ફૂલોની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી, જાળવણી કરવી તેમજ સુશોભિત ફુલછોડ ઉગાડી સુંદર બગીચાઓનું આયોજન કરવું એ વિજ્ઞાનની શાખાને પુષ્પવિજ્ઞાન કહેવામાં આવે છે. ભારતમાં સદીઓથી ફૂલોને ઉગાડવામાં આવી રહયા છે.
પુષ્પોને તેના ઉપયોગને આધારે બે ભાગમાં વહેંચી શકાય છે જેવા કે દાંડી વગરના પુષ્પો (લૂઝ ફલાવર) અને દાંડીવાળા પુષ્પો (કટ ફલાવર). દાંડી વગરના પુષ્પોનો ઉપયોગ હારતોરણ, સ્ત્રીઓના કેશ શ્રૃંગાર, પૂજાપાઠ વગેરે માટે થાય છે જેમાં દેશી ગુલાબ, ગલગોટા, મોગરા, લીલી, ગેલાર્ડીયા, સેવંતી, કોસેન્દ્રા વગેરેનો સમાવેશ થાય છે જયારે દાંડીવાળા પુષ્પો ઘર તથા ઓફિસના સુશોભન કે ફૂલોની કલાત્મક ગોઠવણીમાં તેમજ ભેટ માટેના બુકે કે ટોપલી બનાવવામાં વપરાય છે. આ પુષ્પોમાં હાઈબ્રીડ ગુલાબ, ગ્લેડિયોલસ, સેવંતી, કાર્નેશન, રજનીગંધા, દાંડીવાળા ગલગોટા, જર્બેરા, એસ્ટર, ગોલ્ડન રોડ વગેરે છે.
આપણા દેશમાં લોકોની આર્થિક સ્થિતિ તેમજ સામાન્ય જીવન ધોરણમાં મોટું પરિવર્તન આવ્યું છે અને મોજશોખમાં વધારો થયો છે જેના પરિણામે પુષ્પોનું બજાર સુધર્યુ છે. ફુલોની માંગ વધી છે, ભાવો ઉંચા ગયા છે જેના ફળ સ્વરૂપે ફૂલોની સામાન્ય ખેતીમાંથી ફૂલોનો ઉદ્યોગ વિકસિત થઈ રહયો છે. આપણા દેશમાં વિવિધ પ્રકારનું વાતાવરણ હોઈ વિવિધ પ્રકારના ફૂલો દેશના જુદા જુદા ભાગોમાં આસાનીથી ઉગાડવાનું શકય બન્યું છે. વળી, સરકારની સબસીડી માટેની ઉદારનીતિઓ, બેંકો દ્વારા ધિરાણ અને ખેડૂતોની સાહસિક વૃત્તિઓને પરિણામે પણ દેશમાં અને રાજયમાં ફુલ ઉદ્યોગના વિકાસને વેગ મળેલ છે. રસ્તાઓના વિકાસને લીધે વાહન વ્યવહારમાં અદ્યતન સુધારો આવવાથી દેશના ખૂણે ખૂણે દરેક પ્રકારના ફૂલો લભ્ય બન્યા છે. છેલ્લા દાયકામાં મોટા શહેરોમાં પુષ્પ ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે.
ગુજરાતમાં હાલમાં અંદાજે ૧૭,૦૦૦ હેકટર વિસ્તારમાં ફૂલોની ખેતી થાય છે. જેમાંથી ૧,૪૯,૦૦૦ મેટ્રીક ટન છુટા ફુલોનું અને અંદાજીત ૭૦૦૦ લાખ જેટલા દાંડીવાળા (કટ ફલાવર)નું ઉત્પાદન થાય છે. ફૂલ ઉગાડતા જીલ્લાઓમાં વડોદરા, અમદાવાદ, સુરત, ખેડા, નવસારી મુખ્ય છે જયારે ગાંધીનગર, ભરૂચ, વલસાડ અને રાજકોટમાં પણ થોડા પ્રમાણમાં ફુલોની ખેતી થાય છે. હાલમાં ગુજરાતમાં અંદાજિત ૭૦૦ હેકટર જમીન પર ગ્રીનહાઉસ ટેકનોલોજી દ્વારા ખેતી કરવામાં આવે છે. જેમાં ૧પ થી ર૦% વિસ્તારમાં ફૂલપાકોની ખેતી થાય છે. આ વિસ્તાર થોડા જ વર્ષોમાં ૧૦૦૦ હેકટર સુધી પહોંચે તેવી શકયતા છ.જે ફૂલોની ખેતીના કુલ વિસ્તારના ૬૬% જેટલા વિસ્તારમાં પરંપરાગત ફૂલો જેવા કે ગલગોટા, મોગરા, ગુલાબ, સેવંતી , રજનીગંધા, જેવા ફૂલોનું વાવેતર થાય છે. દાંડીવાળા ફૂલો જેવા કે, ઓર્કિડ, જર્બેરા, હાઇબ્રિડ અને ડચ ગુલાબ જેવા ફૂલોનો વિસ્તાર ૩૩% જેટલો છે. જે હજુ વધવાની સંભાવના છે. આ ફૂલો નિકાસ માટે તેમજ સ્થાનિક બજાર માટે વપરાય છે. ગ્રીનહાઉસ ટેકનોલોજી દ્વારા આખા વર્ષ દરમ્યાન ઉત્તમ ગુણવત્તાવાળા ફૂલોનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે.
ગુજરાતમાં ઉગાડાતા મુખ્ય ફૂલોમાં ગુલાબ, ગલગોટા, મોગરા, લીલી, ગ્લેડીયોલસ, રજનીગંધા, સેવંતી (વીજળી) ગોલ્ડન રોડ જે ખુલ્લા ખેતરમાં ઉગાડવામાં આવે છે. જયારે જર્બેરા, ગુલાબ જેવા પાકો ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવે છે. ગુજરાતમાં અન્ય નવા ફૂલપાકો જેવા કે હેલીકોનિયા, ઓર્કિડ, બર્ડ ઓફ પેરેડાઈઝ, એન્થુરીયમ જેવા નવા ફૂલપાકોની પણ શકયતાઓ રહેલી છે. જે અંગે નવસારી કૃષિ યુનિવર્ષિટી ખાતે સંશોધન ચાલી રહેલ છે.
દરેક રાજયોમાં ફૂલો ઉગાડવાની પરંપરા છે. પરંતુ તેની વેપારી ધોરણે ખેતી મોટા પાયે ફકત અમુક રાજયોમાં જ કરવામાં આવે છે. જેમાં તામિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ મુખ્ય છે. મોટા ભાગના પુષ્પોની ખેતી ખુલ્લા વાતાવરણમાં કરવામાં આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષના ગાળામાં નિકાસલક્ષી ફૂલોના સંરક્ષિાત ખેતીના એકમો વધ્યા છે. ભારતમાં દાંડી વગરના પરંપરાગત છૂટા ફૂલોનું ઉત્પાદન પ્રતિવર્ષ લગભગ ૧૭ર૯ હજાર મેટ્રીક ટન અને કટ ફલાવર (દાંડીવાળા ફૂલો) નું ઉત્પાદન લગભગ ૭૬,૭૩૧ લાખ ફૂલો થાય છે. વર્ષ ર૦૧ર-૧૩ દરમિયાન ભારતમાંથી ર૭,૧ર૧ મેટ્રીક ટન ફૂલો અને તેની વિવિધ બનાવટોની નિકાસ કરવામાં આવેલ છે, જેની કિંમત ૪ર૩.૪૬ કરોડ જેટલી થાય છે. ભારતમાંથી મુખ્યત્વે અમેરિકા, નેધરલેન્ડ, જર્મની, ઈગ્લેન્ડ, જાપાન, કેનેડામાં ફૂલો અને તેની વિવિધ બનાવટોની નિકાસ થાય છે.
ભારતમાં ફૂલોના માર્કેટનો નોંધપાત્ર વિકાસ ફૂલોની નિકાસને આભારી છે, પરંતુ હજુ તે વિશ્વ બજાર માટે નહીવત ગણી શકાય, છતાં નિકાસલક્ષી ફૂલોના માર્કેટમાં છેલ્લા પ-૬ વર્ષમાં ખૂબ જ વધારો નોંધાયો છે. ખાસ કરીને કટ ફલાવરનો નિકાસમાં એકદમ ઝડપી વધારો થયો છે. આ નિકાસલક્ષી વિકાસનું કારણ એ છે કે ભારતમાં જુદા જુદા સ્થળો જેવા કે, બેંગ્લોર, હૈદરાબાદ, પુના, દિલ્હીની આજુબાજુ ઘણા ફૂલોના નિકાસલક્ષી એકમો શરૂ થયા છે. જેમાં મુખ્ય ઉત્પાદન ગુલાબનું છે. બીજા ફૂલો જેવા કે જર્બેરા, કાર્નેશન, લીલીયમ, ઓર્કિડનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. આપણા ફૂલોનું મુખ્ય માર્કેટ યુરોપ અને જાપાન છે. કટ ફલાવર્સ સિવાયની ફૂલોની બીજી પેદાશોનું મુખ્ય માર્કેટ અમેરિકા છે.
સ્ત્રોત: આઈ ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020