શારીરિક યોગ્યતા:રોજિંદા કાર્યો જુસ્સાપૂર્વક બિનજરૂરી થાક અનુભાવ્યા સિવાય ફુરસદના સમયના લાભને માણવા માટેની પુરતી શક્તિ તથા અજ્ઞાત કટોકટીને પહોંચી વળવાની યોગ્યતાને શારીરિક યોગ્યતા કહે છે.
તાલીમ: “તાલીમ એ આયોજિત અને નિયંત્રિત પ્રક્રિયા છે કે જે નિશ્ચિત ધ્યેય, રમતમાં પરફોર્મન્સ મેળવવા માટે તથા કાર્ય અને વર્તન સુધારવા માટે કરવામાં આવતી પ્રક્રિયા છે.
ચક્રિય તાલીમ: “સામાન્યતઃ ચક્રિય તાલીમમાં ખેલાડીની જરૂરિયાત મુજબ ત્રણથી પાંચ ચક્રની તાલીમનું આયોજન કરવામાં આવે છે. તાલીમનું એક ચક્ર પૂરું થયા પછી, ખેલાડીને આપવામાં આવતા તાલીમભાર મુજબ આરામનો સમય નક્કી કરવામાં આવે છે. ચક્રિય તાલીમમાં વજન વ્યાયામની કસરતો અને અવરોધક કસરતો, કેલેસ્થનિક્સ, દોડ, તરણ અથવા ખેંચાણની કસરતોનો સમાવેશ કરવામાં આવે છે .
પ્લાયોમેટ્રિક તાલીમ: “પ્લાયોમેટ્રિક તાલીમ એ એવી માન્યતા પર આવેલી છે કે જેમાં સ્નાયુઓનું સંકોચન કરતા પહેલાં સ્નાયુઓનું ઝડપથી વિસ્તરણ કરવામાં આવે તો તે સ્નાયુઓનું વધારે મજબૂત સંકોચનમાં પરિણમે છે.”
બળ :બળ એ અવરોધ નિવારવા માટેની અથવા અવરોધો સામે ક્રિયા કરવાની શક્તિ
છે
ઝડપ: “સમયના ટૂંકાગાળામાં આવેલ પરિસ્થિતિમાં ગત્યાત્મક પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી એવા પ્રાથમિક પ્રદર્શનને ઝડપ કહે છે.”
નમનીયતા: “સાંધાઓ અથવા સાંધાઓના જૂથની ટોચની મર્યાદા સુધીના હલનચલનને
નમનીયતા કહે છે.”
ચપળતા:ઝડપથી અને ચોકસાઈપૂર્વક શરીરની સ્થિતિ અને દિશા બદલવાની નિયંત્રિત
ક્ષમતાને ચપળતા કહે છે
સહનશક્તિ:“સહનશક્તિએ થાકની પરિસ્થિતિમાં ઈચ્છીત ગુણવત્તા અને ઝડપ સાથે રમતમાં ક્રિયાઓ કરવાની શક્તિ છે.”
અભ્યાસનું મહત્વ:આ અભ્યાસમાં મુખ્ય ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમની કસરતોને કેન્દ્રમાં રાખીને શારીરિક યોગ્યતાના ઘટકો જેવા કે બળ, ઝડપ, નમનીયતા, ચપળતા, અને સહનશક્તિ ઉપર થતી અસરોની જાણકારી પ્રાપ્ત થશે. રાહબરો કે રમત-ગમત નિષ્ણાંતો હંમેશા રમતવીરોની પાસેથી સારા દેખાવ કે ઉચ્ચતમ આંકની આશા રાખતા હોય છે. રમત પ્રવૃત્તિ પ્રમાણે ખેલાડીના દેખાવને અસર કરતા પરિબળો, પાસાંઓ કે ઘટકોને વિવિધ કસરતો અને યોગ્ય ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા કેળવીને ખેલાડી રમતમાં સફળ બને તેવો પ્રયાસ કરતા હોય છે.
આથી સંશોધકે લગભગ તમામ રમત પ્રવૃત્તિમાં જેની વિશિષ્ટ આવશ્યકતા છે, તેવા ઘટકો જેવા કે બળ, ઝડપ, નમનીયતા, ચપળતા અને રૂધિરાભિસરણ સહનશક્તિના મહત્વને ધ્યાનમાં રાખીને આ અભ્યાસની ઉપયોગિતા રમત-ગમતના ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવા ઉપયોગી ભૂમિકા પૂરી પાડી શકે તેમ છે.
પ્રસ્તુત સંશોધન શારીરિક શિક્ષણ અને સ્પર્ધાત્મક રમત-ગમતના ક્ષેત્રે નીચે દર્શાવેલ ક્ષેત્રો તેમજ પ્રવૃત્તિ માટે મહત્વના નિર્ણયો લેવા માટે વિશિષ્ટ ભૂમિકા પૂરી પાડી શકે તેમ છે.
સ્ત્રોત : શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/3/2020