অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મતદાર યાદી સંબંધે વારંવાર પૂછાતા પ્રશ્નો

મતદાર યાદી સંબંધે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન-૧ ભારતમાં મતદાતાઓની મુખ્ય શ્રેણીઓ કઈ છે?

જવાબ: ભારતમાં ૩ (ત્રણ) વર્ગના મતદારો છે

  • સામાન્ય મતદારો,
  • વિદેશમાં વસતા ભારતીય મતદારો (Overseas Electors)
  • સેવા મતદારો

પ્રશ્ન-૨: સામાન્ય મતદાતા તરીકે કોણ નોંધણી કરાવી શકે છે?

જવાબ : દરેક ભારતીય નાગરિક, જે લાયકાતની તારીખ એટલે કે મતદાર યાદી સુધારણાના વર્ષના જાન્યુઆરીના પ્રથમ દિવસે 18 વર્ષની ઉંમરનો હોય અને અન્યથા ગેરલાયક ન હોય તો, જ્યાં તે સામાન્ય રીતે નિવાસી હોય તે મતદાન ક્ષેત્ર / વિસ્તારના મતદાર યાદીના તે ભાગમાં મતદાર તરીકે નોંધણી કરાવવા લાયક છે.

પ્રશ્ન-3. 18 વર્ષની ઉંમર નક્કી કરવા માટેની સંદર્ભ તારીખ કઈ છે? શું જે દિવસે 18 વર્ષની ઉંમર પૂર્ણ થઈ તે દિવસે મતદાર તરીકે હું મારી નોંધણી કરાવી શકું?

જવાબ: લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 14 (બી) અનુસાર, જે વર્ષમાં સુધારણા પછી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવે તે વર્ષની પહેલી જાન્યુઆરી અરજદારની ઉંમર નકકી કરવા માટેની સંદર્ભ તારીખ છે. દા.ત. જો તમે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય અથવા ર જાન્યુઆરી, ૨૦૧૩ ના રોજ અને ત્યારબાદ પણ ૧ જાન્યુઆરી, ૨૦૧૪ સુધીમાં કોઈ પણ દિવસે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોવ તો જાન્યુઆરી, ૨૦૧૪ માં આખરી પ્રસિધ્ધ થનાર મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધણી માટે તમે લાયક છો.

પ્રશ્ન-૪: વિધાનસભા / સંસદીય મતદારમંડળ માટે મતદાર યાદી સુધારણા માટેની સંબંધિત તારીખ કઈ છે?

જવાબ :જે વર્ષમાં મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવે તે વર્ષના જાન્યુઆરીની પહેલી તારીખ મતદાર યાદી સુધારણા માટેની સંદર્ભ તારીખ છે.

પ્રશ્ન-૫ : શું ભારતનો નાગરિક ન હોય તેવી વ્યક્તિ ભારતની મતદાર યાદીમાં મતદાર બની શકે?

જવાબ : ના. જે વ્યક્તિ ભારતની નાગરિક ના હોય તે ભારતમાં મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધણી માટે લાયકાત ધરાવતી નથી. જેઓ અન્ય દેશની નાગરિકતા પ્રાપ્ત કરવાના કારણે ભારતના  નાગરિક ન રહ્યા હોય તેઓ પણ ભારતમાં મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી માટે લાયક  નથી.

પ્રશ્ન-૬ બિનનિવાસી ભારતીય જે વિદેશી ભૂમિ પર સ્થાયી થયા હોય તેઓ ભારતમાં મતદાર બની શકે?

જવાબ : હા લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમ, ૨૦૧૦થી સુધારેલા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૨૦(ક) ની જોગવાઈ અનુસાર જે વ્યક્તિ ભારતનો નાગરિક હોય અને જેણે અન્ય કોઇ દેશની નાગરિકતા સ્વીકારી ન હોય, મતદાર તરીકે નોંધણી માટે અન્યથા ગેરલાયક ન હોય અને જે ભારતમાંના તેના સામાન્ય નિવાસના સ્થળેથી રોજગાર, શિક્ષણ અથવા અન્ય કારણોસર ગેરહાજર હોય તે વ્યક્તિ તેના પાસપોર્ટમાં દર્શાવ્યા મુજબનું ભારતમાં તેના નિવાસનું સરનામું આવેલું હોય તે વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધણી માટે લાયક છે.

પ્રશ્ન ૭: કોઇ વ્યક્તિ વિધાનસભા / સંસદીય મતવિસ્તારની મતદારયાદીમાં કેવી રીતે નોંધણી કરાવી શકે છે?

જવાબ: આ હેતુ માટે અરજદારે નિયત નમૂનાના ફોર્મ નં. ૬ માં, અરજદારનું સામાન્ય નિવાસનું સ્થળ આવેલું હોય તે મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારીને અરજી કરવાની રહે છે. જરૂરી પુરાવાની નકલો સાથેની અરજી સંબંધિત મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારીને રૂબરૂમાં અથવા તેના સરનામે ટપાલ મારફત અથવા સંબંધિત મતદાન મથક વિસ્તારના બુથ લેવલ અધિકારીને આપી શકાય છે. આ અરજી સંબંધિત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની અથવા ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ  પર ઓનલાઈન પણ ફાઈલ કરી શકાય છે. જ્યારે ફોર્મ નં. ૬ ઓનલાઈન ભરવામાં આવે ત્યારે જરૂરી દસ્તાવેજની નકલો પણ અપલોડ કરવી જોઈશે.

પ્રશ્ન-૮ :નમૂનો ૨, ૨(A), , , ૬-૬, , ૮ અને ૮(ક) ક્યાંથી મેળવી શકશે?

જવાબ : આ નમૂનાઓ ભારતના ચૂંટણીપંચની વેબસાઈટ (www.eci.nic.in) અથવા સંબંધિત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ (https://ceo.gujarat.gov.in) પરથી ડાઉનલોડ કરી શકાય છે. મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની કચેરીઓમાંઅને સંબંધિત મતદાન મથક વિસ્તારના બુથ લેવલ અધિકારીઓ પાસે પણ આ નમૂનાઓ વિનામૂલ્ય ઉપલબ્ધ છે.

પ્રશ્ન-૯ ફોર્મ-૬ સાથે કયા દસ્તાવેજો જોડવા જરૂરી છે ?

જવાબ: ફોર્મ-૬ માં આ હેતુ માટે આપેલા બૉક્સમાં અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝ રંગીન ફોટોગ્રાફ ચોંટાડવાનો હોય છે. ફોર્મ-૬ સાથે ઉંમર અને રહેઠાણના દસ્તાવેજી પુરાવાની નકલ જોડવાની રહે છે. ફોર્મ-૬ સાથે જોડી શકાય તેવા ઉંમર અને રહેઠાણના દસ્તાવેજી પુરાવાની યાદી ફોર્મ-૬ સાથે જોડવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓમાં આપેલી છે. આ ફોર્મ ભરવા માટે તે સાથેજોડવામાં આવેલી ઉક્ત માર્ગદર્શક સૂચનાઓનો સંદર્ભ લો.

પ્રશ્ન-૧૦: મારી પાસે રેશનકાર્ડ નથી. શું હું રેશનકાર્ડ વગર મતદાર તરીકે નોંધણી કરાવી શકું?

જવાબ:  મારા રહેઠાણના પુરાવા તરીકે રજુ કરી શકું તેવા અન્ય દસ્તાવેજો કયા છે? જવાબ જો અરજદાર પાસે રેશનકાર્ડ ન હોય તો તે ફોર્મ-૬ સાથે જોડવામાં આવેલ માર્ગદર્શક સૂચનાઓમાં દર્શાવેલો રહેઠાણનો બીજો કોઈ પુરાવો રજુ કરી શકે છે.

પ્રશ્ન-૧૧ : જો અરજદારની ઉંમર ૨૧ વર્ષ કરતાં વધુ હોય તેવા કિસ્સાઓમાં ઉમરના દસ્તાવેજી પુરાવાનીજરૂર રહે છે?

જવાબ: જે કિસ્સાઓમાં અરજદારની ઉંમર ૧૮ અને ૨૧ વર્ષની વચ્ચે હોય તેવા જ કિસ્સાઓમાં ઉંમરના દસ્તાવેજી પુરાવાની જરૂર રહે છે. અન્ય તમામ કિસ્સાઓમાં અરજદાર દ્વારા તેની ઉંમર સંબંધ કરવામાં આવેલો એકરાર ઉંમરના આધાર તરીકે લેવામાં આવશે.

પ્રશ્ન-૧૨: ૧૮-૨૧ વર્ષની ઉંમરના અરજદાર પાસે ઉંમર / જન્મતારીખ અંગેનો કોઇ દસ્તાવેજી પુરાવો નથી.તો મતદાર તરીકે નોંધણી માટે તેના અરજી ફોર્મ સાથે તેણે કયા કાગળ જોડવા જરૂરી છે ?

જવાબ: ૧૮ થી ૨૧ વર્ષની વયના અરજદાર પાસે ઉકત માર્ગદર્શક સૂચનાઓમાં ચૂંટણી પંચ દ્વારા નિર્દિષ્ટ દસ્તાવેજો પૈકી કોઇ દસ્તાવેજ પ્રાપ્ય ન હોય તેવા કિસ્સામાં પરિશિષ્ટ-૧ માં અરજદારના માતાપિતા પૈકી કોઈ એક દ્વારા (ત્રીજી જાતિના મતદારના કિસ્સામાં તેના ગુરુ દ્વારા) આપવામાં આવેલું આપેલ નિયત નમૂનાનું નિવેદન (જે ભારતના ચૂંટણીપંચની વેબસાઈટ પર ફોર્મ-૬ સાથે આપવામાં આવેલ માર્ગદર્શક સૂચનાઓ સાથે જોડવામાં આવેલું છે.) રજુ કરી શકાશે. આવા  કિસ્સાઓમાં જ્યાં ઉંમરના પુરાવા તરીકે માતા-પિતાનું નિવેદન આપવામાં આવેલું છે ત્યાં અરજદારે બુથ લેવલ ઑફિસર / મદદનીશ મતદાર નોંધણી અધિકારી / મતદાર નોંધણી અધિકારી સમક્ષ ચકાસણી માટે હાજર થવાનું રહેશે. વધુમાં ઉક્ત પૈકીનો કોઇ દસ્તાવેજ પ્રાપ્ય ન હોય અને અરજદારના માતા-પિતા પણ હયાત ન હોય તો અરજદાર તેની ઉંમર સંબંધે સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચ અથવા સંબંધિત મહાનગર નિગમ, નગરપાલિકા સમિતિ, વિધાનસભા /સંસદના સભ્ય દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર જોડી શકશે.

પ્રશ્ન-૧૩ હું મારા વતનના સ્થળથી દૂર અભ્યાસના સ્થળે હોસ્ટેલ / મેસમાં રહેતો વિદ્યાર્થી છું. હું મારારહેઠાણના હાલના સરનામે મતદાર તરીકે નોંધણી કરવા ઈચ્છું છું. મારે શું કરવું જોઈએ?

જવાબ: શૈક્ષણિક સંસ્થા દ્વારા સંચાલિત હોસ્ટલ / મેસમાં કે અન્યત્ર અભ્યાસના સ્થળે રહેતા વિદ્યાર્થીઓનાકિસ્સામાં તેણા / તેણીના વતનના સ્થળે તેના / તેણીના માતા-પિતા સાથે અથવા અભ્યાસના હેતુ માટે તે જ્યાં વસવાટ કરતો હોય ત્યાં હોસ્ટલ /મેસના સરનામે મતદાર તરીકે નોંધણી કરાવવાનો વિકલ્પ હશે. આવા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતા આ અભ્યાસક્રમ કેન્દ્ર / રાજ્ય સરકાર / બોર્ડ / યુનિવર્સિટી / ડિડ યુનિવર્સિટી દ્વારા માન્ય હોવો જોઈએ. આવા વિદ્યાર્થી કે જેઓ હોસ્ટલ/મેસના સરનામે નોંધણી કરાવા ઈચ્છતા હોય તેઓએ ફોર્મ-૬ સાથે તેના / તેણીની શૈક્ષણિક સંસ્થાના મુખ્ય શિક્ષક / આચાર્ય / નિયામક / રજીસ્ટ્રાર / ડીન પાસેથી મેળવેલ બોનાફાઈડ પ્રમાણપત્ર (ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ પર પ્રાપ્ય ફોર્મ-૬ સાથે જોડવામાં આવેલ માર્ગદર્શક સૂચનાઓના પરિશિષ્ટ-૨ ના નમૂના મુજબ) જોડવાનું રહેશે.

પ્રશ્ન-૧૪ બેઘર વ્યકિત, જે મતદાર તરીકે નોંધણી માટે પાત્ર છે તે સામાન્ય નિવાસસ્થાન અંગેની દસ્તાવેજી સાબિતી ધરાવતો નથી. આવા કિસ્સામાં ચકાસણીની પ્રક્રિયા શું છે?

જવાબ :ઘર વિહોણા વ્યક્તિના કિસ્સામાં, ફોર્મ-૬માં તેના સરનામા તરીકે આપવામાં આવેલા સ્થળે, આ બેઘર વ્યક્તિ વાસ્તવમાં ઉંધે છે તે નક્કી કરવા બુથ લેવલ અધિકારી રાત્રિના સમયે આ સરનામે મુલાકાત લેશે. જો બેઘર વ્યક્તિ ખરેખર તે સ્થાને ઊંધે છે તેની બુથ લેવલ અધિકારી દ્વારા ચકાસણી થઈ શકશે તે આવા બેઘર વ્યક્તિના નિવાસ સ્થાન અંગેના કોઈ દસ્તાવેજી પુરાવાની જરૂર રહેશે નહીં. બુથ લેવલ અધિકારીએ આવી ચકાસણી માટે એકથી વધુ વાર રાત્રિના સમયે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

પ્રશ્ન-૧૫: હું ભાડુઆત છું અને મારા મકાન માલિક હું મતદાર તરીકે નોંધાઉં તેમ ઈચ્છતા નથી. હું મતદાર તરીકે કેવી રીતે નોંધાઈ શકું?

જવાબ :મતદારયાદીમાં નોંધણી કરાવવી તે તમારો વૈધાનિક અધિકાર છે. ચૂંટણીપંચ / રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર અથવા મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં ઉપલબ્ધ તમારા વિસ્તારની મતદારયાદીની તપાસ કરો. જો તમારું નામ મતદારયાદીમાં સમાવિષ્ટ ન હોય તો ફોર્મ નં ૬ ભરો અને મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર અધિકારી / બુથલેવલ ઓફિસરને જમા કરાવો.

પ્રશ્ન-૧૬: દાવાની અરજીઓ અને વાંધાઓ ચકાસવા માટે કોણ સક્ષમ છે?

જવાબ : સંબંધિત મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર અધિકારી

પ્રશ્ન-૧૭ : મતદાર નોંધણી અધિકારીઓનું પત્રવ્યવહારનું સરનામું ક્યાંથી મળી શકે? જવાબ: તમામ મતદાર નોંધણી અધિકારીઓના પત્રવ્યવહારના સરનામાં ભારતના ચૂંટણીપંચ / સંબંધિત રાજ્ય/ કેન્દ્રીય શાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ભારતના ચૂંટણીપંચની વેબસાઈટ પર લીંક આપવામાં આવી છે.

પ્રશ્ન-૧૮ જો હું ઓનલાઇન અરજી કરું તો મારે જરૂરી દસ્તાવેજો સાથે સહી કરેલ નમૂનો-૬ ની નકલમતદાર નોંધણી અધિકારીના સરનામે મોકલવી જોઈએ?

જવાબ: ઓનલાઇન ભરવામાં આવેલ ફોર્મ-૬ જ્યારે મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર અધિકારીને મળે છે ત્યારે તે ફોર્મ-૬ તેના બિડાણો સહિત ડાઉનલોડ કરે છે અને ચકાસણી કરવા તથા અરજીપત્રક પર તમારી અસલ સહી મેળવવા તમારા રહેઠાણની મુલાકાત લેવા બુથ લેવલ અધિકારીને મોકલે છે.

પ્રશ્ન-૧૯ મતદાર નોંધણી અધિકારી દ્વારા સુનાવણીની નોટિસ ક્યાં મોકલવામાં આવશે? જવાબ મતદાર નોંધણી અધિકારી અરજદાર દ્વારા દર્શાવ્યા મુજબ તેના હાલના રહેઠાણના દેશના દર્શાવેલા સરનામે નોટિસ મોકલશે અને આ અરજદારને નોટિસની યોગ્ય રીતે બજવણી કરવામાંઆવેલ છે તેમ ગણવામાં આવશે.

પ્રશ્ન-૨૦ અરજદાર અથવા સુનાવણી પક્ષોની વ્યક્તિગત હાજરી જરૂરી છે? જો હા, તો સુનાવણી કેવી રીતે હાથ ધરવામાં આવશે?

જવાબ: સામાન્ય રીતે, વ્યક્તિગત હાજરી કે સુનાવણી જરૂરી નથી. ફોર્મ ૬ / ૬-ક મળતાં મતદાર નોંધણી અધિકારી વાંધાઓ (જો કોઈ હોય તો) સ્વીકારવા માટે આ ફોર્મની એક નકલ એક અઠવાડિયાના સમય સુધી તેના નોટીસબોર્ડ પર પ્રદર્શિત કરશે. મતદાર નોંધણી અધિકારી સંબંધિત બુથ લેવલ અધિકારીને અરજદારના નિવાસસ્થાનની મુલાકાત લેવા અને તેના / તેણીના, સંબંધીઓ અથવા પડોશીઓ સાથે, જો કોઈ હોય તો, અરજદાર દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરવા સૂચના આપી શકે છે. જો ફોર્મ ૬ / ૬-ક તમામ વિગતે પૂર્ણ હોય અને લાગુ પડતા તમામ દસ્તાવેજોની નકલો સામેલ કરવામાં આવેલી હોય અને એક અઠવાડિયાના નિર્ધારીત સમયગાળામાં કોઈ વ્યક્તિ દ્વારા વાંધો લેવામાં આવેલ ન હોય તો જરૂરી ગણાય તેવી બીએલઓ દ્વારા આવી ચકાસણી પછી મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારી તે નામનો મતદાર યાદીમાં સમાવેશ કરવા હુકમ કરી શકે છે. ધારો કે, નામનો સમાવેશ કરવા માટેના ફોર્મ ૬ / ૬-ક માં દાવા સામે વાંધો લેવામાં આવ્યો હોય તો મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારી અરજદારને સાંભળશે અને જે વાંધો લેવામાં આવ્યો છે તે સંદર્ભમાં વાંધો લેનારને જો વાંધો લેનાર ત્યાં ઉપલબ્ધ હોય તો બંને પક્ષોને સાંભળે છે. ભારતીય મિશનના નિયુકત અધિકારી આવા કેસમાં નિર્ણય લેવા મતદાર નોંધણી અધિકારીને અહેવાલ મોકલશે. વિદેશમાં રહેતા અરજદાર / વાંધો ઉઠાવનારના કોઈ પણ કિસ્સામાં મતદાર નોંધણી અધિકારી સમક્ષ વ્યક્તિગત હાજરી જરૂરી નથી.

પ્રશ્ન-૨૧ હકક-દાવા અને વાંધાઓની યાદી કયાંથી જોઈ શકાય?

જવાબ: તે સંબંધિત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર જોઈ શકાય છે. તે મતદાર  નોંધણી અધિકારીની કચેરીના નોટીસ બોર્ડ પર પણ જોઈ શકાય છે.

પ્રશ્ન-૨૨ અરજદારને કેવી રીતે ખબર પડશે કે તેનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે?

જવાબ : મતદાર નોંધણી અધિકારીનો નિર્ણય અરજદારને તેના દ્વારા ફોર્મ ૬ / ૬-ક માં આપવામાં આવેલ તેના સરનામે ટપાલ દ્વારા અને ફોર્મ ૬ / ૬-ક માં તેના દ્વારા આપવામાં આવેલ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા જણાવવામાં આવશે. મતદાર યાદી સંબંધિત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે અને કોઈ પણ વ્યક્તિ તે જોઈ શકે છે.

પ્રશ્ન-૨૩ :મતદાર યાદીમાં મતદાર સંબંધી કોઈ નોંધમાં કોઈ ભૂલ હોય તો સુધારા કેવી રીતે કરવામાં આવે છે?

જવાબ : મતદાર યાદીમાંની ભૂલો સુધારવા માટે સંબંધિત મતદાર નોંધણી અધિકારીને નમૂના નં. ૮ માં અરજી કરવાની હોય છે.

પ્રશ્ન-૨૪ : જયાં હું નોંધાયેલો મતદાર હતો તે સ્થળેથી મેં મારું રહેઠાણ અન્ય સ્થળે બદલ્યું છે. હું મારા નવા રહેઠાણના સ્થળે મતદાર તરીકે નોંધાયો છું તેની ખાતરી કેવી રીતે કરી શકું?

જવાબ: જો નવું રહોઠણ તે જ મતવિસ્તારમાં હોય તો, નમૂના ૮-ક માં અરજી કરો, અન્યથા નમૂના ૬ માં અરજી કરો અને તમારા નવા રહેઠાણના વિસ્તારના મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારીને રજુ કરો.

પ્રશ્ન-૨૫ મેં તાજેતરમાં જ મારું રહેઠાણ બદલ્યું છે. મારી પાસે જુના સરનામા સાથેનું મતદાર ફોટો ઓળખ કાર્ડ (EPIC) છે. શું મને હાલના સરનામાવાળું નવું EPIC મળી શકે?

જવાબ: સૌપ્રથમ તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે સંબંધિત વિધાનસભા મતદાર વિભાગ જેમાં તમારું નવું રહેઠાણ સ્થિત છે તેની મતદાર યાદીમાં તમે નોંધાયેલા છો. જો કે EPIC માં તમારું નવું સરનામું બદલવાની જરૂર નથી. છતાં, જો તમે EPIC માં સરનામું બદલવા ઈચ્છતા હોવ તો, નવા વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારીને રૂા. ૨૫/- ફી સાથે અરજી કરીને તેમ કરી શકાય છે. મતદાર નોંધણી અધિકારી નવા સરનામા સાથેનું EPIC ઈસ્યુ કરશે. જો કે જૂના EPIC નો જે નંબર છે તે જ નંબર નવા EPIC નો રહેશે.

પ્રશ્ન-૨૬ : મારા EPIC માં કેટલીક ભૂલો છે. સાચી વિગતો સાથેનું નવું EPIC મેળવવાની પ્રક્રિયા શું છે?

જવાબ : તમારા EPIC માં રહેલી ભૂલો સુધારવા માટે તમે ફોર્મ-૮ માં અરજી કરી શકો છો. મતદાર નોંધણીઅધિકારી જરૂરી સુધારાઓ કરીને એ જ નંબરનું નવું EPIC ઈસ્યુ કરશે.

પ્રશ્ન-૨૭ : મારું જૂનું EPIC ખોવાઈ ગયું છે. હું નવું EPIC કેવી રીતે મેળવી શકું?

જવાબ: EPIC ખોવાઈ જવાને લગતી પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદની નકલ સાથે રૂા૨૫/- ની ફી  ભરવાથી મતદારને ખોવાયેલા EPIC ને બદલે નવું EPIC ઈસ્યુ કરી શકાય છે. જો કે, પૂર, આગ   અન્ય કુદરતી આપત્તિ વગેરે જેવા મતદારના કાબુ બહારના સંજોગોમાં જો EPIC ખોવાયું હોય તો નવું EPIC ઈસ્યુ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહિ.

પ્રશ્ન-૨૮ મતદાર યાદીમાં નામના સમાવેશ સામે કોણ વાંધો લઈ શકે?

કોઈપણ વ્યક્તિ જે સંબંધિત મતવિસ્તારમાં મતદાર છે તે તે મતદાર યાદીમાં નામના સમાવેશ સામે એ આધાર પર વાંધો લઈ શકે છે કે જેનું નામ મતદાર યાદીમાં સમાવવામાં આવ્યું છે અથવા સમાવવા માટે સૂચિત છે તે વ્યક્તિ તે મતક્ષેત્રમાં મતદાર તરીકે નોંધણી માટે લાયક નથી. સંબંધિત મતદાર નોંધણી અધિકારીને ફોર્મ-૭ માં સંબંધિત પુરાવાઓ સાથે વાંધો રજુ કરી શકાય છે.

પ્રશ્ન-૨૯ મારા પાડોશી / સંબંધીએ નવા સ્થળે તેનું રહેઠાણ બદલ્યું છે. પરંતુ મતદાર યાદીમાં તેનું નામહજુ સુધી ચાલે છે. મતદાર યાદીમાંથી તેનું નામ કમી કરવા માટેની અરજી કયા નમૂનામાં કરવીજોઈએ?

જવાબ : સ્થળાંતરિત / મૃત / ગેરહાજર મતદારનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે નમૂના-૭માં અરજી કરવી જોઈએ. મતદાર યાદીમાં કોઈ એક મતદારની એક કરતાં વધુ વખતની નોંધરદ કરવા માટે પણ નમૂના-૭ માં અરજી કરવી જોઈએ.

પ્રશ્ન-૩૦ :કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં કયારે નોંધણી કરાવી શકે? શું મતદાર નોંધણી પ્રક્રિયા સમગ્ર વર્ષ દરમ્યાન ચાલતી હોય છે?

ચૂંટણી આયોગ સામાન્ય રીતે દર વર્ષે સપ્ટેમ્બરથી ઓકટોબર મહિનામાં હયાત મતદાર યાદીની સુધારણાનો આદેશ કરે છે અને આવી સુધારેલી મતદાર યાદીની આગામી વર્ષના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આખરી પ્રસિધ્ધિ થાય છે. હક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાના સમયગાળા દરમ્યાન કોઈ પણ વ્યક્તિ મતદાર નોંધણી અધિકારીને અથવા આવી અરજીઓ સ્વીકારવા પદનામિત અધિકારીને દાવા અરજી ફોર્મ ૬ / ૬-ક) રજુ કરી શકે છે. આખરી પ્રસિધ્ધિ પછી મતદાર યાદીની સતત સુધારણા ચાલે છે અને સતત સુધારણા દરમ્યાન કોઈ પણ વ્યક્તિ કોઇ પણ સમયે મતદાર નોંધણી અધિકારીને / મદદનીશ મતદાર નોંધણી અધિકારીને હક-દાવા અરજી કરીને મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.

પ્રશ્ન-૩૧ શું કોઈ વ્યક્તિ એક કરતાં વધુ સ્થળે મતદાર તરીકે નોંધાઈ શકે? જો હું દિલ્હીમાં કામ કરતો રહેતો હોઉં, તો હું મારા વતનના સ્થળ ઉત્તરાખંડમાં મતદાર હોઈ શકું?

જવાબ :ના. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૦ ની કલમ ૧૭ અને ૧૮ ની જોગવાઈઓ ધ્યાને લેતાં કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ સ્થળે મતદાર તરીકે નોંધાઈ શકતી નથી. એ જ રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મતદાર યાદીમાં એક કરતાં વધુ વાર નોંધણી કરાવી શકતી નથી. કોઈ પણ / વ્યક્તિ પ્રથમવાર નોંધણી માટે અરજી કરે ત્યારે એ મતલબનું નિવેદન કે એકરાર કરે છે કે તેનું નામ અન્ય કોઈ મતક્ષેત્રની મતદાર યાદીમાં સમાવિષ્ટ છે કે કેમ અને જો તે નિવેદન / એકરાર ખોટો છે અને અરજદાર તે નિવેદન / એકરાર ખોટો હોવાનું જાણે કે માને છે અથવા સાચું હોવાનું માનતો નથી તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૦ ની કલમ - ૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

પ્રશ્ન-૩૨: જો મને મતદાર નોંધણી અધિકારીના હુકમ સામે ફરીયાદ હોય તો મારે કોની સમક્ષ અપીલ કરવી જોઈએ?

સુધારણાના સમયગાળા દરમ્યાન તમે જિલ્લા ચૂંટણી અધિકારીને અપીલ કરી શકો છો. સતત / સુધારણા પ્રક્રિયા દરમ્યાનની અરજીના કિસ્સામાં મતદાર નોંધણી અધિકારીના કોઈ હુકમ સામેની આવી અપીલ પ્રથમ અપીલ સત્તાધિકારી – સંબંધિત જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ / અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ / એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ / જિલ્લા કલેકટર સમક્ષ કરી શકાશે. પ્રથમ અપીલ સત્તાધિકારીના હુકમ સામે આગળની અપીલ બીજા અપીલ સત્તાધિકારી – રાજયના મુખ્ય / નિર્વાચન અધિકારીને કરી શકાશે.

પ્રશ્ન-૩૩વિદેશી ભારતીય મતદાર કોણ છે? શું વિદેશી ભૂમિ પર સ્થાયી બિનનિવાસી ભારતીય ભારતમાં મતદાર બની શકે?

વિદેશી ભારતીય મતદાર એવી વ્યક્તિ છે જે ભારતનો નાગરિક છે ને જેણે બીજા કોઈ દેશની / નાગરિકતા સ્વીકારી નથી અને જે મતદાર તરીકે નોંધણી માટે ગેરલાયક નથી અને તે તેના રોજગાર, શિક્ષણ અથવા અન્ય કારણોસર ભારતમાં તેના સામાન્ય રહેઠાણના સ્થળેથી ગેરહાજર છે તે પાસપોર્ટમાં દર્શાવ્યા મુજબનું ભારતમાં તેના રહેઠાણનું સ્થળ જેમાં આવેલું છે તે મતક્ષેત્રમાં મતદાર તરીકે નોંધણી મા લાયક છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૨૦-ક ની જોગવાઈઓ અનુસાર, વિદેશી ભૂમિ પર સ્થાયી બિનનિવાસી ભારતીય ભારતમાં મતદાર બની શકે છે.

પ્રશ્ન-૩૪ : વિદેશમાં રહેતા ભારતીયો મતદાર યાદીમાં નોંધણી કેવી રીતે કરાવી શકે છે? જવાબ : આ હેતુ માટે અરજદારે તેના પાસપોર્ટમાં દર્શાવ્યા મુજબ તેનું ભારતનું સામાન્ય રહેઠાણનું સ્થળ જયાં આવેલું હોય તે વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારીને નિયત નમૂના ૬-ક માં અરજી કરવાની હોય છે. લાગુ પડતા/ દસ્તાવેજોની યોગ્ય રીતે સ્વપ્રમાણિત કરેલી નકલો જોડીને અરજી સંબંધિત મતદાર નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારીને રૂબરૂ રજુ કરી શકાય છે અથવા તેઓને /ઉદ્દેશીને ટપાલ દ્વારા મોકલી શકાય છે અથવા ફોર્મ ૬-ક સંબંધિત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી અથવા ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ પર ઓનલાઈન ભરી શકાય છે. ફોર્મ ૬-ક  ઓનલાઈન ભરવામાં આવે ત્યારે પાસપોર્ટની નકલ તથા વિઝા વગેરે બીજા જરૂરી દસ્તાવેજોની નકલો પણ અપલોડ કરવી જોઈશે.

પ્રશ્ન-૩૫ : ઉપરના પ્રશ્નમાં પાસપોર્ટ' નો અર્થ શું છે?

જવાબ: પાસપોર્ટ એટલે ભારત સરકાર દ્વારા ઈસ્યુ કરાયેલ પાસપોર્ટ, જેમાં વિઝાની નોંધ કરવામાં આવી છે. તેનો અર્થ એ નથી કે હાલના પાસપોર્ટ જરૂરી છે, કારણ કે ઘણા કેસોમાં વર્તમાન પાસપોર્ટમાં ભારતના સરનામાની વિગતોનો સમાવેશ થતો નથી, જેનો મૂળ પાસપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે પરંતુ તેમાં વિદેશનું સરનામું હોઈ શકે છે.

પ્રશ્ન-૩૬ નું ફોર્મ ૬-ક કયાંથી મેળવી શકાય?

જવાબ: તે સંબંધિત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ અથવા ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ ૬-ક વિદેશમાં આવેલા ભારતીય મિશનમાં વિના મૂલ્ય ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ભારતના દરેક મતદાન મથક વિસ્તારમાં બૂથ કક્ષાના અધિકારીઓને વિદેશમાં વસતા ભારતીય લોકોને મોકલવા માટે કોરાં ફોર્મ ૬-ક તેઓના કુંટુંબોનેવિતરણ કરવા કહેવામાં આવ્યું છે.

પ્રશ્ન-૩૭ : ફોર્મ ૬-ક સાથે કયા દસ્તાવેજો જોડવા જરૂરી છે?

જવાબ: તાજેતરનો એક રંગીન પાસપોર્ટ ફોટોગ્રાફ (જે ફોર્મ ૬-ક માં ચોંટાડવાનો છે), ફોટોગ્રાફ, ભારતમાં તેનું સરનામું અને અરજદારની અન્ય તમામ વિગત તથા માન્ય વિઝા એન્ડોર્સમેન્ટ ધરાવતા પાસપોર્ટના સંબંધિત પાનાની ઝેરોક્ષ નકલો.

પ્રશ્ન-૩૮:  નમૂના-૬ ક માં અરજી કરતી વખતે અન્ય કઈ ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જરૂરી છે?

જવાબ: જો અરજી ટપાલ દ્વારા મોકલવામાં આવી હોય તો, ઉપર પ્રશ્ન-૮ ના જવાબમાં દર્શાવેલા દરેક દસ્તાવેજની ઝેરોક્ષ નકલ યોગ્ય રીતે સ્વપ્રમાણિત કરેલી હોવી જોઈએ. જો અરજી મતદાર  નોંધણી અધિકારી / મદદનીશ મતદાર નોંધણી અધિકારીને જાતે રૂબરૂ રજુ કરવામાં આવી હોય તો, ચકાસણી અર્થે અસલ પાસપોર્ટ રજુ કરવો જોઈશે.

પ્રશ્ન-૩૯ : જો હું નમૂના ૬-ક માં ઓનલાઈન અરજી કરું છું તો, મારે મતદાર નોંધણી અધિકારીના સરનામે જરૂરી દસ્તાવેજો સાથે નમૂના૬-ક ની સહી કરેલી નકલ ટપાલ મારફત મોકલવી જોઈશે?

જવાબ : હા. ફોર્મ ૬-ક ની સહી કરેલી નકલ અને જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો મોકલવી જરૂરી

પ્રશ્ન-૪૦ : વિદેશમાં વસતા ભારતીય દ્વારા નમૂના ૬-ક માં તેની અરજી સાથે રજુ કરવામાં આવેલ સ્વ પ્રમાણિત દસ્તાવેજોની ચકાસણીની શું પ્રક્રિયા છે?

જવાબ : મતદાર નોંધણી અધિકારીને સ્વ-પ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે ફોર્મ ૬-ક મળે એટલે તે સંબંધિત મતદાન વિસ્તારના બુથ લેવલ ઓફિસરને ક્ષેત્ર ચકાસણી માટે મોકલશે. બુથ લેવલ ઓફિસર અરજદારના પાસપોર્ટમાં દર્શાવેલ ઘરના સરનામે મુલાકાત લેશે. તે અરજદારના સંબંધી સાથે, જો કોઈ હોય તો, દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલોની ચકાસણી અને તે મતલબનો એક એકરાર આપવા માટે પૃચ્છા કરશે. એવા કિસ્સાઓ, જેમાં કોઈ સંબંધી ઉપલબ્ધ ન હોય અથવા દસ્તાવેજોની ચકાસણી માટે નિવેદન આપવા જો કોઈ સંબંધી ઈચ્છુક ન હોય અથવા સંબંધી દ્વારા દસ્તાવેજોની ચકાસણી અંગે મતદાર નોંધણી અધિકારીને સંતોષ ન હોય તો દસ્તાવેજો અરજદાર જયાં રહેતો હોય તે દેશના ભારતીય મિશનને ચકાસણી માટે મોકલવામાં આવશે. દાવા અરજીની ચકાસણી માટે ભારતીય મિશનના અધિકૃત અધિકારી ઉપર પ્રશ્ન-૧૪ નાજવાબમાં દર્શાવ્યા મુજબ આગળના જરૂરી પગલાં લેશે.

પ્રશ્ન-૪૧ : મતદાર યાદીમાં વિદેશમાં વસતા ભારતીય મતદાર સંબંધી નોંધ કયાં જોવા મળશે?

જવાબ : દરિયાપારના મતદારોના નામનો તેના પાસપોર્ટમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણેનું   ભારતનું તેનું રહેઠાણ જયાં આવેલું છે તે સ્થળના વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત  ભાગમાં સમાવેશ કરવામાં આવે છે. “દરિયાપારના મતદાર" એ મુજબનું એક અલગ સેકશન જે તે ભાગનું છેલ્લું સેકશન હશે તેમાં તે મતદારની નોંધણી કરવામાં આવશે.

પ્રશ્ન-૪૨ : શું વિદેશમાં વસતા ભારતીય મતદારે તેના / તેણીના વસવાટના દેશમાં હાલના વસવાટના સરનામામાં ફેરફાર અંગે મતદાર નોંધણી અધિકારીને જાણ કરવી જોઈએ?

જવાબ : હા. વિદેશમાં વસતા ભારતીય મતદારની એ જવાબદારી છે કે તેણે તેના / તેણીના વસવાટના દેશમાં હાલના વસવાટના સરનામામાં ફેરફાર અંગે મતદાર નોંધણી અધિકારીને માહિતી આપવી.

પ્રશ્ન-૪૩: જયારે વિદેશમાં વસતા ભારતીય મતદાર ભારત પાછો ફરે અને ભારતમાં સામાન્ય રહેવાસી બને ત્યારે તેણે મતદાર નોંધણી અધિકારીને જાણ કરવી જોઈએ?

જવાબ : હા. વિદેશમાં વસતા ભારતીય મતદારે આમ કરવું જ જોઈએ. આવા કિસ્સામાં, ત્યારબાદ આવી વ્યક્તિ ભારતમાં જે સ્થળનો સામાન્ય રહેવાસી હોય તે સ્થળે સામાન્ય મતદાર તરીકે નોંધાઈ શકે

પ્રશ્ન-૪૪ : વિદેશી મતદાતા કે જેનું નામ મતદારયાદીમાં નોધાયેલું છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે?

જવાબ: વિદેશી મતદાર જે ભાગમાં વિદેશી મતદાર તરીકે નોંધાયેલ છે તે ભાગ માટે આપવામાં આવેલા મતદાન મથકે જાતે હાજર રહીને તે મતવિસ્તારની ચૂંટણીમાં તેનો મત આપી શકે છે.

પ્રશ્ન-૪૫ : શું વિદેશમાં વસતા ભારતીય મતદારોને મતદાર ફોટો ઓળખ કાર્ડ (EPIC) આપવામાં આવે છે?

જવાબ : વિદેશમાં વસતા ભારતીય મતદારોને મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવતું નથી કારણ કે તેને તેના મત વિસ્તારમાં ચૂંટણીમાં મતદાન મથક ખાતે તેનો અસલ પાસપોર્ટ રજુ કરીને જાતે  મતદાન કરવાની પરવાનગી છે.

પ્રશ્ન-૪૬: શું વિદેશમાં વસતા ભારતીય મતદારે, જો તેને ભારતમાં મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવ્યું હોય તો તેણે તે પરત જમા કરાવવું જોઈએ?

જવાબ: હા. જો તેને ભારતમાં મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવ્યું હોય તો તેણે વિદેશમાં વસતા ભારતીય મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ નં. ૬ ક જમા કરાવવાની સાથે મતદાર ફોટો ઓળખકાર્ડ જમા કરાવવું જોઈએ.

પ્રશ્ન-૪૭: વિદેશમાં વસતા ભારતીય મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરવા માટે કોઈ વ્યકિતએ લઘુત્તમ કેટલો સમય દેશની બહાર હોવું જોઈએ તેવો કોઈ સમયગાળો નિર્ધારીત થયેલો છે?

જવાબ: આવો કોઈ સમયગાળો નિર્ધારિત થયેલ નથી.

પ્રશ્ન-૪૮: સેવા મતદાર કોણ છે?

જવાબ: સેવા મતદાર એ સર્વિસ લાયકાત ધરાવતા મતદાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૨૦ ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ મુજબ, સર્વિસ લાયકાતનો અર્થ છે: (૧) કેન્દ્રીય સશસ્ત્ર દળના સભ્ય હોવું; અથવા (૨) સુધારા સાથે કે સુધારા વગર જેને આર્મી અધિનિયમ, ૧૯૫૦ (સને ૧૯૫૦ નો ૪૬ મો) ની જોગવાઈઓ લાગુ પાડવામાં આવી હોય તેવા દળનો સભ્ય હોવું અથવા (૩) રાજયના સશસ્ત્ર પોલીસ દળના સભ્ય હોય અને જે તે રાજયની બહાર સેવારત હોય; અથવા (૪) ભારત સરકાર હેઠળ નિમાયેલ વ્યક્તિ જે ભારત બહાર કાર્યરત હોય.

પ્રશ્ન-૪૯ : એક સેવા મતદાર સામાન્ય મતદારથી કઈ રીતે અલગ છે?

જવાબ: એક સામાન્ય મતદાર જયાં તેના સામાન્ય રહેઠાણનું સ્થળ આવેલું હોય તે વિધાનસભા મતદાર વિભાગની મતદાર યાદીમાં નોંધાયેલ હોય છે. જયારે સેવા લાયકાત ધરાવતી વ્યક્તિ તે ખરેખર જુદા સ્થળે (ફરજના) વસવાટ કરતી હોય છતાં પણ તેના વતનના સ્થળે સેવા મતદાર તરીકે નોંધાઈ શકે છે. જો કે, સેવા લાયકાત ધરાવતી વ્યક્તિને તેની ફરજના સ્થળે, જયાં તે ખરેખર, તત્સમયે, સામાન્ય રીતે તેના કુટુંબ સાથે પર્યાપ્ત સમય માટે વસવાટ કરતી હોય ત્યાં સામાન્ય મતદાર તરીકે નોંધણી કરાવવાનો વિકલ્પ છે.

પ્રશ્ન-૫૦ : વિવિધ કક્ષાના સેવા મતદારોએ મતદાર તરીકે નોંધણી માટે અરજી કરવા માટેના નમૂનાઓ કયા કયા છે?

જવાબ : વિવિધ કક્ષાના સેવા મતદારોએ સેવા મતદાર તરીકે નોંધણી માટે અરજી કરવા માટેના અરજીપત્રકના નમૂનાઓ નીચે મુજબ છેઃ (૧) સશસ્ત્ર દળના સભ્યો માટે - નમૂનો-૨ (૨) રાજયના સશસ્ત્ર પોલીસ દળના સભ્યો જે રાજયની બહાર સેવારત હોય – નમૂનો-૨ ક (૩) ભારત બહારના હોદ્દા પર ભારત સરકાર હેઠળ કાર્યરત વ્યક્તિઓ – નમૂનો-૩ જો કે, સેવા કર્મચારીએ તેની ફરજના સ્થળે સામાન્ય મતદાર તરીકે નોંધણી માટેનો વિકલ્પ પસંદ કર્યો હોય તો જયાં તે વાસ્તવમાં રહે છે તો તેણે અન્ય સામાન્ય મતદારની જેમ ફોર્મ-૬ માં અરજીકરવી જોઈશે.

પ્રશ્ન-૫૧: શું તમામ સશસ્ત્ર દળો અર્ધ લશ્કરી દળોના સભ્યો સેવા મતદાર તરીકે નોંધણી માટે લાયકાત ધરાવે છે?

જવાબ: હયાત વ્યવસ્થા અનુસાર, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સભ્યો અને જનરલ રીઝર્વ એન્જિનિયર ફોર્સ (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન), સીમા સુરક્ષા દળ (બીએસએફ), ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, આસામ રાઈફલ્સ, નેશનલ સિકયુરીટી ગાર્ડ્ઝ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ અને સશસ્ત્ર સીમા બળના કર્મચારીઓ સેવા મતદાર તરીકે નોંધણી માટેની લાયકાત ધરાવે છે.

પ્રશ્ન-૫૨ : સેવા કર્મચારીઓની સેવા મતદાર તરીકે નોંધણી માટેની પ્રક્રિયા શું છે?

જવાબ : ચૂંટણી પંચ વર્ષમાં બે વાર સેવા મતદારોની મતદાર યાદીની સુધારણા કરવા / અદ્યતન કરવાઆદેશ આપે છે. આ માટે ચૂંટણી પંચ સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને સુધારણા કાર્યક્રમ શરૂ થયા અંગે જાણ કરતો પત્ર વ્યવહાર કરે છે. કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે એટલે સેવા લાયકાત ધરાવતા વ્યક્તિઓ વૈધાનિક નમૂના ૨ / ૨-ક / 3 માં બે નકલમાં અરજી ફોર્મ ભરી શકે છે અને રેકર્ડ ઓફિસના ઓફિસર ઈન્ચાર્જને અથવા વિદેશ મંત્રાલયના નોડલ સત્તાધિકારીને (ભારતસરકાર હેઠળ નોકરી કરતી પરંતુ ભારત બહાર હોદ્દો ધરાવતી વ્યક્તિઓના કિસ્સામાં) અરજી મોકલે છે. ફોર્મ ૨ / ૨-ક માં અરજી કરતી વ્યક્તિએ તેણે સામાન્ય મતદાર તરીકે કોઈ પણ મતદાર વિભાગમાં નોંધણી કરાવી નથી એ મતલબનું નિયત નમૂનામાં નિવેદન પણ રજુ કરવાનું હોય છે. આ નિવેદન બે નકલમાં હોવું જરૂરી નથી. ઓફિસર ઈન્ચાર્જ / નોડલ સત્તાધિકારી ફોર્મ અને નિવેદનની ચકાસણી કરશે અને એ બાબતની ખાતરી કરશે કે ફોર્મ તમામ વિગતે સંપૂર્ણ છે અને અરજદાર દ્વારા તેમાં ભરવામાં આવેલી વિગતો સાચી છે. ઓફિસર ઇન્ચાર્જ ત્યારબાદ ફોર્મમાં જ આપવામાં આવેલ ચકાસણી પ્રમાણપત્રમાં સહી કરશે અને સંબંધિત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીને મોકલી આપશે. મુખ્ય નિર્વાચન અધિકારી ફોર્મ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલશે. જિલ્લા ચૂંટણી અધિકારી વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારીને ફોર્મ મોકલી આપશે. મતદાર નોંધણી અધિકારી આ ફોર્મ પર આગળની કાર્યવાહી કરશે.

પ્રશ્ન-૫૩ સેવા મતદારની પત્નિ અથવા પુત્ર / પુત્રી પણ સેવા મતદાર તરીકે નોંધાય છે?

જવાબ: સેવા મતદારની પત્નિ, જો તે તેની સાથે સામાન્ય રહીશ હોય તો, તે વ્યક્તિ દ્વારા નિર્ધારીત  વિધાનસભા મતદાર વિભાગમાં સેવા મતદાર તરીકે માનવામાં આવશે. સેવા મતદારે લાગુ પડતા ફોર્મ ૨ / ૨-ક / 3 માં એ મતલબનું નિવેદન કરવાનું હોય છે કે તેની પત્નિ તેની સાથે સામાન્ય રહીશ છે. તેના પતિ દ્વારા રજુ થયેલ અરજીપત્રમાં જ કરવામાં આવેલ નિવેદનના આધારે સેવા મતદારની પત્નિની સેવા મતદાર તરીકે નોંધણી કરવામાં આવશે અને સેવા મતદારની પત્નિ દ્વારા અલગ અરજી / નિવેદન કરવું જરૂરી નથી. પુત્ર / પુત્રી / સંબંધી / નોકર વગેરે સેવા મતદાર સાથે સામાન્ય રહીશ હોય તો પણ તેઓને સેવા મતદાર તરીકે નોંધી શકાતા નથી.

પ્રશ્ન-૫૪ મહિલા સેવા મતદારના પતિ માટે સેવા મતદાર તરીકે નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે ?

જવાબ: પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ સુવિધા માત્ર પુરુષ સેવા મતદારની પત્નીને જ ઉપલબ્ધ છે અને તે મહિલા સેવા મતદારના પતિને ઉપલબ્ધ નથી.

પ્રશ્ન-૫૫ : શું કોઈ વ્યક્તિ એકસાથે તેના વતનના સ્થળે સેવા મતદાર તરીકે અને તેના ફરજના સ્થળે સામાન્ય મતદાર તરીકે નોંધાઈ શકે ?

જવાબ: ના. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૧૭ અને ૧૮માં સમાવિષ્ટ જોગવાઈઓને ધ્યાને લેતાં કોઈ વ્યક્તિ કોઈ એક ચોક્સ સમયે એક કરતાં વધુ જગ્યાએ મતદાર તરીકે નોંધણી કરાવી શકતી નથી. તેવી જ રીતે કોઇપણ વ્યક્તિની કોઈ મતદાર યાદીમાં મતદાર તરીકે એક કરતાં વધુ વખત નોંધણી થઈ શકે નહિ. ઉપર વર્ણવ્યું છે તેમ, એક સેવા મતદાર પાસે તેના વતનના સ્થળે સેવા મતદાર તરીકે અથવા ફરજના સ્થળે સામાન્ય મતદાર તરીકે નોંધણી કરાવવાનો વિકલ્પ છે. જ્યારે કોઈ વ્યક્તિ સેવા મતદાર તરીકે નોંધણી માટે નમૂનો ૨ / ૨(એ)માં અરજી કરે છે ત્યારે તેણે કોઇપણ મતવિસ્તારમાં સામાન્ય મતદાર તરીકે નોંધણી કરાવી નથી તે મતલબનો નિયત નમૂનામાં એકરાર કરવાનો રહે છે.

પ્રશ્ન-૫૬ વર્ગીકૃત સેવા મતદાર કોણ છે ?

જવાબ: સશસ્ત્ર દળો અથવા આર્મી અધિનિયમ, ૧૯૫૦ની જોગવાઈઓ જેને લાગુ પડે છે તે દળોના સેવા મતદારોને ટપાલ મતપત્ર દ્વારા અથવા તેઓ દ્વારા નિમવામાં આવેલ Proxy (પ્રતિનિધિ) દ્વારા મતદાન કરવાનો વિકલ્પ મળે છે. એવા સેવા મતદારો કે જેમણે મતદાન માટે પ્રતિનિધિ નિયુક્ત કર્યા હોય તેવા સેવા મતદારોને વર્ગીકૃત સેવા મતદાર કહેવામાં આવે છે.

પ્રશ્ન-૫૭ : Proxy (પ્રતિનિધિ) કોણ છે ?

જવાબ: સેવા મતદાર કોઈપણ વ્યક્તિને તેના / તેણીના પ્રતિનિધિ તરીકે, તેના વતી અને તેના નામે,  મુકરર થયેલ મતદાન મથકે મત આપવા માટે નિમણૂંક કરી શકે છે. ચૂંટણી સંચાલન નિયમો, ૧૯૬૧ના નમૂના ૧૩ (એફ) માં ચૂંટણી અધિકારીને અરજી કરીને ફોર્મ ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.) Proxy તે વિસ્તારનો સામાન્ય નિવાસી હોવો જોઈએ. તે નોંધાયેલો મતદાર હોવો જરૂરી નથી. પરંતુ તે મતદાર તરીકે નોંધણી માટેની ગેરલાયકાત ધરાવતો ન હોવો જોઈએ.

પ્રશ્ન-૫૮ : Proxyની નિમણૂંકની પ્રક્રિયા શું છે?

જવાબ: Proxy નિમ્નલિખિત બે રીતે નિયુક્ત કરી શકાય છેઃ (૧) જો સેવા મતદાર તેની ફરજના સ્થળે હોય તો તેણે યુનિટના કમાન્ડરની સમક્ષ ફોર્મ ૧૩ (એફ) માં તેની સહી કરવી જોઈશે અને નોટરી / પ્રથમ વર્ગના મેજીસ્ટ્રેટ સમક્ષ તેની / તેણીની સહી કરવા માટે તે ફોર્મ તેણે પ્રતિનિધિને મોકલવું જોઈશે. ત્યારબાદ પ્રતિનિધિ સંબંધિત ચૂંટણી અધિકારીને તે ફોર્મ મોકલી શકે છે. (૨) જો સેવા મતદાર તેના વતનના સ્થળે હોય તો તે અને તેના પ્રતિનિધિ બન્નેએ નોટરી / પ્રથમ વર્ગ મેજીસ્ટ્રેટ સમક્ષ ફોર્મ ૧૩(એફ) માં સહી કરવી જોઈશે અને ત્યારબાદ તે સંબંધિત ચૂંટણી અધિકારીને મોકલવું જોઈશે.

પ્રશ્ન-૫૯ પ્રોકસી કેટલી અવધિ માટે માન્ય છે?

જવાબ: જયાં સુધી નિમણૂક કરનાર વ્યકિત સેવા મતદાર છે ત્યાં સુધી પ્રોકસી દ્વારા મતદાન માટેની જોગવાઈ માન્ય છે. એકવાર નિમણૂંક કર્યા પછી સેવા મતદાર દ્વારા તેની નિમણૂંક રદ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રોકસી ચાલુ રહેશે. વર્ગીકૃત સેવા મતદાર દ્વારા પ્રોકસી મતદારની સુવિધા રદ કરી શકાય છે અને કોઈ પણ સમયે અથવા ગમે તેટલીવાર પ્રોકસી બદલી શકાય છે. આ રીતે વર્ગીકૃત સેવા મતદાર પ્રોકસીની નિમણૂંક રદ કરી શકે છે અને ટપાલ મતપત્રનો વિકલ્પ આપી શકે છે અથવા ચૂંટણી અધિકારીને ચૂંટણી સંચાલન નિયમો, ૧૯૬૧ ના નમૂના ૧૩ જી માં અરજી કરીને પ્રોકટીની અવેજીમાં અન્યની નિમણૂંક કરી શકે છે. (નમૂનો ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. નિમણૂંક રદ કરવાની અરજી જે દિવસે ચૂંટણી અધિકારીને મળે તે દિવસથી તે અમલી બનશે.

પ્રશ્ન-૬૦ પ્રોક્સીની નિમણૂક માટેની અરજી ક્યારે કરવી જોઈએ?

જવાબ :પ્રોક્સીની નિમણૂક માટેની અરજી, ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ પહેલાં ચૂંટણી

અધિકારીને મળી જવી જોઈએ. પ્રોકસીની નિમણૂંક માટેની ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ બાદ મળેલી અરજી ચાલું ચૂંટણી માટે ધ્યાને લેવામાં આવશે નહિં. જો કે આવી નિમણૂંક રદ કરવામાં / બદલવામાં ન આવે તો તે પછીની ચૂંટણીઓ માટે તે માન્ય રહેશે.

પ્રશ્ન-૬૧ મતદાન મથકે સેવા મતદાર વતી પ્રોકસી (પ્રતિનિધિ) મત કેવી રીતે નોંધે છે?

જવાબ: મતદાન મથકમાં મુકરર કરવામાં આવેલા કોઈપણ અન્ય મતદારની જેમ જ મતદાન કરતી વખતે પ્રોકસી સેવા મતદાર વતી મત આપશે. પ્રોકસી વર્ગીકૃત સેવા મતદાર વતી મતદાન કરવા હકદાર હશે. તદુપરાંત, મતદાર વિભાગમાં તેની નોંધણી કરવામાં આવી હોય તો, સામાન્ય રીતે તેમને મુકરર કરવામાં આવ્યા હોય તે મતદાન મથકે તેના પોતાના નામે મત આપી શકશે.

પ્રશ્ન-૬૨ શું વર્ગીકૃત સેવા મતદારને ચૂંટણી અધિકારી દ્વારા ટપાલ મતપત્ર આપી શકાય?

જવાબ: વર્ગીકૃત સેવા મતદારને ટપાલ મતપત્ર આપી શકાશે નહિ. પરંતુ નિમણૂંક કરેલ પ્રતિનિધિઓ વર્ગીકૃત સેવા મતદારના ઘરનું સરનામું આવરી લેતાં મતદાન મથકે રૂબરૂ આવી મતદાન કરવાનું રહે છે.

પ્રશ્ન-૬૩ મતદાર યાદીમાં સેવા મતદારોની યાદીનું માળખું શું છે?

જવાબ:વર્ગીકૃત સેવા મતદારોની યાદી મતદાન મથકવાર જાળવવામાં આવે છે જયારે અન્ય સેવા મતદારોની યાદી મત વિસ્તાર માટે અલગથી સળંગ તૈયાર કરવામાં આવે છે અને તેમાં નોંધાયેલા તમામ સેવા મતદારો વિધાનસભા મતદાર વિભાગની મતદાર યાદીના છેલ્લા ભાગમાં એક અલગ ભાગ તરીકે ગોઠવવામાં આવે છે. એક વિધાનસભા મતદાર વિભાગના તમામ સેવા  મતદારો તેઓના રહેઠાણના સ્થળને ધ્યાને લીધા સિવાય આ છેલ્લા ભાગમાં એક સાથે સૂચિબધ્ધ કરવામાં આવે છે. આ સેવા મતદારો માટે કોઇ મતદાન મથક મુકરર હોતું નથી. સેવા મતદારો માટેના મતદાર યાદીના છેલ્લા ભાગમાં ત્રણ પેટા ભાગ હોય છેઃ- (A) - સશસ્ત્ર દળ માટે, (B) – સંબંધિત રાજયની બહાર સેવારત રાજય સશસ્ત્ર પોલીસ દળ માટે, અને (C) – ભારત સરકાર  હેઠળ ભારત બહાર કોઈ હોદ્દા પર નિમાયેલ વ્યક્તિઓ માટે.

પ્રશ્ન-૬૪ સેવા મતદાર માટેનો મતદારયાદીનો છેલ્લો ભાગ એક વર્ષમાં કેટલી વાર અદ્યતન કરવામાં આવે છે?

જવાબ: મતદારયાદીનો છેલ્લો ભાગ / સેવા મતદારોની યાદી વર્ષમાં બે વાર અદ્યતન કરવામાં આવે છે અને બે પુરવણી યાદી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

પ્રશ્ન-૬૫ સેવા મતદારો માટેનો મતદાર યાદીનો છેલ્લો ભાગ કઈ ભાષામાં તૈયાર કરવામાં આવે છે?

જવાબ: સેવા મતદારોની સૂચિ ધરાવતો છેલ્લો ભાગ અંગ્રેજીમાં જ તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન-૬૬ સામાન્ય મતદારોની જેમ સેવા મતદારને મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવે છે? જવાબ સેવા મતદારને મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવતું નથી. મતદાર ફોટો ઓળખકાર્ડ એ ઓળખનો દસ્તાવેજ છે જે મતદારે મતદાન મથકે મતદાન કરતી વખતે બતાવવાનો હોય છે. સેવા મતદારોને ટપાલ મતપત્ર ઇસ્યુ કરવામાં આવે છે અથવા તેઓ પ્રતિનિધી દ્વારા મતદાન કરે છે. જેના કારણે તેઓએ વ્યક્તિગત રીતે મતદાન મથકની મુલાકાત લેવાની જરૂરિયાત નથી અને તેથી તેઓને ચૂંટણી ઓળખકાર્ડ આપવામાં આવતા નથી.

પ્રશ્ન-૬૭ શું સેવા મતદારને ટપાલ મતપત્ર માટે અરજી કરવાની જરૂર છે ?

જવાબ : ના. ચૂંટણી અધિકારી જાતે જ રેકર્ડ ઓફિસ મારફત (અથવા સીધા અથવા ભારત બહાર સેવારત સેવા મતદારના કિસ્સામાં વિદેશી બાબતોના મંત્રાલય મારફત) તેને ટપાલ મત્રપત્ર મોકલશે.

પ્રશ્ન-૬૮ '1950' શું છે?

જવાબ: નોંધણી પ્રક્રિયા વધુ પારદર્શક અને નાગરિક મૈત્રીપૂર્ણ બનાવવા માટે, ચૂંટણી પંચે એક ટોલ ફ્રી ટેલિફોન નંબર '1950' સાથે બધા રાજ્ય મથક ખાતે રાજ્ય કોલ સેન્ટર્સને સ્થાપિત કર્યા છે. આ નંબર રાજયના તમામ લેન્ડલાઈન અને મોબાઈલ ટેલીફોનથી એસટીડી કોડ વિના અને રાજય બહારથી રાજ્યની રાજધાનીના એસટીડી કોડ ઉમેરીને સુલભ છે. નાગરિકો નોંધણી પ્રક્રિયા, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને તેમના હક-દાવા અને વાંધાઓની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે '1950' નો ઉપયોગ કરીને રાજ્ય કોલ સેન્ટરને કૉલ કરી શકે છે.

સ્ત્રોત: ગુજરાત ચૂંટણી આયોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate