માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’
ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભાળતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. અંગ્રેજી માધ્યમમાં ૧ થી ૧૦ ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોના ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતો.
માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે.
ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાલરોગચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મુરઝાય છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે.
બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે અચાનક અઘરી કેમ બની ગઈ હશે ! અંગ્રેજી ગેસ્ટ ભાષા છે. માતૃભાષા બેસ્ટ ભાષા છે. મહેમાનની ઊંચી સરભરા ભલે કરો. પણ મમ્મી-પપ્પાને બહાર હાંકી કાઢીને મહેમાનને ઘરમાં સ્થાન ન જ અપાય.
માતૃભાષાના માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ આઠ-નવ ધોરણ સુધી ટ્યુશન કરતા નથી. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને શરૂઆતથી જ ટ્યુશન શા માટે કરાવવું પડે છે ?
જાપાન અને જર્મનીમાં સર્વેક્ષણો થયા છે. તેના તારણોમાં જણાયું છે કે, માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્ર્રેસ કેપેસિટી વધારે હોય છે, જે તેને જીંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે.
અંગ્રેજી ભાષાનો વધુ ને વધુ પ્રચાર કરવા માટે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે કે આજે ચીનમાં પણ લોકો અંગ્રેજી બોલતા શીખી રહ્યા છે. પણ ચીનમાં સમાન સ્કૂલ વ્યવસ્થા રચાઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ચીન જે સફળતાએ પહોંચ્યો છે તેના પરથી આજે એ પણ માને છે કે શિક્ષણ માતૃભાષામાં દેવું જોઈએ.
ઈઝરાયલ કે જે આપણા દેશના દસમાં ભાગમાં પણ નથી આવતો તેવો આ દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે. તેમજ આપણાથી દસ ગણા વધુ નોબેલ પુરસ્કારો પણ મેળવ્યા છે. તેનું કારણ માત્ર એ જ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. તે જ રીતે રશિયા, ફ્રાંસ, ચીન, જર્મની દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અને કોઈ પણ દેશ પ્રગતિમાં પાછા નથી રહ્યા.
મોરારિબાપુ કહે છે : અંગ્રેજી કામની ભાષા છે. તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય.
ઘણાં સર્વેક્ષણો અને અભ્યાસોએ પુરવાર કર્યું છે કે, માતૃભાષા છોડીને પરાયી ભાષાના માધ્યમથી શિક્ષણ લેનાર બાળકનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. છતાં, પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખનારા માતા-પિતા પોતાની ઊંચી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કેમ નહિ કરતા હોય ? ચંદ્રકાન્ત બક્ષીએ એક જગ્યાએ લખ્યું છે કે, જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી.
વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય.
EFA Global Monitoring Report-2005 The Quality Imperative માટે સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના ડો. કેરોલ બેન્સને પોતે હાથ ધરેલા એક વિસ્તૃત અભ્યાસનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમના અભ્યાસનો વિષય હતો : “The importance of mother tongue-based schooling for educational quality” – તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં ૧૯૭૦થી માંડીને થયેલા અનેક સર્વેક્ષણો અને અભ્યાસોને, સંદર્ભોને પોતાના શોધલેખમાં ટાંક્યા છે. આ શોધલેખમાં રજૂ થયેલી વિગતો અને તારણો ખૂબ રસપ્રદ છે.
માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ જ નથી. પરંતુ અંગ્રેજી માધ્યમના ભણતર કરતાં તેનાથી ખૂબ સારા પરિણામો દેખાયા છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની બીજી ભાષા અંગ્રેજી પણ ખૂબ સારી હોય છે. માતૃભાષાના સહારાથી તેમને તે બીજી ભાષામાં પણ ખૂબ સારી ફાવટ આવી જાય છે. બન્ને ભાષામાં તે વિદ્યાર્થી પાવરધો બને છે.
વિદ્યાર્થી માતૃભાષામાં વર્ગની દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. અભિવ્યક્તિ ખૂલે છે અને પ્રતિભા બહાર આવે છે. માતૃભાષાને કારણે બાળકો વિશેષ પ્રોત્સાહિત થાય છે. પોતાના જ્ઞાન અને અનુભવને નિઃસંકોચ રજૂ કરવાની બાળકને તક મળે છે.
દરેક પ્રજાને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે સ્વાભાવિક લગાવ અને લાગણી હોય છે. માતૃભાષાના માધ્યમને કારણે શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓ ખૂબ સંતોષ પામે છે.
માતૃભાષામાં શિક્ષણ આપવાને કારણે વાલીઓ શાળાની વિવિધ બાબતોમાં વિશેષ રસ લેતા થાય છે. પોતાની ભાષામાં વાત કરવાની છૂટ મળવાથી વાલીઓ શાળાના શિક્ષકો સાથે વિશેષ સંપર્કમાં આવે છે. વાલીઓના શિક્ષકો અને શાળા સાથે બંધાતો નાતો બાળકોના લાભ માટે થાય છે.
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી ભણવામાં બાળાઓને રસ અને ઉત્સાહ ખૂબ વધે છે. અધવચ્ચે અભ્યાસ છોડી દેવાની ટકાવારીમાં ખૂબ ઘટાડો નોંધાયો છે.
વર્ગમાં પ્રશ્નો પૂછવાની અને જવાબ આપવાની હિંમત બાળકમાં ખૂલે છે. શ્રી પટ્ટનાયકના સર્વેક્ષણનો સંદર્ભ ટાંકીને ડૉ. કેરોલ બેન્સને ભારતની પણ વાત કરી છે. ભારતમાં ત્રણ ભાષા ભણાવવામાં આવે છે. પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા-હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા-અંગ્રેજી. જે વિદ્યાર્થીની પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી તેવા વિદ્યાર્થીઓ ખૂબ તકલીફ અનુભવે છે.
દા.ત. મહારાષ્ટ્રમાં ભણતું ગુજરાતી બાળક મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણે છે. તેની માતૃભાષા તો ગુજરાતી છે. આપણા દેશની વિવિધ ક્ષેત્રની ઉચ્ચ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓની જીવનકથા વાંચો. મોટેભાગે તે બધાએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે.
‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહ માટે નોબલપ્રાઈઝ પ્રાપ્ત કરનાર રવીન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમર્ત્યસેન માતૃભાષા બંગાળીમાં ભણ્યા હતા. અંગ્રેજી ભાષા સાથે જોડાવાથી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ખૂબ વૃદ્ધિ થઈ શકે છે અને તેની સાથે જ આપણી મહાન સંસ્કૃતિ ક્ષતિ પામે છે.
વિજ્ઞાનક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી.રામને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. વિખ્યાત અણુવિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા. પદ્મશ્રી, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ વગેરે અનેક ખિતાબો, એવોર્ડસ અને ઈનામો પ્રાપ્ત કરનાર, સાયન્સ અને એન્જીન્યરિંગના વિષયમાં ૨૫ જેટલી યુનિવર્સિટીઓમાંથી જેમણે ડોક્ટરેટ કરેલું છે. અરૂણભાઈ ગાંધી તાતા કંપનીના ડિરેક્ટર અને વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. રતન તાતાના જમણો હાથ સમા અરૂણભાઈએ બાબુ અમીચંદ પન્નાલાલ સ્કૂલમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો હતો.
અવકાશયાત્રા દરમ્યાન પોતાનો જાન ગુમાવનાર અને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલાએ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જે ઓળખાય છે તે બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ માતૃભાષામાં લીધું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતી ભણ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે : માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.
ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ મજેવડીની ગુજરાતી શાળામાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મોટા ઉદ્યોગપતિ, સમર્થ અગ્રણી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાના ધારક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા.
અંગ્રેજી માધ્યમ પાછળની આજની ગાંડી અને આંધળી દોટને કારણે પ્રાદેશિક ભાષામાં ભણનારની સંખ્યામાં જબ્બર કડાકો બોલાયા પછી પણ આજે પ્રતિવર્ષ જાહેર થતા ૧૦માં અને ૧૨માં ધોરણના પરિણામોના મેરિટ લીસ્ટમાં પ્રાદેશિક ભાષામાં ભણનારા વિદ્યાર્થીઓના નામ ખૂબ ચમકે છે. ભણતરના માધ્યમ અને બૌદ્ધિક વિકાસને સીધો સંબંધ છે, તે સ્પષ્ટપણે પુરવાર થાય છે.
મગજના કમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. તેથી અન્ય ભાષાના શબ્દો કે વાક્ય પ્રયોગોનું પહેલા આ કમ્પ્યુટર માતૃભાષામાં રૂપાંતર કરશે. પછી, વિષયવસ્તુને સમજવા માટે મગજનો ઉપયોગ કરશે. તેની મગજની ઘણી બધી શક્તિ તો ભાષાંતરનો વ્યર્થ વ્યાયામ કરવામાં જ વપરાઈ જશે. માતૃભાષા ભણનાર બાળકના મગજની પૂરી શક્તિ વિષયવસ્તુને સમજવામાં વપરાય છે. માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોંશિયાર હોય છે, તેનું આ રહસ્ય છે.
મારું તો એવું માનવું છે કે, પ્રાથમિક શિક્ષણ સુધી માતૃભાષાનો પાયો મજબૂત કર્યા બાદ વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનો સંપર્ક થાય અને પછી જ તે અંગ્રેજી ભાષા શીખે તો વિષયોની જેમ અંગ્રેજી ઉપર પણ તેનું ખૂબ પ્રભુત્વ આવે છે.
અંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળક ખૂબ સ્માર્ટ બને છે, ખૂબ વિકાસ પામે છે, ખૂબ હોંશિયાર અને સફળ થાય છે તે નર્યો ભ્રમ છે. સફળતા કે સિદ્ધિને ભાષા નહિ, જ્ઞાન કે બુદ્ધિ સાથે સંબંધ હોઈ શકે. બધા જ અંગ્રેજો અને અમેરિકનો સિદ્ધિના શિખરે છે તેવું નથી અને બધા બિનઅંગ્રેજીભાષકો બેહાલ છે, તેવું પણ નથી. ભૌતિક ક્ષેત્રે હરણફાળ ભરનાર ચીન અને જાપાન જેવા દેશોએ માતૃભાષાનો જ મહિમા કર્યો છે.
બાળકને અંગ્રેજી માધ્યમાં ભણાવવાની બે ફલશ્રુતિ બહાર તરી આવે છે. બાળક લઘુતા ગ્રન્થિથી પીડાય છે અને મા-બાપ ગુરુતાગ્રન્થિ !
અભિવ્યક્તિનું અને ગ્રહણ તથા સમજણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે. મહાવીર સ્વામી લોકભાષા પ્રાકૃતમાં જ ધર્મદેશના આપતા હતા.
સંત તુલસીદાસે રામચરિત માનસની રચના લોકભાષા અવધીમાં કરી. સંત જ્ઞાનેશ્વરે ‘જ્ઞાનેશ્વરી’ મરાઠીમાં રચ્યું.
એક સરેરાશ અંગ્રેજ કરતાં મહાત્મા ગાંધીનું અંગ્રેજી વધારે સારું હતું. તે છતાં પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ તેમણે માતૃભાષા ગુજરાતીમાં લખી.
માતૃભાષા દરવાજા જેવી છે, અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી બહાર ડોકિયું કરવા કામ લાગી શકે. પણ, આવન-જાવન તો દરવાજા દ્વારા જ થઈ શકે !
બેબીફૂડની જાહેરાત ગમે તેટલી આકર્ષક કેમ ન હોય, પણ સમગ્ર સંસાર એ વાત જાણે છે કે મા ના દૂધની બરાબરી કોઈ જ બેબીફૂડ કરી શકે નહીં. બસ, આટલો જ ભેદ માતૃભાષા અને અન્ય ભાષા વચ્ચે છે. માણસે માણવું હોય, મહોરવું હોય, ખીલવું હોય, સર્જનાત્મક બનવું હોય તો જીવનરૂપી ક્યારીમાં માટી તો માતૃભાષારૂપી જ હોવી જોઈએ.
મારી દ્રષ્ટિએ માતૃભાષામાં શિક્ષણ-પ્રાથમિક શિક્ષણ તો જરૂરી છે, કારણ કે –
સ્ત્રોત: રીડગુજરાતી. કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/30/2019