સામાન્ય રીતે ‘જૂનું તે સોનું’ એ કહેવત પાછળનો સૂર એવો હોય છે કે નવું તે પિત્તળનું લાગે. અને આ લાગણી જીવનનાં દરેક પાસાં માટે અનુભવાતી હોય છે. આજે ભારતની શિક્ષણ પદ્ધતિ વિષે વાત કરવાનો આશય છે.
જૂની એટલે કેટલી જૂની શિક્ષણ પદ્ધતિ સાથે સરખામણી કરવી એ વિચારતાં થયું કે 1930-40ના દાયકાથી શરુ કરું કેમ કે તે કાળે શિક્ષણ પામેલા લોકો સાથે અંગત સંબંધો હોવાથી અધિકૃત માહિતી મળી અને તેમના અમૂલ્ય અનુભવો સહુને પીરસવા લાયક લાગે છે. તે સમય ગાળામાં કચ્છના એક વિસ્તારમાં બાળમંદિરનું શિક્ષણ મોન્ટેસોરી પદ્ધતિથી આપવાના શ્રીગણેશ થયા. ત્યાં ગિજુભાઈ બધેકા પાસે તાલીમ લીધેલા શિક્ષકો બાલમંદિર ચલાવતા. બાળકો સિગરામ(બળદની બંધ ગાડી)માં બાલમંદિર જતાં. વળી બધી કોમનાં દીકરા-દીકરીઓની તે બાલમંદિરમાં ભરતી થતી. પ્રવેશ માટેની યોગ્યતા માત્ર એક હતી - બાળકની ઉંમર ત્રણ-સાડાત્રણ વર્ષની હોવી જરૂરી હતી. મામૂલી ફી ભરવાની રહેતી એટલે પોતાનાં બાળકોને આવી અનેરી તાલીમ આપવાનું બધાને પોસાતું. કામદાર વર્ગ, સામાન્ય નોકરિયાત અને ઉજળા ન ગણાતા લોકોનાં બાળકો ઉજળિયાત કોમનાં બાળકો સાથે રમતાં રમતાં અનૌપચારિક શિક્ષણ મેળવતાં એની નોંધ લેવા યોગ્ય છે. આવા વિશેષ પ્રકારના બાલમંદિરમાં સંગીત, ચિત્રકામ, રમત, અભિનય અને બધી ઇન્દ્રિયોને તાલીમ આપે એવી રમતો રમતાં રમતાં ઔપચારિક શિક્ષણનો પાયો નંખાતો. બધાં બાળકોએ સાથે બેસીને નાસ્તો કરવો અને પોતાના વારા પ્રમાણે બધું મળે એવી શિસ્ત હોવાને કારણે સમૂહ જીવનની તાલીમ સહજ રીતે મળતી. આથી જ તો નાગરિક શિક્ષણના પાઠો વિધિવત્ શીખવવા નહોતા પડતા. બાલમંદિરમાં કુલ સંખ્યા 35-40ની હશે. હવે, મોન્ટેસોરી પદ્ધતિથી ચાલતાં આવાં બાલમંદિર સર્વ સુલભ નહોતાં તે ખરું, પણ બાકીની સુવિધાઓ લગભગ અન્ય ગામ-શહેરોમાં સરખી જ હતી.
એ જમાનામાં સામાન્ય રીતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપતી નિશાળનો સમય બપોરનો હોય તો વિદ્યાર્થીઓ ઘેર જમીને જાય, સાંજે પાંચ કે છ વાગે છૂટે એ સહજ હતું. ત્યારે નઈ તાલીમ કે બુનિયાદી શિક્ષણના વાયરા વાયા નહોતા. પણ પાયાનું શિક્ષણ આપવાનો ખ્યાલ કેટલીક શાળાના સંચાલકોએ અપનાવેલ. એક વાત સર્વસામાન્ય હતી કે તમામ શાળાઓમાં માતૃભાષા જ શિક્ષણનું માધ્યમ હતી. તે ઉપરાંત ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ગણિત મુખ્ય વિષયો હતા. સાથે સાથે રમત-ગમત, બાગકામ, ચિત્રકામ અને પ્રાર્થના દ્વારા સંગીતની તાલીમ મળતી. શિક્ષકો ઘેર લેસન કરવા આપતા, પણ તેનો બોજ નહોતો, કેમ કે વર્ગમાં વાર્તા રૂપે સરળ શૈલીમાં પાઠ ભણાવાતા. છ માસિક અને વાર્ષિક પરીક્ષાઓ જરૂર લેવાતી. પરંતુ બહુ ઓછા વિદ્યાર્થીઓ નાપાસ થતા અને પરીક્ષાનો ડર નહોતો. પ્રાથમિક શાળાની શિક્ષણ પદ્ધતિ જેવી જ માધ્યમિક શાળાની પણ મહદ્દ અંશે હતી. કેટલીક શાળાઓમાં જ્હોન ડોલ્ટનની સ્વાધ્યાય પદ્ધતિ અને ગાંધી વિચાર પ્રસારને પરિણામે નઈ તાલીમ તથા બુનિયાદી શિક્ષણ પ્રથાનો ઉમેરો થયો. શ્રમનું મૂલ્ય સમજાય તે હેતુથી કાંતણ, સીવણ અને ખેતી વિષયો તરીકે ઉમેરાયા. લીથો(ટાઈપ કરીને છાપેલ)થી લખીને ને ગૃહકાર્ય કરવા અપાતું, જે વિદ્યાર્થીઓ હોંશે હોંશે કરતા કેમ કે તેની પાછળ પોતાના મમ્મી-પપ્પાએ ભરેલી મોંઘી દાટ શિક્ષણ ફીઝ અને ટ્યુશનની ફીઝ એળે ન જાય તેનો સતત ભય નહોતો સતાવતો, માત્ર પોતાની શક્તિ કેવી છે તે પોતાને માટે જ સાબિત કરવાની મહેચ્છા રહેતી. જે શાળાઓમાં માત્ર અક્ષર અને ગણિતનાં જ્ઞાનને જ મહત્તા નહોતી અપાતી ત્યાં સંગીત, નૃત્ય અને ચિત્ર જેવી લલિત કલાઓ શીખીને તેમાં પ્રગતિ કરવાની તક લગભગ બધાં બાળકોને મળતી. જે ગામ કે શહેરમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, તેવાં સ્થળના માતા પિતાઓનો પોતાના બાળકોને બીજા ગામના વિદ્યાલયોમાં નાની ઉંમરમાં ભણવા મોકલવા પાછળ તેમનો સર્વાંગી વિકાસ થાય અને સંસ્કાર ઘડતર થાય એ હેતુ રહેતો.
એમ જોવા જઈએ તો પચાસ સાઈંઠના દાયકાઓમાં પણ દફતર હળવું ફૂલ હતું. બાળકો નિશાળ જતાં પહેલાં ફળિયામાં કે શાળાના મેદાનમાં છૂટથી કોઈની દેખરેખ વિના રમતાં. સાંજે ઘેર આવીને પણ આડોશપાડોશના મિત્રો સાથે રમત જામતી. હુતુતુ, ખો, ઊભી ખો, નાગોલ, મોઇ દાંડિયા, ફેરરફૂદરડી અને બીજી જાતે શોધી કાઢેલી અનેક રમતો રમતાં. આવી રમતો પાછળ માતા-પિતાને કશું ખર્ચ ન કરવું પડતું. રમતી વખતે ગવાતાં ગીતો ઘરના સ્ત્રી વર્ગ કે મોટાં ભાંડરુઓ પાસેથી શીખતાં. આનાથી ભાષાનો વિકાસ થતો, સ્મૃિત દ્રઢ થતી એટલું જ નહીં, સ્વ રચના કરવાની પ્રેરણા પણ મળતી અને જોડકણાં જોડવાં કે ગીતોમાં ફેરફાર કરીને ગાવું એનો અનેરો આનંદ મળતો.
આમ જોઈએ તો આજથી પાંચ-છ દાયકા પહેલાં કોઈ પણ ગામ કે શહેરની ગલીઓ તથા રસ્તાઓ પરથી પસાર થાઓ તો લોકોના અને ખાસ કરીને નાનાં બાળકોના મુક્ત હાસ્ય, નિર્દોષ ધીંગા મસ્તી અને નિર્બન્ધ પ્રવૃત્તિઓથી જીવન ધબકતું રહેતું. તેનું એક કારણ એ કે તેમને બાળપણ જીવવા મળતું હતું. દિવસે શાળામાં ભણીને આવે પછી નવી પેઢીનાં બાળકો અને યુવાનો રાત્રે ફાનસના અજવાળે કે ઝાંખા દીવા બત્તીને ઓઠે બેસી વડીલો પાસેથી વાર્તા, તેમના અનુભવો અને લોકગીતો સાંભળતાં અને સાથમાં ગાતાં, એ દ્રશ્ય સામાન્યપણે જોવા મળતું. આવી જીવન રીતિ કેમ અને ક્યારે અદ્રશ્ય થવા લાગી, એ કહેવું મુશ્કેલ છે, પણ અત્યારે આ સઘળી વાતો પરીકથા જેવી લાગે, એ જરૂર.
અહીં એક વાત નોંધનીય છે કે સ્વાતંત્ર્ય મળ્યાં પહેલાં અને ત્યાર બાદના શરૂઆતનાં વર્ષોમાં બાલમંદિરથી માંડીને કોલેજના ઉચ્ચતમ સ્તર સુધીનું તમામ શિક્ષણ માતૃભાષાનાં માધ્યમ દ્વારા જ અપાતું - તે સમયે બ્રિટિશ રાજ હતું છતાં. સાતમા ધોરણમાં સંસ્કૃત અને ઇંગ્લિશના પ્રાથમિક પાઠો શરૂ થતા પણ આઠમા ધોરણથી તે બંને વિષયો મુખ્ય ધારામાં ઉમેરાતા. અને છતાં અથવા કહો કે તેથી જ વિદ્યાર્થીઓ બધી ભાષાઓ પર ખાસ્સું પ્રભુત્વ કેળવી શકતા. એવી જ રીતે વર્ગમાં શીખવાતા પાઠ ઘેર આવીને ફરી વાંચી જવા અને પરીક્ષામાં સારા ગુણાંક મેળવવા પાછળ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા સિવાય અન્ય કોઈ બોજ નહોતો, એ હકીકત પણ નોંધવા લાયક છે. હળવા ફૂલ થઈને ભણવાની મજા માણી હોય તે જ જાણે. કદાચ આજના વિદ્યાર્થીઓને એ અનુભવ ક્યારે ય ન થઇ શકે.
વીસમી સદીના પહેલા પાંચ-છ દાયકા દરમ્યાન વિદ્યાર્થીઓને મળેલ શિક્ષણની ગુણવત્તા ઉત્તમ હતી તેમ કહી શકાય. તે વખતના શિક્ષકો પાસે વિષય જ્ઞાન અધિકૃત અભ્યાસીની કક્ષાનું હતું. તેઓ ભણાવતી વખતે પૂરેપૂરા સજ્જ થઈને આવતા. શિક્ષણ પદ્ધતિ કઇંક અંશે અનૌપચારિક હોવા છતાં શિસ્ત જળવાઈ રહેતી અને શિક્ષક-વિદ્યાર્થીઓ વચ્ચે એક પ્રકારની આત્મીયતા બંધાતી. વિદ્યાર્થીઓમાં રહેલ જુદી જુદી શક્તિ અને વલણને પારખીને દરેકને અનુરૂપ થાય એવી રીતે પાઠ ભણાવતા. આથી દરેક વિદ્યાર્થીનો પૂરેપૂરો વિકાસ થતો. ટૂંકમાં શિક્ષકોને ભણાવવાની અને વિદ્યાર્થીઓને ભણવાની મજા આવતી. ખરેખર તે સમયે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણના ધોરણ અને પદ્ધતિ ભારતીય પ્રણાલીઓ અને મૂલ્યોને પોષનારા હતાં. ઘરમાં કેળવાયેલા સંસ્કારોનું સંવર્ધન અને સંમાર્જન કરવા શાળાની શિક્ષણ પદ્ધતિ પૂરક બની રહેતી.
જે પેઢીએ 30-40ના દાયકાઓમાં શિક્ષણ મેળવ્યું હોય, તેમાનાં કેટલાંક એ ક્ષેત્રમાં સક્રિય થયાં અને પોતાનાં પછીની પેઢીને સ્વતંત્ર ભારતના નાગરિકો થવા માટે સજ્જ કરી શક્યાં. ચાલીસના દાયકાના અંત ભાગમાં અને પચાસની શરૂઆતમાં કેટલીક આશ્રમશાળાઓ સ્થપાઈ, તો કેટલાંક નાનાં મોટાં શહેરોમાં છાત્રાલય સાથેના શાળા સંકુલો શરૂ થયાં. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કન્યા કેળવણી માટે સવલતો ઊભી કરવા ઘણા કર્મશીલો સક્રિય બન્યા. એમાંની ઉદાહરણ રૂપ સંસ્થા, તે સર્વશ્રી દરબાર ગોપાળદાસ દેસાઈ અને ઉછરંગરાય ઢેબરભાઈની પ્રેરણાથી રાજકોટમાં શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય કે જ્યાં કન્યાઓને સર્વાંગી કેળવણી પૂરી પાડે તેવી આદર્શ શાળા સ્થપાઈ, જેમાં શિક્ષક તરીકે કામ કરવાની જેમને તક મળી તેઓ પોતાને જેવું શિક્ષણ મળેલું લગભગ તેવી જ કક્ષાનું શિક્ષણ આપવાં કટિબદ્ધ બન્યાં. ઉપરોક્ત શાળાઓમાં સમૂહજીવન દ્વારા સ્વાવલંબનના પાઠ છાત્રાલય જીવનમાં ભણાવાતા, જ્યાં શ્રમનું મહત્ત્વ સફાઈ અને ગૃહસંચાલન દ્વારા આપોઆપ શીખવાઈ જતું. વિરાણી કન્યા વિદ્યાલય જેવી આદર્શ શાળામાં બાલમંદિરથી માંડીને દસ ધોરણ સુધી વિદ્યાર્થિનીઓની પ્રગતિનું આકલન પરીક્ષા પદ્ધતિને બદલે સતત મૂલ્યાંકન દ્વારા દરેક વિદ્યાર્થિનીની ગુણવત્તાની ચકાસણી કરીને કરવામાં આવતું. આ રીતે પરીક્ષાઓનો બોજ ન હોવાને કારણે સ્થાનિક, પ્રાંતીય અને રાષ્ટ્રીય સ્તરના પ્રવાસો, સાંસ્કૃિતક કાર્યક્રમો અને વિવિધ વિષયોને મધ્યમાં રાખીને થતાં પ્રદર્શનો કરવાની મોકળાશ અને તક સહુ શિક્ષકોને તેમ જ વિદ્યાર્થિનીઓને મળતી. એવી જ રીતે સંસ્થાના પ્રેરણાદાતાઓ અને મૂળ સ્થાપકોના વિચારો અને કાર્યક્ષેત્રના વ્યાપને કારણે વિદ્યાલયને ભારતના ઉચ્ચતમ રાજકીય, સામાજિક, રચનાત્મક કાર્યને વરેલા અને સાહિત્ય તથા સાંસ્કૃિતક ક્ષેત્રમાં નામનાં મેળવી ચૂકેલા મહાનુભાવોની મુલાકાતોનો લાભ મળતો અને એ રીતે વિદ્યાર્થિનીઓને અભ્યાસેતર પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી શિક્ષણ મળી રહેતું. આ અને આવી અન્ય શિક્ષણ સંસ્થાઓ દ્વારા ભારતીય સંસ્કૃિતનાં મૂળભૂત મૂલ્યો અને ઉદાર રાષ્ટ્રીય ભાવનાનું સિંચન મુક્ત વાતાવરણને પરિણામે અનાયાસ થતું.
સાંપ્રત શિક્ષણ પદ્ધતિમાં આવતાં પરિવર્તનોની નોંધ લેતાં એક બાબત સ્પષ્ટ તરી આવે છે કે સ્વતંત્રતા મળ્યા બાદ, પોતાની જ પ્રજાને માતૃભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ આપવાની ઉત્તમ તક મળી હતી, જે તે વખતે ઝડપી લેવાઈ હતી. પરંતુ સમય જતાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા એટલે કે પ્રાંતીય ભાષા હોવી જોઈએ, આ હકીકતનું મહત્ત્વ ઘટતું ગયું અને તેને સ્થાને ઇંગ્લિશનો મોહ વધતો ચાલ્યો. આ વ્યામોહને વ્યાજબી ઠરાવવા એવી દલીલ થતી રહી કે ઈંગ્લિશ વૈશ્ચિક ભાષા છે, આપણા નાગરિકોને વિદેશમાં વ્યવસાય મેળવવામાં એ જ મદદરૂપ થાય અને તેનાથી દુનિયામાં ભારતનું સ્થાન જમાવી શકાય. બાળ મનોવિજ્ઞાન, શિક્ષણ મનોવિજ્ઞાન અને ભાષાશાસ્ત્રના નિયમોને જાણીને સમજનાર સહુ શિક્ષણવેત્તાઓને આવી દલીલો ખૂબ પાંગળી લાગે. પ્રાંતીય અને કેન્દ્રીય સરકારોએ તો વર્ષોથી જાણે નિ:શુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવાના નાગરિકોના મૂળભૂત અધિકારની ઘોષણા કર્યા બાદ તુર્તમાં જ એ જવાબદારી નિભાવવા અંગે ઉદાસીનતા સેવી. તેથી શિક્ષણકાર્ય વેપારીઓ, દાનવીરો અને અલગ અલગ પંથના આગેવાનો જેવા ખાનગી ક્ષેત્રના રખેવાળોની ઉદારતા અને વહીવટી સૂઝ ઉપર નભવા લાગ્યું, જેમાં શૈક્ષણિક દ્રષ્ટિ કે કુશળતાની ખાસ જરૂર ન જણાઈ.
ઉપર વર્ણવી તે શિક્ષણ પ્રથા અને તેને પરિણામે બાળકોના ઉછેર અને ઘડતરમાં અનુભવાતી હળવી ફૂલ નિરાંતની સરખામણી હાલના માહોલ સાથે કરીએ. આજે બાલમંદિરમાં દાખલ થવા માટે ચાર વર્ષના બાળકને પરીક્ષા આપવી પડે છે. ત્યારથી શરૂ થયેલ ઔપચારિક પરીક્ષણનો દોર છેક નોકરી મેળવવા સુધી સતત ચાલુ રહે છે. નાનાં ભૂલકાં પોતાના ધનાઢ્ય પિતાની કારમાં, કે સ્કૂટર પર, અથવા સ્કૂલની બસ કે રિક્સા જેવાં ઝડપી વાહનોમાં શાળાએ જાય છે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગનાં બાળકો તગડી ફી ભરીને કહેવાતી ‘સારી’ ખાનગી નિશાળોમાં ભણે અને બાકીનાં બધાં સામાન્ય ગણાયેલી ખાનગી કે સરકારી નિશાળોમાં જાય તેથી તેઓને સાવ નાની ઉંમરમાં વર્ગભેદ વચ્ચે જીવવવાની તાલીમ મળી જાય છે. અને આ અંતર સમાજના દરેક સ્તરમાં વ્યાપેલું દેખાય.
આ બધું જાણે ઓછું હોય તેમ પ્રાથમિક શાળાથી માંડીને કોલેજના વિદ્યાર્થીઓ સુધી તમામ બાળકો-યુવાનો સવારે ઊઠીને ટ્યુશનમાં જાય, શાળામાં છ કલાક ભણે અને એટલું ભણતર જાણે ઓછું પડ્યું હોય તેમ સાંજે આવીને બીજા ટ્યુશન ક્લાસમાં જાય. શિક્ષકો જાણે હવે પોતપોતાના વિષયમાં પ્રવીણ ન હોય તેમ લાગે છે. તેઓ વર્ગમાં સારું શિક્ષણ ન આપે તો જ ટ્યુશનની જરૂર પડે, એ વાત જ જાણે વિસરાઈ ગઈ છે. જયારે શરીરનો બાંધો મજબૂત કરવાની ઉંમર હોય ત્યારે બાળક રમી ન શકે, એકબીજાં સાથે સહકારથી જીવતાં શીખવાના પાઠ ભણવાના હોય ત્યારે ઈતર પ્રવૃત્તિઓ ન કરી શકે અને બધી ઇન્દ્રિયોને કેળવીને પોતાની આગવી પ્રતિભા ખીલવવાનો સમય હોય ત્યારે કુટુંબ કે સમાજના તહેવારો-પ્રસંગોમાં હાજર રહી ન શકે, એવી આજની શિક્ષણ પદ્ધતિ કેવા નાગરિકો ઘડે છે તેના સાક્ષી આપણે સહુ છીએ.
ઘણાં વર્ષોથી શિક્ષણ જાણે વધુને વધુ આવક મેળવવાની તક આપે તેવા વ્યવસાય મેળવવાનું એક સાધન માત્ર બનતું જાય છે. વધુ ગુણ મેળવવાની હોડ એવી તો બેહૂદી બની ગઈ છે કે પ્રગતિના માપદંડ માટે લેવાતી પરીક્ષાઓ જાણે વિદ્યાર્થીઓનાં જીવનના બધા રસ અને આનંદને હણી લેનાર એક યંત્ર બની ગઈ છે. બાળપણ પાઠ્ય પુસ્તકોનાં પાનાંઓમાં ખોવાઈ ગયું છે. કિશોરાવસ્થા ટ્યુશન અને વધુ ગુણ મેળવવાની સ્પર્ધામાં વિલાઈ ગઈ છે. જીવનની શરૂઆતનાં મૂલ્યવાન એવાં પંદર-સોળ વર્ષ જાણે બોજીલ બની ગયાં છે.
જો કે આજના શિક્ષણમાં બધું જ વિષાદ પ્રેરે તેવું છે એમ કહેવાનો આશય નથી. વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને પરિણામે વિદ્યાર્થીઓ વધુ વિષદ્દ માહિતી મેળવતા થયા છે. તેઓ કેટલીક બાબતોમાં સ્વતંત્ર અભિપ્રાય ધરાવતા થયા છે એનો આનંદ છે. આજકાલ ‘ભાર વિનાના ભણતર’ની વાતો સાંભળીએ છીએ ત્યારે વીસમી સદીના પૂર્વાર્ધ અને સ્વતંત્રતા મળ્યા બાદના તરતનાં વર્ષોમાં અપાયેલ શિક્ષણ અને એ સમયે સર્વતોમુખી પ્રતિભા કેળવીને તૈયાર થયેલી પેઢીએ બીજાં ચાલીસેક વર્ષો સુધી આપેલ જીવનોપયોગી શિક્ષણ સાથે હાલના શિક્ષણની દિશા અને દશાની તુલના અનાયાસ થઇ જાય, ત્યારે ‘જૂનું તે સોનું’ એ કહેવત યથાર્થ થતી ભાસે એ નિર્વિવાદ છે. શિક્ષણશાસ્ત્રીઓથી માંડીને શિક્ષકો, માતા-પિતા અને ખુદ વિદ્યાર્થીઓ જો આ ભારેખમ યાંત્રિક શિક્ષણ પ્રથામાંની યંત્રણામાંથી છુટકારો મેળવીને ‘ભાર વિનાના ભણતર’ની નવી દિશામાં પગરણ માંડશે, તો જ ભારતનું ભાવિ ખમીરવંતી પ્રજાના હાથમાં રહેશે. નહીં તો રોબોટ જેવા, શ્રમના મહિમાથી યોજનો દૂર હડસાયેલા માત્ર ધન પાછળ દોડનારાં યુવક-યુવતીઓની ફોજ ક્યાં આજે ઓછી છે તે તેમાં ઉમેરો કરવાની જરૂર પડે?
આશા બૂચ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020