સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણનું સ્તર સુધારવા તથા શિક્ષક અને વિદ્યાર્થીઓમાં લીડરશીપના ગુણ આવે તે માટે દેશની કોલેજોના ટોપર્સ આવેલા ૧૦૦ વિદ્યાર્થીઓએ સુરતમાં કામગીરી શરૃ કરી છે. ગાંધી ફેલોશીપ દ્વારા દેશના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા વિદ્યાર્થીઓ પોતાની જીંદગીના બે વર્ષ ગરીબ વિદ્યાર્થીઓ તથા શિક્ષણનું સ્તર સુધારવા માટે આપશે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે સાથે આચાર્ય અને શિક્ષકો સાથે વિદ્યાર્થીઓમાં પણ લીડરશીપના ગુણ આવે તે માટે સમિતિ અને કૈવલ્ય એજન્યુકેશન ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમ હાથ ધરવામા આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર ેએક પણ રૃપિયાનું આર્થિક ભારણ ન આવે તેવી રીતે શરૃ કરાયેલા આ કાર્યક્રમમાં સમિતિના શિક્ષણનું સ્તર સુધર્યું છે.
આજે દેશભરમાંથી નવા ૬૨ ગાંધી ફેલો વિદ્યાર્થીઓ સુરત આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને આવકારવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે જે વિદ્યાર્થીઓ આવ્યા તેમાં ઈસ્ટ ભારતમાંથી ૧૫, વેસ્ટ ભારતમાંથી ૨૧, નોર્થ ભારતમાંથી ૧૯ અને સાઉથ ભારતમાંથી ૭ વિદ્યાર્થીઓ આવ્યા છે. આ ઉપરાંત ગત વર્ષના જુના વિદ્યાર્થી મળીને કુલ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓનો એક કાર્યક્રમ હતો.
ગુજરાતના પ્રોગ્રામ ડિરેક્ટર નદિતા રાવલ કહે છે, નવા આવેલા ગાંધીફેલો માટે આ વર્કશોપ છે જેમાં તેઓને પહેલાં તો સ્થાનિક ભાષા શિખીને વસ્તીમાં રહી વિદ્યાર્થીઓ અને શાળા વચ્ચે જે ગેપ છે તે ઓછો કરવાનો હોય છે. આ ઉપરાંત આચાર્ય અને શિક્ષકોમાં નેતૃત્વના ગુણ બહાર લાવવાનું કામ પણ કરવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અતુલ પટેલ કહે છે, દેશની નામાંકીત કોલેજોમાં ટોપર્સ રહી ચુકેલા વિદ્યાર્થીઓ તેમની કારકીર્દીના બે વર્ષ શાળાઓને આપે છે તેનાથી તેમનું તો ઘડતર થાય છે પરંતુ શાળા તથા વિદ્યાર્થી સાથે શિક્ષકોને પણ મોટો ફાયદો થઈ રહ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષકો અને આચાર્ય સાથે કામ કરે છે એટલું જ નહીં પરંતુ જે વસ્તીમાંથી બાળકો આવે છે તે વસ્તીમાં પણ બે માસ રહીને તેઓની મુશ્કેલી અમારા સુધી લાવે છે. આ કોમ્યુનીકેશનથી ડ્રોપ આઉટનો રેશિયો ઘટવા સાથે શિક્ષણનું સ્તર પણ ઉંચુ આવી રહ્યું છે.
ચેન્નાઈની વિદ્યાર્થીની વરાછાના વિદ્યાર્થીઓ સાથે રહી ગુજરાતી શીખી
આઈ.એ.એસ.ની તૈયારી કરી રહેલી આર.મિરા એક વર્ષથી સુરતમાં કામ કરે છે
તામિલનાડુના તિરૃવેલ્લુરના આવડી ગામમાં રહેતી આર. મિરા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં લિડરશીપના ગુણ વિકસાવવા સાથે ગુજરાતી પણ શિખી ગઈ છે. આઈ.એ.એસ. બનાવા માટેની તૈયારી કરતી આ વિદ્યાર્થીનીને સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે કામ કરીને અલગ જ અનુભવ થયો છે.
કૈવલ્યમ ફાઉન્ડેશનમાં ગાંધી ફેલો તરીકે આવેલા આર. મિરા કહે છે, જ્યારે તે પહેલી વખત આવી ત્યારે તમિલ અને અંગ્રેજી સિવાય હિન્દી થોડું જાણતી હતી. શરૃઆતમાં મુશ્કેલી પડી પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે અમારા સહયોગીનો સપોર્ટ મળ્યો એટલે હાલ ગુજરાતી સમજી શકું છું અને થોડું બોલી પણ શકું છે. બી.કોમમાં ગોલ્ડ મેડલ મેળવનાર આ વિદ્યાર્થીની આઈ.એ.એસ.ની તૈયારી પણ કરી રહી છે. તેને ઝુંપડપટ્ટીના છોકરાઓ સાથે રહીને તેઓની સાથે કામગીરી કરવામાં સંતોષ મળે છે.
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020