મુખ્યમંત્રીશ્રીએ તેમની સરકાર ગરીબો..વંચિતો.. શોષિતો.. પિડીતોની સરકાર છે તેની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદીવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવાની સાથે સાત મેડીકલ કોલેજોની મંજુરી આ સરકારે આપી છે. આદિજાતિના બાળકોને ડોકટર બની આ વિસ્તારની સેવા કરવાની તક પૂરી પાડી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય વિસ્તારોના વિકાસ સાથે આદિજાતિ વિસ્તાર પણ સમય સાથે વિકાસ પામે એવું નક્કર આયોજન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાંચ વર્ષમાં પાંચ કરોડ ગેસ કનેકશન આપવાનો સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે આજે ૬૦૦ લોકોને ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. જેનાથી ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે પર્યાવરણની જાળવણી પણ થાય છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને લઇ માત્ર ગાંધીનગરમાં ઉજવાતા વન મહોત્સવ રાજ્યમાં પ્રજા વચ્ચે લઇ જવામાં આવ્યા તેના પરિણામ સ્વરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિવિધ વન નિર્માણ પામ્યા છે. આજે પાલમાં વીરોને અંજલિ આપવા વિરાંજલી વનનું નિર્માણ તેમની સ્મૃતિ હંમેશા ચિરંજીવ રાખી ભાવાંજલીરૂપ રહેશે.
તેમણે જણાવ્યું કે, પાલ પ્રવાસીઓ માટે પ્રવાસનનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાની મહેરબાની થઇ છે ત્યારે, સૌએ વૃક્ષ ઉછેરવાની તક લેવી તે આપણી નૈતિક ફરજ છે. તેમજ આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો રાજ્ય સરકાર વાવશે.
છોડમાં રણછોડ છે ત્યારે વધુ વૃક્ષો વાવી ગુજરાત આ ક્ષેત્રે પણ નંબર વન બને તે અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ૬૦૦ જેટલા ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા. સાથોસાથ વન વિભાગ દ્વારા પ્રકાશિત ક્લાઇમેટ ચેન્જ તેમજ પાલ દઢવાવ અંતર્ગત પુસ્તકનું વિમોચન કર્યું હતું.
વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, વનવાસી વિસ્તારમાં આ વન મહોત્સવનું અનેરૂ મહત્વ છે. પ્રજાકીય ભાગીદારી વધે તેવા આશયથી વન મહોત્સવની ઉજવણી રાજ્યના જિલ્લાઓમાં શરૂ કરી છે. આપણી સંસ્કૃતિ એ વૃક્ષમાં ભગવાનના દર્શનની સંસ્કૃતિ છે.
છેલ્લા ૧૦ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૨૦ ટકા નો વધારો થયો છે તે જ પુરવાર કરે છે કે રાજ્ય સરકાર વન સંરક્ષણ-જતન-સંવર્ધન માટે કટિબધ્ધ છે આજ રીતે રાજ્યના દેશના ગૌરવ સમા એશિયાઈ સિંહોની વસ્તી પણ વધી છે.
તેમણે જણાવ્યું કે, ૧૩ લાખ એકર જમીન આદિજાતિ સમાજના વિકાસ માટે રાજ્ય સરકારે આપીને આ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે. મંત્રીશ્રીએ વન અધિકાર મંડળી દ્વારા ૮ લાખ લોકો વન સંરક્ષણ માટે સહભાગી થયા છે એમ તેમણે ઉમેર્યું હતું.
વન રાજ્ય અને આદિજાતિ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી શબ્દ શરણ તડવીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, પાલ ચિતરીયાના શહીદોને વીરાંજલી વન સ્વરૂપે શ્રધ્ધાંજલી રૂપે નિર્માણ પામ્યું છે. જે શહીદોની સ્મૃતિને હંમેશા તાજી રાખશે. વન વિભાગના આ વીરાંજલી વન આવનારા દિવસોમાં પ્રવાસનનું કેન્દ્ર બનશે તેઓ વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આદિજાતિ વિકાસ નિગમના અધ્યક્ષ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું કે વિજયનગરને પોળો પછી વીરાંજલી વન રાજ્યનું બીજુ નજરાણું છે. તેમણે આ પહાડી-વન વિસ્તાર હોવા છતાં વીજળી, રોડ, શિક્ષણ જેવા અનેક વિકાસકામોની વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અંગ્રેજોના જુલ્મ સામે આઝાદી સંગ્રામમાં વીરગતિ પામનાર વનવાસી શહીદોની સ્મૃતિમાં બનાવાયેલ શહીદવન ની પણ મુલાકાત લઇ શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ૨ પી.એચ.સી., ૧૦-સબ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે વન્ય અધિકાર પત્રો, ચેક વિતરણ અને સનદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, જિલ્લાના પ્રભારી અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી વલ્લભભાઇ કાકડીયા, વન રાજ્ય મંત્રી શ્રી શબ્દ શરણ તડવી, ધારાસભ્યો સર્વશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ શ્રી જે. ડી. પટેલ, અન્ય પદાધિકારીશ્રીઓ, વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, જિલ્લા કલેકરટ શ્રી પી.સ્વરૂપ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
પાનેલાવમાં એલેમ્બિક ફાર્માના કેન્સરની દવાના અત્યાધુનિક પ્લાન્ટનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ ઉદઘાટન: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે, વિવિધ ગંભીર પ્રકારના રોગોને અટકાવવા માટે આદિ અનાદિ કાળથી સંશોધન થઇ રહ્યા છે. પરંતુ કેન્સર જેવા જીવલેણ રોગને મહાત કરવા થયેલ નવીન સંશોધનો માનવજાત માટે ઉપયોગી થવા સાથે કલ્યાણકારી પુરવાર થશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા દેશમાં વિવિધ ક્ષેત્રે નવીન આવિષ્કારો થઇ રહ્યા છે. ભારતમાં પણ સંશોધન અને વિકાસ ક્ષેત્રે વિદેશોની જેમ નવીન પડકારોને પહોંચી વળવા માટે પ્રોત્સાહક નીતિ અપનાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પણ આર એન્ડ ડી ક્ષેત્રે નવીન સંશોધનો દ્વારા પડકારોને પહોંચી વળવા સજ્જ બની મેઇક ઇન ગુજરાતની વિભાવનાને સાકાર કરી રહ્યુ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાનેલાવ ખાતે ભારતની અગ્રણી દવા કંપનીઓ પૈકીની એક એવી એલેમ્બિક ફાર્માસ્યુટીકલ લી.માં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ કેન્સરની દવાઓ માટેના વિશિષ્ટ પ્લાન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પાનેલાવમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ રૂા. ૭૧ લાખના ખર્ચે નિર્માણ થયેલ નવીન પ્રાથમિક શાળા તથા એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા પાનેલાવના ગ્રામજનો માટે તૈયાર થયેલ આર.ઓ. પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ કેન્સરના રોગ પ્રતિકાર માટે એલેમ્બિક ફાર્માસ્યુટીકલ કંપનીએ હાથ ધરેલ નવા સંશોધનો બદલ અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, સમગ્ર દેશમાં દવા ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. દેશની ૮૦ ટકા દવાઓનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. ત્યારે ગુજરાતમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્માસ્યુટીકલ સહિત ડીફેન્સના ક્ષેત્રમાં પણ મહત્તમ મુડી રોકાણ થાય તે માટે રાજ્ય સરકારે અલગ અલગ ૧૭ જેટલી ક્રીસ્ટલ ક્લીયર પોલીસીઓ જાહેર કરી છે. જેને પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બની રહ્યુ છે અને ગુજરાતની અર્થનીતિમાં બદલાવ આવ્યા હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પોલીસીને આધારે ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણકારોને સરળતાથી વિવિધ મંજૂરીઓ મળી રહે તે માટે સિંગલ વીન્ડો સિસ્ટમ ઊભી કરવામાં આવી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં વિશ્વની નામાંકિત કંપનીઓ મુડીરોકાણ કરી રહી છે જેથી ગુજરાતના લાખો યુવાનોને આવનાર દિવસોમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, રાજ્યના નાગરિકોને આરોગ્યને લગતી અત્યાધુનિક સેવા સુવિધા મળી રહે તે માટે આરોગ્ય સેવાઓનું સુદ્રઢીકરણ કરવામાં આવ્યુ છે. લોકોને સસ્તા દરે દવા પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી દીનદયાળ જન ઔષધી યોજના હેઠળ ૨૫૦ જેનરિક દવાના સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં ૧૦૦૦ જેનરિક દવાના સ્ટોર શરૂ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું. રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના ૩૫ લાખ પરિવારોને મા વાત્સલ્ય યોજના હેઠળ જીવલેણ રોગોની સારવાર માટે રૂા. બે લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનો જે વિકાસ કર્યો હતો એ જ પથ પર આગળ ચાલીને પ્રવર્તમાન સરકાર ગુજરાતને વિકાસની વૈશ્વિક ઊંચાઇઓ પર લઈ જવા પ્રતિબધ્ધ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે ત્યારે ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા સૌએ કટિબધ્ધ બનવા તેમણે હાકલ કરી હતી.
માર્ગ મકાન રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યુ કે, હાલોલ વિસ્તારના સર્વાંગી વિકાસ સાથે નવા ઉદ્યોગ આવી રહ્યા છે. જેને પરિણામે આ વિસ્તારના લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થશે.
એલેમ્બિક ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન શ્રી ચિરાયુ અમીને જણાવ્યુ કે, અત્યાધુનિક કેન્સર પ્લાન્ટ ઊભો કરવા માટે રૂા. ૩૦૦ કરોડનું મુડીરોકાણ કરવામાં આવ્યુ છે. આ પ્લાન્ટમાં ૬૦ મિલીયન ટેબલેટ/કેપ્સુલ અને અંદાજે ૨૦ મિલીયન ઇન્જેકશન વાયલનું ઉત્પાદન કરવામાં આવશે. જેને પરિણામે એલેમ્બિક આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્સરની દવાઓના નિકાસમાં હરણફાળ ભરશે. આ પ્લાન્ટમાં બનતી દવાઓ વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવશે. શ્રી અમીને CSR હેઠળ કંપની દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની વિસ્તૃત માહિતી આપી હતી.
આ અવસરે ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, કંપનીના શ્રી પ્રણવ અમીન, શૌનક અમીન, સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, રામસિંહ રાઠવા, ધારાસભ્યો, પદાધિકારીઓ, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કર્મીઓ તથા વિસ્તારના નાગરીકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
વનવાસી ક્ષેત્રે ડાંગમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વનવાસી ક્ષેત્ર ડાંગમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતાં ડાંગના માજી રાજવીઓ, નાયકો ભાઉબંધોને સરકાર દ્વારા આપવામાં આવતા રાજકીય પેનશન (સાલીયાણા)ની રકમમાં વધારો કરવાની નેમ વ્યકત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ કૃષિ મહોત્સવ આરંભ સાથે ડાંગમાં વિકાસ પર્વ રૂપે રૂ. ૧૮૮ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.
તેમણે કહ્યું કે, કુદરતી સૌન્દર્ય અને વિપૂલ વનસંપદા ધરાવતા આ વન પ્રદેશના વન, વન્યજીવોના સંરક્ષણ તથા સંવર્ધન માટે સતત જાગૃત વનવાસી બંધુઓની સમસ્યાઓ પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવા સરકાર પ્રતિબધધ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે સાપુતારાના વિસ્થાપિતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે તે માટે અંદાજે પ૦ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવીને રોજગાર-વ્યવસાય સહિતના આગવા આયોજન અંગે રાજ્ય સરકાર વિચારાધીન છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ખેતી તથા સિંચાઇ, વીજળી, પીવાના પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવાના સઘન કામો આ સરકારે ઉપાડયા છે.
તેમણે વનવાસી ડાંગ જિલ્લાને ૧૦૦ ટકા ઓર્ગેનિક જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ડાંગ જેવા વનવાસી-ડુંગરાળ વિસ્તારની તમામ જમીન પિયતયુકત બને તે માટે વિશેષ લક્ષ્ય કેન્દ્રીત કરવામાં આવ્યું છે તેની ભુમિકા આપી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં વાડાની જમીન તેનો ભોગવટો ધરાવનાર માલિકના નામે કરવાની દિશામાં રાજ્ય સરકાર પ્રજાભિમુખ અભિગમ સાથે આગળ વધી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોની સમૃધ્ધિ માટે વીજળી અને પાણીની બાબતે પણ આ સરકાર સંવેદનશીલતા સાથે કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ગૌરક્ષાના કાનૂનને વધુ ધારદાર બનાવવાની સાથે, રાજ્યના તમામ વિસ્તારોમાં દૂર અને ધી ની નદીઓ વહે તે માટે ગૌનસ્લ સુધારવા ક્ષેત્રે પણ અસરકારક કામગીરી હાથ ધરાઇ હોવાનું જણાવ્યું હતું.
તેમણે ગુજરાતની ભાવિ પેઢીને નશાની પાયમાલીથી બચાવવા માટે ગુજરાત સરકારે નશાબંધી કાયદામાં પણ કડક આમૂલ પરિવર્તન કર્યા હોવાનું જણાવ્યું છે. હાલમાં જ ખાનગી શાળાઓ માટેના ફી નિયમનના કાયદાના અસરકારક અમલીકરણ માટે સરકારની પ્રતિબધધતા તેમણે દોહરાવી હતી.
શોષિત, પીડિત, વંચિત અને ગરીબ વર્ગ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રજાભિમુખ અભિગમ સાથે આગળ રહી છે તેમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ માનવીઓ સહિત રાજ્યના પશુધન માટે પણ આ સરકારે સંવેદના દર્શાવી છે તેમ જણાવ્યું હતું. કૃષિ મહોત્સવ સાથે આયોજિત પશુ આરોગ્ય અને સારવાર મેળાનો ઉલ્લેખ કરીને, મુખ્યમંત્રીશ્રીએ અહી આયોજિત કૃષિ પ્રદર્શનના માધ્યમથી ખેતીલક્ષી અનમોલ જ્ઞાન ખેડુતો, પશુપાલકો અને પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું.
રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે તુવેર અને મગફળી જેવા ખેત ઉત્પાદનો ખરીદવામાં રાજ્ય સરકારે લીધેલા સમયસરના નિર્ણયને કારણે, ગુજરાતના ખેડૂતોના પરસેવાની કમાણી તેમના પરિવારો સુધી પહોંચી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ દંડકારણ્યની આ પાવનભૂમિ ઉપર તેમને આવવાનું અને ડાંગી પ્રજાજનોને મળવાનું થયું તે બદલ આભારની લાગણી વ્યકત કરી સૌના કલ્યાણની કામના સાથે, સૌનો સાથ-સૌનો વિકાસ એ વિભાવનામાં સૌને યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
રાજયના આદિવાસી પ્રજાજનોના ઉત્કર્ષ માટેની શ્રેણીબધ્ધ યોજનાઓ સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકાર સાચા અર્થમાં આદિવાસીઓની હિતચિંતક છે તેમ જણાવી આદિજાતિ, વન તથા પ્રવાસન મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ સરકારના પ્રજાભિમુખ અભિગમને કારણે આજે છેવાડાના માનવીઓ સુધી તેના સૂફળ પહોંચી રહ્યાં છે તેમ જણાવ્યું હતું.
પ્રાસંગિક ઉદ્દબોધનમાં શ્રી વસાવાએ સેવા સેતુ જેવા કાર્યક્રમોને કારણે છેવાડાના માનવીઓના ઘરઆંગણે વિવિધ સેવાઓ પહોંચાડવાનો સેવાયજ્ઞ શ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે આરંભ્યો છે તેમ જણાવ્યું હતું.
કૃષિ મંત્રી શ્રી ચીમનભાઇ સાપરિયાએ કૃષિ મહોત્સવના માધ્યમથી છેવાડાના ખેડૂતો અને પશુપાલકોને અમૂલ્ય માર્ગદર્શન મળી રહ્યું છે તેમ જણાવ્યું હતું. શ્રી સાપરિયાએ ગુજરાતના કૃષિ મહોત્સવને પગલે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્તમાન કેન્દ્ર સરકાર, દેશ આખાના કૃષકો માટે કૃષિ મહોત્સવોનું આયોજન કરી રહી છે જે ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે તેમ જણાવ્યું હતું.
રાજ્ય સરકારના બજેટમાં રૂા. ૮ર કરોડની જોગવાઇ સાથે રાજ્યમાં પ્રથમ ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના માટે સરકારે આગળ વધી રહી છે તેમ જણાવ્યું હતું. કૃષિમંત્રીશ્રીએ ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર અસરકારક પગલાં લઇ રહી છે તેમ પણ ઉમેર્યું હતું. સંસદિય સચિવ શ્રી પૂર્ણેશભાઇ મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓને કારણે છેવાડાના માનવીઓના અચ્છે દિન આવ્યા છે તેમ જણાવ્યું હતું.
સ્વાગત વકતવ્યમાં ડાંગ કલેકટર શ્રી બી. કે. કુમારે ડાંગ જિલ્લાને ત્રણ ત્રણ જિલ્લાના સંયુકત કૃષિ મહોત્સવના આયોજન માટે તક આપવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યકત કરી, દંડકારણ્યની આ પવિત્ર ભૂમિ ઉપર સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમના અંતે કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો. સુનિલ ચૌધરીએ આભારવિધી આટોપી હતી.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024