অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઈંડા માટેના મરઘાંઓની આહાર વ્યવસ્થા

ઈંડા માટેના મરઘાંઓની આહાર વ્યવસ્થા

મરઘાં પાલન વ્યવસાયમાં ઈંડા ઉત્પાદનના કુલ ખર્ચમાં ૭૦% જેટલો ખર્ચ આહાર પાછળ થાય છે. ત્રણ દાયકાથી ઈંડા માટેના મરઘાંઓની ઉત્પાદન ક્ષમતામાં ઉતરોત્તર વધારો થયેલ છે. જે માટેના કારણો જોઈએ તો સારી જાતના પક્ષીઓની ઉપલબ્ધતા, વિવિધ વિસ્તારોના વાતાવરણમાં આ પક્ષીઓનો સાનકુળ ઉછેર, ઉછેરની પદ્ધતિ, આર્થિક રીતે પોષણક્ષમ સતોલ આહાર અને મરઘા આહાર વ્યવસ્થાપન છે. જેથી ઈંડા માટેના મરઘાંમાં ખૂબ જ સારુ નફાકારક ઈંડા ઉત્પાદન લાંબા સમય સુધી મેળવી શકાય છે.

ઈંડા માટેના મરઘાંઓમાં જુદી જુદી ઋતુઓ અને વિવિધ વાતાવરણમાં પોષણની જરૂરિયાતોમાં ફેરફાર થતો હોય છે. ઉનાળામાં પક્ષીઓ ઓછો આહાર ખાતા હોવાથી વધારે માત્રામાં પોષક તત્વો યુક્ત આહાર આપવો તેમજ મરઘાં ઘરોમાં તાપમાન નિયંત્રણના પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી બને છે. તેવી જ રીતે શિયાળામાં પક્ષીઓ વધુ આહાર ખાતા હોવાથી આહાર મિશ્રણમાં ફેરફાર કરીને પોષક તત્વોની માત્રામાં ઘટાડો કરવો જોઈએ તેમજ મરઘાં આહાર વપરાશ દર પર પુરતુ ધ્યાન રાખવાથી પક્ષીઓને જરૂરી પ્રમાણમાં આહારની સાથે સપ્રમાણમાં પોષક તત્વો પૂરા પાડી શકાય અને સારું ઈંડા ઉત્પાદન મેળવી શકાય.

મરઘાં આહાર માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

ઈંડા માટેના મરઘાંઓમાં જુદી જુદી ઉંમરે આપવામાં આવતા મરઘાં આહાર માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

  1. મરઘાં આહારમાં પોષક તત્વો પૂરતા પ્રમાણમાં અને શરીરમાં શોષાઈ શકે તેવા સ્વરૂપમાં હોવા જોઈએ.
  2. મરઘાં આહારનો સ્વાદ, રંગ, ગંધ અને સ્વરૂપ પક્ષીઓને અનુકુળ હોવો જોઈએ.
  3. મરઘાં આહાર ક્યારેય બારીક ભૂકાવાળો હોવો જોઈએ નહી.
  4. મરઘાં આહારમાં વપરાતો સોયાબીનનો ખોળ યોગ્ય રીતે શેકાયેલ હોવો જોઈએ, સોયાબીનનો ખોળ બનાવતી વખતે ઓછી કે વધુ પડતી ગરમીના કારણે ખોળના પોષક તત્વો ખાસ કરીને લાઈસીન જેવા એમિનો એસિડની માત્રામાં ઘટાડો થાય છે.
  5. આદર્શ મરઘાં આહાર રોગકારક સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે ઈ.કોલાઈ, સાલ્મોનેલ્લા, કલોસ્ટ્રીડીયમથી મુક્ત તથા નુકસાનકારક રસાયણો અને વિષજન્ય તત્વો (ખાસ કરીને આફલાટોકસીન) રહિત હોવો જોઈએ.
  6. મરઘાં આહારમાં પશુઓની ઉપપેદાશો જેવી કે માંસનો ભૂકો અથવા માછલીનો ભૂકો વગેરે વપરાશમાં લેવાના થતા હોય તો તે ઉપરોક્ત તમામ પ્રકારના દૂષણોથી મુક્ત હોવા જોઈએ.
  7. મરઘાં આહારમાં કેલ્શિયમના સ્ત્રોત તરીકે વપરાતા છીપલા અથવા માર્બલનો ૨/૩ ભાગ ટુકડા (૨.૫ થી ૩.૫ મિ.મી. કદના) સ્વરૂપે જયારે ૧/૩ ભાગ પાઉડર સ્વરૂપે ઉમેરવો જોઈએ.
  8. સંગ્રહ, પરિવહન અને વિતરણ સમયે મરઘાં આહાર પ્રદૂષિત ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. અન્ય પક્ષીઓ અને ઉંદર મરઘાં આહાર પ્રદૂષિત ન કરે તેની યોગ્ય કાળજી રાખવી.
  9. જો મરઘાંપાલકો મરઘાં આહાર જાતે બનાવતા હોય તો મરધાંની ઉંમર, મરધાંનું વજન, આહારનો વપરાશ, ઈંડા ઉત્પાદનનું સ્તર અને ઋતુઓને ધ્યાને લઈને મરઘાં આહાર બનાવવો જોઈએ.
  10. પોષણક્ષમ આહાર આપવાથી સારા ઉત્પાદનની સાથે પક્ષીઓની રોગપ્રતિકારક ક્ષમતા પણ જાળવી શકાય છે અને વિવિધ પ્રકારના તાણની અસરો ઓછી કરી શકાય છે.
  11. નાના બચ્ચાંના આહારમાં મહત્તમ ૫ % તથા ઉછરતા પક્ષીઓ અને ઈંડા આપતી મરધીઓના આહારમાં મહત્તમ ૭ % પ્રમાણે રેસા (ફાયબર) હોવા જોઈએ.
  12. ઉનાળા દરમિયાન બ્રોઈલર પક્ષીઓને ગરમીથી થતા તાણની અસરને અટકાવવા આહારમાં વિટામિન સી, ખાવાના સોડા (સોડિયમ બાયકાર્બોનેટ), બીટેઈન તેમજ ક્રોમિયમ યોગ્ય માત્રામાં ઉમેરવા.
  13. મરઘાં આહારમાં સોડિયમ, કલોરાઈડ અને પોટેશીયમ આયનની માત્રા સંતુલિત રહે તે રીતે મીઠું (સોડિયમ કલોરાઈડ) અને ખાવાનો સોડા સોડિયમ બાયકાર્બોનેટ) ઉમેરવા.

જુદી જુદી ઉંમરના મરઘાંઓ માટેના આહાર

નાના બચ્ચાંનો આહાર (ચીક ફીડ /સ્ટાર્ટર ફીડ) :

ચીક ફીડ નાના બચ્ચાંઓને એક દિવસની ઉંમરથી ૮ અઠવાડિયા (બચ્ચાં પ૮૦ થી ૬% ગ્રામ વજનના થાય) સુધી આપવો જોઈએ, ચીક ફીડ ઉંમર આધારિત આહાર નથી પરંતુ બચ્ચાંના વજન ધારણ આધારિત સુધી આપવો. જો નાના બચ્ચાંઓને ભૂકો મિશ્રણ (મેશ) પ્રકારના આહાર કરતા દાણાદાર (ક્રમ્બલ) પ્રકારનો આહાર આપવામાં આવે તો બચ્ચાંનું વજન ઝડપથી વધે છે. જેથી શરૂઆતમાં બચ્ચાંના શરીરનો આહાર ચીક ફીડ-૧ અને ચીક ફીડ-૨ એમ બે ભાગમાં વહેંચી શકાય છે જે અનુક્રમે ૪ અઠવાડીયા સુધીના બચ્ચાં (બચ્ચાંના ૨૩0 ગ્રામ વજન સુધી) અને પછીના પ થી ૯ અઠવાડિયા સુધીના બચ્ચાં (બચ્ચાંના ૬૭૦-૭00 ગ્રામ વજન) ને આપી શકાય છે.

ઉછરતા પક્ષીઓનો આહાર (ગ્રોવર ફીડ) :

આઠ અઠવાડિયાથી વધુ ઉંમરના ઉછરતાં પક્ષીઓને ગ્રોવર કહે છે. તેને આપવામાં આવતો ગ્રોવર ફીડ પ્રકારનો આકાર પક્ષીઓ ૧ કિ.ગ્રા. વજન ધારણ કરે ત્યાં સુધી એટલે કે આશરે ૧૦ થી ૧૫ અઠવાડિયાની ઉંમર સુધી આપવામાં આવે છે. જો ઉછરતાં પક્ષીઓનું વજન ૧૫ અઠવાડિયાની ઉંમરે ૧ કિ.ગ્રા. થી ઓછું હોય તો પક્ષીઓને વધુ એક અઠવાડિયા સુધી ઓવર ફીડ પ્રકારનો આહાર આપવો જરૂરી છે.

ઈંડા મૂકવાની શરૂઆત પહેલાંના સમયનો આહાર (પ્રીલેયર ફીડ) :

ઈંડા આપતી મરઘીઓને ઈંડા મૂકવાની શરૂઆતમાં જયારે પક્ષીઓનું સરેરાશ વજન ૧ કિ.ગ્રા. થી વધુ થાય ત્યારે પ્રીલેયર ફીડ (૨.૫ % કેલ્શિયમ વાળો) આપવું જોઈએ. જેનો સમયગાળો સામાન્ય રીતે બે થી ત્રણ અઠવાડિયાનો હોય છે. આ પ્રકારનો આહાર આપવાથી મરધીઓના હાડકાં મજબૂત બને છે જેથી ઈંડા ઉત્પાદન સમયે મજબૂત કોચલાવાળા ઈંડા આવે છે અને મરધીઓમાં નબળાઈ આવતી નથી. આ આહારે ફુલ મરઘીઓમાંથી પ% મરધીઓ ઈંડા આપવાનું શરૂ કરે ત્યાં સુધી આપવો.

ચીક ફીડ-૧, ચીક ફીડ-૨, ગ્રોવર ફીડ અને પ્રીલેયર ફીડ માટેના પોષક્તત્વોની જરૂરિયાત કોઠામાં દર્શાવેલ મુજબ પુરી પાડવી જોઈએ.

પ્રથમ તબક્કો (લેયર ફેજ-૧) :

લેયર પક્ષીઓને ૨૦ થી ૪૦ અઠવાડિયા દરમિયાન લેયર ફેજ-૧ પ્રકારનો આહાર આપવામાં આવે છે. આ આહારમાં ૧૬ % પ્રોટીન, ૨૨00 કિલો કેલરી/ કિ.ગ્રા. મેટાલાઈજેબલ એનર્જી, ૦.૭૦ % લાયસીન, ૦.૬૨ % મીથીયોનીન+ સીસ્ટીન, ૪.૨ % કેલ્શિયમ અને ૦.૪૪ % લભ્ય ફોસ્ફરસ હોય છે જેથી ઈંડાનું મહત્તમ ઉત્પાદન અને ઈંડાનું પુરતું વજન મળી રહે છે.

બીજો તબક્કો (લેયર -ર)

લેયર ફેજ પ્રકારનો આહાર ૪૦ થી ૬૦ અઠવાડિયાની ઉંમરના પક્ષીઓને આપવામાં આવે છે. આ આહારમાં ૧૪ % પ્રોટીન, ૨પપ૦ કિલો કેલરી કિ.ગ્રા. મેટોબલાઈજેબલ એનર્જી, ૦.૬૧% લાયસીન, ૦.૫૫ % મીથીયોનીન + સીસ્ટીન, ૪.૦% કેલ્શિયમ અને ૦.૪૦ % લભ્ય ફોસ્ફરસ હોય છે. જેથી ઈંડાનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાય અને ઈંડાના વજન પર અંકુશ રાખી શકાય.

ત્રીજો તબક્કો (લેયર ફેંજ-3) :

લેયર ફેજ-3 પ્રકારનો આહાર ૬૦ થી ૮૦ અઠવાડિયાની ઉંમરના પક્ષીઓને આપવામાં આવે છે. આ આહારમાં ૧૩ % પ્રોટીન, ૨૪જી કિલો કેલરી, કિ.ગ્રા. મેટાબોલાઈબલ એનર્જી, ૦.૫૪ % લાયસીન, ૦.૪૬ % મીલીયોનીન+ સીસ્ટીન, ૩.૮ % કેલ્શિયમ અને ૦.૩૫ % લભ્ય ફોસ્ફરસ હોય છે જેથી ઈંડાનું મહત્તમ ઉત્પાદન ઓછી કિંમતે મેળવી શકાય છે અને ઈંડાના વજન પર અંકુશ રાખી પાતળા કોચલાવાળા ઈંડા આવતા અટકાવી શકાય.

આમ ઈંડા ઉત્પાદનના સમયગાળા દરમિયાન આહીરે, વપરાશ, ઇંડા ઉત્પાનનું સ્તર, ઈંડાનું વજન તેમજ પક્ષીના વજનને ધ્યાને લઈ તબક્કા વાર મરઘાં આહાર આપવાથી ઈંડા ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે.

લેયર ફેજ-૧, ફીડ, લેયર ફેજ-૨ ફીડ અને લેયર ફેજ-૩ ફીડ માટેના પોષકતત્વોની જરૂરિયાત કોઠામાં દર્શાવ્યા મુજબ પુરી પાડવી જોઈએ.

ઉનાળા દરમિયાન આહાર વ્યવસ્થામાં ધ્યાને લેવાના મુદ્દાઓ :

  1. ઉનાળા દરમિયાન પક્ષીઓની ભીનો કરેલો આહાર આપવો.
  2. ભીનો ખોરાક જે તે દિવસ પૂરતો બનાવી તે જ દિવસે પક્ષીઓ ખાઈ જાય તેની કાળજી રાખવી. વાસી અને પડી રહેલા ખોરાકમાં ફૂગ લાગવાથી પક્ષીઓમાં ફૂગજન્ય રોગો થાય છે.
  3. સવારના અને સાંજના સમયે ગરમીનું પ્રમાણ ઓછું હોય ત્યારે દિવસમાં બે વખત આહાર આપવો.
  4. ખોરાકના સાધનોમાં પડી રહેલો આહાર દિવસમાં વારંવાર ઉપર નીચે કરવાથી આહારનો વપરાશ વધારી શકાય છે.
  5. ઉનાળા દરમિયાન પક્ષીઓના આહારમાં શક્તિ, પ્રોટીન, વિટામિન્સ અને ખનીજ દ્રવ્યોનું પ્રમાણ આહાર વપરાશને અનુલક્ષીને સંતુલિત કરવું જોઈએ.
  6. આહારમાં તેલ (ફેટ) ઉમેરવાથી શરીરમાં ઉત્પન્ન થતી ગરમીમાં ઘટાડો થાય છે જેથી પક્ષીઓને ઉનાળા દરમિયાન જોવા મળતા તાણથી બચાવી શકાય છે.

ઈંડા મૂકતી મરઘીઓનો આહાર (લેયર ફીંડ)

ઈંડા મૂકતી મરઘીઓને આપવામાં આવતો આહાર પછીની ઉંમર, ઈંડા ઉત્પાદન અને ઈડાના વજનને ધ્યાને લઈને આપવામાં આવે છે. ઈંડા મુકતી મરધીઓના આહારને મરધીની ઉંમરને ધ્યાને લઈને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે જેના કારણે ઈંડાનું ઉત્પાદન, ઈંડાનું વજન અને ઈંડાની પડતર કિંમત જળવાઈ રહે છે. આ મરઘા આહાર કોઠામાં દર્શાવ્યા મુજબની પોષક તત્વોની માત્રાને ધ્યાને લઈ બનાવવો.

નોંધ :

  1. ઉપર દર્શાવેલ આહાર પક્ષીઓના વજનને ધ્યાને લઈને બનાવવો.
  2. ઉપર દર્શાવેલ પોષક તત્વોની માત્રા સામાન્ય પરિસ્થિતિ માટે છે. વાતાવરણ, પક્ષીની જાત અને આહાર વપરાશને ધ્યાને લઈને આહારનાં ઘટકોમાં ફેરફાર કરી શકાય છે.
  3. નાના બચ્ચાંઓને પાંજરા પદ્ધતિમાં ઉછેર સમયે ખોરાકમાં વધારાનું ૦.૦૫ મિ.ગ્રા./કિ.ગ્રા. બાયોટીન ઉમેરવું અથવા જયાં ખોરાકમાં જુવાર અથવા બાજરીનો ઉપયોગ થતો હોય ત્યાં પણ વધારાનું બાયોટીન ઉમેરવું.

જેવી રીતે મનુષ્યમાં પોષક તત્વોની ઉણપને લીધે જુદા જુદા રોગ થાય છે તેવી જ રીતે મરઘાઓમાં પણ પોષક તત્વોની ઉણપને લીધે વિવિધ પ્રકારના રોગો તેમજ શારીરિક ખામીઓ થતી હોય છે જેને લીધે મરઘીના ઈંડા ઉત્પાદનમાં માઠી અસર થાય છે અને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. ઘણી વખત આવા કારણોને લીધે મરઘાઓમાં મરણ પણ થાય છે જેથી આવું ન બને તે માટે પૂરતી કાળજી રાખવી જોઈએ. મરઘાંઓમાં પોષક તત્વોની ઉણપને લીધે થતી અસરો, રોગો વગેરેની માહિતી કોઠામાં દર્શાવેલ છે :

સ્ત્રોત : ડૉ. એફ. પી. સાવલિયા ડૉ. આર. એમ. રાજપુરા પોસ્ટ્રી સંકુલ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦ ફોન: (૦૨૬૯૨) ૨૬ ૨૩પર

કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate