ્રમાણે આપવું જોઈએ. પ્રવાહી ખાતરોમાં જેમાં એમોનિયમ નાઈટ્રેટ અથવા યુરિયા, ફોસ્ફોરિક એસિડ અને પોટેશિયમ નાઈટે્રટ અથવા પોટેશિયમ કલોરાઈડનો ટપક સિંચાઈ દ્વારા ઉપયોગ કરી શકાય. આ પાકમાં કેલ્શિયમની ઉણપને લીધે મરચાની ટોચના સડાનો રોગ (બ્લોઝમ એન્ડ રોટ) આવતો હોય છે.  એટલે બીજા ખાતર સાથે કેલ્શિયમ નાઈટ્રેટ પણ આપવા જોઈએ. મરચાના પાકમાં દર ફેરરોપણી બાદ ૭ દિવસ પછી દર ૧પ દિવસના અંતરે પાંચ વાર ચીલેટેડ સૂક્ષ્મતત્વોનો છંટકાવ કરવો. હયુમિક એસિડ રપ૦ મિ.લિ./૧૦૦ ચોરસ મીટર પ્રમાણે છંટકાવ કરવાથી મરચાનો વિકાસ, પ્રકાંડ અને મૂળનો વિકાસ સારો થાય છે. આ સિવાય એમીનો એસિડ અને ફોલિક એસિડ પણ ૧૦૦ ર૦૦ ગ્રામ પ્રતિ એકરે ડ્રીપ દ્રારા જમીનમાં આપવું. જરૂર જણાયે સૂક્ષ્મ તત્વોનું ૧ ટકા દ્રાવણ બનાવી પાન દ્રારા આપી શકાય છે. યુરિયા તેમજ મ્યુરેટ ઓફ પોટાશ ૧ થી ૧.પ ટકા પ્રમાણે છાંટી શકાય છે. આ બધી ખાતરની ભલામણો કામ ચલાઉ છે.

જૈવિક ખાતરો :

જૈવિક ખાતરો પ્રદૂષણમુકત અને કુદરતી ખાતર હોવાથી વધુ વાપરવા જોઈએ જેથી ખેતી ખર્ચ ઘટી ખેતી ટકાઉ બને છે.નીચે  જણાવેલ જૈવિક ખાતરો  જમીનમાં  પ્રતિ એકરે આપવાથી  નીચે દર્શાવેલ નાઈટ્રોજન  જમીનમાં  ફીકસ થાય છે.

જૈવિક ખાતરો

જથ્થો

નાઈટ્રોજન ફીકસ

એઝોટોબેકટર

૧ લિટર/ એકર

૩પ–૪૦ કિ.ગ્રા.

ફોસ્ફો સોલ્યુબિલાઈઝીંગ

૧ લિટર/ એકર

૩પ–૪૦ કિ.ગ્રા.

પોટાશ બેકટેરીયા

૧ લિટર/ એકર

રપ–૩૦ કિ.ગ્રા.

રાઈઝોબિયમ (કઠોળ પાક માટે)

૧ લિટર/ એકર

૪૦ – પ૦ કિ.ગ્રા.

કેપ્સીકમ મરચામાં એક માસ સુધી ફૂલ તોડતા રહેવું અને એક ગાંઠ પર બે ફૂલ હોય તો એક તોડી લેવું. ફૂલ અવસ્થાએ અને ત્યારબાદ ૧પ દિવસે એમ બે વાર નેપ્થેલીન એસિટીક એસિડ ૧૦ પી.પી.એમ. નો છંટકાવ કરવાથી ફૂલ ખરતા અટકશે, ફળ સારા બેસશે અને સારૂ ઉત્પાદન મળશે.

પાક સંરક્ષણ :

  • ધરૂની ફેરરોપણી વખતે કોપર ઓકઝીકલોરાઈડ ૩ ગ્રામ/લિટરે અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ/લિટર પ્રમાણે ભેળવી છંટકાવ કરવો. સફેદ માખી અને થ્રિપ્સનો ઉપદ્રવ ગરમી વધવાથી વધે છે. આથી કોકડવાના રોગનો પ્રશ્ન પણ વધે છે ત્યારે ઈમીડાકલોપ્રીડ ૦.૩ મિ.ગ્રા./ લિટર અથવા એસીફેટ ૧ ગ્રામ/લિટર પ્રમાણે દવાનો છંટકાવ કરવો.
  • ધરૂના મૂળને ઈમીડાકલોપ્રીડ દવાના દ્રાવણમાં (ર.પ મિલિ/૧૦ લિટર પાણી) છ કલાક બોળી રાખ્યા બાદ રોપવા.
  • કેપ્સીકમમાં પાન કથીરીના નિયંત્રણ માટે એબામેકટીન ૦.પ મિ.લિ./ લિટર પ્રમાણે ૧૦ થી ૧પ દિવસના અંતરે છંટકાવ કરતા હેવું જોઈએ.

રોગો :

  • ભૂકી છારાના રોગ: ભૂકી છારાના રોગનો ઉપદ્રવ જણાય તો પાન ખરી પડતાં હોય છે. આવા સમયે કેલ્થેઈન, હેકઝાકોનાઝોલ, વેટેબલ સલ્ફર નામની ફુગનાશક દવાનો છંટકાવ કરવાથી સારૂ પરિણામ મળે છે.
  • કેપ્સીકમ મરચાનો પાક જુદા જુદા વિષાણું જન્ય રોગો જેવા કે ટોબેકો મોઝેક વાયરસ, પોટેટો વાયરસ અને કકુમ્બર મોઝેક વાયરસ સામે ગ્રાહય છે.  આ રોગ મોલોમશી અને લાલ કથીરી દ્રારા ફેલાતા હોય છે. વિષાણું જન્ય રોગોના નિયંત્રણ માટેના કોઈ ઉપાય નથી, પરંતુ આવા રોગોના ફેલાવા અટકાવવા માટે એકલદોકલ છોડને ઉપાડીને દૂર કરવા તથા રોગના વાહક ગણાતા મોલોમશી અને લાલકથીરી જેવા રસ ચૂસીને ખાનાર જીવાતોનું નિયંત્રણ કરવું.
  • ડાયબેક (કાલવ્રણ અથવા પરિપકવ ફળનો સળો) : બીજ જન્ય રોગ હોઈ ૧ કિં.ગ્રા. બીજને ર થી ૩ ગ્રામ થાયરમ દવાનો પટ આપવો. ઉભા પાકમાં રોગ જણાયે ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં આવે છે, જેથી પ્રમાણસર ભેજ જાળવી રાખવો તેમ છતાં રોગ આવે ત્યારે કેપ્ટાફોલ ર૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડેન્ઝીમ પ ગ્રામ અથવા કોપર ઓકસીકલોરાઈડ ૪૦ ગ્રામ અથવા ડાયફેનાકોનાઝોલ ૮ મિલી પૈકી કોઈ એક દવાના ૧૦ લીટર પાણીમાં ભેળવી  ૧૦ થી ૧ર દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા
  • ગંઠવા કૃમિ : સોઈલ સોલરાઈઝેશન કરવું, ધરૂવાડીયું કરતી વખતે પણ કાર્બોફયુરાન ૩ જી, ૩૦ કિ.ગ્રા./હે. આપવાની ભલામણ છે. તંદુરસ્ત ધરૂનો ઉપયોગ, રોપણી સમયે છોડની ફરતે જમીનમાં કાર્બોફયુરાન ૩ જી, ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું ( છોડ દીઠ ૩પ ગ્રામ પ્રમાણે ), પાકની ફેરબદલી કરવી.સેન્દ્રીય ખાતર  અને લીંબોળીનો ખોળ વાવેતર પહેલાં જમીનમાં  આપવું. ગંઠવા કૃમિના જૈવિક નિયંત્રણ માટે પેસીલોમાયસીસ લીલા સીનસ નામની જૈવિક કૃમિનાશક ફૂગનો ઉપયોગ થાય છે. બજારમાં યોર્કર, નેમાકીલ, શોક, બાયોનીકોનીમા ના નામે મળે છે. છાણિયું અથવા મરઘાબતકાના ખાતરનો ઉપયોગ વધુ કરવો.

ફળ ઉત્પાદન અને ગુણવત્તાને અસર કરતાં પરિબળો :

ફળની વૃધ્ધિ અને છોડ પર ફળોની સંખ્યા, ફળ ઉત્પાદન અને ગુણવત્તા પર અસર કરે છે એટલે છોડના વિકાસના પ્રમાણમાં છોડ ઉપર ફળોની સંખ્યા વધુ હોય તો મૂળ કોહવાઈ જવાનું પ્રમાણ વધે છે. છોડ ઉપર ફળોની સંખ્યાનો આધાર પ્રકાશ, ઉષ્ણતામાન અને છોડના કદ ઉપર રહેલો છે. ઝાંખા પ્રકાશની પરિસ્થિતીમાં ૧૦ થી ૧ર ફળો પ્રતિ ચોરસ મીટર વિસ્તારમાં બેસે છે. જયારે પુરતા પ્રકાશની પરિસ્થિતીમાં ર૦ થી ર૪ ફળો પ્રતિ ચોરસ મીટર વિસ્તારમાં બેસે છે. ફળ બેસવાની શરૂઆતના પ થી ૯ અઠવાડીયા પછી ફળો તેનું મહત્તમ કદ પ્રાપ્ત કરે છે, જયારે ૩ થી ૪ અઠવાડીયા પછી સંપૂર્ણ રંગ પ્રાપ્ત કરે છે.

ફળોની કાપણી :

ફળો સંપૂર્ણ રંગ ધારણ કરે ત્યારે, આવા પરિપકવ ફળોના બજારભાવ વધારે મળે છે. લીલા રંગના કેપ્સીકમની વીણી ૬૦ દિવસે અને લાલ, પીળા રંગના મરચાની વીણી ૯૦ દિવસે ચાલુ થાય છે. રંગીન ફળોમાં રંગ ધારણ કરવા માટે ૧૮ થી ર૪ સે. તાપમાન જરૂરી છે. ફળોની કાપણી હંમશા ધારદાર ચપ્પુથી કરવી જોઈએ, જેથી ફળોને ઓછામાં ઓછું નુકસાન થાય છે. કાપણી હંમેશા વહેલી સવારે શરૂ કરવી અને તડકો થાય તે પહેલા પૂર્ણ કરવી. રંગીન ફળની કાપણી દર અઠવાડીયે એકથી બે વાર, જયારે લીલા ફળોની કાપણી દર ૧પ દિવસે કરવી.

ઉત્પાદનઃ

આ ઉત્પાદનનો આધાર મરચાની જાત, હવામાનની પરિસ્થિતિ, પાક વ્યવસ્થા અને માવજત ઉપર રહેલો છે. કેપ્સીકમ મરચાનું સરેરાશ ૬૦ થી ૭૦ ટન રંગીન ફળોનું અને ૧૦૦ થી ૧ર૦ ટન લીલા ફળોનું પ્રતિ હેકટરે (૧૦૦ ગુંઠામાં) ગ્રીન હાઉસમાં ઉત્પાદન સારી પરિસ્થિતીમાં મળે છે. ગ્રીન હાઉસમાં શાકભાજી પાકોમાં કેપ્સીકમ સારી રીતે ઉછેરી શકાય છે. જેમાં ઉત્પાદન અને ગુણવતા પણ સારી મળે છે. જુદી જુદી જગ્યાએ જે સંશોધનો થયા તેનેા સાર નીચે મુજબ છે.

વાવેતર અને તેનું પરિણામઃ

ઓછી કિંમત ના પોલીહાઉસ માં કેપ્સીકમની જાતનું વાવેતર અને તેનું પરિણામઃ

પાકનુંના અને જાત

ફુલો આવવા

નાદિવસો

પ્રથમ વીણી (દિવસો)

કુલ વીણીની સંખ્યા

કેટલા દિવસ

શાકભાજી

મળે (દિવસો)

ફળોની સંખ્યા / છોડ

ઉત્પાદન

(કિ.ગ્રા/મી)

ઉત્પાદન(ટન/હે)

કેપ્સીકમ

કેલીફોર્નીયા વન્ડર

પ૬

૮૩

૧૦

૭૦

૧૬.૮

૮.૭ર

૮૭.ર

પાક / જાત

રોપણી સમય

અંતર સે.મી

પોલીહાઉસમાં

ખુલ્લા ખેતરમાં ઉત્પાદન  (ટન / હે

બહારના ખુલ્લા વાતાવરણ કરતાં કેટલા ટકા વધુ ઉત્પાદન પોલી હાઉસમાં

ટન / હે(કુલ)

કેપ્સીકમ

(કેલીફોર્નીયા વન્ડર)

નવેમ્બરનો મધ્ય ભાગ

પ૦ x પ૦

૭૮.૭

ર૧.૪

ર૬૭.૮

ઉપરના પરિણામો પરથી ફલિત થાય છે કે ખુલ્લા ખેતરની સરખામણીમાં જો ઓછી કિંમતના પોલીહાઉસમાં કેપ્સીકમની જાત કેલીફોર્નિયા વન્ડર ઉગાડવામાં આવે તો ત્રણ ધણું ઉત્પાદન એટલે કે ૭૮.૭  ટન / હે મળે છે

સ્ત્રોત: ર્ડા. ડી.બી.પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા, ર્ડા. બી.જી.પ્રજાપતિ અને પ્રો.એ. યુ. અમીન, બીજ મસાલા સંશોધન કેન્દ્ર , સ.દાં.કૃ.યુ. જગુદણ–૩૮ર૭૧૦, જી.મહેસાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate