આદિવાસી વિસ્તારમાં રાજય સરકાર વનબંધુઓના વિકાસમાં સક્રીય રહી છે. ખેડૂતો આધુનિક ટેકનોલોજી પદ્ધતિની સાથે ખેતી કરતા થાય તેવા નિર્ધાર સાથે દર વર્ષે કૃષિ મહોત્સ વનું આયોજન કરવામાં આવે છે. વર્ષની ત્રણેય ઋતુઓમાં જેનું આધિપત્યથ હોય છે એવા ટામેટા કે જેનું કચુંબર, રસ, સોસ, સૂપમાં છુટથી ઉપયોગ થાય છે. સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના કેવડી-કુંડ ગામના ૩૦ વર્ષના આદિવાસી યુવાન ખેડૂત એવા ધર્મેશભાઈ બાબુભાઈ વસાવાએ ખેતીમાં ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ અપનાવીને માત્ર એક વીંધા જમીનમાં ટામેટાનું મબલખ ઉત્પાવદન મેળવીને અન્યોાને પણ પ્રેરણા પૂરી પાડી છે.
ટામેટાની ખેતી અંગે વાત કરતા ધર્મેશભાઈ કહે છે કે, ૨૦૧૦ના વર્ષમાં પી.ટી.સી. પૂર્ણ કરીને શહેરમાં નોકરી અર્થે ગયો. જયાં છ મહિના ખાનગી શાળાઓમાં નોકરી કરી. આ શાળામાં ઓછું વેતન હોવાથી બે છેડા ભેગા કરવા નાકે દમ આવી જતો હતો. મનમાં નિર્ધાર કર્યો કે હવે તો ખેતીમાં જ કંઇક નવું કરવું. નોકરીને તિલાંજલી આપી ગામ આવી ગયો. અમારી પાસે ખેતી ટુંકી એમાંય પાણીની તંગી. ૨૦૧૧માં ખેતી કરવાની શરૂઆત કરી. શરૂઆતમાં ચીલાચાલું ખેતી કરી.
કૃષિ મહોત્સવની પ્રેરણા અને મિત્રના માર્ગદર્શન મેળવીને ૨૦૧૪ના જુલાઈના અંતમાં માત્ર એક વીધા જમીનમાં વૈશાલી ૦૭૩ની જાતના નંગદીઠ રૂા.બેના ભાવે ૨૫૦૦ જેટલા ટામેટાના ઘરૂ લાવીને વાવેતર કર્યું. આ માટે જી.જી.આર.સી.ની ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ માટેની અરજી કરી. બે વીધા માટે રૂા.બે લાખનો ખર્ચ થયો. જેમાં ૮૦ ટકા લેખે રૂા.૧.૬૦ લાખ જેટલી સબસીડી મળી. એક વીધામાં ભીંડા તથા એક વીધામાં ટામેટાનું વાવેતર કર્યું છે.
દરેક ચાસમાં પાંચથી છ ફુટના લાકડાના સામ સામે બે બબું સાથે સૂતળી, દોરીએ બાંધીને છોડને ટેકો આપ્યો. ધર્મેશભાઈના ધર્મપત્ની, ભાઈ તથા પિતા પણ સાથે ખભે ખભા મીલાવીને નિદામણ, દવાનો છંટકાવ, ટામેટા ઉતારવા જેવા બધા જ કામોમાં સહયોગ આપે છે. ટામેટાના છોડમાં ખાતર પાણી, નિંદામણ વગેરે માવજત કરી ઉપરાંત ઘરનું છાણિયું ખાતર પણ આપ્યું. નવેમ્બર-૨૦૧૪માં તો ટામેટાનું ઉત્પાદન શરૂ થઈ ગયું હતું. નજીકમાં વાંકલ અને ઝંખવાવથી વેપારીઓ આવીને જાતે માલ લઈ જાય છે.શરૂઆતમાં ૩૦૦ થી ૩૫૦ જેટલો મણદીઠ ભાવ મળ્યો. હજુ પણ ઉત્પાદન ચાલુ રહ્યું છે. ધર્મેશભાઈએ રાજય સરકાર દ્વારા યોજવામાં આવેલા રવિ કૃષિ મહોત્સવમાં અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન પુરુ પાડયું હતું.
આધુનિક પદ્ધતિએ કરેલા ટામેટા અમને ન્યાલ કરી દીધા
ધર્મેશભાઇ કહે છે કે, અત્યાર સુધીમાં ૪૫ થી ૫૦ ટન ટામેટાનું ઉત્પાદન થયું છે. આમ માર્ચના અંત સુધીમાં સરેરાશ રૂા.૩૦૦નો ભાવ મણદીઠ મળ્યો છે. આમ કુલ મળીને રૂા.7.5૦ લાખનું ટામેટાનું ઉત્પાદન થયું છે. આમ આધુનિક પદ્ધતિએ ખેતીમાં ટામેટાનું ઉત્પાદન લીધું, જે અમને ન્યાલ કરી ગયું હતું. આદિવાસી યુવાને નોકરી છોડી ખેતીમાં આધુનિક પધ્ધતિ અપનાવીને અન્યોને રાહ ચીધ્યો છે.
સ્ત્રોત: ભાસ્કર સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024