অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા

આહવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ જંગલો વચ્ચે અત્યંત દર્શનિય લાગતા ડાંગ જિલ્લાનું તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ રહે છે. આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસતી વધારે છે. ગુજરાત રાજયના એક માત્ર હિલ સ્ટેશન તરીકે જાણીતું ગિરીનગર સાપુતારા ડાંગ જિલ્લામાં સાહ્યિદ્વી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. સાપુતારાનો વિસ્તાર ૧૭૨૫ ચો.કિ.મી. સુધી પથરાયેલો છે. સાપુતારા સમુદ્રની સપાટીએથી ૮૭૩ મીટરની ઊંચાઇએ આવેલું છે. અહીં વહેતી સર્પગંગા નદીના તટ ઉપર અંકિત થયેલી સર્પની આકૃતિના કારણે આ સ્થાનનું નામ સાપુતારા પડેલું છે એવું કહેવામાં આવે છે.
સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ગરમીની ઋતુમાં પણ અહી તાપમાન ૨૮ ડિગ્રી સેલ્શિયસથી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે.
ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પુજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા-અર્ચના કરીને અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્‌ભૂત દ્રશ્ય જોવા મળે છે.
સાપુતારા અમદાવાદથી ૪૨૦, ભાવનગરથી ૫૮૯, રાજકોટથી ૬૦૩, સુરતથી ૧૭૨, નાસીકથી ૮૦, મુંબઇથી ૧૮૫ અને ભુજ શહેરથી ૭૭૪ કિ.મી.ના અંતરે આવેલું છે. સાપુતારામાં વધઇ અને મહાલનું ડીપ ફોરેસ્ટ, ગીરા અને ગીરમાલનો ધોધ, સાપુતારા લેક અને ગાર્ડન, પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, શબરીધામ તેમજ પાંડવ ગુફા, વાસંદાનો નેચરપાર્ક, નાગેÅવર મહાદેવનું મંદિર, ઇકો પોઇન્ટ અને રોપ વે, ફોર્ટ તેમજ આટિર્સ્ટ વિલેજ, વેલી વ્યુ પોઇન્ટ જેવા જોવાલાયક સ્થળો છે.
સાપુતારામાં આવેલી ઉંચી પર્વતમાળાઓ અને હરીયાળીઓની વચ્ચે આવેલા તળાવો અલૌકિક લાગે છે. તળાવોમાં બોટીંગની મજા અનોખી છે. સાપુતારામાં આવ્યા બાદ આપણને એવી અનુભૂતિ થાય કે જાણે આપણે કુદરતના ખોળામાં આવી ગયા હોય! સાપુતારાનું સરોવર માનવસ(જી<ત છે અને તે અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ, થીયેટર્સ, બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે. આ સરોવરની આસપાસ પગપાળા રખડ્ડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે. સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. હાથગઢનો કિલ્લો, પાંડવ ગુફાઓ તથા રજત પ્રતાપથી લઇને ત્રિધારા સુધીના વિસ્તારો પર્વતારોહીઓ માટે શ્રેષ્ઠ છે. ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. પ્રાચીનકાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના ૧૪ વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે. આ ૧૪ વર્ષના વનવાસ કાળમાંથી શ્રીરામે સીતા અને લક્ષ્મણ સાથે ૧૧ વર્ષ આ જંગલમાં વિતાવેલા છે. આ ગીચ જંગલ વિસ્તાર સીતાવન તરીકે ઓળખાય છે. જેમ રામાયણકાળમાં શ્રી રામે દંડકારણ્યમાં વનવાસ કર્યો હતો તેમ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વનપ્રદેશમાં આવેલી ગુફાઓમાં વસવાટ કરેલો હતો. આ ગુફાઓ પાંડવ ગુફા તરીકે ઓળખાય છે.
સાપુતારામાં સરોવરોની સાથે બીજા અનેક જોવાલાયક સ્થળો છે તેમ તેની આસપાસ ૫૦ થી ૧૦૦ કિ.મી.ના અંતરે ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, હાથગઢ કિલ્લો, સપ્તશ્રૃંગી દેવી મંદિર અને શબરીધામ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.
ગીરીમલ ધોધ સાપુતારાથી ૮૫ કિ.મી.ના અંતરે છે અને ચોમાસામાં આ ધોધની આસપાસ અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ મળી આવે છે. ડાંગ દરબાર સાપુતારાથી ૪૦ કિ.મી.ના અંતરે આવેલું છે જયાં દર વર્ષે વનવાસીઓના પ્રિય એવા હોળીના પર્વ પહેલા ડાંગ દરબાર ભરાય છે. પાંચ દિવસ ચાલતાં આ દરબારમાં વનવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને માણી શકાય છે. હાથગઢ કિલ્લો ગુજરાત-મહારાષ્ટ્રની સીમા પાસે આવેલો છે. નાસિકના મુલ્હર ગામમાં આવેલો આ કિલ્લો સ્થાપત્યનો અદ્‌ભૂત નમૂનો છે. સાહ્યિદ્વી પર્વતમાળા ઉપર આવેલો આ કિલ્લો સમુદ્રની સપાટીએથી ૩૫૦૦ ફૂટની ઊંચાઇએ આવેલો છે. સપ્તશ્રૃંગી એટલે સાત પર્વતીય શિખરો. સપ્તશ્રૃંગી દેવીનું મંદિર સાત શિખરો વચ્ચે આવેલું છે. હિન્દુશાસ્ત્રો પ્રમાણે સપ્તશ્રૃંગી માતા કાલી માતાની બહેન ગણાય છે. વિજયાદશમીના દિવસે અહી મેળો ભરાય છે. સાપુતારાના પ્રગાઢ વનપ્રદેશ વચ્ચે શબરીધામ આવેલું છે.
ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન તરીકે સાપુતારા અનેક ખુબીઓ ધરાવે છે. અહી તળાવો, પર્વતમાળાઓ, જળધોધ જેવી કુદરતની સંપત્તિઓને અખૂટ ભંડાર છે. શું આપણે આ કુદરતને સાચવવી જોઇએ નહી!? આપણા પોતીકા આનંદ માટે કુદરતી સંપત્તિનો બગાડ કરવો કે તેને નુકશાન પહોચાડવું એક ગંભીર ગુનો છે. પ્રવાસન વિભાગ દ્વારા કાયદાઓ બનાવવામાં આવેલા છે. આપણે એક જાગૃત નાગરીક તરીકે તેનું પાલન કરીને કુદરતની આ અમૂલ્ય ભેંટનું સંવર્ધન કરવું જોઇએ.
લેખક : વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate