માત્ર પૈસા માટે ઝંપલાવવા કરતાં રસના વિષયમાં કરેલી મહેનત વધારે ઊગી નિકળે છે
તમે ગમે તેવી ડિગ્રીઓ મેળવો છતાં ખેતરમાં કામ કરવામાં નાનમ હોવી જોઇએ નહી આ શબ્દો ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષા પાસ કર્યા પછી નોકરી ફગાવીને કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાની ખાખર ગામમાં ખેતી કરતા અશોકસિંહ જાડેજાના છે.આ ઉપરાંત તેમના મોટા ભાઇ નરેન્દ્રસિંહે પણ સીએ ની ફાઇનલ એકઝામ આપીે નોકરી કરવાના સ્થાને ખેતીમાં ઝંપલાવ્યું છે.તેઓ દરરોજ સવારે બળદ જોડેલું ગાડુ લઇને ખેતરે જવા નિકળે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓછું ભણેલા અને નોકરીમાંથી રહી ગયેલા લોકો જ ખેતી કરે આ પરંપરાગત માન્યતા જે ખોટું સાબીત થયું છે. જે આજે ૫ કે ૭ હજારની નોકરી માટે ગામ છોડીને શહેરો તરફ દોટ મુકતા યુવાનો માટે પ્રેરણારુપ બન્યા છે.
એક માહિતી મુજબ ભારતમાં દરરોજ ૨ હજાર ખેડૂતો ખેતી છોડી રહયા છે.આવા સંજોગોમાં અમદાવાદ અને મુંબઇ જેવા શહેરોમાં રહીને ચાર્ટડ એકાઉન્ટન્ટની નોકરી કરી શકયા હોત તેના સ્થાને વતનમાં આવીને ખેતી કરવાનું પસંદ કર્યું હતું. અશોકસિંહ કહે છે મોટાભાઇ નરેન્દ્રસિંહેને તો સજીવખેતી કરવાની એવી લગની લાગેલી હતી કે તેમણે વિદેશ જવાની ઓફર પણ ફગાવી દિધી હતી.ત્યારબાદ હું પણ વર્ષ ૨૦૧૧માં અમદાવાદમાં મહિને ૨૫૦૦૦ રુપિયાના પગારની નોકરી છોડી વતન આવ્યો હતો.ખેતીમાં પડકારો વધતા જતા હોવાથી ઘણા ખેડૂત પરીવારો પોતાના સંતાનોને ખેતીથી દૂર રહેવાની સલાહ આપતા હોય છે ત્યારે ભણેલા ગણેલા બંને ભાઇઓએ ખેતી કરવાનું પસંદ કર્યું છે. રુપિયા હોય પરંતુ રસના હોય એવું કામ કરવાથી બોજ લાગતો હતો
રાજકોટમાં કોર્મસ ગ્રેજયુએટ થયા પછી બંને ભાઇઓ સીએની એકઝામની તૈયારી માટે બે વર્ષ મુંબઇ રહયા હતા.૨૦૧૧માં અશોકસિહે સી એ પાસ કર્યું હતું.જયારે તેમના મોટા ભાઇ નરેન્દ્રસિંહ સી એની ફાઇનલ સુધીની પરીક્ષા આપી ગામ પાછા આવી ગયા હતા.તેઓ કહે છે મને એમ થયા કરતું કે મારે રસના વિષયમાં આગળ વધવું હતું.સીએ થયા પછી પણ મારા રસનો વિષય ખેતી હોવાનું લાગ્યા કરતું હતું.આથી પૈસા ખાતર પડયા રહેવાના સ્થાને ગમતા એવા ખેતી વ્યવસાયમાં આવવાનું નકકી કર્યું હતું.આજે ૫૦ એકર જમીનમાં બંને ભાઇઓ મગફળી,બાજરી,ગુવાર તથા આંબા જેવા વિવિધ બાગાયતી પાકોની ઓર્ગેનિક ખેતી કરીને ખૂશ છીએ. તેઓ માને છે કે રસ ના હોય એવા વ્યવસાયમાં માત્ર પૈસા ખાતર ઝંપલાવવા કરતા રસના વિષયમાં મહેનત કરો તો ઉગી નિકળે છે. ખેતીમાંથી વર્ષે ૫ થી ૬ લાખની આવક સહેજ મળી રહે છે તેઓ વધુમાં કહે છે કે શહેર અભ્યાસ માટે સારુ તેમ છતાં ખરો આનંદ તો ગામડામાં જ આવે છે. સીએની નોકરી છોડીને પોતે ખેતી કરવાના લીધેલા નિણર્યનો કોઇ જ પસ્તાવો થતો નથી.ખેતીમાં અનેક પડકારો હોવા છતાં ૫ થી ૬ લાખની આવક સહેજ મળી રહે છે. આ બંને ભાઇઓ શાકભાજીના ભાવથી માંડીને બજારમાં વેચવા સુધીની મહેનત જાતે જ કરે છે. આ ઉપરાંત તેમણે ખેતી આધારિત પશુપાલન અપનાવીને ૪૦ જેટલી કાંકરેજ ગાયોની ગૌશાળા બનાવી છે. તેઓ ગાયના છાણનો જમીનમાં ખાતર તરીકે જયારે ગૌમૂત્રમાંથી જીવામૃત તૈયાર કરે છે. આ રીતે રાસાયણિક ખાતરો અને દવાઓ પાછળ થતો ખર્ચ બચાવે છે.
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024