વિશ્વસ્તરે વિચારતાં પાણી પ્રશ્ને આપણે અન્ય દેશોની જનતા કરતાં પાછળ છીએ. આપણે ત્યાં પાણી પરત્વે લોકજાગૃતિ ઓછી છે. પાણીને દરેક ભારતીયએ પોતાનની મૂડી સમજીને પાણીની બચત કરવી જોઇએ. દરેક મનુષ્ય એ ખોરાક રાંધવા, વાસણ માંજવા, કપડા ધોવા, ન્હાવા, પીવા, કુદરતી હાજત વિગેરે બાબતે પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. મકાન બાંધકામ, સિમેન્ટના રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલ, ખેલકુદના મેદાનો અને મુકિતધામો જેવા જાહેર સ્થળોએ પણ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તે માટે દરેક વ્યકિત જાગૃત બને તે જરૂરી છે. ઉદ્યોગમાં, ફેકટરીમાં પણ પાણીનો સંયમપૂર્વક ઉપયોગ થાય તે જરૂરી છે. વનસ્પતિ-ખેતી વગેરેમાં પણ પાણીનો ખૂબજ વિવેકપૂર્ણ ઉપયોગ આવશ્યક છે. આપણે સૌ પાણીને બેફામ બગાડીએ છીએ. પાણીનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ શીખવાની જરૂર છે. દરેક જીવ એટલે કે, બેકટેરીયા, જંતુઓ, સરીસૃપ, પંખીઓ, તૃણાહારી પ્રાણીઓ, માસાહારી, પ્રાણીઓ, માનવો અને વનસ્પતિઓ માટે પ્રાણરસ પાણી છે. વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો ખૂબજ મર્યાદીત છે. પીવાલાયક પાણીમાં થતું પ્રદૂષણ એ મોટી સમસ્યા છે. પાણીની બચત અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ એ ભવિષ્યની આવશ્યકતા છે
કુદરતને સહયોગી થવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતારવુ જોઇએ તેમજ પૃથ્વી પર વરસાદી પાણી જયાં-જયાં અનુકૂળતા જણાય ત્યાં-ત્યાં રોકવું જોઇએ.
પાણી એ સર્વ શકિતમાન ઈશ્વરની પ્રસાદી છે.
એક-એક પાણીનું ટીંપુ અતિ મૂલ્યવાન છે. આથી વિશ્વસ્તરે જળક્રાંતિ લાવવી જરૂરી છે.
જળક્રાંતિના મુખ્ય ચાર પાયા છે:
૧. વરસાદી પાણીને દરીયામાં વહી જતુ રોકી તેને ભૂગર્ભમાં ઊતારવું.
૨. ભૂગર્ભમાં સંચીત પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવું.
૩. વરસાદી પાણી વધુ મળી શકે એ સંદર્ભમાં પર્યાવરણનું જતન કરવું.
૪. પાણીનો વિવેકપૂર્ણ અને કાર્યક્ષમ ઉપયોગ કરવો.
પ્રથમ તો એ સમજી લઇએ કે, વસુંધરા ઉપર પાણી માટેનો મુખ્ય સ્રોત વરસાદ છે. વરસાદ દ્વારા પૂષ્કળ પાણી મળે છે. ભૌગોલિક પરિસ્થિતિને આધિન આ પાણી પહેલા તો જમીનમાં ઉતરે છે. જમીન સંતૃપ્ત થઇ જાય અ પછી આ પાણી જમીન ઉપર વહેવાનું શરૂ કરે છે. આ વહેતા પાણીને યોગ્ય દિશામાં વાળીને તેને ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ કરતાં ખડકો-એકવીફરમાં ઉતારવું જોઇએ. આ માટે એક પદ્ઘતિ રિચાર્જ બોરવેલની છે. બીજી પદ્ઘતિ-જયાં ભૂતળમાં પાણીનો સંગ્રહ કરતાં એકિવફર આવેલા હોય એવા સ્થળે તળાવનું આયોજન કરવું જોઇએ. આ ઉપરાંત કોઇપણ સંકુલની છત ઉપર પડતાં વરસાદી પાણીને જમીનમાં ભૂગર્ભટાંકા બનાવીને સંગ્રહ કરીને પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકાય છે.
ભૂગર્ભમાં જે પાણી સંચીત થયેલું છે તે ઘણા વર્ષોની પ્રક્રિયા દ્વારા એકત્ર થયેલું પાણી છે. આવા પાણીનો વેડફાટ કરવો તે નરી મુર્ખાઇ ગણી શકાય. આથી આવા પાણીના જતન અને ઉપયોગ માટે યોગ્ય વ્યવસ્થાપન કરવું પણ આવશ્યક બને છે. આવા વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
વિકાસની દોડમાં પર્યાવરણ જાણ-અજાણે પ્રદૂષિત થયેલું છે. સીધી અને આડકતરી રીતે તેની અસર વરસાદની માત્રા ઉપર પડી રહ્યી છે. વસુંધરા ઉપર વરસાદ પાણીનો મુખ્ય સ્રોત હોય પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું એ આપણી નૈતિક ફરજ છે.
અંતે, જળક્રાંતિનો સૌથી અગત્યનો પાયો છે પાણીનો વિવેકપૂણ અને કાર્યક્ષમ ઉપયોગ...કુદરત તરફથી આપણને વરસાદ દ્વારા પાણી કશું પણ મૂલ્ય ચુકવ્યા વગર મળે છે પણ તે અમૂલ્ય છે. પાણી વગર જીવન ઉદ્ભવવું શકય નથી એ પ્રમાણે પાણી વગર જીવન વ્યથીત કરવું પણ શકય નથી. આથી આવા અનમોલ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો વાજબી ગણી શકાય.
જળક્રાંતિના આ ચાર પાયા સમજી લઇએ તો વસુંધરા ઉપર જળક્રાંતિ લાવવવા માટે કોઇ અવતારી પુરુષની આવશ્યકતા રહેશે નહી !
જળ એ જીવન છે. પૃથ્વી ઉપર પાણીનો જથ્થો વિશાળ માત્રામાં છે. આ જળ સમુદ્રમાં ખારૂં છે તેમ છતાં તેમાં જીવસૃષ્ટિ છે. ચોમાસામાં વરસાદ વરસે ત્યારે અમૃત સમાન મીઠા પાણીને વહી જતું રોકવું, સંગ્રહવું, જમીનમાં ઉતારવું આવશ્યક છે. વિશ્વમાં માનવ સિવાયના પણ અસંખ્ય જીવો છે. વનસ્પતિમાં પણ જીવ છે. આ બધાનું જીવન ટકાવવા જળ અનિવાર્ય છે. દરેક જીવ એક બીજાને આધારીત છે. જેમકે વનસ્પતિમાં શાકભાજી, ફળો, અનાજ, કઠોળ વિગેરે માનવ કલ્યાણ માટે છે. ઘાસ, પાંદડા વગેરે તૃણાહારી પશુઓ માટે છે. હરણ, રોજડા વિગેરે માંસાહારી પશુઓ માટે છે. આ રીતે કુદરત બધાનું સમતોલ રાખે છે. પરંતુ, દરેક જીવસૃષ્ટિને પાણીની તો જરૂર રહે જ છે. પાણીના મુખ્ય ઘટક હાઇડ્રોજન અને ઓકિસજન છે. બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓકિસજન ભેગા કરીને પાણી બનાવી શકીએ એવું આપણે જાણીએ છીએ પરંતુ જીવસૃષ્ટિની જરૂરિયાત પૂરી પાડવા જેટલું જળ બનાવી શકાય ખરૂં ?
પાણીની પ્રાપ્તિનો એક જ માર્ગ છે- વરસાદ, એટલે કુદરત જે કંઇ પાણી વરસાદ રૂપે ધરતી પર વરસાવે તે પાણી ધરતીમાં ઉતારવાના ઉપાયો કરવા જોઇએ.
પૃથ્વી પર પીવાલાયક પાણી માટે કુદરત વરસાદ વરસાવીને પાણી આપે છે. વરસાદી પાણી કુદરતી રીતે જમીનમાં ઉતરે છે જે ભૂગર્ભજળ તરીકે ઓળખાય છે. માનવ ડેમ બાંધીને પાણીને રોકે છે, જે કૃત્રિમ તળાવના પાણી તરીકે ઓળખાય છે.
ગામડામાં, શહેરમાં આવેલા તમામ બોર, કૂવામાં વરસાદી પાણી ઉતારવું, અગાશી, છત, નળીયા, છાપરાનું પાણી જમીનમાં ઉતારવું, દરેક મકાનમાં ભૂગર્ભ પાણીનો ટાંકો બનાવવો, ટાંકાનું વધારાનું પાણી રિચાર્જ બોરવેલમાં ઉતરે તેવું આયોજન કરવુ, દરેક ઘરે આ પ્રયોગ થાય તો જમીનનું પાણી સપાટી ઉપર આવી શકે તે જ પાણી પાછું તમામ જીવોના કલ્યાણ માટે મેળવી પણ શકીએ. ગામ, શહેરની બહાર ખેતીની જમીનમાં આવેલા બોર, કૂવામાં પણ ખેતરનું પાણી ઉતારવું, ખેત તલાવડી બનાવવી, સોસ ખાડા બનાવવા, સોસ ખાડામાં પ્રથમ મોટા પથ્થરો, નાના પથ્થરો, કાંકરી અને રેતીના થર કરવા જેથી પાણી સ્વચ્છ થઇને જમીનમાં ઉતરશે. પાણી જમીનમાં ઉતારવા માટે સમજદારીપૂર્વક દરેકે પ્રયાસ કરવો જોઇએ. આપણે પાણીને બચાવીએ, પાણી આપણને બચાવશે.
લેખન: વિનીત કુંભારાણા
સ્ત્રોત: ઇન્ડિયા વોટર પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020