ડાંગરની ખેતીમાં સામાન્ય રીતે એક વિઘામાં 60થી70 મણનું ઉત્પાદન ખેડૂતોને મળતું હોય છે. ત્યારે એક જ વિઘામાં 103 મણ ડાંગરનું ઉત્પાદન મેળવીને ઉમરેઠ તાલુકાના બેચરી ગામના ખેડૂત ભગવતભાઇ પટેલે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રાજ્યકક્ષાએ ડાંગરમાં મહત્તમ ઉત્પાદન મેળવવા બદલ તેઓએ આત્મા બેસ્ટ ફાર્મરનો એવોર્ડ પણ મેળવ્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વાર સંશોધિત જી.આર 13 ડાંગરના બિયારણનો ઉપયોગ કરી આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલિમ મેળવી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને ડાંગરનું મહત્તમ ઉત્પાદન મેળવેલ છે.
ચોમાસું નબળું રહ્યું હોવા છતાં ડાંગરનું મહત્તમ ઉત્પાદન મેળવવા અપનાવેલી ટેકનીક વિશે આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેક્નોલોજી મેનેજર સુરેશ મહેરીયાએ જણાવ્યું હતું કે ‘આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને ખેતીમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ વિશેની તાલિમ આપવામાં આવે છે. બેચરી ગામના ભગવતભાઇ પટેલ ખેતરની જમીનની ચકાસણી કરાવી સોઇલ હેલ્થકાર્ડ મેળવ્યું હતું. ડાંગરના ધરૂ તૈયાર કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના નવાગામ ડાંગર સંશોધન કેન્દ્ર દ્વારા સંશોધિત વેરાયટી જી.આર 13ના બિયારણનો ઉપયોગ કર્યો હતો.
ડાંગરના ધરૂ તૈયાર થતાં તેની ટોચ કાપી લીધી હતી, કારણ કે ધરૂના ટોચ પર જ જીવાતના ઇંડા મૂકેલા હોય છે. ટોચ કાપી લીધા બાદ ધરૂની રોપણી કરવામાં આવી હતી. ત્યારબાદ સોઇલ હેલ્થકાર્ડ મેળવેલું હોય જમીનમાં જરૂરિયાત મુજબનું ખાતર નાંખવામાં આવ્યું હતું. જેમાં રાસાયણિક ખાતર કરતાં જૈવિક ખાતરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડાંગર તૈયાર થયા બાદ 103 મણ ઉત્પાદન મળ્યું હતું. રાજ્યકક્ષાએ મહત્તમ ઉત્પાદન મેળવવા બદલ ભગવતભાઇ પટેલને આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ મેળવ્યો હતો.’
કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો
આત્મા પ્રોજેક્ટ દ્વારા ભગવતભાઇ પટેલના ફાર્મ પર અાત્મા પ્રોજેક્ટ દ્વારા કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, સરપંચ, કૃષિ વૈજ્ઞાનિકો, આત્મા પ્રોજેક્ટના અધિકારીઅો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર મુકેશ શર્માએ ખેડૂતોને બેંકને લગતી ધિરાણ મેળવવાની માહિતી આપી હતી.નાબાર્ડના અધિકારી ઉમેશભાઇએ નાબાર્ડની યોજનાકીય માહિતી આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક ડો.બી.એચ.પટેલે પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ તથા કેમિકલ દવાઓનો ઓછો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરી વધુ ઉત્પાદન મેળવવા જણાવ્યું હતું.
સ્ત્રોત: અરવિંદભાઈ પરમાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024