દક્ષિણ ગુજરાતમાં સાત તાલુકાઓ નવસારી, ગણદેવી, ચીખલી, વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડામાં કેરી, ચીકુ અને વેલાવાળી શાકભાજીનાં પાકમાં નૌરોજી- સ્ટોનહાઉસ ફળમાખી ટ્રેપનો ઉપયોગ ફળમાખીનું સામુહિક નિયંત્રણ કરવાના ઉદેશ સાથે વર્ષ ર૦૦૮-૧૧ દરમ્યાન કરવામાં આવ્યો. આ પ્રોજેકટ દરમ્યાન સાત તાલુકાના ર૦૯ ગામોનાં કુલ ૧૫,૩૩૯ હેકટર વિસ્તારમાં ૧,૧૦,૬૪૦ ટ્રેપ વિના મુલ્યે ૧૫,૩૩૯ ખેડૂતોને આપવામાં આવ્યાં. જેમાં આશરે પ૩ ટકા અનુસૂચિત જાતિ/જનજાતિ, ૩૫ ટકા અન્ય પછાત જાતિ અને ૧ર ટકા અન્ય જાતીનાં ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો. આ દરમ્યાન ૯૩ જેટલી ખેડૂત શિબિરોનું આયોજન વિવિધ ગામોમાં કરી ખેડૂતોને વ્યાખ્યાન, એલસીડી પ્રોજેકટર, ફલેક્ષ બેનર (પ૦૦), પુસ્તિકા (૬૦૦૦) અને સ્થળ પર નિદર્શન દ્વારા સંપૂર્ણપણે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રોજેકટનાં સફળ સંચાલન માટે સ્થાનિક ગ્રામ પંચાયત, સહકારી મંડળી અને દુધ ઉત્પાદન સહકારી મંડળીઓનો પણ સહયોગ લેવામાં આવ્યો. જે દરમ્યાન ફળમાખીની વસ્તી અને નુકશાનની ટકાવારીનાં આંકડા પણ લેવામાં આવ્યા. સમગ્ર રીતે આ પ્રોજેકટનાં પરિણામોએ બતાવ્યું કે ફળમાખીનું સામુહિક રીતે નિયંત્રણ કરવામાં આવે તો ફળમાખીથી સામાન્ય રીતે થતું ૩૦ થી ૩૫ ટકા નુકશાનને ૦ થી ૪ ટકા સુધી નીચે લાવી શકાય છે. ફળ પાકોમાં હેકટરે રૂા.૩પ૦ (રૂા. ૩પ પ્રમાણે ૧૦ ટ્રેપ) અને શાકભાજીમાં રૂા. ૬૦૦ (રૂા. ૬૦ પ્રમાણે ૧૦ ટ્રેપ) જેટલો નજીવો ખર્ચ કરી આ પધ્ધતિથી નિયંત્રણ કરવાથી આ પ્રોજેકટ દરમ્યાન ફળમાખીથી થતું રૂા.૩૫ કરોડનું નુકશાન બચાવી શકાયું છે. એટલું જ નહિ પણ ગુણવત્તા સભર ઉત્પાદનમાં વધારો અને તે થકી ઉત્પાદકોની બજારમાં છાપ પણ સુધારી શકાય છે. વધુમાં સામુહિક નિયંત્રણ પધ્ધતિ કે જે આપણા દેશમાં પ્રચલિત નથી તેથી આ પ્રોજેકટ દ્વારા રાજયના ખેડુતોમાં તેના ફાયદાનો ખ્યાલ આપી શકાયો છે અને ભવિષ્યમાં પણ આ અને આવી અન્ય ટેકનોલોજીનાં અમલીકરણ માટે પ્રોત્સાહિત કરી શકાયા છે.
સ્ત્રોત : આણંદ કૃષિ યુનીવર્સીટી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024