অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાજ્ય યુવક બોર્ડ

રાજ્ય યુવક બોર્ડ

  1. યુવા ઉત્સવ
  2. વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા
  3. આદિજાતિ મહોત્સવ
  4. આપણી સરહદો ઓળખો
  5. સાહિત્ય શિબિર
  6. વન વિસ્તાર પરીભ્રમણ
  7. સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ
  8. મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા
  9. સમુદ્ર તરણ શિબિર
  10. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા
  11. યુવક નેતૃત્વ તાલીમ શિબિર(જિલ્લાકક્ષા)
  12. રાષ્ટ્રીય યુવા પારિતોષિક યોજના
  13. રાજય યુવા પારિતોષિક યોજના
  14. આંતર રાજય પ્રવાસ
  15. સંગીત શિબિર
  16. નર્મદા શ્રમ સેવા શિબિર
  17. ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર
  18. યોગાસન શિબિર (જિલ્લાકક્ષા)
  19. યુથ હોસ્ટેલ
  20. સાહસ, શૌર્ય, સેવા, તબીબી અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડ
  21. ખાસ યુવા કાર્યક્રમ
  22. માતૃભૂમિ યુવા શકિત કેન્દ્ર
  23. આદિજાતિ યુવક-યુવતિ માટે વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર
  24. આદિજાતિના યુવક-યુવતિઓ માટે ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ
  25. સાગરખેડૂ સાયકલ રેલી
  26. અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે વ્યકિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર
  27. બાળકો માટે એડવેન્ચર કોર્ષ
  28. ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ
  29. અંબાજી કેમ્પ સાઇટ ડેવલપમેન્ટ

યુવા પ્રવૃત્તિઓ

રાજયના યુવક-યુવતીઓના સર્વાગી વિકાસ માટે અને તેમની શકિતઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા માટે નીચે મુજબની યુવા અને સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

યુવા ઉત્સવ

રાજયના યુવક યુવતીઓ, સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની મૌલીક કૃતિઓ ઉત્કૃષ્ટ રીતે રજુ કરે તે માટે પ્રતિવર્ષ તાલુકા, જીલ્લા, પ્રદેશ, રાજય અને રાષ્ટ્ર કક્ષાએ યુવા ઉત્સવ યોજવામાં આવે છે. ૧૫ વર્ષ થી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના યુવક - યુવતીઓ માટે સાહિત્ય વિભાગમાં વકતૃત્વ સ્પર્ધા, શીધ્ર વકતૃત્વ સ્પર્ધા, હિન્દી/અંગ્રેજી નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ - શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તાની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી તથા ચિત્રકલાની સ્પર્ધા યોજવામાં આવે છે.

સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત, હળવુ કંઠય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, કર્ણાટકી સંગીત, શાસ્ત્રીય નૃત્યમાં ભારત નાટય કથ્થક, મણીપુરી, ઓડીસી, કુચીપુડી - નૃત્ય સ્પર્ધા, લોકગીત, ભજન, સમુહ ગીત, લોક નૃત્ય , એકાકી સીતાર, વાંસળી, વીણા, મૃદંગમ, હાર્મોનીયમ, ગિટાર અને તબલાની સ્પર્ધાઓ યોજાય છે

તાલુકાકક્ષાએ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવે છે. જીલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને પ્રાદેશિક કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવે છે. પ્રાદેશિક કક્ષાએ પ્રથમ અને દ્રિતિય ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોને રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવાના હોય છે. રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાના નિયમો મુજબ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાના યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે.

રાજયના યુવાનોની સાંસ્કૃતિક તથા કલા શકિતનો વિકાસ થાય તથા તેઓની કલા શકિતને પ્રોત્સાહન મળે તે લક્ષમાં લઈને ૧૯૬૮ ના વર્ષથી આ યુવા ઉત્સવ યુવક મહોત્સવના નામથી ત્યા‍ર પછી ૧૯૮૩-૮૪ના વર્ષથી યુવા પ્રતિભા શોધ સ્પર્ધાના નામથી અને ૧૯૯૭ -૯૮ના વર્ષથી યુવા ઉત્સવના નામે પ્રતિ વર્ષ યોજવામાં આવે છે.

વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા

ગુજરાતના જૂનાગઢ જીલ્લાના ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં બહેનો માટે ૧૬ નોટીકલ માઈલ અને ભાઈઓ માટે ૨૧ નોટીકલ માઈલની હરિહોમ આશ્રમ પ્રરિત "વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા" ગુજરાત રાજયમાં એકાંતરે વર્ષ યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશના પ્રમુખ અખબારોમાં જાહેરાતો આપી રસ ધરાવતા સાહસિક તરવૈયાઓ પાસે થી અરજીઓ મંગાવવામાં આવે છે. ઉચ્ચ કક્ષાની પસંદગી સમિતિ દ્વારા ભારતભરમાંથી પસંદ કરેલા ૩૦ જેટલા ચુનંદા તરવૈયા સ્પર્ધકોને ભાગ લેવા બોલાવવામાં આવે છે.

હરીઓમ આશ્રમ તરફથી રાજય સરકારને રૂ. ૧,૨૫,૦૦૦ નું દાન આપવામાં આવેલ છે, તેની રકમના વ્યાજમાંથી સ્પર્ધાના વિજેતાઓને રોકડ ઈનામ આપવામાં આવે છે. આ સ્પર્ધાના આયોજન - સંચાલનનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.

આદિજાતિ મહોત્સવ

સન ૧૯૯૦-૯૧ના વર્ષથી પ્રતિ વર્ષ રાજયકક્ષાના આદિજાતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજયના તથા પાડોશી રાજયો ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજયના આદિજાતિ મંડળીના ૭૦૦ જેટલા કલાકારો તેઓની પરંપરાગત કલા રજૂ કરે છે.

આપણી સરહદો ઓળખો

રાજયના શિક્ષિત-અશિક્ષિત યુવક-યુવતીઓ રાષ્ટ્રના સરહદોના સંરક્ષણની પ્રવૃતિમાં જરૂર પડે રસ ધરાવતા થાય અને સરહદ વિસ્તારના ખમીરવંતા લોકજીવનથી વાકેફ થાય તેમજ રાષ્ટ્રની સુરક્ષાના કાર્યોમાં જોડાય તેવા અભિગમ સહ-પ્રતિવર્ષ કચ્છ તથા બનાસકાંઠાના વિવિધ સ્થળોએ "આપણી સરહદો ઓળખો" નામે સાહસીક પ્રવાસ યોજવામાં આવે છે.

રાજયના પ્રમુખ અખબારોમાં જાહેરાતો આપી, રસ ધરાવતા યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવીને આ કાર્યક્રમમાં ૧૩૦ જેટલા યુવક-યુવતીઓની પસંદગી કરી ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

૧૦ દિવસના આ પ્રવાસમાં પગપાળા, વાહન તથા ઉંટ સવારી મારફતે અગત્યના સરહદી, પર્યટન અને ઐતિહાસીક સ્થળોની મુલાકાત લઈને સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ઈત્યાદી પરિસ્થિતિઓનો ખ્યાલ આપવામાં આવે છે. ભાગ લેનારને આવવા જવાનો પ્રવાસ ખર્ચ, નિવાસ ખર્ચ તથા ભોજન ખર્ચ રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે.

સાહિત્ય શિબિર

રાજયના આશાસ્પદ યુવાન સાહિત્યકારોને સાહિત્યના વિવિધ પ્રકારોનું માર્ગદર્શન મળે તેમજ પ્રાચીન અને અર્વાચીન કૃતિઓના મુલ્યાંકન દ્વારા પ્રેરણા આપી સાહિત્ય જગતમાં નવી કેડીઓ કંડારી, કવિ, લેખક, વિવેચક જેવી સર્જનાત્મક ભૂમીકા ભજવવાના હેતુથી રાજયના આશાસ્પદ યુવાન સાહિત્યકારો માટે એક રાજય કક્ષાએ ૭ દિવસની કાર્ય શિબિર પ્રતિવર્ષ યોજવામાં આવે છે.

રાજયના દૈનિક અખબારોમાં જાહેરાત આપી રસ ધરાવતા યુવક યુવતિઓ પાસેથી અરજીઓ મંગાવીને પસંદગી કરી આ શિબિરમાં ૨૫ યુવાન સાહિત્યકારોને ભાગ લેવા માટે બોલાવવામાં આવે છે. આ અંગેનો સંપુર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

વન વિસ્તાર પરીભ્રમણ

રાજયના યુવક - યુવતીઓને પ્રાકૃતિક પ્રેમ, નૈસર્ગિક દર્શન, વન્ય પશુ-પક્ષી, વૃક્ષો, પહાડ, ખડકો, ઝરણાં, કોતરો, વગેરેનો પ્રત્યક્ષ પરીચય મળે તેમજ જંગલ વિસ્તારમાં રહેતી પ્રજાનું જીવન મુશ્કેલીઓ તેમના હસ્ત ઉદ્યોગ, કલા અનં સંસ્કૃતિ વગેરેની જાણકારી મળી શકે તેમજ તેમનામાં સાહસિકતાના ગુણો ખીલે તે હેતુથી ગુજરાતના જુદા જુદા વનવિસ્તારમાં પસંદ કરેલ ૧૦૦ યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસના પરીભ્રમણનો કાર્યક્રમ ૧૯૯૦-૯૧ વર્ષથી યોજવામાં આવે છે. આ અંગે થનાર સંપુર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ

ગુજરાત રાજય ૧૬૦૦ કી.મી.નો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. રાજયના યુવક-યુવતીઓને સાગરકાંઠાના જુદા જુદા વિસ્તારો, સાગર સંપતિ, ભોજન, ઉદ્યોગ તથા સાગરકાંઠે વસતી પ્રજાનું લોકજીવન, મુશ્કેલીઓ તેમની કલા અને સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરીચય થાય તેમજ સાગરલક્ષી પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી ૧૯૯૦-૯૧ના વર્ષથી ૧૦૦ યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસનો પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ અંગેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા

સાગરખેડૂ કોમના સાહસિક યુવક-યુવતિઓને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે, તેમનો સાહસિક વારસો તેમજ ગૌરવ જળવાય રહે તે માટે પ્રતિવર્ષ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેનો સંપૂ્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

સમુદ્ર તરણ શિબિર

રાજયના આશાસ્પદ તરવૈયાઓને સમુદ્ર તરણની તાલીમ આપી તેઓ રાષ્ટ્ર કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લઈ શકે તે હેતુથી પ્રતિવર્ષ અરબી સમુદ્રમાં તરણની તાલીમ આપવામાં આવે છે. જાહેરાત આપીને અરજી મેળવી ૩૦ જેટલા રાજયમાંથી પસંદ કરેલા તરવૈયાને નિષ્ણાંત કોચિઝ દ્વારા લાંબાં અંતરના દરીયાઈ તરણનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. પરીણામે અખીલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધામાં વિશેષ સંખ્યામાં ગુજરાતના તરવૈયાઓ ભાગ લેતા થયા છે. એટલુંજ નહી પરંતુ રાષ્ટ્ર કક્ષાએ પ્રથમ અને દ્રિતિય ક્રમે ગુજરાતના યુવક-યુવતીઓ વિજેતા પણ થાય છે. પસંદગી પામેલ તાલીમાર્થીઓને આવવા- જવાનો રેલ્વેના બીજા વર્ગના કે સામાન્ય એસ.ટી બસના ભાડાનો પ્રવાસ ખર્ચ, નિવાસ, ભોજન વગેરેની વ્યવસ્થા ગુજરાત સરકાર તરફથી કરવામાં આવે છે.

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા

ગિરનાર પર્વતના ૯,૯૦૦ પગથિયાં પૈકી ભાઇઓ માટે પ,પ૦૦ પગથિયાં અને બહેનો માટે ર,ર૦૦ પગથિયાં પર પ્રતિવર્ષે આરોહણ-અવરોહણની રાજય અને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

યુવક નેતૃત્વ તાલીમ શિબિર(જિલ્લાકક્ષા)

રાજયના યુવાનો અને યુવતીઓ તેમની શકિતઓને યોગ્ય માર્ગ વાળી સમાજ ઉપયોગી કાર્યો, પ્રવૃતિઓ પાછળ યુવાનો દ્વારા યોગ્ય દોરવણી મળી રહે, યુવકોનો શારીરીક, માનસિક અને બૌધ્ધિક વિકાસ થાય અને નેતૃત્વ શકિત વિકસે, યુવાન કલ્યાણકારી પ્રવૃતિઓનું ચાલકબળ બને અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કરે તે હેતુ થી પ્રતિવર્ષ રાજયના ૧૯ જીલ્લામાં ૩ દિવસ માટેની આવી શિબિરો ૧૯૯૦-૯૧ ના વર્ષથી યોજવામાં આવે છે. આ શિબિરમાં ૨૫ તાલીમાર્થીઓ ભાગ લે છે. પસંદગી પામેલ તાલીમાર્થીઓનો સંપુર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

રાષ્ટ્રીય યુવા પારિતોષિક યોજના

રાષ્ટ્રનું યુવા જગત આદર્શપાત્ર પ્રવૃત્તિઓ કરી નવા ઉત્સાહ સાથે ઉતુંગ શિખરો સર કરી આવી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠત્તમ દેખાવ કરી પ્રશંસનીય કાર્ય કરે છે. જે પારિતોષિક માટે પસંદગી પામનાર વ્યકિતને સ્મૃતિપદક, માનપત્ર અને રૂ.ર૦,૦૦૦/- રોકડ પુરસ્કાંર એનાયત કરવામાં આવે છે. જયારે સંસ્થાકીય એવોર્ડ મેળવનાર સંસ્થાને રૂ.૧,૦૦,૦૦૦/- રોકડ પુરસ્કા‍ર, સ્મૃતિપદક, માનપત્ર એનાયત કરવામાં આવે છે.

રાજય યુવા પારિતોષિક યોજના

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને મજબૂત કરવા તથા સામાજિક સેવાઓને લગતી પ્રવૃત્તિઓ પ્રત્યે રાજયના ૧પ થી ૩પ વર્ષની વયજૂથનો યુવા વર્ગ તથા યુવા સંગઠનોને ઉત્સાહભેર જોતરવા, રાષ્ટ્રીય વિકાસ, રાષ્ટ્રીય એકતા અને સામાજિક સેવાના ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવવાના આશયથી આ પારિતોષિક માટે પસંદગી પામનાર વ્યકિતને સ્મૃતિપદક, માનપત્ર અને રૂ.૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. જયારે સંસ્થાકીય એવોર્ડ મેળવનાર સંસ્થાને રૂ.પ૦,૦૦૦/- રોકડ પુરસ્કાર, સ્મૃતિપદક અને માનપત્ર એનાયત કરવામાં આવે છે.

આંતર રાજય પ્રવાસ

આપણા રાજયના યુવક - યુવતીઓ અન્ય રાજયના યુવક યુવતીઓ સાથે વિચાર-વિમર્શ કરે, જે તે રાજયના રીત-રીવાજો જાણે, જે તે પ્રદેશના ઐતિહાસિક, ભૌગોલીક સ્થળોની શૈક્ષણિક હેતુથી મુલાકાત લે, ત્યાંની સામાજીક, આર્થિક, રાજકીય વગેરે પરીસ્થિાતીનો અભ્યા્સ કરે, સાથે સાથે પોતાના રાજયની વિશિષ્ટનતા અંગેના ખ્યાલ આપે, આપણા રાજયના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે અને તે રીતે તેઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે તે માટે પ્રતિવર્ષ બે આંતર રાજય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.

આ યોજનામાં રાજય કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં નિયત કરવામાં આવેલ આઈટમોમાં ૫૦ ની સંખ્યાની મર્યાદામાં પ્રથમ અને દ્વિતિય નંબરે વિજેતા થનાર સ્પર્ધકોને મોકલવામાં આવે છે. આયોજન સંચાલન અંગેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

સંગીત શિબિર

પ્રતિવર્ષ યોજાતાં રાજય યુવા ઉત્સવ સ્પર્ધામાં હળવુ કંઠય સંગીત, સમૂહ ગીત, લોક ગીત, ભજન, શાસ્ત્રીય - કંઠય સંગીત સ્પર્ધાના વિજેતાઓ માટે ૧૦ દિવસ માટેની સધન સંગીત શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં સંગીત ક્ષેત્રના તજજ્ઞ અને જાણીતા કલાકારોના માર્ગદર્શન હેઠળ નવોદીત કલાકારોને સંગીતનું સધન પ્રશિક્ષણ તેમજ સંગીતના તાલ, લય, સુર ઈત્યાદીથી વાકેફ કરવામાં આવે છે. શિબિર દરમ્યાન ૧૫ થી ૨૦ શ્રેષ્ઠ કૃતિઓ તૈયાર કરવામાં આવે છે. જેમાં સંગીતના મહત્વના રાગોનો સમાવેશ કરવામાં આવે છે. ભાગ લેનારને આવવા જવાનો રેલ્વે્ દ્વિતીય વર્ગ નો કે સામાન્ય એસ.ટી. બસનો પ્રવાસ ખર્ચ, નિવાસ અને ભોજન વ્યવસ્થા રાજય સરકાર તરફથી કરવામાં આવે છે.

નર્મદા શ્રમ સેવા શિબિર

નર્મદા પ્રોજેકટના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજરાતના યુવકો આ નિર્માણ કાર્યક્રમમાં જોડાય તે માટે ૭ દિવસ માટેની શ્રમ શિબિર નર્મદા જીલ્લાના કેવડીયા કોલોની ખાતે પ્રતિવર્ષ યોજવામાં આવે છે. આ શિબિર દ્વારા નર્મદા વિકાસ કાર્યક્રમમાં શ્રમદાન, રાષ્ટ્રીય એકતાને લગતા કાર્યક્રમ, સમુહની રમતો, ગ્રામોધ્ધા્ર, સામાજીક અને શ્રમનું ગૌરવ વધે તે માટેના સતત પ્રયાસો અને મનોરંજન, સમુહમાં સર્વધર્મ પ્રાર્થના, રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થી-બિન વિદ્યાર્થી દ્વારા આપવામાં આવે છે. આ શિબિરમાં જોડાવવા પ્રમુખ અખબારોમાં જાહેરાત આપીને પસંદગી કરી ૫૦૦ યુવક-યુવતીઓને શિબિરમાં જોડાવવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવે છે. આ અંગેનો સંપુર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર

રાજયમાં કેળવણી પામેલા યુવક-યુવતીઓને શૈક્ષણીક લાયકાત અનુંસાર સરકારી-બિન સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ સ્પર્ધાત્મક લેખિક તેમજ મૌલિક કસોટીઓ માટે ઉપસ્થિ્ત રહેવુ પડે છે. આ યુવક-યુવતીઓ આત્મ વિશ્વાસ સાથે નોકરી માટેની સ્પર્ધાત્મક કસોટીઓ આપી શકે તે માટે તેમને જરૂરી માર્ગદર્શન શિબિરો ૧૯૮૫-૮૬ ના વર્ષથી પ્રતિવર્ષ ત્રણ પ્રદેશ કક્ષાએ પાંચ દિવસ માટે યોજવામાં આવે છે. પ્રત્યેક શિબિર માં ૫૦ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. પસંદગી થયેલ તાલીમાર્થીઓનો પ્રવાસ, ભોજન, નિવાસ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

યોગાસન શિબિર (જિલ્લાકક્ષા)

માનવીના શારિરીક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં યોગનું આદિકાળથી વિશિષ્ટ પ્રદાન છે. યોગાસનથી વ્યકિતઓનો સર્વાગી વિકાસ થાય, તેમનામાં રોગ પ્રતિકારક શકિતઓનો ઉદ્દભવ થાય, તેઓ નિરોગી જીવન જીવી શકે વળી શિબિરમાં જુદા-જુદા વિસ્તારના યુવાનો એક થવાથી તેમનામાં ભાતૃભાવના, રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થાય, આવા ઉમદા હેતુથી પ્રતિવર્ષે રાજયના ૩૩ જિલ્લા એકમોમાં ૭ દિવસ માટેની આવી શિબિરો ૧૯૯૦-૧૯૯૧ના વર્ષથી યોજવામાં આવે છે. પ્રત્યેક શિબિરમાં રપ યુવકોને યોગ નિષ્ણાંત યોગાચાર્ય ધ્વારા તાલીમ આપવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

યુથ હોસ્ટેલ

યુથ હોસ્ટેંલ કેન્દ્ર સરકારે ૮૬-૮૭ના વર્ષથી રાજય સરકારશ્રીના શિક્ષણ વિભાગના નિયંત્રણ હેઠળ મુકી આ કચેરીના નિયંત્રણ હેઠળ રાજય યુવક બોર્ડ હેઠળ કામ કરે છે. રાજયમાં ભાવનગર અને પાવાગઢ ખાતે યુથ હોસ્ટેલ બાંધવા માટે જમીન ઉપલબ્ધ થયેલ છે. આ અંગે યુથ હોસ્ટેંલનું બાંધકામ કેન્દ્ર સરકાર દ્વારા પુર્ણ કરી ગુજરાત સરકારને આપવામાં આવશે.

હાલમાં ગુજરાત રાજયની અંદર ગાંધીનગર ખાતે યુથ હોસ્ટેટલ કાર્યન્વિત છે.

સાહસ, શૌર્ય, સેવા, તબીબી અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડ

ગુજરાતની પ્રજા વીરતા ભર્યા અને સાહસીક કાર્ય તથા સેવાના કાર્ય પ્રત્યેર અભિમુખ બને તથા જીવનમાં વિવિધ ક્ષેત્રે જીવ સટોસટના પરાક્રમો કરવા પ્રેરાય, હોઈ આફત સામે કોઈપણ બદલાની ભાવના સિવાય સેવા અને મદદ કરવા પ્રેરાય તે હેતુથી આ યોજના મંજુર કરવામાં આવેલ છે.

આ યોજનાનો લાભ ૩૫ વર્ષ સુધીના યુવક-યુવતીઓ માટે અમલમાં છે.

આ યોજના પ્રમાણે નીચે દર્શાવેલ સાહસિક કાર્યો, વીરતાભર્યા કાર્યો પારીતોષિકને પાત્ર ગણાય છે.

અકસ્માત, દુષ્કાળ, જળપ્રલય, આગ, રોગચાળો જેવા પ્રસંગોમાં જીવ સટોસટની કામગીરી, ચોર લુંટારા, ધાડ કે હુમલા સામે જીવન જોખમે સ્ત્રી, બાળકો કે કોઈ પ્રજાજન અથવા ગામનું રક્ષણ કરવાનું કાર્ય બિનસીપાઈ, બિન સૈનીક વ્ય્કિતઓના અસાધારણ નૈતીક તાકાત બતાવવાના કાર્ય માટે તથા તબીબી જાહેર સુખાકારી ક્ષેત્રે બજાવેલ વિશિષ્ટ સિધ્ધિ માટે.

ખાસ યુવા કાર્યક્રમ

કોઇ પણ યુવક-યુવતિ સાહસિક પ્રવાસ સાયકલ અથવા પગપાળા કરી અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવે ત્યારે તેને થયેલ ખર્ચ પેટે માંગણીના અનુસંધાને રકમ આપવામાં આવે છે..

માતૃભૂમિ યુવા શકિત કેન્દ્ર

યુવક મંડલોને માન્યતા - ગ્રાન્ટ્ આપવાની યોજનાનું નામકરણ બદલીને ૧૯૯૯-૨૦૦૦ના વર્ષ થી માતૃભૂમિ યુવા શકિત કેન્દ્રની સ્થાપના થતા આ કેન્દ્ર માટે નિયમો તથા પ્રવૃત્તિઓ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે.

માતૃભૂમિ યુવા શકિત કેન્દ્રોના નિયમો નીચે પ્રમાણે છે.

  • પ્રત્યેક ગામમાં ગ્રામ્યકક્ષાનું એકજ કેન્દ્ર રહેશે.
  • કેન્દ્રમાં ઓછામાં ઓછા ૩૦ સભ્યો જોઈએ.
  • કેન્દ્ર નાત, જાત, ધર્મ, ભાષા કે પ્રાંતના ભેદભાવ વગર કાર્ય કરશે.
  • ૧૫ થી ૩૫ વર્ષની ઉમર મર્યાદાવાળા યુવક-યુવતીઓ સભ્ય થઈ શકશે.
  • એક વ્યકિત એકજ કેન્દ્રમાં સભ્ય થઈ શકશે, અન્ય કેન્દ્ર્માં સભ્ય થઈ શકશે નહી.
  • કેન્દ્રમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, તથા ખજાનચીનો હોદો એક વર્ષ સુધી સંભાળી શકશે.
  • કેન્દ્રની વાર્ષિક સભ્ય, ફી રૂ.૫ થી વધારે રાખી શકાશે નહી.
  • કેન્દ્રનું હિસાબી વર્ષ તારીખ ૧/૪ થી ૩૧/૩ સુધીનું રહેશે.
  • કેન્દ્ર પોતાની આર્થિક સધ્ધરતા માટે ગ્રામજનો તથા અન્ય. સંસ્થાઓ પાસેથી ભેટ-સોગાદ, દાન મેળવી શકશે અને તેનો હિસાબ અલગ રાખવાનો રહેશે.
  • કેન્દ્રમાં એક વર્ષ ભાઈ અને બીજા વર્ષ મહિલાએ પ્રમુખ તરીકેનો હોદો ક્રમાનુસાર સંભાળવાનો રહેશે.
  • ભારત સરકાર, રાજય સરકાર, રાજય સરકારની સ્થાનિક સ્વલરાજયની સંસ્થાઓ, રાજય સરકારની અર્ધ સરકારી કચેરીઓના સહયોગથી ગામની જરૂરીયાતોને અનુલક્ષીને મદદરૂપ થાય તેવી કામગીરી કેન્દ્રએ કરવાની રહેશે.
  • કેન્દ્રના ઉદેશો, હેતુઓ, સભ્યોની યાદી, કારોબારીની નામાવલી, કામગીરીનો એહવાલ ,ખર્ચ ના આવક-જાવકના હિસાબો કેન્દ્ર્ના પ્રમુખે દર વર્ષ મોકલી આપવાના રહેશે.
  • કેન્દ્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવે તેની જાણ જે તે જિલ્લા રમતગમત અધિકારીને અચુક પણે કરવાની રહેશે.
  • પ્રત્યેક કેન્દ્રની કામગીરીને ધ્યાનમાં રાખીને રૂ.૧,૦૦૦ ભંડોળ તરીકે આપવામાં આવશે. તેનો વપરાશ ૩ વર્ષ સુધી કરી શકાશે નહી, પરંતુ આ રકમની વ્યાજની રકમનો ઉપયોગ કરી શકાશે.

માતૃભુમિ યુવા શકિત કેન્દ્રો ની પ્રવૃતિઓની વિગતો.

  • તંદુરસ્ત અને સમાજ પોષક, આનંદ પ્રમોદ, રમતગમત, શોખ અને કલાની ખીલવણીની પ્રવૃતિઓ.
  • ગામની જરૂરીયાત ધ્યાનમાં રાખી રચનાત્મક પ્રવૃતિઓનું આયોજન.
  • ગામના સ્થાનીક પ્રશ્નોનું સર્વગ્રાહી અવલોકન કરી નિકાલની કામગીરી.
  • રકતદાન શિબિર, નેત્રદાન યજ્ઞ વગેરે સામાજીક પ્રવૃતિઓ તરફ અભિમુખ કરી તંદુરસ્ત રાજય, રાષ્ટ્રના નિર્માણમાં યુવા શકિતનો ઉપયોગ કરવો.
  • આત્મવવિશ્વાસ, બંધુત્વની ભાવના, દેશ પ્રેમ અને ભાવાત્મક એકતા કેળવાય તેવી પ્રવૃતિઓ.
  • રાષ્ટ્રીય તેમજ ધાર્મિક ઉત્સવો, ધર્મના ભેદભાવ વગર ઉજવવા તથા મહાપુરૂષના જન્મ દિવસ અને નિર્વાણ દિનની સામુહિક અને સમુચિત ઉજવણી કરવી.
  • વ્યવસાયલક્ષી, રોજગારલક્ષી, વ્યાપાર, ધંધો વગેરે ક્ષેત્રમાં જરૂરી માર્ગદર્શન માટે વ્યવસ્થા ગોઠવવી.
  • પગપાળા પ્રવાસ, સાયકલ પ્રવાસ તથા સાહસિક પ્રવૃતિઓનું આયોજન.
  • ગામની મોજણી કરવી.
  • પ્રૌઢશિક્ષણ, વનીકરણ, કુંટુંબ નિયોજન જેવા રાજયના
  • અગત્યના કાર્યક્રમોનું આયોજન કરવુ.
  • સ્થાનિક કક્ષાએ રમતોનું આયોજન કરવુ, આકસ્મિક સંજોગોનો સામનો કરવા સ્વયં સેવક દળ ઉભૂ કરવુ.
  • સરકારશ્રીની યોજનાઓનો અસરકારક અમલીકરણ થાય તે માટે જરૂરી સહયોગ પુરો પાડવાનો રહેશે.
  • આ કચેરી તથા તેની તાબાની કચેરી તરફથી જે પ્રવૃતિઓ સોપવામાં આવે તેની કામગીરી કરવી.

આદિજાતિ યુવક-યુવતિ માટે વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર

અનુસૂચિત જન જાતિની વધુ વસ્તી ધરાવતાં રાજયના ૧ર જિલ્લાઓમાં માત્ર અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓ માટે રાજય સરકારે સાત દિવસના વ્યકિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરોનું આયોજન કર્યુ છે. જેમાં પસંદ થયેલ પ૦ યુવક-યુવતિઓને વ્યક્તિત્‍વ વિકાસની તાલીમ તેમજ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગાસન તાલીમ આપવામાં આવે છે

આદિજાતિના યુવક-યુવતિઓ માટે ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ

આદિજાતિના ૧૪ થી ૩પ વર્ષના ૧૦૦ યુવક-યુવતિઓ માટે ૧૦ દિવસનો ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટઆબુ / જુનાગઢ કેન્દ્ર ખાતે યોજવામાં આવે છે

સાગરખેડૂ સાયકલ રેલી

સાગરખેડૂ સર્વાગી વિકાસ યોજનામાં સમાવેશ કરેલ રાજયના સાગરખેડૂ યુવાનોની શકિતને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા, રાષ્ટ્રીય નિર્માણના કાર્યોમાં ઉપયોગી બનાવવા, સાહસિકતા અને ખડતલપણું કેળવાય, સહકાર અને સંઘ ભાવના વિકસે અને તેઓના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય, રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે અને તે ધ્વારા રાષ્ટ્રીય ઘડતરના કાર્યમાં દેશના નાગરિક તરીકે ફાળો આપે તેવા આશયથી વર્ષ ર૦૧૦-ર૦૧૧ થી સાયકલ પ્રવાસ કાર્યક્રમ યોજાય છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે વ્યકિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર

વર્ષ ર૦૦૮-ર૦૦૯થી અનુસૂચિત જાતિના વધુ વસ્તી ધરાવતાં રાજયના ૧૬ જિલ્લાઓના અનુસૂચિત જાતિના ૧પ થી ૩પ વર્ષના પસંદગી પામેલ પ૦ યુવક-યુવતિઓ માટે ૭ દિવસ માટેનો વ્યક્તિત્વ વિકાસ અને શારિરીક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગાસન તાલીમ શિબિરો યોજવામાં આવે છે. જે વર્ષ ર૦૧૧-ર૦૧રના વર્ષથી રાજયના તમામ જિલ્લાઓમાં યોજાશે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

બાળકો માટે એડવેન્ચર કોર્ષ

રાજયના ૮ થી ૧૩ વર્ષના સામાન્ય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના બાળકોમાં શારીરિક ક્ષમતા વધે, સાહસિક બને અને તેઓનામાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે તે હેતુથી વર્ષ ર૦૧૦-ર૦૧૧ થી ૧૦૦ બાળકોનો એક એવા અલગ-અલગ ત્રણ એડવેન્ચર કોર્ષનું આયોજન કરવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ

રાજયના ૧૪ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતાં અનુસૂચિત જનજાતિના પસંદગી પામેલ ૧૦૦ યુવક-યુવતિઓ માટે ર૦૦૮-ર૦૦૯થી એક શિબિર અને વર્ષ ર૦૧૦-ર૦૧૧થી અનુસૂચિત જાતિની એક તાલીમ શિબિર દર વર્ષે ૧૦ દિવસ માટે પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટઆબુ / જુનાગઢ ખાતે યોજાય છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.

અંબાજી કેમ્પ સાઇટ ડેવલપમેન્ટ

ગુજરાત સરકાર તરફથી આશરે ૩ એકર જમીન અંબાજી ખાતે કેમ્પ સાઇટ ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવેલ છે. અંબાજી ડુંગરાળ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળ છે. જયાં પ્રતિવર્ષ ૮ થી ૧૦ લાખ યાત્રાળુઓ પગપાળા પ્રવાસ કરે છે. આ યાત્રાળુઓમાં સાહસિક પ્રવૃત્તિને ઉત્તેજન મળે અને સાથો સાથ શહેરી સગવડો વગર કુદરતના સાનિધ્યમાં જીવન જીવવાની શૈલી અપનાવી શકે તે હેતુને ધ્યાનમાં લઇ અંબાજી કેમ્પ સાઇટનો વિકાસ કરવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

રાજય યુવક બોર્ડની વિવિધ પ્રવૃત્તિઓની કક્ષા દર્શાવતી વિગતોનું પત્રક માટે અહિયા ક્લિક કરો

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate