સામાન્ય રીતે મધુપાલક કુદરતી પરીબળોમાં રાણી અને નરના ઉત્પાદનમાં કશો ફેરફાર કરી શકાતો નથી. પરંતુ એક સારી ગુણવત્તાવાળી રાણીનો ઉછેર કરવાથી તેમાંથી તૈયાર થતાં મજૂરોની કાર્યક્ષમતા ખૂબજ વધારે હોય છે. રાણી જૂની થાય ત્યારે કૃત્રીમ રીતે રાણી ઉછેરી ને નવી જુસ્સા વાળી રાણી ને તેવી વસાહતો માં દાખલ કરવામાં આવે તો વસાહતની ક્ષમતા વધતા વધારે મધ ઉત્પાદન કરીને વધુ નફો મેળવી શકાય છે તેમજ મીણ ની ફુંદી (વેકસમોથ)થી થતુ નુકસાન પણ ઓછુ કરી શકાય છે, આમ વસાહતો ની ક્ષમતા વધારવા માટે કૃત્રીમ રીતે રાણી ઉછેરવાની જરૂર પડે છે.
રાણી ઉછેર ની પધ્ધતિઓ
રાણી ઉછેર ની પધ્ધતિઓ વિશેની માહિતી આપવામાં આવી છે
મિલર પધ્ધતિ :
આ પધ્ધતિ માં કોમ્બ ફાઉનડેશન શીટ માં ઉંડો 'વી' આકારનો છેદ કરવામાં આવે છે. કે જે ચોકઠા(ફ્રેમ)ની પહોળાઈ નાં બે તૃતીયાંશ ભાગ નો હોય છે. આવી ફ્રેમ નો ફકત ઉપરનો જ તાર રાખી બાકીના નીચેના તાર કાપી નાખવા ત્યાર બાદ આવી ફ્રેમ ને પસંદ કરેલી રાણી વસાહતના બાળ ઉછેર કક્ષ મધ્ય ભાગમાં દાખલ કરવામાં આવે છે. આવી વસાહતમાં રહેલ મધમાખીઓને ખાંડની ચાસણી ખવડાવવામાં આવે છે. જેનાથી માખીઓ 'વી' આકારના છેદમાં મધપુડાના સેલ બનાવવાની કામગીરી કરવા પ્રેરાય છે. જેમાં રાણી ઈંડા મુકી શકે છે. જયારે આ કામગીરી પૂૂરી થઈ જાય ત્યારે આવી ફ્રેમને માતૃ વસાહત માથી કાઢી કોષ બાંધનાર વસાહતની મધ્યમાં દાખલ કરવામાં આવે છે. આવી વસાહત માં ઈંડાની ફ્રેમને દાખલ કરવાના ર૪ કલાક પહેલા સેલ બાંધનાર વસાહતમાંથી રાણી દૂર કરવી ખાસ જરૂરી છેતેમજ જૂની વસાહતમાં બધા ઈંડા અને ઈયળોને કાઢી નાખવા પણ જરૂરી છે. ત્યાર બાદ મધમાખીઓ, રાણીનો કોષ 'વી' આકારના મધપુડાની ધાર પર બનાવે છે.દશ દિવસ બાદ આવા બંધ કરેલા કોષને બીજે ઠેકાણે પસંદ કરેલ રાણી વગરની વસાહતમાં દાખલ કરવામાં આવે છે. આ પધ્ધતિ થી અનુકૂળ વાતાવરણમાં એક મધપુડા માંથી ૩૦ જેટલા રાણી કોષો તૈયાર કરી શકાય છે.
એલેય પધ્ધતિ :
આ પધ્ધતિમાં સંવર્ધક મધમાખીને નવા તૈયાર કરેલ મધપૂડામાં ઈંડા મુકવા માટે પ્રેરીત કરવામાં આવે છે.ઈંડા મુકયા બાદ ૩ દિવસે તેનું સેવન થાય છે અને મધપુડો લગભગ સીધી હારની પટીઓમાં વિસ્તરણ થયેલુ હોય છે. મધપૂડાની કોષ દિવાલ કે જેમાં ઈયળ હોય છે, જેને લીસી કરવા માટે કોષના આધારથી ૬ મિ. મી. નીચે રાખવી ત્યાર બાદ ત્રણ કોષમાંથી બે કોષ ને તેમાં રહેલ ઈયળો સાથે દિવાસળીની મદદથી દૂર કરવામાં આવે છે જેનાથી બે રોયલ કોષોને પુરતા પ્રમાણમાં જગ્યા મળી રહે છે. ત્યાર બાદ મધપુડાની કાપેલ પટીઓ કે જે ઈયળો ધરાવે છે તેને મધપૂડાની નીચેની ધારે ચોંટાડવી કે જે અગાઉથી જ અર્ધગોળાકાર રીતે સજજ હોય છે.આવી રીતે તૈયાર થયેલ ફ્રેમને સેલ બાંધનાર વસાહતમાં દાખલ કરવામાં આવે છે.
સ્મિથ પધ્ધતિ
આ એલેય પધ્ધતિની રૂપાંતરીત રીત છે જેમાં ઈંડા તેમજ નાની ઈયળોને ક્ષિતીજ સમાંતર લાકડાની આડ સાથે મીણથી ચોંટાડવામાં આવે છે. અને આવી આડને ફ્રેમમાં ઉપરની આડને સમાંતર બેસાડવામાં આવે છે આવી ફ્રેમને કોષ બાંધનાર વસાહતમાં દાખલ કરવામાં આવે છે જયાં કામદારો ધ્વારા તેમાં રહેલ ઈયળને રાણીના વિકાસને અનુરૂપ સેલ તૈયાર કરી ખોરાક પુરો પાડવામાં આવે છે. જીવનચક્ર પુર્ણ થતા તેમાંથી કુંવરી બને છે. જે સંભોગ બાદ રાણી નું બીરૂદ મેળવે છે.
હોપકીન પધ્ધતિ :
આ પધ્ધતિથી મોટા પ્રમાણ માં રાણી કોષો પ્રાપ્ત કરવામાં આવે છે. જયાં સુધી માતૃ વસાહત ઈંડાથી ભરાઈ ન જાય ત્યાં સુધી નવા મધપૂડાને બાળ ઉછેર કક્ષના ખંડમાં દાખલ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને કાઢી હુંફ વાળા રૂમમાં એક સમાંતર ટેબલ પર મુકવામાં આવે છે. ત્યાર બાદ મધપુડાની લાઈન સુધી ફકત ચોથી લાઈન છોડી ચાર કોષ માંથી ત્રણ કોષ અને ત્રણ માંથી બે ઈંડા દૂર કરવામાં આવે છે. આવી ફ્રેમને કોષ બાંધનાર વસાહતના બાળઉછેર કક્ષના ખંડમાં ઉપરની આડને સમાંતર મુકવામાં આવે છે. રાણી કોષના પૂરતા વિકાસ માટે મધમાખીઓને પૂરતી જગ્યા મળી રહે તે હેતુથી મધપૂડાની નીચેની બાજુ તાર વગરનું એક ખાલી લાકડાનું ચોકઠું(ફ્રેમ) મુકવામાં આવે છે. અને તેથી મધમાખીઓ રાણી કોષને વધારવાનું ચાલુ કરે છે. જયારે આ રાણી કોષનો વિકાસ થઈ જાય છે ત્યારે એને ચપ્પુથી કાપી રાણી વગરની વસાહત માં મુકવામાં આવે છે.
ગ્રાફટીંગ પધ્ધતિ
આ એક સરળ પધ્ધતિ છે જેનો ઉપયોગ વ્યાપારી ધોરણે રાણીનો ઉછેર કરનાર લોકો કરતા હોય છે. આ પધ્ધતિમાં કૃત્રીમ રાણીકોષ વાપરવામાં આવે છે. આ કોષ(કપ)માં નવી નિકળેલી ઈયળો કે જે ૧૬ કલોકથી ઓછા સમય ની હોય તેને પસંદ કરવામાં આવે છે. આ ઈયળો કોષોમાં છોડયા બાદ તેને રાણી વગરની એકજ વસાહતમાં મુકવામાં આવે છે. કામદાર માખીઓ આ ઈયળો માંથી રાણી ઉત્પન્ન કરવાની કામગીરીમાં લાગી જાય છે. આ પધ્ધતિથી એક સાથે ર૦ થી રપ કોષો તૈયાર કરી શકાય છે.
કાર્લજેન્ટર રાણી કોષ/કપ પધ્ધતિ :
રાણી કોષ/કપ ઉપકરણ પધ્ધતિ કાર્લજેન્ટર નામના વૈજ્ઞાનિકે શોધી છે. જેમાં ઈયળોને અડકયા વગર કપ મુકવામાં આવે છે. રાણી મધમાખી પ્લાસ્ટીક ના મધપૂડામાં ફલીત ઈંડા મુકવા પ્રેરીત કરવામાં આવે છે. જયાં મધપુડાના કોષો નીચે ખસેડી શકાય તેવા બદામી રંગના પ્લાસ્ટીક કોષ(કપ) તરફ વિસ્તરે છે. ઈંડા સેવાઈ જાય પછી આ પ્લાસ્ટીક કપને ઈયળ સાથે ખસેડી લેવામાં આવે છે અને રાણી ઉછેર ફ્રેમમાં કે જેમાં પ્લગ હોલ્ડર હોય છે ત્યા બેસાડવામાં આવે છે. ત્યાર બાદ આ ફ્રેમને રાણી વિહોણી વસાહતમાં રાખી દેવામાં આવે છે, જેથી સદર વસાહત સારી રીતે ઉછરી શકે અને મધ એકત્ર કરવાનું કામ કરી શકે.
મિનાક્ષી લુણાગરીયા ,ડો. સી. સી. પટેલ, કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ
સ્ત્રોતઃ-શીર્ષક: >મધમાખી પાલન
પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦
કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી