অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રીનહાઉસનું મહત્વ, સ્થળની પસંદગી અને બાંધકામ

ગ્રીનહાઉસનું મહત્વ, સ્થળની પસંદગી અને બાંધકામ

ચોકકસ પ્રકારનું માળખુ કે જેને પારદર્શક અથવા અર્ધપારદર્શક ઢાંકણથી ઢાંકી અંદરનું વાતાવરણ નિયમન કરી કમોસમમાં શાકભાજી, ફૂલો તથા ધરૂ તૈયાર કરવાના વૈજ્ઞાનિક અભિગમને ગ્રીનહાઉસ કહેવામાં આવે છે. ભારત જેવા ઉષ્ણકટિબંધના દેશમાં મોટેભાગે પાક ઉત્પાદન માટે સમગ્ર વર્ષ દરમ્યાન સાનૂકૂળ વાતાવરણ રહેતું નથી. પ્રતિકૂળ હવામાન જેમ કે વધારે ઠંડી, વધારે ગરમી, તીવ્ર પ્રકાશ, અતિ વરસાદ કે પાણીની ખેંચ, હિમવર્ષા, ભારે પવન તેમજ રોગ– જીવાતનો ભયંકત ઉપદ્રવ જેવા પરિબળોને નિયંત્રિત કરવા ગ્રીનહાઉસ આર્શીવાદરૂપ છે. આ ગ્રીનહાઉસમાં કાર્બન ડાયોકસાઈડ ઓકસિજન તથા ઈથિલીન ગેસ વગેરેનું પાકને જરૂરિયાત પ્રમાણે નિયમન કરાય છે. આ પધ્ધતિ શરૂઆતમાં ખર્ચાળ છે એટલે ફકત મોંધા પાકો જે ખુલ્લા વાતાવરણમાં ન ઉગાડી શકે તેવા તથા પરદેશમાં નિકાસ કરવા જરૂરી ચોકકસ પ્રમાણો જાળવવા ઉગાડવામાં આવે છે અથવા પેદાશને પ્રક્રિયામાં ફેરવી કિંમત સંવર્ધન કરવામાં આવે છે.

આબોહવાકીય વિષમ પરિસ્થિતિમાં, પિયત પાણીની અતિ અછત કે ક્ષારીય પાણીની ઉપલબ્ધિમાં રોગ રહિત ધરૂઉછેરમાં કે વિશેષ કાળજી માંગતા વધુ વેચાણ કિંમત આપતા પાકો ઉગાડતા હાલના તબકકે પચાસથી વધુ દેશોમાં ગ્રીનહાઉસમાં ખેતી કરવામાં આવે છે. વિવિધ દેશોમાં ગ્રીનહાઉસમાં થતી ખેતીનો વિસ્તાર કોઠામાં આપેલ છે. ચીનમાં પ્લાસ્ટિક ગ્રીનહાઉસ ટેકનોલોજીનો ખૂબજ  વિકાસ થયેલ છે. જાપાનમાં પ્લાસ્ટિક અને ગ્લાસ ગ્રીનહાઉસમાં ખેતી થાય છે કે જે વિશ્વમાં સૈાથી વધુ છે. પાણીની બચત કરવી એ ઈઝરાયલ અને બીજા મધ્યપૂર્વ એશિયાના દેશોની તાતી જરૂરિયાત હોવાથી ગ્રીન હાઉસનું ચલન ત્યાં વધુ છે ભારતમાં છેલ્લા ચાર દશકાથી સંશોધન, ઉત્પાદન કે ધરૂઉછેર માટે ગ્રીન હાઉસનો ઉપયોગ થતો આવ્યો છે અને તેના વ્યાપારિક ધોરણે ઉપયોગ કરવાની સભાનતા આવી છે.ભારતમાં પાંચ દાયકાથી ગ્રીનહાઉસનો ઉપયોગ થતો આવ્યો છે જે ફકત સંશોધનના હેતુ માટે અથવા કમોસમમાં અગત્યના છોડને બચાવવા માટે થતો હતો. સાચા અર્થમાં સને ૧૯૮૦ થી ગ્રીનહાઉસ ટેકનોલોજીની શરૂઆત થઈ. વ્યાપારિક દ્રષ્ટ્રિએ સને ૧૯૮૮ થી ઉપયોગ થયો.

ગ્રીનહાઉસના ફાયદાઓઃ

  1. કોઈપણ પ્રકારના છોડ કોઈ પણ સ્થળે ઉગાડી શકાય છે.
  2. વર્ષ દરમ્યાન ગમે ત્યારે છોડ ઉછેરી શકાય છે. (ઓફ સીઝન)
  3. તંદુરસ્ત સારી ગુણવત્તાવાળા, નિકાસ કરવા લાયક છોડ પેદા કરી શકાય છે.
  4. રોગ– જીવાત સામે રક્ષણ આપવુ સહેલુ બને છે.
  5. છોડ ઉછેર સરળ બને છે. નર્સરી સરળતાથી થઈ શકે છે. (ઈન્ડોર પ્લાન્ટસ)
  6. ગ્રીનહાઉસ શરૂઆતમાં ખર્ચાળ છે પરંતુ લાંબાગાળે સારો ફાયદો થાય છે.
  7. ઓછી જમીનમાં વિશેષ આવક મેળવી શકાય છે.
  8. બિનપરંપરાગત (ઈગ્લીંશ) શાકભાજી ઉગાડી શકાય.
  9. મકાનના ટેરેસ ઉપર ગ્રીનહાઉસ તૈયાર કરી કિચન ગાર્ડનિંગ કરી દૈનિક શાકભાજીની જરૂરિયાત મેળવી.
  10. ગ્રીનહાઉસના પાકોની ઉત્પાદન ટકાઉ શકિત સારી હોય છે.
  11. રોજગારીની તકો વધારી શકાય છે.
  12. વર્ધનની સામાન્ય રીતો તથા ટિશ્યૂકલ્ચરથી નવા છોડ ઉછેરી શકાય છે તથા તૈયાર થયેલ છોડને હાર્ડનિંગ કરી શકાય છે.

કયા પાકો ઉગાડી શકાય

સંરક્ષિત વાતાવરણમાં નીચે મુજબના શાકભાજી, શોભાના ફૂલછોડ, ફળપાકો તથા આયુર્વેદિક પાકો ઉગાડી શકાય છે ખુબ જ કિંમતી તથા કમોસમી ખેતી માટેના પાકો લેવા તથા ચોકકસ પ્રકારની જાતોનું  જ વાવેતર કરવું.

  1. શાકભાજીઃ ટામેટા, કાકડી, લેટયુસ, મરચી, કેપ્સિકમ જાતો, શિયાળામાં ભીંડા તથા ઉનાળામાં ધાણા, મેથી વગેરે.
  2. શીતકટિબંધના શાકભાજીઃ બ્રોકોલી, પાર્સલી, એસ્પેરેગ્સ, બ્રુસેલ્સ સ્પ્રાઉટ, ચાઈનીઝ કેબેજ, લીક, થાયમ, સેલારી, બેબીકોર્ન વગેરે
  3. ફળોઃ સ્ટ્રોબેરી, દ્રાક્ષ વગેરે
  4. શોભાના છોડઃ હાઈબ્રીડ ગુલાબ, ક્રિસેન્થીમમ, ફૂંડાના છોડ, જર્બેરા, જીપ્સોફીલીયા, કાર્નેશન, ડાઈફનબેકીયા, મેરાન્ટા, એગ્લોનીમા, કોલીયસ, મોન્સ્ટેરા, આલ્પેનીયા વગેરે.

ગ્રીનહાઉસ એટલે કે પ્લાસ્ટિક, પોલીથીલીન કે કાચના પારદર્શક કે અર્ધપારદર્શક આવરણથી ઢાકેલું ફ્રેમ સાથેનું ચોકકસ પ્રકારનું માળખું કે જેમાં જે તે પાકની જરૂરિયાત મુજબ અંદરના વાતાવરણમાં ફેરફાર કરી શકાય છે. તેનો મુખ્ય ફાયદો એ છે કે ઓછા વિસ્તારમાંથી બારેમાસ વધુ પ્રમાણમાં ફૂલો કે સુશોભિત છોડોનું તેમજ શાકભાજીનું ઉત્પાદન મેળવી શકાય છે. ઉપરાંત સારી ગુણવતા ધરાવતા ફૂલછોડ ઉછેરી શકાય છે. હાલના તબકકે ગુજરાતમાં ફૂલોની ખેતી માટે ગ્રીનહાઉસને ખૂબ જ મહત્વનું અંગ ગણવામાં આવે છે. આપણા રાજયમાં ઉંચું તાપમાન, અનિયમિત વરસાદ, વધુ પડતો તીવ્ર સૂર્યપ્રકાશ તેમજ હવામાંના ભેજના ટકામાં વધઘટ વગેરે વાતાવરણીય પરિબળોથી ફૂલોના પાક ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે. આવી વિષમ પરિસ્થિતિમાં ગ્રીનહાઉસ ધ્વારા અંદરના વાતાવરણના પરિબળોને નિયંત્રણમાં રાખી સારી ગુણવતાવાળા રોગજીવાત મુકત ફૂલો મેળવી શકાય છે. શિયાળાની ૠતુમાં થતા ફૂલોનો ભાવ, ઉનાળાની ૠતુ કરતા ખૂબ જ ઓછો મળે છે. જેથી ઉનાળાની ૠતુમાં ગ્રીનહાઉસ ધ્વારા કટફલાવર્સના ફૂલોની ખેતી કરીને ભાવ મેળવી પરદેશ નિકાસ કરીને વધુ હૂંડિયામણ મેળવી શકાય છે.

સ્થળની પસંદગી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોઃ


  1. સ્થળ આજુબાજુની જગ્યા કરતાં ઉંચાઈ ઉપર હોવું જોઈએ. જમીનનો ઢાળ એ રીતે હોવા જોઈએ કે ચોમાસામાં વરસાદના પાણીનો નિકાલ સારી રીતે થઈ જાય અને વરસાદના પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા પણ કરવી જોઈએ.
  2. પિયતના પાણીની ગુણવતા સારી હોવી જોઈએ અર્થાત તેનું પી.એચ. પ.પ થી ૭.૦ સુધી અને વિધુતવાહકતા (ઈ.સી.) ૦.૪ થી ૦.૭ ડી.એસ. /મી. હોવું જોઈએ.
  3. સ્થળની પસંદગી ઉપર નહેરનું પાણી મળે તો વધારે હિતાવહ રહેશે.
  4. ગ્રીનહાઉસ હમેશાં મોટા ઝાડ અને બિલ્ડીંગથી દૂર હોવું જોઈએ જેથી સૂર્યપ્રકાશનો અવરોધ ન થાય.
  5. સ્થળ પ્રદૂષણ મુકત હોવું જોઈએ તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારના ઉદ્યોગ ન હોવા જોઈએ.

દિશાસૂચનઃ

સિંગલ સ્પાન ગ્રીનહાઉસને કોઈપણ દિશામાં ઉભું કરી શકાય છે. પણ મલ્ટીંગ સ્પાન ગ્રીનહાઉસ ઉત્તર દક્ષિણ દિશામાં ઉભુ કરવામાં આવે છે. જેથી તેમાં દરેક ભાગ પર સૂર્યનો પ્રકાશ સંતોષકારક રીતે મળી શકે.

ગ્રીનહાઉસના પ્રકારઃ

ભારતમાં ગ્રીનહાઉસની વિવિધ ડીઝાઈનો જોવા મળે છે. જેમાં ચાર પ્રકારના ગ્રીનહાઉસ વધુ ખ્યાતિ ધરાવે છે. સાદું ગ્રીનહાઉસ, ઓછી કિંમતનું ગ્રીનહાઉસ, મધ્યમ કિંમતનું ગ્રીનહાઉસ અને ઉચ્ચ કિંમતનું ગ્રીનહાઉસ. ગ્રીનહાઉસ બનાવવામાં મુખ્ય ખર્ચ માળખું તૈયાર કરવાનું, વીજળીનો ખર્ચ અને પાણી નિયંત્રણની વ્યવસ્થા ઉપર આધારિત છે. માળખામાં ખાસ કરીને પોલીથીન શીટ, એક્રેલિકની ચાદર, ગેલ્વેનાઈઝ પાઈપ વગેરે ચીજવસ્તુઓ વપરાય છે. ઈલેકટ્રીક ખર્ચમાં ખાસ કરીને હવા બહાર ફેકવાના પંખાઓ, પાણી માટે ઈલેકટ્રીક પંપ, વીજળી તથા તેમાં તેના નિયંત્રણ યુનિટોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાણીની વ્યવસ્થામાં ટપક પધ્ધતિ, માઈક્રો સ્પ્રિંકલર, ફોગર, એકઝોસ્ટ ફેન અને ફૂલિંગ પેડનો ઉપયોગ થાય છે.

સાદા ગ્રીનહાઉસઃ


આ પ્રકારના ગ્રીનહાઉસ ઓછી કિંમતના છે. જે સ્થાનિક બજારમાંથી મળતી ચીજવસ્તુઓ ધ્વારા બનાવી શકાય છે. આ પ્રકારના ગ્રીનહાઉસના માળખામાં વાંસનું ઢાંચું બનાવી તેના પર પોલીથીન શીટસ લગાડવામાં આવે છે. ગ્રીનહાઉસમાં હવાની અવરજવર માટે બારીઓ, છાપરા ઉપર લીલી કે કાળી પ્લાસ્ટિક નેટ અથવા કંતાનના ટૂકડાઓનું આવરણ ઢાંકવામાં આવે છે. સાદા ગ્રીનહાઉસ ખાસ કરીને જયાં ઓછી ગરમી હોય ત્યાં અનુકૂળ આવે છે. આ પ્રકારના ગ્રીનહાઉસમાં, સીઝનલ ફૂલછોડનું ધરૂ, રોપાઓ વગેરે ઉછેરી શકાય છે. ઉપરાંત કટફલાવર્સના ફૂલો જેવા કે ગુલાબની વિવિધ રંગની લાંબી દાંડીવાળી, મોટા ફૂલોની જાતો, કાર્નેશન, જર્બેરા વગેરે ઉછેરી શકાય છે.

ઓછી કિંમતના ગ્રીનહાઉસઃ

આ પ્રકારના ગ્રીનહાઉસમાં અંદરના વાતાવરણીય પરિબળોને નિયંત્રણ કરવા માટે કુશળ માણસોની જરૂર પડે છે, જેમાં તાપમાન નિયંત્રણ કરવા માટે મિસ્ટ ઈરિગેશન, માઈક્રો સ્પિં્રકલર વગેરેનો ઉપયોગ થાય છે. આ પ્રકારના ગ્રીનહાઉસમાં બારીઓમાંથી ઠંડી હવા અંદર આવે છે અને ગ્રીનહાઉસની અંદરની ગરમ હવા છાપરા પરની બારીથી બહાર જાય છે. આ ગ્રીનહાઉસના માળખામાં ગેલ્વેનાઈઝ પાઈપો, એમ.એસ. એંગલ, ર૦૦ માઈક્રોન (૮૦૦ ગેજ) ની યુ. વી. પોલીથીન ફિલ્મનો ઉપયોગ થાય છે. આ પ્રકારના પ૦૦ ચો.મી. ના ગ્રીનહાઉસ માટે આશરે ખર્ચ રૂા. ૩.પ થી ૪.૦ લાખનો થાય છે.

મધ્યમ કિંમતના ગ્રીનહાઉસઃ


આ પ્રકારના ગ્રીનહાઉસ ઓછી કિંમતના ગ્રીનહાઉસ જેવા જ હોય છે.  ફકત એમાં વધારાની ફુલીંગ પેડ  અને એકઝોસ્ટ ફેનની વ્યવસ્થા હોય છે જે વધુ તાપમાનને નિયંત્રણ કરવામાં ઉપયોગી થાય છે. આ પ્રકારના ગ્રીનહાઉસ, સરકયુલર અથવા ગોથીક આર્ક આકારના થાય છે. આ પ્રકારના પ૦૦ ચો.મી. વિસ્તાગરના ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ રૂા. ૬ થી ૭ લાખ જેટલો થાય છે.

ઉચ્ચ કિંમતના ગ્રીનહાઉસઃ

આવા ગ્રીનહાઉસ ખાસ કરીને મોટા પાયા પર ઐાદ્યોગિક ધોરણે ચલાવવામાં આવે છે. આવા ગ્રીનહાઉસમાં સંપૂર્ણ નિયંત્રણ કોમ્પ્યુટર અને સેન્સર્સ ધ્વારા કરવામાં આવતુ હોવાથી, ઉંચી ગુણવતાગવાળા કટફલાવર્સ મેળવી શકાય છે જેનો ઉપયોગ પરદેશમાં નિકાસ અર્થે કરવામાં આવે છે અને સારૂં એવું વિદેશી હૂંડિયામણ મેળવી શકાય છે. જેમાં ફૂલછોડમાં ખાસ કરીને ઈંગ્લીશ ગુલાબની વિવિધ જાતો, ક્રિસેન્થીમમની જુદી જુદી જાતો, જર્બેરા, કાર્નેશન, ગ્લેડીયોલસ વગેરે છોડ ઉછેરી શકાય છે. ઉચ્ચ કક્ષાનું પ૦૦ ચો.મી. વિસ્તારના ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ આશરે રૂા. ૮ થી ૯ લાખ જેટલો થાય છે.

ગ્રીનહાઉસના બાંધકામ માટે કોક્રીટના પાયાની જરૂરિયાતઃ


  1. તેના પર દબાણબળને પવનબળ લાગતુ હોઈ પાયો સલામત રીતે ગ્રીનહાઉસનો ભાર જમીન પર ઝીલી શકે તેવો હોવો જોઈએ.
  2. જમીનની સપાટીથી ૭પ સે.મી. ઉંડે સુધીનો ૧ ફૂટ ગોળાઈવાળો પાયો બનાવવો જોઈએ.
  3. પાયો મજબૂત રીતે બનાવવો જોઈએ.
  4. પાયામાં જતા જીઆઈ પાઈપની નીચે બેઝ પ્લોટનું (પ ઈંચ વ્યાસ) વેલ્ડીંગ કરવામાં આવે છે.
  5. સિમેન્ટ, રેતી, કપચીનું પ્રમાણ ૧ઃરઃ૪ પ્રમાણે લેવામાં આવે છે.

ગ્રીનહાઉસ બાંધકામઃ


  1. વેન્ટિલેશન વધુ અસરકારક હોવા જોઈએ. દિવાલની બાજુના અને મોભના વેન્ટિલેશન ખુલ્લા રાખવા જોઈએ જયાં સરેરાશ વધુમાં વધુ ઉષ્ણ તાપમાન ર૭૦ સે. થી વધુ હોય ત્યાં મોભાના વેન્ટિલેશન બનાવવા જરૂરી છે.
  2. હૂંફાળા અને ભેજવાળા વિષયવૃતિય હવામાનમાં વેન્ટિલેશન કાયમી ધોરણે ખુલ્લાં રાખવા જોઈએ.
  3. ધૃવિય વિસ્તારોમાં છોડને અતિ નીચા ઉષ્ણતામાન સામે રક્ષણ આપવા માટે વેન્ટિલેશન બંધ રાખવા જોઈએ.
  4. જો જરૂર જણાય તો પક્ષીઓ અને કીટકોને અંદર આવતાં અટકાવવા વેન્ટિલેશન પર જાળીઓ (નેટ) લગાડવી.
  5. ગ્રીનહાઉસના કદની સરખામણીમાં જમીનનું ભોંયતળિયું વધુ મોટું હોવું જોઈએ અને તેમાં ઉંદર કે અન્ય પ્રાણીઓ ન જઈ શકે તેવી રચના કરવી જોઈએ.
  6. વરસાદના પાણીનો નિકાલ કરવા માટે ગટરની વ્યવસ્થા કરવી જરૂરી છે.
  7. ગટર ઓછામાં ઓછી અંદાજે ૪.૬ મીટર ઉંચે હોવી જોઈએ.
  8. ગ્રીનહાઉસના છાપરાથી બાજુઓની દિવાલો ઢંકાઈ જવી જોઈએ. જેથી પાણી ગ્રીનહાઉસમાં દાખલ થતું અટકી શકે.
  9. ગ્રીનહાઉસનું બાંધકામ એરોડાઈનેમિક આકારવાળું હોવું જોઈએ જેથી એ પવન સામે પૂરતું રક્ષણ મેળવી શકે અર્થાત એની ઉતર અને દક્ષિણ ભાગ ર્હાર્કીસ્ટીક કોરીડોરવાળો હોવો જોઈએ.
  10. પાયાનું બાંધકામ ગેરંટીવાળું, પવન સામે ટકકર જીલે તેવું અને કાટ કે કહોવાઈને નુકશાન ન થાય તેવું હોવું જોઈએ. પ્લાસ્ટિક ફિલ્મ પવન સામે ટકકર ઝીલે તેવી હોવી જોઈએ. તેને સખત રીતે ખેંચીને બાંધવી જોઈએ.
  11. જયાં ઉંચી મજૂરી ચૂકવવી પડતી હોય તેવા વિસ્તારોમાં સાદી પધ્ધતિ વડે ફિલ્મ બાંધવી જોઈએ.
  12. જયાં વ્યાપક કિરણોનું પ્રમાણ છે ત્યાં પણ ઓછામાં ઓછા બે વર્ષ ચાલી શકે તેવી પ્લાસ્ટિક ફિલ્મ વાપરવી જોઈએ.
  13. લોખંડ વાપરેલ હોય તેવો ભાગોને સૂર્યના કિરણોત્સર્ગ સામે રક્ષણ આપવા માટે ઈન્શ્યુલેશન કરવું જરૂરી છે. આ માટે વ્હાઈટ પ્લાસ્ટિક પટૃીનો અથવા સફેદ કલરનો ઉપયોગ કરવામાં આવે છે.
  14. પ્લાસ્ટિક ફિલ્મની પહોળાઈ જે તે દેશમાં બનતી બનાવટો પ્રમાણે મળી રહે છે. નાના કે વિશાળ ગ્રીનહાઉસ માટે ખેંચીને પૂર્વ – પશ્ચિમ લંબાઈ શકાય તેવી ફિલ્મ વાપરવી જોઈએ.
  15. હવામાં ભેજનું પ્રમાણ વધે નહી અને રોગોનો ચેપ ન લાગે તે માટે પાણીની બચત થાય તેવી પિયત અપનાવવી જોઈએ.
  16. જયાં નહેરનું પાણી ઉપલબ્ધ હોય તેવા સ્થળે ગ્રીનહાઉસની પસંદગી થવી જોઈએ કારણ કે નહેરના પાણીની ગુણવતા ખૂબ સારી હોય અને જો આ પાણીને તળાવમાં સંગ્રહ કરીને તેનો ઉપયોગ પિયત માટે કરીએ તો આર. ઓ. પ્લાન્ટની પણ જરૂર રહેતી નથી. તળાવોમાં પાલિથીલીન શીટનો ઉપયોગ કરવો જરૂરી છે જેથી સંગ્રહ કરેલું પાણી જમીનની અંદર ઉતરી ન જાય.

ગ્રીનહાઉસના બાંધકામમાં વપરાતાં માલસામનની વિગત


માલસામનનું નામ

વિગત

પાયાના પાઈપ

૩'' (વ્યાસ)

કોલમ પાઈપ

૩.પ '' (વ્યાસ)

બીમ પાઈપ

ર'' (વ્યાસ)

કમાન (આર્ચેસ)

૧.પ'' (વ્યાસ)

પર્લીન

૧.પ'' (વ્યાસ) અને ૧'' (વ્યાસ)

ગટર

વગર જોડાણવાળી ટ્રેપેઝોઈડલ આકારની બી ગ્રેડના આઈએસઆઈ માર્કાવાળી જીઆઈ પતરાની બનેલી હોવી જોઈએ.

ફલેપર

૦.૭પ '' (વ્યાસ)

કોરીડોર અને હોકીસ્ટીક

૧.પ'' (વ્યાસ) અને ર'' (વ્યાસ)

શેડનેટ

સાઈડ વેન્ટિલેશન – ૭૦% શેડનેટ રૂફ શેડ– પ૦% શેડનેટ ગરમીમાં રૂફ શેડ સવારે ૯:૦૦ થી સાંજે પ.૩૦ વાગ્યા સુધી ઢાંકવી અને ઠંડીમાં સવારે ૧૧.૦૦ થી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી ઢાંકવી. જમીનથી શેડનેટની ઉંચાઈ ૪.૬ મી. હોવી જોઈએ.

ડ્રિપ પિયત પધ્ધતિ ડ્રિપર ડિસ્ચાર્જ– ર લિ./ કલાક ડ્રિપર સ્પેસીંગ – રપ થી ૩૦ સે.મી. મેઈન લાઈન સાઈઝ – ૪૦ મિ.મી. (વ્યાસ) લેટરલ સાઈઝ– ૧૩ મી.મી. (વ્યાસ) ચલાવવા માટે પ્રેસર –૧.પ કિ.ગ્રા. / સે.મી.

ફોગર

સાઈઝ–૭.પ લિ./કલાક સ્પેસીંગ – ૪ મી × ૪ મી પ્રેસર –૪ કિગ્રા/ સેમી ચલાવવાનો સમય ઉનાળામાં ૧પ મિનિટના અંતરે ર મિનિટ માટે ચલાવવું, ઠંડીમાં ૩૦ મિનિટના અંતરે ર મિનિટ માટે ચલાવવું.

ભેજનું પ્રમાણ

૭૦ % થી ૭પ %

તાપમાન

ર૬૦ સે. થી ૩ર૦ સે. (બહારના તાપમાન કરતાં પ૦ ઓછું)

જોડાણ અને કલેમ્પઃ

કલેમ્પસ અને કલીપોનો ઉપયોગ કરી વિવિધ ભાગોને જોડી જુદા– જુદા પ્રકારના બાંધકામ કરી શકાય છે. ભાગોને વેલ્ડીંગ કરી જોડવા ન જોઈએ. તે એકબીજાના દબાણથી જોડાયેલા રહેવા જોઈએ.

છાયા માટે વપરાતી પ્લાસ્ટિક ફિલ્મ અને તેની વ્યવસ્થાઃ


ગ્રીનહાઉસમાં છાયા માટે ર૦૦ માઈક્રોન એટલે કે ૮૦૦ ગેજની યુ.વી. પોલીથીન ફિલ્મ વપરાય છે. જે આઈપીસીએલ, વડોદરા ધ્વારા બનાવવામાં આવે છે. તેની કિંમત આશરે ૪પ થી પ૦ રૂપિયા પ્રતિ ચો.મી. હોય છે.

  1. પ્લાસ્ટિક ફિલ્મ બાંધકામમાં ખેચીને ચુસ્ત રીતે લગાવવી જોઈએ.
  2. ફિલ્મ પવનમાં જોરથી ધ્રુજવી ન જોઈએ, જો એક વખત ફાટવા માંડે તો જલ્દીથી નાશ પામે છે.
  3. લાકડા સાથે ફિલ્મને ચીપો વડે બાંધવી ન જોઈએ કારણ કે તેમાં બદલતી વખતે સમય વધુ લાગે છે તેથી સ્કુ્રનો ઉપયોગ કરી ફિલ્મને સારી રીતે લાકડા સાથે બાંધવી જોઈએ. પ્લાસ્ટિક ફિલ્મને પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ કે સ્ટીક વડે બનાવેલ હૂકનો ઉપયોગ કરી બાંધવી જોઈએ. આ રીતથી જલ્દી લગાવી તેમજ દૂર પણ કરી શકાય છે. જો કે પધ્ધતિ પ્રમાણમાં વધુ ખર્ચાળ છે.
  4. તેનું સાદું નિરાકરણ ફિલ્મને સ્ટીલની સ્પ્રિંગથી બાંધવી તે છે.
  5. પ્લાસ્ટિક કલીપો, પાણી માટે વપરાતી પીવીસી પ્લાસ્ટિક પાઈપના ૧૦ થી ૧પ સે.મી. લાંબા ટુકડા કરી બનાવી શકાય છે. તે સિવાય પ્લાસ્ટિક ફિલ્મને લગાવી, ખેંચીને સ્ટીલની પાઈપ પર ગોળ વાળી ગટરમાં મૂકી દેવાથી પણ ઉપરોકત પ્રશ્ન નિવારી શકાય છે.
  6. ગ્રીન હાઉસના માળખા સાથે એકવાર પ્લાસ્ટિક ફિલ્મને લગાવ્યા બાદ તેેને ખેંચીને ટાઈટ કરવા માટે ફાસ્ટનિંગ સાધન બાંધકામના માળખા ઉપર પ્લાસ્ટિકના દોરડાં, પ્લાસ્ટિક સ્ટીલની પાઈપ પર વીંટાળી તેને ગટરમાં કે બાંધકામમાં રાખીને, યાંત્રિક ખેંચાણ સાધનો અને ઈન્ફલેટેડ લગાવવા તથા જાળવણી કરવા માટે તેને ફાસ્ટનિંગ સાધન વડે ખેંચી લગાવવાની બાબત મહત્વની છે. નવા ગ્રીન હાઉસ બનાવવા માટે દરેકે તેના બાંધકામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે કે જેથી ઓછા મજૂરી ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકાય તેમજ તેમાંના છોડને રક્ષણ આપી શકાય. ઉનાળાની ૠતુમાં ગ્રીનહાઉસમાં તાપમાન ઓછું કરવા માટે પ્લાસ્ટિક ફિલ્મ ઉપર સફેદ ચૂનાથી કલર કરવામાં આવે છે.

શેડિંગ અને નેટિંગઃ


મોટા ભાગના ફૂલોને છાંયો આપવો જરૂરી છે. આ માટે રંગીન નેટ વપરાય છે કે જેમાંથી હવાની અવરજવરમાં ઘટાડો થવો જોઈએ નહીં અને તેના કાણાં વધુ નાનાં હોવા જોઈએ નહીં.

ગ્રીનહાઉસમાં કીટકો દાખલ ન થઈ શકે તે માટે નેટને વેન્ટિલેશન આગળ ખેંચીને નેટ પવનથી હાલી ન શકે તે રીતે લગાવવી જોઈએ. નેટમાંના કાણાં (જાળી) કુેટલાં રાખવાં તેનો આધાર જે તે વિસ્તારમાં ઉપદ્રવિત જીવાતો ઉપર રહે છે જેની વિગત કોઠામાં દર્શાવેલ છે.

નેટમાંના કાણાંનું માપઃ

જીવાત

માઈક્રોન

ઈંચ

મેશ

પાનકોરીયું

૬૪૦

૦.૦રપ

૪૦

સફેદ માખી

૪૬ર

૦.૦૧૬

પર

મોલો

૩૪૦

૦.૦૧૩

૭૮

ફૂલોની થ્રિપ્સ

૧૯ર

૦.૦૦૭પ

૧૩ર

નેટ વાપરનાર દરેકે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નેટનો વપરાશ વેન્ટિલેશનની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે. જેમ નેટના કાણાનું માપ નાનું તેમ વેન્ટિલેશનની કાર્યક્ષમતા ઘટે છે.

વેન્ટિલેશનઃ

સારી ગુણવતાવાળા ફૂલો પેદા કરવા માટે વર્ષે દરમ્યાન વેન્ટિલેશનની કાર્યક્ષમતા સારી રહેવી જરૂરી છે. કુદરતી રીતે હવાની અવરજવર માટે વેન્ટિલેશનમાં પંખાનો ઉપયોગ કરવા કરતાં બાજુની દિવાલ અને છાપરા પરના વેન્ટિલેશન ખુલ્લા રાખવા સસ્તા પડે છે. પરંતુ જયાં કીટકોથી રક્ષણ મેળવવા માટે નેટ જરૂરી હોય ત્યાં વેન્ટિલેશનની કાર્યક્ષમતા ઘટે છે. કેટલીકવાર અસરકારક વેન્ટિલેશન માટે પંખા અને પેડ કુલિંગ જરૂરી છે. જો ગ્રીનહાઉસની કુલ પહોળાઈ રપ મીટરથી વધુ અને બહારનું સરેરાશ ઉષ્ણતામાન ર૭૦ સે. થી વધુ હોય તો મોભે વેન્ટિલેશન હોવા જરૂરી છે. ગ્રીનહાઉસના ભોંયતળીયાના વિસ્તાર કરતાં વેન્ટિલેશનનો વિસ્તાર રપ% વધુ રાખવો જોઈએ. હવાની અવરજવરનો દર ગ્રીનહાઉસના કદ કરતાં પ થી ૬ ગણો પ્રતિ કલાક હોવો જોઈએ.

પવન સામે પ્રતિકારક કરી શકે તેમ વ્યવસ્થિત રીતે લગાવેલ રોલ–અપ વેન્ટિલેશન ઘણા દેશોમાં વધુ અસરકારક જણાયાં છે. પાઈપ પર લગાવેલ પ્લાસ્ટિક ફિલ્મ સમક્ષિતિજ રીતે રહે તેમ રાખવી અગત્યની છે. તેને ઉભા ટેકા સાથે એવી રીતે ફીટ કરવી જોઈએ કે જેથી પવનથી હાલી કે ખસી શકે નહીં. આ માટે દોરડાં કે સ્ટીલના તાર વડે ખેંચીને બાંધવી જોઈએ. સ્ટીલનાં દાંરડાં કે તાર વાપરીએ ત્યારે પ્લાસ્ટિક ફિલ્મને ધસારાથી નુકશાન ન થાય તે માટે તેને વાળી શકાય તેવી પ્લાસ્ટિક પાઈપથી રક્ષણ આપવું જોઈએ. ગ્રીનહાઉસના છેડે અંદાજે ૧ મીટર પ્લાસ્ટિક ફિલ્મ ખેંચીને તળીયા સુધી લગાવવી જોઈએ.

ભેજ નિયંત્રણઃ

ભેજનું પ્રમાણ ૪૦% થી ઓછું રહેવુ ના જોઈએ (૭પ–૮૦ ટકા ભેજ રહેવો જોઈએ) તેના કારણે કેટલાક પાકો ઉપર અસર થાય છે. જેથી ગ્રીનહાઉસની અંદર ફોગ (ઝાકળ) સીસ્ટમ ધ્વારા ભેજ કે પ્રમાણ વધારવું જોઈએ. આવા સમયે ગ્રીનહાઉસમા ભેજનું પ્રમાણ વધારવા માટે ગ્રીનહાઉસના વેન્ટિલેશન બંધ કરી દેવા જોઈએ, અથવા બાષ્પીભવન ધ્વારા ઠંડક (ઈવોપેરીટીવ કુલિંગ) પધ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.

તાપમાનઃ


ગ્રીનહાઉસમાં ઓછામાં ઓછુ સરેરાશ તાપમાન ૧ર૦ સે. વધુમાં વધુ સરેરાશ તાપમાન ર૬૦ સે. આખા વર્ષ દરમ્યાન હોવું જોઈએ. જે વિસ્તારથી તાપમાન ૧પ૦ સે. થી ઉપર રહે તેવા વિસ્તારમાં વેન્ટિલેશન કાયમી ખુલ્લા રાખવા જોઈએ અને કીટકથી રક્ષણ માટે ઉપર નેટ લગાવવી જોઈએ અને જે વિસ્તારમાં તાપમાન ૧ર૦ સે. અથવા એનાથી ઓછું રહેતુ હોય ત્યાં બાજુની દિવાલ પર વેન્ટિલેશન રોલઅપ પ્રકારના વાપરવા જોઈએ. ગ્રીનહાઉસની અંદર તાપમાન રાત્રી દરમ્યાન ઉંચું રાખવા માટે બંધ કરી શકાય તેવા મોભના વેન્ટિલેશન વાપરવાની ભલામણ છે.

લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate