જેમ ઈ-કોમર્સનો વ્યાપ વધેલો છે એમ ઑન લાઇન એજ્યુકેશનનો ઉપયોગ પણ વધ્યો છે. લોકો ઑન લાઇન ફોર્મ ભરતા થયા છે એમ ઑન લાઇન એજ્યુકેશન લેનારો એક વર્ગ છે. અનેક વેબસાઇટ શૉર્ટ ટર્મ કોર્સ મફતમાં ભણાવે છે જ્યારે કેટલાક કોર્સ નજીવી ફી સાથેના હોય છે. આવા કોર્સ સર્ટીફીકેટ પણ આપે છે. ઑન લાઇન એજ્યુકેશન માટે લોકો સર્ચ કર્યા કરે છે. કેટલાક કોર્સ ખૂબ ઉપયોગી પણ બને છે. વિદેશની યુનિવર્સિટીઓ ઑન લાઇન કોર્સ માટે નિષ્ણાતોનું માર્ગદર્શન પણ ઑન લાઇન આપે છે. ઑન લાઇન ગૃપ ડીસ્કશનમાં ભારતના લોકોને ઘણું શીખવા મળે છે.
ભારતમાં શિક્ષણ ક્ષેત્રે જે લાલીયાવાડી ચાલે છે એવી તો કોઇ દેશમાં નથી. ઑન લાઇન એજ્યુકેશનના ક્લાસ પછી વિદ્યાર્થીઓ વચ્ચે થતા ચૅટીંગમાં જોવા મળે છે કે કેનેડા તેના વિદ્યાર્થીઓને ફુલની જેમ સાચવે છે. તેમના શિક્ષણનો ખર્ચ ઉપાડે છે અને ધો. ૮થી જ વિદ્યાર્થીને કઇ લાઇન પસંદ છે તે જાણી લે છે. ઑન લાઇન એજ્યુકેશન વિદ્યાર્થીઓના ક્વૉલિફીકેશનને મજબૂત બનાવે છે.
સર્ફીંગ કરનાર મોટા ભાગે જાગૃત રહેવાનો પ્રયાસ કરે છે પણ સર્ફીંગ કરનારની સ્થિતિ ઊંધી રકાબી પર બેઠેલી વ્યક્તિ જેવી હોય છે. તેની ચારેબાજુ લપસણી સપાટી હોય છે. ઑન લાઇન શોપીંગની શરૃઆત થઇ ત્યારે સો-બેસ્ટ બાય જેવી સાઇટોએ લોકોને ડ્રોની માયાજાળમાં ફસાવ્યા હતા. હજુ પણ કેટલીક સાઇટો ૮૦૦-૯૦૦ રૃપિયામાં સેમસંગ ફોન આપવાની વાતો કરીને લોકોને ફસાવે છે.
આવી કંપનીઓ સસ્તામાં ફોન માટે રજીસ્ટ્રેશન કરાવતા પહેલા સોશ્યલ નેટવર્કીંગ પરના દસ ગૃપને મેસેજ મોકલવાનું કહેવામાં આવે છે. દસ ગૃપને મેસેજ મોકલાય તો પણ તે કહે કે તમે દર્શાવેલ ગૃપ ખોટા છે. આ કરીને તે ડેટા ભેગો કરે છે. અંતે મહેનત કરતા ગ્રાહકને મોબાઇલ મળતો નથી.
ઑન લાઇન ઓફરોમાં તેજી આવે અને તમારી મેલ બૉક્સમાં ફટોફટ ઑફર આવવા લાગે તો સમજવું કે કોઇ હેકર્સ ગૃપ તમારો પીછો કરી રહ્યું છે. ઑન લાઇન બેંકિંગ સુવિધા વગેરે પણ આવી છેતરપીંડીનો ભાગ હોય છે.
સર્ફીંગ કરનારા માટે સતત ચેતતું રહેવું જરૃરી છે. દરેક સાઇટ પર પ્રલોભન આપીને લલચાવતી ઑફરો જોવા મળે છે. ક્યાંક રોકાણના બહાને, ક્યાંક વેચાણના બહાને તો ક્યાંક લોન આપવાના બહાને છેતરપીંડી કરનારા પોતાની દુકાનો ખોલીને બેઠા હોય છે.
સ્ત્રોત જીગ્યા બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020