ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલ દેશ માટે પથદર્શક બની રહેશેઃ શ્રી સૌરભભાઇ પટેલ ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાતે ઊર્જા ઉત્પાદન, વિતરણ ક્ષેત્રે કરેલી નવતર પહેલ સમગ્ર દેશ માટે મોડેલરૂપ અને પથદર્શક બનશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો. નવી દિલ્હીમાં મળેલી રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં અવરોધક બનતા કેન્દ્રના અન્યાયી વલણનો ઉગ્ર પ્રતિઘોષ પાડયો હતો. આ પરિષદમાં ગુજરાતે ખોટ કરતા વીજ નિગમનું ચાર વીજ વિતરણ કંપનીઓના જનસેવાલક્ષી અભિગમથી રૂા. પપ૦ કરોડનો નફો કરતી કંપનીઓમાં રૂપાંતરણ કરવાની જે સિધ્ધિ મેળવી છે તેની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરી હતી. શ્રી સૌરભભાઇ પટેલે પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાવર ફાયનાન્સ કોર્પોરેશને દેશની ૪૦ વીજ વિતરણ કંપનીઓનો સર્વે કરીને ગુજરાતની વીજ વિતરણ કંપનીઓના આર્થિક સધ્ધર વ્યવસ્થાપનને પ્રમાણિત કર્યું હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ ક્ષેત્રની પ્રગતિમાં અંતરાય ઊભા કરી રહી હોવાની ઉગ્ર રજુઆત પણ કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને વીજ ઉત્પાદન માટે ગેસનો પૂરવઠો આપવાને બદલે ખાનગી કંપનીઓને આપી દેતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જો દેશમાં ઉત્પાદિત થતો ગેસ ગુજરાતને અપાય તો વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સસ્તા દરે વીજળી ગ્રાહકો-ઉપભોકતાઓને આપી શકાય, પરંતુ કેન્દ્ર ગુજરાતને મોંઘાભાવનો આયાતી એલ.એન.જી. ગેસ ૧૪ ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ.ના બજાર ભાવે લેવાની ફરજ પાડે છે. આ મોંઘાભાવનો આયાતી ગેસ વીજ ઉત્પાદન માટે વાપરવાની ફરજ પડતાં ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદનની પ્રતિ યુનિટ કોસ્ટ રૂા. ૬ જેવી ઊંચી આવતી હોવાનો આક્રોશ ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદન ૩૮ર૧ મેગાવોટનું છે જે માટે રપ ટકા ગેસ વિદેશથી મોંઘાભાવે આયાત કરવામાં આવતો ગેસ અપાતો હોવાથી રાજ્યમાં પૂરતા ગેસની ઉપલબ્ધી ન થતાં ૪૭૦ મેગાવોટનો ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ઉત્પાદન સજ્જતા છતાં પુરતું ઉત્પાદન મેળવી શકાતું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરી ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ટૂંકસમયમાં રાજ્યમાં બે નવાં ગેસ આધારિત વીજ મથકો પીપાવાવ ખાતે ૭૦૦ મે.વો. તથા હજીરા ખાતે જી.એસ.ઇ.જી.ના ૩પ૦ મેગાવોટ માટે દેશમાં ઉત્પાદિત થતો ગેસ કેન્દ્રના અન્યાયી વલણને કારણે મળવાનો નથી, આથી સમગ્રતયા ૧પ૦૦ મે.વો. ની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ગુજરાત કરી શકશે નહીં. આ અન્યાય અને ભેદભાવ દૂર કરવા શ્રી પટેલે પરિષદમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીપાવાવના ગેસ આધારિત વિજમથક માટે ગેસ આપવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૧૯૮૮ના વર્ષમાં સંમતિ આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગેસ આધારિત વિજમથકનો શિલાન્યાસ કર્યો અને ઉત્પાદન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે ત્યારે કેન્દ્રના આ ઓરમાયા વર્તનને કારણે પીપાવાવ મથકને હજુ સુધી વીજ ઉત્પાદન માટે ગેસ ઉપલબ્ધ થયો નથી. તે અન્યાય દૂર થવો જોઇએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પરિષદમાં એવી પણ રજુઆત કરી હતી કે, કેન્દ્રની યુપીએ શાસિત વર્તમાન સરકારની અણઆવડતને પરિણામે આઝાદી પછી કયારેય ન વધ્યો હોય તેટલો ર૪૦ ટકાનો ભાવ વધારો એ અને બી ગ્રેડના કોલસામાં થયો છે જેની વિપરિત અસર કોલસા આધારિત વિજ ઉત્પાદન ઉપર પડી છે. એટલું જ નહીં,
ગુજરાતમાં કોલસા આધારિત વીજઉત્પાદન કરતા વીજમથકો માટે દૂરના રાજ્યોમાંથી કોલસો આપવામાં આવે છે જે સરવાળે પરિવહન કિંમત-ખર્ચમાં વધારો કરે છે તેથી વીજ ઉત્પાદન ખર્ચ વધે છે જેનું સીધું ભારણ રાજ્યની પ્રજાના શિરે આવે છે. અગાઉ કેન્દ્રમાં એન.ડી.એ.ના શાસનના સમયમાં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજયેઇજીએ ગુજરાતને નજીકના કોલ ફિલ્ડમાંથી વીજ ઉત્પાદન માટે કોલસો આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે નિર્ણય અંગે પણ કેન્દ્રની વર્તમાન યુ.પી.એ. સરકારે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વયં આ પ્રશ્ને અવાર-નવાર કેન્દ્ર સમક્ષ ગુજરાતને નજીકનાં કોલ ફિલ્ડમાંથી કોલસાનો પૂરવઠો પૂરો પાડવા તેમજ કરાર મુજબનો પૂરેપૂરાં કોલસોનો જથ્થો ગુજરાતને ફાળવવા રજુઆતો કરી છે આમ છતાં, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતના વિકાસમાં રોડા નાખવાના સિલસીલા રૂપે કોઇ જ વિધેયાત્મક પ્રતિભાવ આપતા નથી અને અન્યાયની પરંપરાથી ગુજરાત જેવા સર્વાંગીણ પ્રગતિને વરેલા રાજ્યની વિકાસયાત્રામાં રૂકાવટ ઊભી કરે છે તે દૂર થવા માટે પણ શ્રી પટેલે પરિષદમાં ઉગ્ર રજુઆત કરી હતી.
ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાથે હરણફાળ ભરી છે ત્યારે, વીજ અછતવાળાં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત વીજળી પહોંચાડવા પ્રતિબધ્ધ છે, પરંતુ એ માટેનું ઇન્ટર રિજીયોનલ ટ્રાન્સમીશન કોરીડોર નેટવર્ક કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી હોવા છતાં પુરૂ પાડતી નથી, દેશમાં જે રાજ્યોમાં વીજ માંગ વધી હોય અને ગુજરાત જેવું રાજ્ય તે પૂર્ણ કરવા સક્ષમ હોય ત્યારે આ કોરીડોર યુધ્ધના ધોરણે કેન્દ્ર હાથ ધરે તેવી હિમાયત પણ શ્રી સૌરભભાઇ પટેલે કરી હતી. આ પરિષદમાં ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના વહીવટી સંચાલક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/31/2020