“બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ થવું જ જોઇએ તે તેમનો અધિકાર છે”
બાળ સુરક્ષા યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળકોને કાળજી અને રક્ષણ મળી રહે તે હેતુસર કાર્યરત છે. જાતીય ગુના જેવા કે છેડતી કરવી, બાળકો સાથે શારીરિક અડપલાં કરવા, બાળકો પર બળાત્કાર ગુજારવો વગેરે સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ અને જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા નિયમો ૨૦૧૨ બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી જેવા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપવા માટે તા.૧૯/૬/૨૦૧૨થી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ હેઠળ ૦ થી ૧૮ વર્ષના બાળકો કોઇ પણ પ્રકારના જાતિય ગુનાનો ભોગ બને ત્યારે આ અધિનિયમ હેઠળ આવતી કલમો લગાડવી ફરજિયાત બને છે. આ કાયદાને પોક્સો એક્ટ તરીકે ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પોક્સો એક્ટ હેઠળ ચાલતા કેસો માટે જિલ્લામાં વિશિષ્ટ અદાલતની સ્થાપના કરવામાં આવી છે, જે જિલ્લામાં આ અદાલતો ન હોય ત્યાં આ એક્ટ હેઠળના કેસો ડિસ્ટ્રિકટ કોર્ટમાં ચલાવાવમાં આવે છે. પોક્સો એકટ અંતર્ગત ગુનાનો નોંધાયા બાદ ભોગ બનનાર બાળકોના નિવેદન તેમજ પૂછપરછ કરવા માટે પી.એસ.આઇ. કે તેથી ઉપલી કક્ષાના વ્યક્તિએ વિડીયોગ્રાફી સાથે લેવાનું રહે છે. આ કાયદાનો હેતુ બાળકોનું હિત જાળવવાનો છે ત્યારે જિલ્લામાં કોઇ પણ બાળકો સાથે છેડતી, બાળકો સાથે શારીરિક અડપલાં થતાં હોય અને બાળકો ઉપર બળાત્કાર કે દુષ્કર્મ આચરવામાં આવતું હોય તેવા કિસ્સાઓમાં બાળકોના વાલીઓ તેમજ સમાજના આગેવાનો આવી બાબતોને ગંભીર નોંધ લઇ પોલીસ સ્ટેશને જઇ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાવે તેમજ આવા કોઇપણ પ્રકારના ગુનાઓ નોંધવામાં કોઇ તકલીફ પડતી હોય તો જિલ્લા બાળ સુરક્ષા એકમ, સંપર્ક સાધવા જણાવાયું છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020