অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!

ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!

છેલ્લા કેટલાક સમયથી આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે સતત સાંભળતા આવીએ છીએ અને જગતના તર્જજ્ઞો તેના માટે ચિંતિત પણ છે. હવે આવા ચિંતાજનક વાતાવરણમાં કોઇ સંશોધક એમ જાહેર કરે કે, ગ્લોબલ વોર્મિંગ આવે છે તો ભલે આવે તે આપણા માટે ફાયદાકારક છે...તો?!! આપણે આવા જાહેર ખુલાસાનો પ્રતિસાદ કેવી રીતે આપી શકીએ?!...પણ માંડીને જો વાત કરીએ તો તે ખુલાસામાં દમ છે ખરો!
આદિકાળથી પૃથ્વીના ગોળા ઉપર એક ચોક્કસ સમયના અંતરે હિમયુગ આવે છે અને એક ચોક્કસ સમય બાદ તે પૂર્ણ થાય છે. આપણી પૃથ્વીની હાલની સ્થિતિ હિમયુગમાંથી બહાર નીકળ્યા પછીની છે. બે લાંબાગાળાના હિમયુગ વચ્ચેનો સરેરાશ સમયગાળો આશરે ૯૦,૦૦૦ વર્ષનો છે એવું સંશોધકોએ શોધી કાઢયું છે.(સૌજન્ય: સાયન્સ) આ સરેરાશ સમયગાળા વચ્ચે પણ નાના હિમયુગ પસાર થાય છે અને તેનો સરેરાશ સમયગાળો આશરે ૧૧,૫૦૦ વર્ષનો હોય છે. આપણી પૃથ્વીના છેલ્લા હિમયુગના ૧૧,૦૦૦ વર્ષ પૂરા થઇ ગયા છે એટલે એવું કહી શકાય કે, નવો હિમયુગ આવવાની તૈયારીમાં છે અથવા તો શરૂ થઇ ચૂકયો છે.(યાદ રહે, 'આપણા" બ્રહ્માંડ કે સૂર્યમાળાના સંદર્ભમાં વાત કરતા હોઇએ ત્યારે તેની વિશાળતાની સાપેક્ષે ૫૦૦ વર્ષ જેવો સમયગાળો અતિ સૂક્ષ્મ ગણાય છે.) લેખની શરૂઆતમાં ટાંકેલા પ્રÅન કે ગ્લોબલ વોર્મિંગ આપણા માટે ફાયદાકારક છે એનો વિસ્તૃત જવાબ અમેરિકન હવામાનશાસ્ત્રી શ્રી ડેરલ કોફમાનની સંશોધક ટીમે આપેલો છે. શ્રી ડેરલ કોફમાન અને તેની સંશોધક ટીમે ભૂસ્તરીય ખડકોને તપાસીને પૃથ્વીના છેલ્લા ૨,૦૦૦ વર્ષના હવામાનના આંકડાઓ તારવ્યા છે. આ આંકડાઓને આધારે તેઓએ પૃથ્વીના સરેરાશ તાપમાનમાં આવતાં બદલાવનો ટ્રેક રેકોર્ડ બનાવ્યો છે. તેમણે આ ટ્રેક રેકોર્ડથી શું મેળવ્યું?!! સંશોધક ટીમે નોંધ્યું છે કે, વર્ષ ૧૯૦૦ પહેલા ઉત્તર ધ્રુવ પ્રદેશનું તાપમાન અત્યંત ધીમા દરે ઘટી રહ્યું છે. આ ઘટાડો નાના હિમયુગનો 'એલાર્મ" છે. અહીં સુધી બધું બરાબર છે પણ એ બાદ તેમણે જોયું કે, વર્ષ ૧૯૦૦ પછી ધ્રુવ પ્રદેશોનું 'કૂલિંગ" જે પ્રમાણે થવંુ જોઇએ એ પ્રમાણે થઇ રહ્યું નથી! ધ્રુવ પ્રદેશોની બીજી વિચિત્ર બાબત એ હતી કે, ત્યાંના સરેરાશ તાપમાનમાં વધારો નોંધાયો હતો.(જે ખરેખર થવો જોઇએ નહી.) તાપમાનનો સૌથી વધારે ફરક વર્ષ ૧૯૯૮થી ૨૦૦૮ના દશકામાં જોવા મળ્યો. શ્રી ડેરેલની સંશોધક ટીમે વર્ષ ૨૦૦૯ના સપ્ટેમ્બર મહિનામાં પોતાના સંશોધનોનો 'સાર" દર્શાવતો અભ્યાસલેખ અમેરિકાના લબ્ધપ્રતિષ્ઠિત સામયિક 'સાયન્સ"માં આપ્યો છે. આ અભ્યાસ લેખમાં તેમણે સાંયોગિક પૂરાવાઓ સાથે છેલ્લી લાઇન લખેલી છે કે, આપત્તિજનક લાગતું ગ્લોબલ વોર્મિંગ હિમયુગના આગમનને ધીમું પાડી રહ્યું છે.

શ્રી ડેરલ અને તેની ટીમે કરેલા સંશોધન બાદ હાલમાં સંશોધકો હિમયુગની ઘટમાળને ચલાવતાં પરિબળોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કદાચ....ભવિષ્યમાં આ પરિબળો જો સમજાઇ જાય તો કુદરતનું એક મોટું રહસ્ય ખુલ્લું થઇ શકે એમાં નવાઇ નહી!(પૃથ્વીના નકશાને બદલી નાખતું અને ફરી પહેલા હતું એવી જ સ્થિતિમાં લાવી દેતું હિમયુગનું રહસ્ય કંઇ નાનું કે નગણ્ય  ગણી શકાય નહી.) હાલમાં સંશોધકોએ હિમયુગ બાબતે કેટલાક તર્ક લગાવેલા છે તેને સમજીએ.

સંશોધકો માટે હિમયુગના આગમન માટે પ્રથમ આરોપી તો ગ્લોબલ વોર્મિંગ જ છે! સંશોધકોના તારણ પ્રમાણે અમુક ચોક્કસ સમયે જયારે પૃથ્વી ઉપર રહેલા જવાળામુખીઓ એક સામટા ફાટે છે ત્યારે વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ એકદમ વધી જાય છે. આ કાર્બનડાયોકસાઇડ વાયુ સૂર્યપ્રકાશને સજ્જડ રીતે જકડી રાખવા માટે 'બદનામ" છે. ગ્રીનહાઉસ ઇફેકટને કારણે પ્રથમ તબક્કાનું ગ્લોબલ વોર્મિંગ થાય છે, પણ તેના બીજા તબક્કામાં કાર્બનડાયોકસાઇડની વધુ પડતી હાજરી અને બેસુમાર ગરમીને કારણે અમુક પ્રજાતિની શેવાળો પૃથ્વી ઉપર ઉગી નીકળે અને જો સંજોગો અનૂકૂળ હોય તો આ શેવાળોની વૃદ્ઘિ એટલી થાય કે, અઠવાડિયામાં જ તેમનો જથ્થો પૃથ્વીના દ્વવ્યરાશિ જેટલો થઇ જાય. વળી, આ પ્રકારની શેવાળોની ખાસિયત એ છે કે, એ ફકત કાર્બનડાયોકસાઇડને જ આરોગે છે; માટે પૃથ્વી ઉપરથી ક્રમશ: કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ ઘટવા લાગે અને ગરમાટો ધીરે-ધીરે ઘટતા પૃથ્વી હિમયુગમાં સરી પડે.(આવી ઘટનાઓને આકાર લેતાં હજારો-લાખો વર્ષ થતાં હોય છે.)

હિમયુગને અનુલક્ષીને બીજો એક તર્ક છે જે કદાચ સત્યની વધુ નજીક છે જે યુગોસ્લાવિયાના ભૌતિકશાસ્ત્રી શ્રી મિલુનિત મિલાન્કોવિએ આપેલો છે. પોતાના સંશોધન દરમ્યાન તેમણે નોધ્યું કે, ધરતીને શીતાગારમાં ફેરવતાં હિમયુગ એક ચોક્કસ 'લય"ને અનુસરતા હોય છે. હિમયુગ જેવા પરિવર્તનો અચાનક થતાં નથી માટે તેનું નિયમન ધરતી ઉપરથી નહી પણ અવકાશમાંથી થતું હોવું જોઇએ.

શ્રી મિલાન્કોવિ જણાવે છે કે, એક સામટા જવાળામુખીઓ ફાટે અને તેમની ધૂળ અને રાખ સૂર્યપ્રકાશને રોકી રાખે એવો દાવો કરતાં મહાનુભાવો હિમયુગ આવવાની 'લય" ને ભૂલી રહ્યા છે. એ જ પ્રમાણે કાર્બનડાયોકસાઇડને કારણે હિમયુગ આવે એવું કહેનારા પણ ખોટો તર્ક લડાવી રહ્યા છે. જે કંઇ પરિબળ હિમયુગ માટે જવાબદાર છે તે અવકાશી પરિબળ છે. કોઇ અવકાશી પરિબળમાં ક્ષતિ કે વિક્ષેપ પડવાને કારણે હિમયુગ આવે છે, એવું શ્રી મિલાન્કોવિ વિચારી રહ્યા છે. તેમણે પોતાના સંશોધન દરમ્યાન આવા ત્રણ ચક્ર શોધી કાઢયા છે. પહેલું ચક્ર : સરેરાશ ૧,૦૦,૦૦૦ વર્ષે પૃથ્વી તેનો ભ્રમણમાર્ગ બદલે છે. આપણી સૂર્યમાળામાં રહેલા બીજા ગ્રહોનું સરેરાશ ગુરુુત્વાકર્ષણ તેના ભ્રમણમાર્ગને લંબગોળ કરી નાખે છે. આમ થવાથી પૃથ્વી કયારેક સૂર્યની એકદમ નજીક તો કયારેક સૂર્યથી ખાસ્સી દૂર રહે છે. પૃથ્વી સૂર્યથી ખૂબ જ દૂર હોય ત્યારે પૃથ્વી સુધી પહોચતો સૂર્યપ્રકાશનો જથ્થો(!)ઘટે છે જે પૃથ્વીના તાપમાનમાં ઘટાડો કરે છે. આ સમયે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર બરફની ચાદર છવાય જાય છે. બીજુ ચક્ર : પૃથ્વી પોતાની કલ્પિત ધરિને નચાવી રહ્યી છે. કયારેક તે ધરિને ઝુકાવી દે છે અને કયારેક તે ધરિને એકદમ ટટ્ટાર કરી નાખે છે. આ ચક્ર શરુું થતા અને પૂર્ણ થતાં આશરે ૪૦,૦૦૦ વર્ષ લાગે છે. આ ચક્ર દરમ્યાન પૃથ્વીની ધરિ નમેલી હોય ત્યારે પૃથ્વી ઉપર સરેરાશ ૩% સૂર્યપ્રકાશ ઓછો મળે છે. બસ! આટલું પૂરતું છે હિમયુગ માટે.(શ્રી મિલાન્કોવિના આ તર્ક સાચો હોવાનો પૂરાવો એ છે કે, છેલ્લા નાના હિમયુગ સમયે પૃથ્વીનું સરેરાશ તાપમાન ૩.૫% ઘટયું હતું.) ત્રીજું ચક્ર : હિમયુગ માટે જવાબાદર આ ત્રીજું ચક્ર પણ પૃથ્વી ધરિને અનુલક્ષીને છે. પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે સાથે-સાથે પોતાની ધરિ ઉપર પણ ફરી રહ્યી છે. શાળા-હાઇસ્કૂલમાં પૃથ્વીની ધરિ વિશે સમજાવા માટેનું ભમરડાનું ઉદાહરણ અહીં ફરી યાદ કરવું રહ્યું. ભમરડાના માથા ઉપર એક ખીલી જડી દઇને તેને જમીન ઉપર ફરતો મૂકવામાં આવે અને તેને જો 'સ્લો મોશન" માં ફરતો જોવામાં આવે તો તે ખીલી એક વર્તળ રચતી જોવા મળે. પૃથ્વીના સંદર્ભમાં તેની ધરિ આ જ પ્રમાણે એક વર્તુળની રચના કરે છે. આ કલ્પિત વર્તળમાં આવેલા પ્રદેશોમાં સૂર્યપ્રકાશની વધ-ઘટ જોવા મળે છે કારણ કે પૃથ્વીની કલ્પિત ધરિ કયારેક સૂર્યથી ખાસ્સી દૂર નીકળી જાય છે. આવી વિકટ પરિસ્થિતિ હજારો વર્ષ લાંબો હિમયુગ લાવે છે.

શ્રી મિલાન્કોવિના આ ત્રણેય ચક્રોનો સાર આ મુજબ છે: પૃથ્વીને મળતું સૌરઊજા<નું કુલ પ્રમાણ કદીયે વધ-ઘટ પામતું નથી અને હિમયુગ આ વધારા-ઘટાડાને કારણે નથી આવતો. ઉપરોકત આ ત્રણેય ચક્રો પૃથ્વી ઉપર ફકત સૌર ઊજા<ના વિતરણને બદલે છે અને આ બદલાવને કારણે પૃથ્વી ઉપર હિમયુગ આવે છે. હિમયુગ પહેલા પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં શીતાગાર જેવો શિયાળો હોય છે અને ઉનાળામાં આ વિસ્તારમાં પુષ્કળ ગરમી પડે છે જે બરફને ઓગાળી નાખે છે. વર્ષો પછી શ્રી મિલાન્કોવિએ દર્શાવેલા પરિબળો ઉત્તેજીત થાય છે પરિણામે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો થોડો સહ્ય 'ઠંડો" હોય છે અને ઉનાળો ખાસ કંઇ 'તપતો" નથી. શિયાળામાં બરફ ઓછો પડયો હોય તો પણ ઉનાળાની ગરમી તેને ઓગાળી શકતી નથી. ઉનાળામાં લીસા બરફના સ્તરો સૂર્યપ્રકાશને પરાવર્તિત કરીને અવકાશમાં પાછા ધકેલી દે છે. આથી ઉનાળો પૂરો થયા બાદ પણ બરફનો કેટલોક જથ્થો એમનો એમ પડી રહે છે. આગામી શિયાળામાં ફરી બરફ જમા થાય છે અને બરફના જથ્થામાં વધારો થાય છે. સરવાળે આ દુષ્ચક્ર બરફની જમાવટ ચાલુ રાખી સેંકડો કિલોમીટરની બરફની ચાદર દક્ષિણ તરફ આગળ વધીને કેનેડા, યુરોપ, અમેરિકા અને રશિયા ઉપર ફરી વળે છે.

હિમયુગ માટેના તર્ક-વિતકોની યાદી બહુ લાંબી છે પણ હજુ સુધી કોઇપણ એક તર્ક ઉપર 'યસ" કે 'યુરેકા" ની મહોર લાગેલી નથી, શ્રી મિલાન્કોવિના તર્ક ઉપર પણ નહી! 'શ્રી ડેરલ કોફમાન એન્ડ કંપની"એ જે તારણ કાઢયું છે તે વિવાદ અને દલિલબાજીનું શિકાર બન્યું છે. આમ છતાં પણ જે સંશોધકો એ સંશોધનમાં સામેલ ન હતાં તેઓ પણ 'શ્રી ડેરલ કોફમાન એન્ડ કંપની"ના તારણને સ્વીકારી રહ્યા છે. આથી, એમ કહી શકાય કે, અમુક હદ સુધી ગ્લોબલ વોર્મિંગને 'સૂ સ્વાગતમ્" કરવામાં જરાય વાંધો નથી!

સ્ત્રોત : વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate